18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બુકી સંજીવ ચાવલા દેશભેગો

નવી દિલ્હી: કથિત બુકી અને ૨૦૦૦ની સાલમાં ક્રિકેટ જગતને હચમચાવી નાખનાર સૌથી મોટા મૅચ-ફિક્સિગં કૌભાંડના એક આરોપી સંજીવ ચાવલાનો દેશનિકાલ કરીને ગુરુવારે બ્રિટનથી મોકલી આપવામાં આવ્યો હોવાનું દિલ્હી પોલીસે જણાવ્યું હતું. મોટા ગજાના કોઈ બુકીનો ભારત માટે બ્રિટનથી દેશનિકાલ કરવામાં આવ્યો હોય એવું સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન હન્સી ક્રોન્યેની સંડોવણી ધરાવતા આ મોટા કૌભાંડ પછી પહેલી વાર બન્યું છે.૫૦ વર્ષનો સંજીવ ચાવલા બ્રિટનનો નાગરિક છે. ગુરુવારે સવારે દિલ્હી પોલીસના ક્રાઇમ બ્રાન્ચ વિભાગની ટુકડી તેને લંડનથી લઈ આવીને દિલ્હી પહોંચી હતી. સૌથી પહેલાં તો તેની તબીબી ચકાસણી કરવામાં આવી રહી હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોતાની આર. કે. પુરમ ઑફિસ ખાતે ચાવલાની પૂછપરછ કરવામાં આવશે. ૨૦૦૦ના ફેબ્રુઆરી-માર્ચમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમનો ભારતપ્રવાસ નક્કી

કરવામાં હન્સી ક્રોન્યેની સાથે ચાવલાએ પણ ભૂમિકા ભજવી હોવાનું મનાય છે. બ્રિટનની અદાલતના દસ્તાવેજો મુજબ ચાવલા દિલ્હીમાં જન્મેલો બિઝનેસમૅન છે જે ૧૯૯૬માં બિઝનેસ વીઝા પર ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયો હતો. જોકે, તેણે ભારત ખાતે પ્રવાસ કરવાનું ચાલુ રાખ્યું હતું.

૨૦૦૦માં ચાવલાનો ભારતીય પાસપોર્ટ રદ કરવામાં આવ્યો ત્યાર પછી પાંચ વર્ષ બાદ તેણે બ્રિટિશ પાસપોર્ટ મેળવ્યો હતો.

ભારત-બ્રિટન વચ્ચે ૧૯૯૨ની સાલમાં દેશનિકાલને લગતી સંધિ થઈ હતી અને એમાં ચાવલા એવો પહેલો હાઇ-પ્રોફાઇલ કથિત ગુનેગાર છે જેનો બ્રિટનથી દેશનિકાલ કરવામાં આવ્યો છે.

ચાવલાએ અત્યાર સુધી ચાલેલી કાનૂની લડાઈમાં યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સના સ્તર સુધી અપીલ નોંધાવી હતી, પરંતુ એ અદાલતે ગયા અઠવાડિે તેની અપીલ ફગાવી દીધી હતી. ગયા મહિને લંડનમાં બ્રિટનના ભૂતપૂર્વ ગૃહ સચિવ સાજિદ જાવિદના દેશનિકાલના આદેશની વિરદ્ધમાં પણ અપીલ કરી હતી અને એ પણ ફગાવી દેવાઈ હતી.

જૂન, ૨૦૧૬માં ચાવલાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર પછી તેણે માનવતાના ધોરણે ભારત ખાતે પોતાનો દેશનિકાલ ન કરવામાં આવે એવી અપીલ બ્રિટનની અદાલતમાં કરી હતી.

આ વર્ષની ૧૬મી જાન્યુઆરીએ બે મેમ્બરની અદાલત સંબંધિત પૅનલે જણાવ્યું હતું કે ‘ચાવલાને પૂરતી સલામતી તથા સુરક્ષાવાળી તેમ જ અંગતપણે ખાસ જગ્યાની વ્યવસ્થા ધરાવતી તથા આરોગ્યપ્રદ બાબતમાં સુવિધાઓ પૂરી પાડતી અલગ જેલમાં રાખવામાં આવશે એવી ભારત તરફથી ખાતરી આપવામાં આવી છે જે અમે સ્વીકારી છે.’

ચાવલાને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવશે અને એમાં તેના માટે પૂરતી તબીબી સવગવડો રખાશે તેમ જ જેલની અંદરના બીજા કેદીઓ સામે તેને સુરક્ષા પૂરી પાડવામાં આવશે એની ગૅરન્ટી પણ ભારત તરફથી બ્રિટનને આપવામાં આવી છે.’ (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2iO2ac
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com