31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખડ્ડે હૈ કિ હટતે હી નહિ:પાલિકાનું શર્મનાક ફારસ

ક્યારેક માની ન શકાય કે આપણે મુંબઈમાં રહીએ છીએ. મહાનગર અને દેશના આર્થિક પાટનગરમાં નાગરી સેવાને નામે ભયંકર વેઠ ચાલે છે. નીચેથી ઊંચે નજર લઇ જાઓ તો થળ, જળ, હવા અને આકાશ બધે કંઈકને કંઈ ખામી ને લોચા. ન રસ્તા સારા, ન પાણી પૂરતું કે શુદ્ધ, ન પુલ મજબૂત, હવા પ્રદૂષિત અને... જાને ભી દો યારો.

દેશના ઘણાં રાજ્યો કરતાં વધુ અને તોતિંગ બજેટ અને બચત ધરાવતી મુંબઈ મહાનગરપાલિકા વરસોથી એક પછી એક લોચા મારે છે ને કરવેરો ચૂકવનારા નિર્દોષ નાગરિકો અકારણ યાતના ભોગવે છે. ઘણી વાર પાલિકાની પહેલ હાંસીને પાત્ર ઠરે છે ત્યારે હસવું, રડવું કે ગુસ્સો કરવો એ સમજાતું નથી. આમાં નવીનતમ ફારસ એટલે પાલિકાની જાહેરાત ‘ખડ્ડા દાખવા આણિ ૫૦૦ રૂપિયે કમવા.’ ટૂંકમાં ખાડો બતાવો અને ૫૦૦ રૂપિયા કમાઈ લેવાની જાહેરાત. મુંબઈથી માહિતગાર ન હોય એ લોકો ભ્રમમાં પડી જાય કે પાલિકાએ આખા શહેરમાં રસ્તા પર એકેય ખાડો રહેવા દીધો નથી અને હવે ‘ખાડો બતાવો, ને ઈનામ લો’નો પડકાર ફેંક્યો છે.

હકીકત આનાથી ઊલટી છે. પાલિકા દર વર્ષે રસ્તા બાંધવા હજારો કરોડ ખર્ચે છે. એના પરના ખાડા પૂરવા માટે વાર્ષિક ૮૦ કરોડની જોગવાઈ. આ કરોડો ખર્ચાઈ જાય, પણ જીદ્દી ખાડા રસ્તા પરથી જવાનું નામ લેતા નથી. નાગરિકો પાસેથી કર વસૂલવામાં જરાય કચાશ ન રાખતા પાલિકાના તંત્ર પાસે અપેક્ષા રહે કે રસ્તાની જાળવણી વ્યવસ્થિત થાય. એમાંય કરદાતાઓની પરસેવાની કમાણીની તોતિંગ રકમ દર વરસે ખર્ચાતી હોય ત્યારે કોન્ટ્રાક્ટર્સ અને અમલદારોની મિલી-ભગત કર્યાકારવ્યા પર પાણી ફેરવી દે છે. કાં પાલિકા સારા-સાચા કોન્ટ્રાક્ટર પસંદ કરતી નથી કે કરી શકતી નથી. એમનું કામ બરાબર અને નિયમ મુજબ થયું છે કે એની ઇમાનદારીપૂર્વક ચકાસણી થતી નથી. પોપાબાઈના રાજમાં ખાડા ઠેરઠેર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. કોઇકના હાથ-પગ ભાંગે, માથું ફૂટે કે જીવ જાય અને હોબાળો મચે એટલે થોડા સમય નાટક થાય અને પછી જૈસે થે. નાટક પર પડદો પડી જાય, બીજો શૉ શરૂ કરવાની ફરજ ન પડે ત્યાં સુધી.

ખાડો બતાવીને પાંચસો રૂપિયા લઈ જવાની યોજનામાં કોમેડી નાટકને ટક્કર મારે એવી ઘટનાઓ બની. પાલિકાએ ફરિયાદ સામે નેવું ટકા ખાડા પૂરી દીધાના બણગા ફૂંક્યા. સૌથી પહેલા તો ખાડા પડે અને એ નાગરિકોએ શોધી આપવા પડે એ શરમનાક ન ગણાય? પાછા ફરિયાદી રોક્કળ કરે કે અમને તો ઇનામની ૫૦૦ રૂપરડી મળી જ નથી હો. આમાં પાલિકાના એપ અને પોર્ટલ પર ફરિયાદીએ જે ખાડા બતાવ્યા હોય એ ન ભરાયા કાં એની બાજુના ખાડા પૂરી દેવાયા હોય. અમુક કેસમાં તો બતાવેલો ખાડો પૂરી દેવાયો હોય. સરસ, બહુ સરસ. પણ એની આસપાસના પાંચ-સાત ખાડા પૂર્યા વગર રહેવા દેવાય. બોલો, એની ફરિયાદ હજી ક્યાં મળી છે?

ખાડા બતાવવાના ઈનામની પાંચસો રૂપરડીય ગઇ ખાડામાંને? કોઈ તંત્ર આટલી હદે ખાડે ન જઇ શકે. આ મામલે મુંબઈ મહાનગરપાલિકાનો રેકોર્ડ ન હોય તો જ નવાઈ!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1432tpny
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com