28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ટ્રોલિંગના તાનાશાહો અને સોશિયલ મીડિયાના સરમુખત્યારો

તહોમતનામું-એષા દાદાવાળાએલોકો પાસે પોતાનાં કોઇ વિચાર નથી. એમની પાસે આવડત પણ નથી. એ લોકો ગીધની જેમ એક પછી એક ઊતરી આવે છે અને ચાંચ મારવાની રાહ જોતાં-જોતાં મંડરાતા રહે છે કોઇનાં વિચારો પર. એ લોકો વિચારોને ફોલી ખાય છે અને પછી લોહી જોઇ ઉન્માદી બને છે. કોઇની વેદના જોઇને એમને વિજયી બન્યાનો અહેસાસ થાય છે. એ લોકો સત્યને ખતમ કરી નાખતા સમૂહની જેમ, સિંહને ફાડી ખાતા જરખની જેમ-રાહ જોઇને શિકારની રાહમાં બેઠા રહે છે. ટ્રોલિંગનાં તાનાશાહો અને સોશિયલ મીડિયાનાં સરમુખત્યારો ધીરે-ધીરે ખતમ કરી નાખે છે એક વિચારને, એક વ્યક્તિને અને એ વ્યક્તિએ ઊભી કરેલી ઓળખને. આવા ગીધોને ઓળખવાનું સહેજ પણ અધરું નથી. એ લોકો સફેદ વસ્ત્રો પહેરીને ફરે છે-શુભ્ર સફેદ વસ્ત્રો-અભિવ્યક્તિની આઝાદીનાં! આ એવા સરમુખત્યારો છે જે અભિવ્યક્તિની પોતાની આઝાદીનો ઉપયોગ કરીને બીજાની આઝાદીની ખિલ્લી ઉડાડે છે.

આજનું તહોમતનામું હવા કરતાં પણ આપણી વચ્ચે ફેલાયેલા ડરોના વાઈરસ સામે છે. આ વાઈરસ કોરોના વખતે જ સામે આવ્યો છે એવું નથી. મી ટુથી લઇને એન.આર.સી. દરમિયાન દરેક વખતે આ વાઈરસ સામે આવ્યો છે અને આપણે સૌ એનાં ભોગ બન્યા છીએ. સાચી વાત કહેનારનું ટ્રોલિંગ થાય છે, નહીં તો ફોરવર્ડિંગ થાય છે.

સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ એ રોજનું થઇ પડ્યું છે. દરેક જણ કોઇકને કોઇકને ટ્રોલ કરવાનો પાશવી આનંદ લેતા રહે છે. સોશિયલ મીડિયા જ્યારથી ફૂલ્યું-ફાલ્યું છે ત્યારથી અભિવ્યક્તિની આઝાદીનો નકામો ઉપયોગ કરનારા અંગ્રેજોની સંખ્યા દિવસે ન વધે એટલી રાત્રે અને રાત્રે ન વધે એટલી દિવસે વધી રહી છે. આ અંગ્રેજો એ ભૂલી જાય છે કે-અભિવ્યક્તિની આ આઝાદી એ અધિકાર છે-એ લોકો એને હથિયાર માની બેસે છે અને પછી એ હથિયારથી સામેનાનાં સન્માનનો વધ કરી નાખે છે. હવે સ્થિતિ એવી આવી ગઇ છે કે-સંખ્યાબંધ લોકોને સોશિયલ મીડિયામાં અભિવ્યક્ત થતા ડર લાગી રહ્યો છે. જેન્યુઇન લોકો ઓછા થઇ રહ્યા છે અને બીજાને ઉતારી પાડી પોતાની બુદ્ધિનો પરચો આપતા ખોટા લોકોની સંખ્યા વધી રહી છે.

આપણો દેશ લોકશાહી છે. આપણી

પાસે વાણી સ્વાતંત્ર્ય છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાને મળેલા આ અધિકારનો સર્વાધિક ઉપયોગ કરે છે, પણ આ લોકો એ ભૂલી જાય છે કે-વાણી સ્વતંત્રતા પોતાની સાથે સ્વીકાર’ લઇને આવે છે.

સ્વતંત્રતાનો એક અર્થ સામેની વ્યક્તિનાં અધિકારનું રક્ષણ એવો પણ થાય છે. જો તમે સામેની વ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરો તો જ તમે લોકશાહીમાં સમાવિષ્ટ થઇ શકો, જ્યારે તમે સામેનાની સ્વતંત્રતાને કચડી નાખો છો ત્યારે તમે સરમુખત્યાર થઇ જાવ છો અને તમારી આ સરમુખત્યારશાહી ખતરનાક સાબિત થાય છે.

આ લખવાનું કારણ એ છે કે આપણે સોશિયલ મીડિયા તો અપનાવી લીધું છે, પણ એના માટે જરૂરી સંસ્કારો કેળવવાનું ચૂકી ગયા છીએ. કોઇ વ્યક્તિ પોતાની વોલ પર પોતાનો વિચાર વ્યક્ત કરે અને તમે એની જ વોલ પર એનાં વિચારો વિશે ચર્ચા કરવા જાવ ત્યારે સંપૂર્ણ શાલીનતા અને સજ્જનતાથી વર્તવું-એ પૂર્વ શરત છે. એની વાત સાથે સંમત ન થાવ તો તમે આક્રમક બની જ શકો-પણ મજબૂત દલીલોથી અને સત્યથી. ગાળાગાળી કરીને નહીં કે કોઇને ઉતારી પાડીને નહીં.

બીજાની વાતનું, એનાં વિચારનું, એનાં વિરોધનું સન્માન કરવું એ આઝાદ હોવાનું પ્રથમ લક્ષણ છે. વિરોધનો ડર એવો પણ ન હોવો જોઇએ કે એને ખતમ કરી નાંખવાનું ઝનૂન ઉપડી આવે.

બીજી એકવાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે-તમારી વોલ પર કરાતી પોસ્ટ એ તમારો અબાધિત અધિકાર છે પણ એ પોસ્ટ કોઇકનાં મતને બેફામપણે ઉતારી પાડવા કરાયેલી ન જ હોવી જોઇએ.

સ્વામી રામતીર્થ શિક્ષક હતા ત્યારે એમણે વિદ્યાર્થીઓની કસોટી કરી. બ્લેક બોર્ડ પર એક લીટી દોરી એમણે વિદ્યાર્થીઓને કહ્યું કે આ લીટીને ભૂંસ્યા વિના નાની કરી બતાવો. વિદ્યાર્થીઓએ પોતપોતાની રીતે પ્રયત્નો કર્યા પણ સફળ ન થયા-આખરે એક વિદ્યાર્થી ઊભો થયો અને એણે એ લીટીની ઉપર બીજી મોટી લીટી દોરી દીધી. પેલી લીટી આપોઆપ નાની થઇ ગઇ.

સોશિયલ મીડિયામાં આપણે બીજાએ દોરેલી લીટીને નાની કરવા કરતા આપણી લીટીને મોટી કરવાની જરૂર છે. સોશિયલ મિડીયામાં લાઇક અને ડિસલાઇક સિવાય ત્રીજું પણ એક બટન છે-ઇગ્નોરનું, જે અદ્રશ્ય હોય છે. આ બટનનો ઉપયોગ કરતા શીખી જવું જોઇએ.

તમે તમારા ઘરનો કચરો-કચરો લેવા આવતી ગાડીને આપી દો છો-એ તમારી આઝાદી છે પણ તમારો કચરો બીજાનાં ડ્રોઇંગરૂમમાં ઠાલવી આવો એ આઝાદી નથી. એ સરમુખત્યારી છે.

સંખ્યાબંધ સરમુખ્યતારો કોઇનાં વિચારોનાં સ્ક્રીન શોટ્સ પોતાની વોલ પર લઇ એની ચિતા સળગાવે છે અને એ ચિતા પર પોતાનાં રોટલા શેકતા રહે છે. એક ટોળું એની આજુબાજુ ભેગું થાય છે અને પછી તમાશો થતો રહે છે.

વિરોધ કરતાં આવડવું એ પણ એક સંસ્કાર છે. સત્તરમો સંસ્કાર ! વોલ્તેરે કહ્યું હતું કે ઈં મક્ષિં ફલયિય ૂશવિં ૂવફિં યદયિ ુજ્ઞી તફુ, બીિં શ ભફક્ષ રશલવિં શિંહહ ળુ રજ્ઞિ ુજ્ઞીિ શિલવિં જ્ઞિં તફુ તજ્ઞ એટલે કે-હું તમારા એક પણ શબ્દ સાથે સંમત નથી, પણ તમારા એ કહેવાના અધિકાર માટે મૃત્યુ પર્યંત લડવા તૈયાર છું... આ લોકશાહીનો સંસ્કાર છે! જેનામાં આ સંસ્કાર છે એને અભિવ્યકિતની આઝાદીનો ઝંડો ઉપાડવાનો અધિકાર છે.

વિરોધ કરવા માટે પણ એક સજ્જતા જોઈએ, માત્ર ગાળો દેવાથી, ખાલીખમ ઘોંઘાટ કરવાથી કંઈ વળતું નથી. સોશિયલ મીડિયા પર આ સજ્જતાની જરૂર છે. સોશિયલ મિડીયા પર વિચારોનાં યુદ્ધો લડવા હોય તો એ બુદ્ધિ અને તર્કથી લડવા જોઇએ. સ્ક્રીનશોટ્સથી કે ભદ્દા શબ્દોથી નહીં. વ્યક્તિગત અહંકારને પોષવા માટે માહિતી અને જ્ઞાન કે તર્કનો ઉપયોગ કરવો યોગ્ય નથી. આવી રીતે ઉપયોગમાં લેવાતી બુદ્ધિનું સ્થાન સ્વેચ્છાએ દેહવિક્રય કરતી વ્યક્તિ જેવું છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

A4xg6r2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com