28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બોલીવૂડ વિ. હોલીવૂડ: ગડબડ ગોરી ચમડી કી!

મિજાજ મસ્તી-સંજય છેલટાઇટલ્સ:કટાક્ષ,બેધારી તલવાર છે,

વાપરનારને વધુ વાગે છે (છેલવાણી)

અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પની આગતા સ્વાગતા હોય કે હોલીવૂડની વાત હોય આપણે હંમેશાં ગોરી ચામડી સામે ઘૂંટણે પડી જઇએ છીએ.. હમણાં ‘પેરેસાઇટ’ જેવી નાનકડા દેશની કોરિઅન ફિલ્મ ઓસ્કાર એવોર્ડ જીતી ગઇ ત્યારે વિચાર આવે કે આપણે આવું કેમ નથી કરી શકતાં? કારણકે કોરિયન લોકો હોલીવૂડની સાથે સ્પર્ધા નથી કરતાં પણ એમને જે ગમે એ બનાવે છે! એવામાં એક એકપાત્રી અદભુત મરાઠી નાટક યાદ આવે છે: ‘વરાડ ચાલલી લંડન લા!’ એટલે કે ‘જાન ચાલી લંડન!’ એમાં મહારાષ્ટ્રના નાનકડા ગામનો એક છોકરો, લંડનની ગોરી છોકરીના પ્રેમમાં પડીને લગ્ન કરવા આખા ગામને બારાતમાં લંડન લઈ જાય છે. ગામડાંનાં એનાં સગાંવહાલાં જે લોકો ક્યારેય પોતાના ગામ કે જિલ્લાની બહાર પણ નથી નીકળ્યા એ ડાયરેક્ટ, લંડન જવા ઊપડે છે અને રમૂજનું રમખાણ સર્જાય છે. સૌથી પહેલાં તો ગામડેથી મુંબઈ આવીને બસમાંથી ઊતરીને એક મોટી વિશાળ ઇમારતને જુએ છે, ત્યારે એક ગામડિયો આસપાસ નવાઈ અને અચંબા સાથે ખાલી એટલું જ બોલે છે, ‘હં...શીટી!’ ‘શીટી’ એટલે કે સિટી, શહેર! અને જ્યાં ત્યાં બસ, ટેક્સી, ટ્રાફિકને જોઈને બોલ્યાં કરે છે, ‘હં, શીટી!’ પછી લોકો એરપોર્ટ પહોંચીને નાળિયેર વધેરે છે, વરરાજાની તલવારને લઈને એરપોર્ટના સિક્યોરિટી ચેકિંગવાળાઓ સાથે લડે છે, આવા અનેક પ્રસંગોમાં ભોળા ગ્રામીણ, લોકો મોટા વિશાળ, મહાકાય મહાનગરમાં આવીને કઈ રીતે હેબતાઈ જાય છે એની એમાં ફાર્સિકલ રમૂજી વાતો છે. ગામડાંના એ ભોળા લોકો પર હસવુંયે આવે ને રડવું પણ.

ભારતના ફિલ્મ-જગતનું કે ખાસ તો ભારતીય મીડિયાનુંયે એવું જ છે! બાળગોપાળના મુખમાં બ્રહ્માંડને જોઈને યશોદામાતા જે રીતે હેબતાઈ ગયેલાં એવી સ્થિતિ આપણાં દેશી કે રિજનલ લોકોની થાય છે. ‘હોલીવૂડની ફિલ્મો કેટલી મહાન છે અને આપણે કેવા મૂર્ખ, તુચ્છ, અબૂધ કે ગરીબ છીએ એવા અપરાધભાવથી આપણો આત્મા કાંપવા માંડે છે. વિદેશી ફિલ્મોમાં શું યાર ટેકનિક ને ઊંડાણ હોય છે!’, ‘ગાભા નીકળી જાય જોનારાંના’, જેવા ઉદગારો સહજ રીતે સરી પડે છે હોલીવૂડના માર્કેટિંગ ઉસ્તાદો આ વાત જાણે છે કે ચકચકિત છપાઈવાળી આ બુકલેટો અને વેબસાઈટોને ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, કોરિયા, તાઈવાન, આફ્રિકાનાં નાનાં નાનાં શહેરોનાં મીડિયા શોખીનો ચ્યવનપ્રાશની જેમ ચાટી જશે એટલે એક માર્કેટિંગ હાઈપ, એક બજારું ઉત્સાહ એ લોકો ઊભો કરે છે. જે ફિલ્મો વધુ ન ચાલી હોય પણ સારી હોય એને ભારત જેવા ત્રીજા વિશ્ર્વના ગરીબો સુધી પહોંચાડવા ખૂબ ખર્ચો-લોબિંગ કરીને એને એકેડેમી એવોર્ડ અપાવડાવે છે, જેથી એ ફિલ્મો જગતના નાના ને છાના ખૂણે ચાલે ને કરોડો ડૉલરની કમાણી થાય અને મુગ્ધ લોકો આ માર્કેટિંગના આસાનીથી શિકાર બની જાય છે. પેરેસાઇટ જેવી ફિલ્મ એમાં સુખદ અપવાદ છે અને શીખવા જેવી બાબત છે!

શિકારીઓ જ્યારે બંદરને પકડવા માગે છે ત્યારે એમને માટે એ વાઘને પકડવાથીય મુશ્કેલ કામ હોય છે. માટે એ શિકારી એક સાંકડા મોઢાવાળી બરણીમાં અંદર ચણા મૂકે છે. બંદર એ બરણીની અંદર ચણા લેવા હાથ નાખે છે, ચણા લઈને મુઠ્ઠીમાં ભરી લે છે, પછી જ્યારે હાથ બહાર કાઢવા જાય છે ત્યારે એ સાંકડા મોઢાની બરણીમાંથી બંદરની મુઠ્ઠી બહાર નથી નીકળતી... મુઠ્ઠી બહાર કાઢવા, બંદર ધમપછાડા કરે છે પણ હાથ નીકળતો નથી. જો એ બંદર મુઠ્ઠી ખોલીને ચણા પાછા મૂકી દે તો હાથ બહાર નીકળી જાય પણ મુઠ્ઠીમાંના ચણાની લાલચ છૂટતી નથી અને બરણીમાંથી હાથ નીકળતો નથી ને શિકારી આવીને એ ક્ધફયુઝડ બંદરને તરત પકડી લે છે. હોલીવૂડથી દૂર હોલીવૂડના એક તરફી પ્રેમમાં પડેલા દેશી પત્રકારોના પણ પેલા બંદર જેવા જ હાલ છે. હોલીવૂડની માહિતી-ગ્લેમરની મુઠ્ઠી છુટતી નથી. આસપાસની હિંદુસ્તાની દુનિયામાં એ ફિટ થઈ શકતા નથી અને એક કોમ્પ્લેકસ કે હિનતાની ગ્રંથિનો એ શિકાર થઈ જાય છે. હોલીવૂડ એટલે બધું સારું એમ લાગે છે અને આપણાં મનમાં પણ ઠસાવે છે. આ ગોરી ચામડીની ગ્રંથિથી ભારતીય અંગ્રેજી કે હિન્દી કે કોઈ પણ ભાષાનું મીડિયા બાકાત નથી.

ઇન્ટરવલ:

મારવું જો હોય તો ખંજર માર!

વાતેવાતે આંખ ના મિચકાર તું

(ખલીલ ધનતેજવી)

એક જમાનામાં ગુજરાતી સાહિત્યમાં જ્યાં સુધી લેખકો, વિવેચકો, વિદ્વાનો રિલ્કે, બોદલેર કે કામુ, કાફકાનાં નામ ન લેતાં ત્યાં સુધી એમને ચેન ન પડતું. શ્રાવણી સાતમના મેળા વિશે લેખ લખવાનો હોય તોય એમાં કામુ કે કાફકાનાં નામને એ રીતે છાંટતા જાણે બાસુંદી પર એલચી કે ચારોળી ભભરાવવાની હોય. એક જમાનામાં નાટકો વિશે છાપાં-પત્રિકાઓમાં લખનારાઓ બાદલ સરકાર, શંભુ મિત્ર, અલ્કાઝી જેવા હિંદી બંગાળી નાટ્ય દિગ્દર્શકો કે સર્જકોનાં નામ એ રીતે લેતાં જાણે બંગાળમાં રોજ ટ્રેન પકડીને બધાં નાટકો જોવા જતાં હોય. આધુનિક સાહિત્યવાળાઓ તો રશિયામાં બરફ પડે તો અમદાવાદમાં ઓવરકોટ પહેરીને ફરતા- ‘આ વર્ષે નોબેલ પ્રાઈઝમાં જે લેખકને ઇનામ મળ્યું છે, એનાથી હું જરાય સહમત નથી, હોં!’ એવું કોફી હાઉસમાં બરાડીને કહેતા, જાણે એમનો ઓપિનિયન સાંભળીને નોબેલ પ્રાઈઝ કમિટી ડરી જવાની હોય!

સફેદ ચામડીની ગુલામી આપણે ત્યાં એટલી હદ સુધી તન-મનમાં ઘૂસી ગઈ છે કે હોલીવૂડની સી-ગ્રેડની ફિલ્મ કે બ્રોડવેનું રેઢિયાળ નાટક આપણા લેખકો-વિવેચકો માટે બ્રહ્મવાક્ય છે. છપાયેલાં બ્રોશરો કે આર્ટિકલ્સમાંથી અનુવાદ કરે છે, ત્યારે કેટલી બાળસહજ કોમેડી ઊભી થાય છે એની વાત જ જવા દો. ‘તેણીએ પોતાનું ફરાક ઉતાર્યું’ કે ‘નોટ રીઅલી’નું સાચે જ નહીં!’ જેવા અંગ્રેજીમાંથી ગંદા અનુવાદો છપાય છે. કેમેરાવર્ક સુંદર છે અને બાહરી દૃશ્યોમાં છબીકલા ખીલી ઊઠે છે, જેવા રિવ્યૂઓ આજેય લખાય છે. જેક નિકલસનનું કામ જામ્યું નહીં, જુલિયા રોબર્ટ્સ સાવ નંખાઈ ગયેલી લાગે છે, જેમ્સ કેમેરોને પટકથાની ગૂંથણી સુંદર રીતે કરી છે, સ્ટીવન સ્પીલબર્ગનો સદાબહાર જાદુ દર્શકોને ઘાયલ કરે છે કે પછી ક્યારે કોઈ ભારતીય નિર્દેશક આવી ફિલ્મ બનાવશે?- જેવી મીઠી ફરિયાદોના સ્ટાન્ડર્ડ લેખો વાંચવા મળે છે. આવું બધું બેફામ લખનારાઓને ખબર નથી કે ભારતના એક રાજ્યનું મેડિકલ ખાતાનું જેટલું વર્ષનું બજેટ હોય છે એટલા ડૉલરની એક ફિલ્મ હોલીવૂડમાં બને છે. હોલીવૂડની ફિલ્મો આખી દુનિયાની માર્કેટમાં જાય છે. હિંદી ફિલ્મો માત્ર ઉત્તર ભારત અને યુએસ, યુકે, દુબઈમાં જ અમુક થિયેટર સુધી પહોંચે છે. ગોરી ચામડીના ગ્લેમરથી અંજાયેલાઓ જાણતા નથી કે હોલીવૂડની પણ નેવું ટકા ફિલ્મો ફ્લોપ જાય છે. દૂરના ઢોલ સોહામણા લાગે એમ ત્યાંની પોલ અહીં સુધી પહોંચતી નથી! હોલીવૂડ બેશક આપણાં કરતાં જોજનો આગળ છે ને મહાન છે પણ નાના નાના દેશો હોલીવૂડની પરવા કર્યા વિના મસ્તીથી સર્જન કરે છે અને આપણે હજી ગોરી ચામડીના કોમ્લેક્સમાં પીડાયા કરીએ છીએ!

એન્ડ ટાઇટલ્સ:

આદમ:તું એકલી એકલી કેમ હસે છે?

ઇવ:તારા વિશે વિચારું છું ત્યારે હંમેશાં એકલી જ હોઉં છું!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

a40504
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com