19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અરે એ તે ક્યારે, ભસમ સહુ થઈ જાય પછીથી?
૧૮૬૬માં નર્મદે બહુ હોંશથી સુરતમાં બંધાવેલું ‘સરસ્વતી મંદિર’ નામનું પોતાનું રહેણાંક માટેનું મકાન આજે બિસ્માર હાલતમાં છે. ભાગ્યે જ કોઈ લેખકનું ઉચિત ગૌરવપૂર્વકનું સ્મારક આપણે કરી શક્યા છીએ.

કાઉન્ટર પોઇન્ટ - દીપક મહેતાએનો જન્મ સુરતમાં, ૧૮૩૩ના ઓગસ્ટની ૨૪મી તારીખે. આવતી કાલે એ વાતને ૧૭૯ વર્ષ થશે. અવસાન મુંબઈમાં, ૧૮૮૬ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે. આખું નામ નર્મદાશંકર લાલશંકર દવે, પણ જાણીતો અને માનીતો થયો ‘નર્મદ’ના ટૂંકા નામે. જેવું નામ ટૂંકું, એવું જ ટૂંકું આયુષ્ય, માંડ ૫૩ વર્ષનું. પણ કેટલીયે જિંદગીમાં કરી શકાય એવાં ને એવડાં મોટાં કામ એણે આ ટૂંકી જિંદગીમાં લગભગ એકલે હાથે કર્યાં. નર્મદે એક કાવ્યમાં કહેલુંઃ ‘ઝટ ડોળિ નાખો રે, મનજળ થંભ થયેલું.’ સાહિત્યમાં તેમ જ સમાજમાં તેણે સૌથી મોટું અને મહત્ત્વનું જે કામ કર્યું તે ભૂતકાળનાં, વહેમનાં, રૂઢીના, પરંપરાગત માન્યતાઓનાં, લીલ બાઝી ગયેલાં જળને ડહોળી નાખવાનું. પછી એ થંભી ગયેલા જળ તે ગુજરાતી સાહિત્યનાં હોય, ભાષાનાં હોય, પત્રકારત્વનાં હોય, સંપાદન, વિવેચન, સંશોધનનાં હોય, ઈતિહાસ ને કોશનાં હોય, સમાજજીવન, ધર્મ, કેળવણી, સંસ્કાર જીવનનાં હોય, રાજ્યકારભારના હોય, કે પછી પોતાના અંગત જીવનનાં કે ખુદ જ માન્યતાઓનાં પણ કેમ ન હોય. પણ નર્મદે માત્ર થંભેલા જળને ડહોળી જ નહોતાં નાખ્યાં, ઐને નવી અને સાચી, નવા જમાનાને અનુરૂપ, એવી દિશા પણ બતાવી - પોતાના જીવન અને લેખનથી.

સમાજ સુધારાનો તો નર્મદ અગ્રણી સેનાની હતો, કહો કે વન મેન આર્મી હતો. ‘ધીમે ધીમે સુધારાનો સાર’ સંભળાવવાનું તેના લોહીમાં નહોતું. તેનો મંત્ર તો હતોઃ ‘પગલાં ભરવા માંડો રે, હવે નવ વાર લગાડો રે.’ પશ્ચિમ ભારતમાં અર્વાચીનતાના સૂર્યનાં કિરણો સૌથી પહેલા ફેલાયાં તે મુંબઈમાં. અને નર્મદના જીવન, લેખન, વાણી, વિચાર, વર્તન, વૃત્તિ, પ્રવૃત્તિ, ઘડાયા અને પોખાયા તે મુંબઈમાં. નર્મદને જણ્યો ભલે સુરતે, તેને જાણ્યો તો મુંબઈએ. દલપતરામની દડમજલ વઢવાણથી અમદાવાદ સુધીની, નર્મદની દોડ સુરતથી મુંબઈ સુધીની. કોઈ અંગ્રેજ ‘સાહેબ’ની રહેમ નજર ભલે નર્મદને ન મળી, પણ મુંબઈના પારસીઓ, મરાઠીભાષીઓ, સાહિત્યપ્રેમી સંપત્તિવાનોની મીઠી નજર તો તેને મળી જ. જન્મ પછી દસેક મહિને નર્મદ પહેલી વાર મુંબઈ આવ્યો. બાળપણમાં તે ‘ભગવાનકલાના માળા’માં રહેતો હતો એમ તેેણે આત્મકથા ‘મારી હકીકત’માં નોંધ્યું છે. આ મકાન ક્યાં આવેલું? પહેલાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળે અને પછી પાયધોણી પાસેની બાલગોવિંદ મહેતાજીની નિશાળે ભણવા લાગ્યો હતો. આ નિશાળો ક્યાં આવેલી? યુરોપ અમેરિકા હોય તો કંઈ નહીં તો એ મકાનોની બહાર આજે પણ તખ્તી જડાયેલી હોતઃ ‘કવિ નર્મદ અહીં ભણ્યો હતો.’ પણ ઇતિહાસ અંગે, સ્મારકોની જાળવણી અંગે, આપણા દેશમાં એટલી ઉદાસીનતા છે કે આવું કશું ક્યાંય જોવા ન મળે. અરે, ૧૮૬૬માં નર્મદે બહુ હોંશથી સુરતમાં બંધાવેલું ‘સરસ્વતી મંદિર’ નામનું પોતાનું રહેણાંક માટેનું મકાન પણ આજે બિસ્માર હાલતમાં છે. પણ માત્ર નર્મદની બાબતમાં આવું બન્યું છે એવું નથી, ગોવર્ધનરામ ત્રિપાઠીના નડિયાદના મકાનને અપવાદરૂપે બાદ કરતા ભાગ્યે જ કોઈ લેખકનું ઉચિત ગૌરવપૂર્વકનું સ્મારક આપણે કરી શક્યા છીએ. બહુ બહુ તો એકાદ રસ્તાને નામ આપી દીધું કોઈ લેખકનું, કે કોઈ બાગને ખૂણે નાનું બાવલું મૂકી દીધું એટલે ભયો, ભયો. લેખકોના કાગળપત્તર, ડાયરીઓ, હસ્તપ્રતો, ફોટા, અંગત વપરાશની વસ્તુઓ, અને હવે તો ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ્ઝ સાચવવાનો તો વિચાર પણ ક્યાંથી આવે? મકાનો જાળવવાનું અઘરું હોય તોય આવી વસ્તુઓ જાળવવાનું બહુ અઘરું નથી. ખરું જોતા તો ગુજરાતી સાહિત્ય પરિષદ કે બીજી કોઈ એવી સંસ્થાએ લેખકોનું મ્યુઝિયમ ઊભું કરવું જોઈએ, જ્યાં આવી બધી વસ્તુઓ સચવાય અને લોકો જોઈ શકે. આપણા બે ચાર શહેરોમાં આવાં મ્યુઝિયમ હોવાં જોઈએ. પણ, ‘અરે એ તે ક્યારે, ભસમ સહુ થઈ જાય પછીથી?

નોંધઃ આવતી કાલે ઉજવનાર વિશ્વ ગુજરાતી ભાષા નિમિત્તે આજે આ પાના પર ગુજરાતી ભાષા-સાહિત્ય વિશેની સામગ્રી રજૂ કરી છે. આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી આવતી કાલે સાંજે ૬ વાગ્યે વાલચંદ હીરાચંદ હોલ, ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર, ચર્ચગેટ સ્ટેશન સામે, એ સરનામે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. ધીરુભાઈ ઠાકર અને મરાઠી કવિ શંકર વૈદ્યને કવિ નર્મદ પારિતોષિક એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ઈલા આરબ મહેતા, કૌમુદી મુનશી તથા પિન્કી દલાલને જીવન ગૌરવ પારિતોષિક અને પ્રગતિ મિત્ર મંડળને સંસ્થા ગૌરવ પારિતોષિક એનાયત થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

05O0414
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com