28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સગાઇ તો ૦૮.૦૨.૧૯૭૫માં થઇ ગઈ

અરવિંદ વેકરિયાથોડો પ્રોબ્લેમ તો હતો. મારા બા-ભાઈ થોડા જુનવાણી વિચારધારાના. સ્વાભાવિક છે. મારે અને ભારતીએ મળવું હોય ત્યારે ભારતીએ સાડી પહેરીને જ આવવાનું. અને માથે ઓઢેલું હોવું જોઈએ. આ બા-ભાઈની શરત હતી. એ સમય જ હતો, વડીલોની મર્યાદા જાળવવાની અને એમનો મલાજો જાળવવાનો હતો. એમાં ખોટું પણ નહોતું. આજે તો તમે કેટલા સ્માર્ટ દેખાવ છો એ મહત્ત્વનું બની ગયું છે, સમય સમયની વાત છે. આ બધાં આવરણો વચ્ચે અમે મળતા રહ્યા. અમારા લગ્ન ૩૧.૦૫.૧૯૭૫મા સંપન્ન થયા. એ પછી મારા,સનત,સચ્ચું અને સોહીલના સંબંધ વધુ ગાઢ થયા. ભારતી ભાભી ભારતી ભાભી કહીને સૌ એના પક્ષમા ઢળી પડ્યા. હું એકલો નહોતો પડ્યો, પરંતુ મને ચીઢવવાનો એ લોકો નિર્દોષ આનંદ લેતા થઇ ગયા.

નાટક ‘વાયદાના ફાયદા’ તો બંધ થઇ ગયું, પરંતુ ‘ઔર ચાભી ખો જાયે’ ચાલુ હતું. લગ્ન પછી આ જુઠ-પુરાણ શક્ય નહોતું. મેં હિમ્મત કરી પ્રેમપૂર્વક સમજાવ્યું કે, ભારતી પગારમાં થોડું દર મહિને ઘટે છે એટલે સાઈડ-બિઝનેસ માટે અને વધુ ઉપાર્જન માટે આ નાટકનું કામ ચાલુ રાખ્યું છે, તને ન ગમે અને તું કહીશ તો છોડી દઈશ. આજે ૪૪ વર્ષનાં લગ્નજીવન પૂરા કર્યા પછી જાહેરમાં કબૂલ કરું છું કે અમારું જીવન ખુબજ સરસ રહ્યું છે. ભારતીએ ઘર અને મને બંનેને સારી રીતે સંભાળી લીધા સાથે મારા નાટક ને પણ. મને અને મારા નાટક ઉપરાંત એણે મારા બા-ભાઈના જુનવાણી વિચારધારાને પણ સાચવી લીધા. હવે કોઈ બીજા કારણે નહિ પણ ઝગડો એક જ વાતે થાય છે.. તમે નાટકમાં કામ કરો છો એ વાત મને કરી જ નહિ. તમે મારાથી છુપાવ્યું? એ સામે હું કહી બોલી નથી શકતો. મારું ગીલ્ટ મન તરત મૌન ધારણ કરી લે છે. જેને મેળવવા મેં છૂપું રાખ્યું એ સત્ય એને કહીને હું સાચો પુરવાર થવાની કોઈ કોશિશ કરવા નહોતો માગતો. ધીરે ધીરે ઘીના ઠામમાં ઘી પડતું રહ્યું. લગ્ન પછી ભારતીએ અભ્યાસ ચાલુ રાખ્યો. લગ્ન પછી જુનિયર આર્ટસ અને એણે ફાઈનલ બી.એ.ની પરીક્ષા આપી ત્યારે એ પ્રેગ્નન્ટ હતી. ઘરની બધી જવાબદારીઓ, મને અને ઘરના બધાં કામો કરતા-કરતા એ બી.એ.ઓનર્સ થઇ. એ બી.એ. થઇ ગઈ.. પણ મેં છુપાવેલી નાટકની વાતથી એટલો બી ગયેલો કે એ વાત નીકળે નહિ એની પૂરી સભાનતા રાખતો. ૩૧મી મે, ૧૯૭૫માં લગ્નની શરણાઈ વાગી ગઈ. માત્ર ૪૫૦૦ રૂપિયામાં મારા ફેરા પૂરા થયા જે મામાએ લોન પેટે આપેલા. ચાંદલા રૂપે સનત,સચ્ચું અને સોહીલે ભેગા મળીને ચાર ખુરશીઓ આપેલી, કારણ અમારે ત્યાં નહોતી. એજ ખુરશી પર બેસી હું લગ્નનો થાક ઉતારતો. નાટકો બંધ થયા. નોકરી ચાલુ હતી. અમારા નાટક સાથે બહુરૂપી સંસ્થાનું વિસામો નાટક ખૂબ ચાલતું હતું. બહુરૂપી સંસ્થાના કલાકારો નક્કી જ હોય. ચંદ્રિકા શાહ, દેવેન્દ્ર પંડિત, નરહરિ જાની, હિમ્મત જોશી, શીલા ડેવિડ( જે પાછળથી ડેવિડમાંથી શર્મા થઇ), અને દીનુ ત્રિવેદી. મને દીનુ ત્રિવેદીના ‘કોમેડી ટાઈમિંગ’ જોવાની ખૂબ મજા આવતી. હું જોતા-જોતા શીખવાનો પ્રયત્ન પણ કરતો રહેતો. ‘વિસામો’ નાટકમાં એમની ‘મામા’ની ભૂમિકા હતી જે એમણે એટલી સુંદર ભજવી કે એ પછી એમને બધા ‘મામા’ તરીકે ઓળખાવા માંડ્યા. એમનો સરળ અને સાલસ સ્વભાવ. મૂળ ગામ એમનું ભાવનગર. ગજબના ચિત્રકાર. ભાવનગરના ઘણાં મંદિરોમાં એમણે પોતાની કલા ભગવાન રૂપે કંડારેલી. ‘વિસામો’ નાટક પછી એમને ગુજરાતી ફિલ્મોની ઓફરો આવવા લાગી. ૧૯૭૫-૮૫ ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો. વિસામોના થોડા શો હતા. આડા દિવસે ભજવાતું ‘ઔર ચાબી ખો જાય’ના પણ વળતા પાણી શરૂ થઇ ગયેલા. નાટકની આવકને લીધે નહિ, પરંતુ કલાકારોના એડજસ્ટમેન્ટને કારણે. લક્ષ્મી માટે તૈયારી કરવાની હતી પણ લક્ષ્મી થોડી રીસાતી જતી હતી. દુ:ખી થવાનો કોઈ અર્થ નહોતો. જે આવે એ સમયને ફેસ કરવાનો હતો. આંખો બંધ કરી દેવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા સિવાય આંખ ઉઘડતી નથી. હું ખુલ્લી આંખે આવનારી સુખદ પળોની રાહ જોવા લાગ્યો. નક્કી કર્યું, બી પોઝિટીવ .

રૂબરૂ ખુદને મળીને મેં મને પૂછી લીધું,

હું અરીસા બા’ર ઊભો છું તો અંદર કોણ છે?

----------------------

મારા લગ્નજમણ વખતે: (ડાબેથી) અરવિંદ વેકરિયા સનત વ્યાસ અને પ્રતાપ સચદેવ

-------------------

પ્રેક્ષકોમાં સૌથી જૂના જોગી રસિકભાઈ વકીલ (ડાબે) સાથે અરવિંદ વેકરિયા અને ભારતી વેકરિયા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4q22L3ix
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com