28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફાઈટ કે ફ્લાઈટ: કોરોનાના ગભરાટથી બચવા શું કરવું?

મોર્નિંગ મ્યૂસિંગ-રાજ ગોસ્વામીકોરોના વાઈરસ અને દિલ્હીનાં તોફાનોમાં શું સામ્ય છે? બંનેમાં સાચી માહિતી ‘ખોટી’ સાબિત થઇ છે અને ખોટી માહિતી ‘સાચી’ નજર આવે છે. બંનેમાં સોશ્યલ મીડિયાની ભૂમિકા છે. દિલ્હીનાં તોફાનો તો ખેર દુર વડોદરા કે વસઈમાં બેઠેલા માણસને સીધી અસર નથી કરતાં, પણ કોરોના વાઈરસના લાઈવ અપડેટ્સ નાજુક તબિયતવાળા તો ઠીક, સ્વસ્થ લોકો પણ માનસિક રીતે અસ્વસ્થ થઇ ગયા છે. કોરોના વાઈરસ એકવીસમી સદીનો પહેલો રોગ છે, જેનો ચેપ આંતરરાષ્ટ્રીય પરિવહનના કારણે, માત્ર બે જ મહિનામાં, ચીનના વુહાન શહેરથી વિયેતનામ પહોંચ્યો છે અને તેની સાથે તેને લગતી (સાચી-ખોટી) માહિતી પણ ઇન્ટરનેટના માધ્યમથી મહાસાગરો વટાવીને દૂર દેશાવરમાં ગઈ છે.

અત્યારે દરેક પરિવારોમાં સૌથી મોટી ચર્ચાનો મુદ્દો કોરોના વાઈરસ છે. સામાન્ય તાવ કે છીંકમાંય લોકો ગભરાય છે. મેળાવડા રદ થઇ રહ્યા છે, પ્રવાસો પોસ્ટપોન્ડ થઇ રહ્યા છે, અમુક દવાઓ અને સાધનોનો બેતહા સંગ્રહ થઇ રહ્યો છે, એકબીજાને ‘માહિતીઓ’ ફોરવર્ડ થાય છે. આ સ્વાભાવિક પણ છે. કોરોના વાઈરસ, તેના નામથી લઈને તેની અસર સુધી, એક અજાણ્યો દુશ્મન છે, એટલે તેને લઈને લોકોમાં ફાળ પડી છે. અમેરિકાના એક મનોવૈજ્ઞાનિક કહે છે કે, કોરોના વાઈરસને તમે જોઈ ના શકો, અડી ના શકો, સૂંઘી ના શકો, એટલે ગભરાટ થવો સહજ છે.

માણસ સહિતના દરેક જીવોમાં ફાઈટ-ઓર-ફ્લાઈટ (મારો અથવા ભાગો)ની વૃત્તિ હોય છે. જોખમોથી બચવા માટે પ્રકૃતિએ આપણી નર્વસ સિસ્ટમમાં સ્વ-બચાવની વ્યવસ્થા ગોઠવી છે. દાખલા તરીકે, તમારા પગમાં સાપ હોય, તો ‘કાં’તો તમે એક

ઝટકામાં ત્યાંથી ખસી જાવ, અથવા હથિયાર લઈને સાપને મારી નાખો. સાપ જોવાથી મગજમાં સ્ટ્રેસ પેદા થાય, અને એ સ્ટ્રેસને નિયંત્રિત કરવા માટે શરીરને કોઈ એક્શન લેવું પડે, જે ફાઈટ હોય કે ફ્લાઈટ હોય. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે બિલાડીને દીવાલ સરસી જડો, તો ગળું પકડે. આ એની ફાઈટ છે, કારણ કે ફ્લાઈટનો વિકલ્પ સમાપ્ત થઇ ગયો છે.

જોખમથી બચવાની આ વૃત્તિ જીવોમાં કરોડો વર્ષોથી છે, પણ માણસના કિસ્સામાં ક્યારેક તે મગજને ગૂંચવી પણ નાખે છે. દાખલા તરીકે, આપણામાંથી મોટાભાગના લોકોમાં કાર ક્યાંક અથડાઈ જવાના ડર કરતાં વિમાન તૂટી પડવાનો ડર વધુ હોય છે, જયારે હકીકત એ છે કે કાર અકસ્માતથી મૃત્યુ થવાની સંભાવના સૌથી વધુ છે. એટલા માટે જ વાઈરસ જેવા અજાણ્યા જોખમમાં માણસોની તર્કશક્તિ કામ કરતી નથી. ટેસ્લા અને બોઇંગ કંપનીના સ્થાપક ઈલોન મસ્કે આ સંદર્ભમાં જ કહ્યું હતું કે, કોરોના વાઈરસનો ગભરાટ બેવકૂફી છે. સ્વાભાવિક રીતે જ આ વિધાનથી વિવાદ થયો છે, અને ઈલોનને નિષ્ઠુર ગણવામાં આવ્યો છે.

માણસ સદીઓથી જાત-ભાતનાં જોખમોથી બચતો આવ્યો છે, તેનું કારણ જ તેનું ઓવર-રિએક્શન અથવા ગભરાટ છે. ગભરાટ તેને સ્વ-બચાવ માટે તૈયાર કરે છે. પગ સામે આવેલો સાપ, નિર્દોષ છે કે બિન-ઝેરી છે, તે માહિતી નકામી છે, કારણ કે આપણે તેને ઓળખતા નથી અને કૈંક કરવું અનિવાર્ય છે. અજાણી-જોખમી પરિસ્થિતિમાં વિવેકબુદ્ધિ કોરાણે મુકાઇ જાય છે, તેવું દિલ્હીના તોફાનોમાં થયું અને કોરોના વાઈરસમાં થયું. આપણે એવી અટકળ લગાવીએ છીએ કે મને વાઈરસ થઇ જશે. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરથી પીડાતી વ્યક્તિને સતત એમ લાગે કે હું હાથ સાફ નહીં રાખું, તો જંતુઓનો ચેપ લાગશે.

આવા અતાર્કિક વ્યવહાર પાછળ ઘણાં મનોવૈજ્ઞાનિક કારણો છે, અને તેના પર બહુ અભ્યાસ થયો છે. સમજીએ:

ઉપર ઉદાહરણ આપ્યું તે પ્રમાણે, તમને સાપ ડંખ મારે, તેનો ડર લાગે? જો જવાબ ‘હા’ હોય, તો તમે એકલા જ એવા નથી. લગભગ દરેક વ્યક્તિને સાપ કરડી જાય, તેનો ડર હોય છે. શહેરમાં જન્મેલી કોઈ વ્યક્તિ, જેણે રૂબરૂમાં પણ સાપ જોયો ના હોય, તેને પણ સાપના વિચારમાત્રથી શરીરમાં લખલખું પસાર થઇ જાય છે. કેમ? કારણ કે લોકો પાસેથી સાપની વાતો સાંભળી છે, ફિલ્મોમાં ફૂંફાડા મારતા સાપ જોયા છે, સમાચારોમાં સાપ કરડવાથી મોત થયાના સમાચારો વાંચ્યા છે, વાર્તાઓમાં સાપનાં કારનામાઓ વાંચ્યાં છે. સાપ કરડે તો તેના ઝેરથી મરી જવાય, આ સ્થિતિની કલ્પના કરવી આપણા માટે સરળ છે, એટલે આપણે આસાનીથી એવું વિચારી શકીએ કે મને સાપનો ડંખ વાગી શકે (હકીકત એ છે કે સાપ ત્યારે જ ડંખ મારે, જયારે તે ખુદ અસલામતી અનુભવે).

કોરોના વાઈરસનું પણ આવું જ છે. તમારા ટીવીમાં, સમાચારપત્રોમાં, વોટ્સએપમાં, સોશ્યલ મીડિયામાં અને એકબીજા સાથે ચર્ચામાં જયારે કોરોના વાઈરસની અસંખ્ય વાતો આવતી હોય, તો સહજ રીતે જ તમે એવું માનવા પ્રેરાઈ જાવ કે આ રોગ મારી આસપાસમાં જ છે અને ગમે ત્યારે મારી પર ત્રાટકશે.

આનો ઉપાય શું? એક રસ્તો એ છે કે થિયેટરમાં ફિલ્મ જોઈ રહ્યા હો, તેવી રીતે નિષ્ક્રિય રહીને જે સમાચાર આવે તે વાંચી/સાંભળી લેવા. આપણે સિનેમાના પડદે બૉમ્બ ફૂટે તોય ગભરાઈએ છીએ? બસ, એ જ રીતે જાણકારી પૂરતો રસ લઈને દુનિયામાં કોરોનાની શું સ્થિતિ છે, તેનું અપડેટ્સ લઇ લેવું. તેનાથી તમારા મગજમાં કોરોના હાવી નહીં રહે અને તેનો ડર નહીં લાગે. બીજો ઉપાય, જેને ચેપ લાગ્યાની શંકા હોય, તેને મળીને તેની જાણકારી લઇ લેવી અને સમાચારોમાં જે આવે છે, તેની સાથે સરખામણી કરવી. અડધા સમાચારો તો તમને ગપગોળા લાગશે.

ત્રીજો રસ્તો સાવચેતીનાં પગલાં ભરવાનો છે. કોરોના વાઈરસનો ચેપ ના લાગે તે માટે સ્વસ્છાતાની કેટલીક બુનિયાદી સાવધાની રાખવાની હોય, જે બહુ આસાનીથી તમે તમારી રોજિંદી જીવનચર્યામાં સામેલ કરી શકો છો. ઈમ્યુન સિસ્ટમ નબળી ના પડે, તેની સંભાળ રાખો, તો તમારું રિસ્ક ઘટી જાય છે, અને તમે નકામા ગભરાટનો ભોગ નહીં બનો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

n7O5048
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com