31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બિહારી ભેંસ ભાગોળે ય નથી, ને ભાજપની ૨૦૦ બેઠક જીતવાની ઘમાઘમ!

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભયંકર આંચકો લાગ્યો અંગે બેમત નથી, પરંતુ હારનાં કારણો ખુલ્લેઆમ સ્વીકારવા પક્ષ તૈયાર નથી. એ પણ સમજી શકાય છે. મોવડીમંડળ જે કંઈ આત્મમંથન કરે કે વ્યૂહરચના ઘડે એ હવે બિહાર અને પશ્ર્ચિમ બંગાળને ધ્યાનમાં રાખીને જ થશે. એમાંય બિહારમાં તો આ વરસે જ વિધાનસભાની ચૂંટણી છે.

દિલ્હીમાં સૌથી મોટી સમસ્યા એ થઈ કે ભાજપના ઘણાં નેતા બેફામપણે બોબડી ચલાવતા હતા. એમને શ્રેષ્ઠીઓના છૂપા આશીર્વાદ હશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે, પરંતુ ટોચના નેતાના સૂચક મૌન અને બોલ બચ્ચનોના બડબડાટથી કદાચ પક્ષના કાર્યકર્તાઓ અને મતદારો પણ મૂંઝાઈ-ગૂંચવાઈ ગયા કે પક્ષની સ્પષ્ટ વિચારસરણી શું છે?

હજીય દિલ્હી વિધાનસભા માટે અપનાવાયેલા વ્યૂહમાં ભાજપને કંઈ ભૂલ કે ચૂક દેખાતી નથી. ચૂંટણી પરિણામની સમીક્ષા બાદ યોજાયેલી બેઠક અંગેના અહેવાલમાં એક રસપ્રદ હકીકતની આડકતરી સ્વીકૃતિ દેખાઈ શકે. અખબારી અહેવાલના નામ આપ્યા વગર એક નેતાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો અમે માત્ર સ્થાનિક મુદ્દાની વાતો કરી હોત તો આમ આદમી પાર્ટીની પિચ પર રમવા જેવું થયું હોત. એટલે અમે પોતાની પીચ તૈયાર કરી એટલે આટલી પણ બેઠક મેળવી શક્યા.

આમાં આમ આદમી પાર્ટીની પિચ એટલે સ્થાનિક મુદ્દા અને વિકાસ. ભાજપની પિચ એટલે સી.એ.એ. અને શાહીન બાગ. ભાજપવાળા માને છે કે આ રાષ્ટ્રીય મુદ્દા ન ચગાવાયા હોત તો પોતાને મળે એટલી ય બેઠક હાથ લાગી ન હોત.

નજીકના જ ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાને ચગાવવા જતા ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં રૂડા પરિણામ મળ્યા નહોતા છતાં દિલ્હીમાં એજ નીતિ અપનાવાઈ કે અપનાવવી પડી. બિહાર અને પશ્ર્ચિમ બંગાળમાંય આ લાઈન ન છોડવાના સંકેત ભાજપની છાવણી તરફથી અપાય છે.

બિહાર અને ગુજરાત દેશની રાજકીય પ્રયોગશાળા હોવાનું એકથી વધુ વાર સાબિત થયું છે. બિહારમાં હાલ ભાજપના ટેકાના સાથેની નીતીશકુમારની જે.ડી.યુ.ની સરકાર છે. નીતીશકુમાર મોટા તકવાદી છે. ભૂતકાળમાં ભાજપ અર્થાત્ મોદીનો સાથ લેવા કે છેહ દેવામાં તેમણે પોતાના રાજકીય સ્વાર્થ અને સત્તાનો જ વિચાર કર્યો છે. લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભાઓમાં ભાજપની હાલત જોઈને નીતીશકુમાર કોઈ ધડાકો કરી શકે. એવું ન કરે તો વધુ બેઠક માટે દબાણ વધાર્યા વગર નહીં રહે. હજી ઑક્ટોબરમાં ચૂંટણી યોજાવા અગાઉ ઘણી નવાજૂની અને પોલિટિકલ ડ્રામા ન થાય તો જ નવાઈ.

જોકે, તાજેતરના દેખાવને ગંભીરતાથી લેવાને બદલે ભાજપના નેતાઓ ફરી ગુલાંટ મારવા માંડ્યા છે. ભાજપના એકમાત્ર મુસ્લિમ ચહેરા સમા રાષ્ટ્રીય પ્રવકતા શાહનવાઝ હુસૈને જાહેર કરી દીધું કે દિલ્હીના પરિણામની બિહાર પર લેશમાત્ર અસર નહીં પડે. આટલું જ નહીં શાહનવાઝે તો શેખચલ્લી સાથે સ્પર્ધામાં હોય એમ જાહેર કરી દીધું કે ભાજપ, જે.ડી.યુ. અને એલ.જી.પી. મળીને ૨૦૦થી વધુ બેઠક જીતશે. અને બિહાર વિધાનસભામાં કુલ કેટલી બેઠક છે? ૨૪૩.

રાષ્ટ્રીય સ્તરે મોદી મેજિક અવશ્ય ચાલે છે પણ રાજ્યોમાં એનું ઝાઝું ઉપજતું નથી. એનું કારણ સ્પષ્ટ છે કે ભાજપ પાસે રાજ્યસ્તરે નેતા રહ્યા નથી. દિલ્હીમાં ય ભાજપ પોતાના મુખ્ય પ્રધાન તરીકે કોઈને પણ પ્રોજેક્ટ કરી શક્યો નહોતો. બિહારમાં જો નીતીશકુમાર સાથે હોય તો એમને જીતાડવા માટે જ મોદી, શાહ ઍન્ડ કંપનીએ પરસેવો પાડવાનો આવશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4q3Th8J7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com