31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

અભિનેતાઓના અવિચારી, અણછાજતા નિવેદનો

આજે પોતાના ક્ષેત્રમાં માહેર અભિનેતા/અભિનેત્રી તેનું બયાન તેઓ જાહેરમાં કરે ત્યારે ઘણાં જ અનર્થો સર્જાઈ શકે. આવું જ કાંઈક આપણા કંગનાબહેને કર્યું. તેણે કહ્યું કે "મેં જ્યારે બાળપણમાં જાતીય સંબંધ બાંધ્યો તેની જાણ જ્યારે મારા માતા-પિતાને થઈ ત્યારે તેઓને નહોતું ગમ્યું, પરંતુ માબાપે પોતાના બાળકોને જ્યારે પણ જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા થાય ત્યારે તેને તે સંબંધ બાંધવાની છૂટ આપવી જોઈએ. આજે ગ્લેમરની દુનિયાની અસર બાળકો અને યુવાનો પર ખૂબજ થાય છે અને સમજયા વગર જ્યારે તેઓ અણછાજતું વર્તન કરે અને તેનાં માઠાં પરિણામો ભોગવવાની શક્તિ ન હોય ત્યારે કોઈ પણ અનર્થ સર્જાઈ શકે છે! નાની ઉંમરમાં જાતીય સંબંધથી મન વિચલિત થવાથી માંડીને અનેક સામાજિક સમસ્યા સાથે શારીરિક જીવલેણ રોગનો ભોગ બનવું પડે છે. સેક્સ પોલ્યુશન સૌથી વધારે ખતરનાક છે. લગ્નેત્તર જાતીય સંબંધની વાત સાવ સહજતાથી સ્વીકારી લેવાની વાત તો વારંવાર જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોના નિવેદનમાં જોવા મળે છે, જેની સમાજ પર વિપરિત અસર થાય છે. સામાજિક દૃષ્ટિએ લગ્ન સિવાયના જાતીય સંબંધ એક પ્રકારનો વ્યભિચાર જ છે જેનાથી બચવું જ રહ્યું.

- પ્રો. બિન્દુ મહેતા

કામાલેન, ઘાટકોપર (પ), મુંબઈ-૪૦૦ ૦૮૬.

------------------------------------------

ગેરકાયદે બાંધકામનો સફાયો કરવામાં ઢીલ શા માટે?

મુંબઇમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામ થયેલા છે. ખાસ કરીને બી વૉર્ડમાં, જ્યાં અનેક ઇમારતો/દુકાનો ગેરકાયદે બનાવવામાં આવેલ છે, તેમ જ બીજી અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહેલ છે, ત્યાં આંખ આડા કાન કરવામાં આવે છે, કારણ રાજકારણી, પોલીસ તેમ જ બીએમસીવાળાની સાઠગાંઠ રહેલી છે. ઉપરાંત મુંબઇમાં અનેક રેસ્ટોરંટવાળા ફૂટપાથ ઉપર કામચલાઉ શેડ બાંધીને પોતાને વ્યવસાય ચલાવી રહ્યા છે. તેમ જ ફૂટપાથ ઉપર ખુરશીઓ તેમ જ બાંકડા લગાડે છે. તેમ જ દુકાનની બહાર વાનગીઓ પણ બનાવે છે, કારણ તેમને પોલીસ તેમ જ બીએમસીવાળા બંદોબસ્ત પૂરો પાડે છે.

ગેરકાયદે બાંધકામ કરવામાં કોણ કોણ મદદ કરે છે, એની તપાસ સંપૂર્ણ રીતે થવી જોઇએ અને દોષિતને બરતરફ કરવા જોઇએ તેમ જ દંડ અને સજા કરવામાં આવે તો જ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ થશે.

- ધનસુખભાઇ મોરબીઆ

ભંડારકર રોડ, માટુંગા(સે.રે.), મુંબઇ-૪૦૦૦૧૯

----------------------------------------

જાહેરાતોની માયાજાળ

આજે વિશ્ર્વમાં કરોડો રૂપિયાની ઊથલપાથલ થતી હોય તો તે જાહેરાત અને જાહેરાત ક્ષેત્રે થાય છે. આજે કરોડો રૂપિયાની આવક આપનાર ફિલ્મ અને ક્રિકેટના મહાનુભાવોને ટૂંક સમયમાં કરોડપતિ બનાવનાર કેવળ જાહેરખબર ક્ષેત્ર છે.

જાહેરાત વગર હર કોઇ વસ્તુ નિસ્તેજ રહે છે. કેવળ ભારતમાં નહીં, પણ વિદેશમાં પ્રગતિશીલ અમેરિકામાં જાહેરાતને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે. જે અખબાર વાચકોમાં વધારે સંખ્યામાં વંચાતું હોય તેમાં વારતહેવારે પાનાઓ ભરીને રંગીનમાં ફૂલ સાઇઝમાં જોવા મળે છે. જાહેરાત અખબારો માટે બ્રેડબટર સમાન છે. બીજું, ટીવી પર આવતી સિરિયલો દરમિયાન સંખ્યાબંધ જાહેરાત જોઇને દર્શકોનું માથું દુ:ખી જાય છે, પણ જાહેરાતદાતાને કમાણી જ થતી હોય છે.

આજે કંપનીઓ જાહેરાતમાં નામાંકિત ફિલ્મ કલાકારો અને ક્રિકેટરોને પસંદ કરીને એમની પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, પણ કમાણી સુધ્ધાં કરે છે. ફિલ્મોમાં આદિ, મધ્ય અને અંતમાં લોકો મળે ત્યારે જાહેરાતો દેખાડવામાં આવે છે, પોસ્ટરો દ્વારા હોર્ડિંગો પણ જાહેરાતો થતી જોઇએ છીએ, લોકલ ટ્રેનો-બસોમાં જાહેરખબર સાંભળીએ છીએ. જાહેરાતોની આ માયાજાળ ઓછા સમયમાં લાખો કમાવી આપનાર સાધન છે.

- ઘનશ્યામ એચ.ભરુચા

વિરાર

--------------------------------------------

અર્ધ-અસત્યની ભાષા લોકભોગ્ય છે!

ભયાનક કથાવસ્તુ સાથે પ્રકૃતિના અપ્રતિમ સૌંદર્યનો મેળ, અંગ્રેજી શબ્દો, ગુજરાતી રજવાડાની ભાષા સાથે હિન્દી શબ્દ-શૈલીનો સુમેળ, આજની નવી પેઢીને ઝટ સમજાઇ જાય તેવી કદાચ ગ્લોબલાઇઝડ કહી શકાય તેવી પ્રસ્તુતિ અને કોઇ પણ પ્રકારની વધુ ખેંચતાણ વિના ૭૨ હપ્તામાં પૂરી થતી શ્રી પ્રવીણ પીઠડિયાની ‘અર્ધ-અસત્ય’ અંગ્રેજી માધ્યમમાં ભણતા યુવાવર્ગને પણ ચોક્કસપણે આકર્ષી શકી હશે!

ખેર, તે સિવાય નંદિનીબહેન "હૈયાને દરબાર’માં ગુજરાતીના અલભ્ય સુંદર ગીતોની મસ્ત રંગત જમાવે છે તેમ જ તે ક્યાંથી લભ્ય બને તેનું સરનામું પણ આપે છે, આભાર.

એક અન્ય વાત. સમાચારોમાં ‘શોર્ટ એન્ડ સ્વીટ’ કોલમને ‘ટૂંકું અને ટચ’ એવું નામ આપી ‘શોર્ટ એન્ડ સ્વીટ’ ને પહેલે પાને સ્થાન આપી એમાં વિશ્ર્વમાં બનતી પ્રેરણાદાયક નાની નાની ઘટનાઓનો સમાવેશ થાય તો વાચકોની સવાર સુધરી જાયને? અસ્તુ, હાર્દિક શુભેચ્છાઓ સહ

- અનુ સંઘવી

કસ્તુરબા ક્રોસ રોડ, બોરીવલી (પૂર્વ), મુંબઇ - ૪૦૦૦૬૬

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1F561P
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com