18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખાનગીકરણની દિશામાં આગળ વધવાનું મોદી સરકારનું લક્ષ્ય

સાંપ્રત-જયેશ ચિતલિયાઆવખતના બજેટે ખાનગીકરણ સંબંધી ઘણા સંકેત આપ્યા છે, સરકારે જાહેર સાહસોના શેર્સ વેચીને ભંડોળ ઊભું કરવાનું લક્ષ્ય વધાર્યુ છે, રેલવેથી લઈ રેલવે સ્ટેશનો અને ઍરપોર્ટ સ્થાપવાના પ્રોજેકટ પણ ખાનગી કંપનીઓને સોંપાશે. એલઆઈસીનો આઈપીઓ લવાશે, વગેરે જેવા અનેકવિધ કદમ આ દિશાનો નિર્દેશ કરે છે.

ગયા શનિવારે તા. ૧ ફેબ્રુઆરીએ જાહેર થયેલા બજેટની ચર્ચા હજી થોડા દિવસ ચાલુ રહેશે. આમાં કોને, કઈ રીતે લાભ અથવા નુકસાન થયું? વગેરે જેવી બાબતોની ગણતરી પણ મંડાતી રહેશે. બજેટે ટૂંકા ગાળામાં અર્થતંત્રનું પુનરુત્થાન થાય એવા કોઈ નકકર પગલાં ભર્યા નથી એ જાહેર છે, જેને સખત જરૂર હતી એવા સેકટરને પણ કંઈ જબરદસ્ત કહી શકાય એવું પ્રોત્સાહન અપાયું નથી. નાણાં પ્રધાને વિકાસલક્ષી પગલાં જરૂર ભર્યા છે, કિંતુ આ પગલાં તેના અમલ બાદ કેવા અને કેટલાં સમયમાં પરિણામ આપે છે તેની રાહ જોવી પડે. રોજગાર સર્જન પ્રત્યે કે ઉત્પાદન અને ખર્ચ તેમ જ માગ વધે એવી કોઈ જોગવાઈ કરાઈ નથી એમ ન કહી શકાય, પરંતુ આ બાબતો આકાર પામે એ માટે પણ સમય આપવો પડે. ગયા સોમવારે ઉત્પાદન પ્રવૃત્તિને વેગ મળવાના સમાચારે સારા સંકેત આપ્યા હતા, જેને લીધે રોજગાર સર્જનની આશા પણ વધી હતી, જયારે કે પ્રજાનો બહુ મોટો વર્ગ આ બધી પ્રતીક્ષા કરીને થાકયો છે. બજેટના ઉદ્દેશો સારા અને લાંબા ગાળે ઈકોનોમીને મજબૂત બનાવનારા હોવા છતાં બજેટે પ્રથમ દિવસે નિરાશા આપી, જે પર્યાપ્ત સમજણ વિનાની હતી, કારણ કે બજેટના ઉપરછલ્લા અભ્યાસથી આવું બને છે. બજેટના અભ્યાસ બાદ, તેની બારીકી જોયા-સમજયા બાદ પ્રતિભાવમાં ફરક પડવાનું શરૂ થાય છે, તેથી જ સોમવારે અને મંગળવારે શૅરબજારે પણ પોતાનો ટ્રેન્ડ બદલીને પોઝિટિવ કરી નાખ્યો હતો. અલબત્ત, માત્ર બજારને બજેટના મૂલ્યાંકનનું માપદંડ ન ગણાય.

-------------------

ટ્રેનથી ઍરપોર્ટ સુધી

ડિસઈન્વેસ્ટમેન્ટનો માર્ગ એટલે બીજા શબ્દોમાં ખાનગીકરણનો માર્ગ પણ કહી શકાય. જેમ હાલ સરકાર ઍર ઈન્ડિયામાંથી સાવ જ બહાર નીકળી જવા માગે છે તેમ. આમ બિઝનેસમાં સરકાર પોતે જયાં નથી પહોંચી વળતી અથવા તેમાં લોસ વધતી જાય છે અથવા કાર્યક્ષમતા ઓછી રહે છે ત્યાંથી એક્ઝિટ લેવાનું પસંદ કરશે. ખાનગીકરણના સંકેત આપતા પગલામાં મોદી સરકારે બજેટમાં જે વાત મૂકી છે તેમાં તેજસ એક્સ્પ્રેસની જેમ વધુ ટ્રેનો ખાનગી કંપનીને સોંપવાની, રેલવે સ્ટેશનો પણ ખાનગીક્ષેત્રને આપવાની દરખાસ્ત મુકાઈ છે. સરકાર ૧૦૦ નવા ઍરપોર્ટ બનાવવા માગે છે, તેમાં પણ ખાનગી કંપનીઓનો જ મોટો ફાળો હશે.

-----------------

બે લાખ કરોડથી વધુ ભંડોળોનું લક્ષ્ય

સરકાર બજેટ માર્ગે પોતે જે કહેવા માગે છે તે એ છે કે સરકાર હવે પોતે બિઝનેસમાં રહેવાનું ઓછું કરતી જશે. અમુક બિઝનેસમાંથી તો સાવ નીકળી જશે, જયારે અમુકમાં કેટલોક હિસ્સો કાઢીને રહેશે. આમ તે ભંડોળ પણ ઊભું કરશે. અર્થાત્ સરકાર નવા નાણાકીય વરસમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત ઊભા કરવાનું લક્ષ્ય રાખે છે. આ સાથે એલઆઈસીનો આઈપીઓ લાવશે. (જોકે, એનો અર્થ એ ન કરવો કે સરકાર એલઆઈસીને વેચી દેવા માગે છે. સરકાર માત્ર તેનો અમુક હિસ્સો ઓછો કરશે, જેની તક રોકાણકાર વર્ગને મળશે.). આ સાથે સરકાર આઈડીબીઆઈ બૅંકમાંથી પણ હિસ્સો ઘટાડશે. એકાદ પોર્ટનું પણ લિસ્ટિંગ કરાવશે. સરકાર ઍર ઈન્ડિયા, ભારત પેટ્રોલિયમ, શિપિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા અને કોન્કર નામના સાહસોને વેચવા કાઢી રહી છે, જેનું નવા નાણાકીય વરસે પરિણામ આવી જશે. આશરે ૧.૨ લાખ કરોડ રૂપિયા આ માર્ગે જ ઊભા થઈ જશે. નવા વરસમાં વધુ જાહેર સાહસો પણ ડિસઈન્વેસ્ટમેન્ટ માટે ઉમેરાઈ શકે છે.

------------------------

અલગ ડિસઈન્વેસ્ટમેન્ટ મંત્રાલયની જરૂર

સરકારે જાહેર સાહસોના ડિસઈન્વેસટમેન્ટ માટે અને સ્ટ્રેસ્ડ એસેટ્સ મેનેજ કરવા માટે અલગ મંત્રાલય સ્થાપવાની જરૂર છે, આ એક મહત્ત્વાકાંક્ષી મામલો છે અને તેને સંપૂર્ણ ફોકસની જરૂર છે. સરકારે આમાં જે ઊંચું ભંડોળ લક્ષ્યાંક રાખ્યું છે તેને હાંસલ કરવા અલગથી પ્રયાસ જરૂરી બને છે અને આ માટે મૂડીબજારનું તેજીમાં રહેવું પણ આવશ્યક બનશે.

બીજું, ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સના અમલ માટે સરકારે પર્યાપ્ત પ્રવાહિતા સિસ્ટમમાં રાખવી પડશે અને આ સેકટરમાં રોકાણ આકર્ષવા પ્રોત્સાહક સાધનો ઊભા કરવા પડશે. આ પ્રોજેકટ્સ લોંગ ટર્મ હોય છે, તેને લાંબા ગાળાના ફંડ સપોર્ટની સતત જરૂર રહે છે. આ વિષયમાં સરકાર કે. વી. કામથ જેવી હસ્તીને જવાબદારી સોંપી શકે, જેને કમર્શિયલ બૅંકનો બહોળો અનુભવ છે. યાદ રહે, નિર્મલા સીતારામને બધે નહીં પહોંચી વળે. તેમના સમય અને ક્ષમતાની પણ મર્યાદા રહેશે. મોદી સરકારે આર્થિક ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોની ટીમ બનાવીને સરકારના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો અભિગમ રાખવો જોઈએ, જેનો હાલ સરકારમાં અભાવ જણાય છે.

-----------------------

કરદાતાને વિકલ્પ અપાયા છે, ફરજ નથી પડાઈ

નાના અને મધ્યમ કરદાતાઓ ગુંચવાયા છે, જયારે કે બજેટે આવકવેરા ધારાના સરળીકરણની વાત કરી છે. આ સરળીકરણને નામે હાલ તો ગૂંચવણ વધી હોવાની ચર્ચા છે. તેમ છતાં હાલના તબકકે જેમની પાસે કર બચાવવા માટે રોકાણ કરવાની શક્તિ ન હોય તેમની માટે નીચા દરનો લાભ લેવાનો અવસર મળ્યો છે. જ્યારે કે જેમની પાસે નોંધપાત્ર નાણાં છે તેમણે અત્યાર સુધીની ઉપલબ્ધ તમામ કરરાહત અને કરમુકિતનો લાભ લેવાનું ચાલુ રાખવામાં જ વધુ સાર છે. એ તો વિચારો કે નાણા પ્રધાને આ બે વિકલ્પ આપ્યા છે.

ધારો કે નાણાપ્રધાને માત્ર વેરાના દર નીચા કરીને બધી જ કરરાહત તેમ જ કરમુકિત પાછી ખેંચી લીધી હોત તો શું દશા થાત? ખૈર, સરકાર આ બજેટ મારફત કરવેરા બાબતે અને ઓવરઓલ ઈકોનોમી બાબતે કઈ દિશામાં જઈ રહી છે તેના સંકેત સમજવા જેવા છે, જેનો હવે પછીના સમયમાં ઉઘાડ થતો જશે. બાય ધ વે, બજેટ સંબંધી સોશિયલ મીડિયા પર થતા પ્રચાર કે કુપ્રચારમાં તણાઈ જતા નહીં, જે તમને ગેરમાર્ગે દોરી શકે છે.

બજેટ એક લાંબી અને બારીક પ્રોસેસ હોય છે, જે અભ્યાસ માગી લે છે અને અભ્યાસ ન થઈ શકે તો તેને સમજવા કમસે કમ વિવેક તો રાખવો જ પડે.

----------------------

સરકારે ગુમાવેલી તક

નાણાપ્રધાને ઘણી સારી તકો આ બજેટમાં ગુમાવી પણ છે. ઈન્કમ ટૅકસના માળખાંને સરળ બનાવી તેનો વ્યાપ વધારી શકાયો હોત. તેને બદલે કંઈક અંશે ગુંચવણ ઊભી કરી દીધી. આમાં લાભ થશે કે નુકસાન એ તો પછી ખબર પડશે, કિંતુ અત્યારે તો કરદાતાઓનું સેન્ટીમેન્ટ ખરાબ થયું છે. સૌથી મોટી તો ભૂલ એ જણાય છે કે સરકારે સંખ્યાબંધ કરકપાત અને કરરાહત તેમ જ કરમુકિત રદ્ કરવાનો વિકલ્પ આપીને બચત-રોકાણના પ્રવાહને બ્રેક મારી દીધી છે. અત્યાર સુધી ટૅકસ બચાવવાને નામે પણ લોકો ફરજિયાત બચત કે રોકાણ કરતા રહ્યા હતા.

હવે તેને બદલે સંભવ છે કે લોકો નીચા દરે ટૅક્સ ભરીને બચતા નાણાંમાંથી ખર્ચ વધારશે, જેનો લાભ વેપારને જરૂર થશે, કિંતુ વ્યકિતને પોતાને નહીં થાય. ઉપરથી સરકારે બજેટમાં ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટૅક્સ કંપનીઓ પરથી રદ્ કરીને ડિવિડંડ મેળવનાર પર નાખી દીધો હોવાથી આ નવો કરબોજ પણ વધ્યો છે.

આની અસર રૂપે હવે પછી મ્યુચ્યુઅલ ફંડ્સના ગ્રોથ પ્લાનને સારો પ્રતિભાવ મળી શકે અને ડિવિડંડ પ્લાનમાં રોકાણ ઘટી જાય એવું શકય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

J004m68K
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com