28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખાન ત્રિપુટી જોરમાં

અગસ્ત્ય પુજારાબૉલીવૂડમાં અત્યારે નવા કલાકારોનો મોટો ફાલ આવ્યો છે, પણ સાથે ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં પ્રવેશેલા સ્ટાર્સનું શાસન પણ હજુ જારી છે. તેમાંય જ્યારે અભિનેતાઓની વાત કરીએ તો અક્ષયકુમાર, સૈફ અલી ખાન, અજય દેવગણ, સની દેઉલ જેવા હીરો પણ વ્યસ્ત છે અને વર્ષ દરમિયાન ઘણી ફિલ્મો કરતા રહે છે. જ્યારે ખાન ત્રિપુટી શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાનની વાત કરીએ તો તેઓ પણ હજુ જોરમાં છે.

આ બધા હીરો વર્ષમાં બેથી ચાર ફિલ્મો કરતા રહે છે. જેમાં આજે ખાસ ખાન ત્રિપુટીની વાત કરીએ તો તેમાં અત્યારે સલમાન ખાન સૌથી આગળ છે. લોકપ્રિયતા તો ત્રણેય ખાનની છે, પણ સંખ્યાની દૃષ્ટિએ એક પછી એક ફિલ્મો કરતો રહે છે. ‘દબંગ’ સિરીઝની તેની ફિલ્મો આવતી રહે છે. જેમાં આ વર્ષે હવે તે ‘દબંગ થ્રી’ કરી રહ્યો છે જેમાં તેની સાથે સોનાક્ષી સિંહા છે. તેનું આગામી વર્ષ એટલે કે ૨૦૨૦નું વર્ષ પણ ફિલ્મોથી ભરેલું છે. આ વર્ષે તેની હવે ૨૦મી ડિસેમ્બરે ‘દબંગ થ્રી’ રિલીઝ થવાની છે, જેને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યા છે જ્યારે નિર્માતા અરબાઝ ખાન છે. આ એકશન ડ્રામાનું બજેટ રૂ. ૧૦૦ કરોડનું છે. આ ફિલ્મથી મહેશ માંજરેકરની પુત્રી સાઈ ડેબ્યુ કરવાની છે. દબંગ તો ભરપૂર મનોરંજક ફિલ્મ છે. આથી હિટ જવાની શક્યતા ખરી. આથી સલ્લુ માટે આ વર્ષ સારું બની રહેશે. આવતા વર્ષે ‘રાધે’, ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ’ આવશે. ૨૦૨૦ની ઈદમાં રિલીઝ થશે. તેમાં તેની સાથે દિશા પટ્ટણી હીરોઈન છે. આ ફિલ્મ પણ પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યા છે. અરબાઝ ખાન નિર્મિત આ ફિલ્મ પણ રૂા. ૧૦૦ કરોડના બજેટની છે. જ્યારે તે પછી એકશન કૉમેડી ‘કિક ટુ’ પણ આવતા વર્ષે આવશે. જે સાજિદ નડિયાદવાલાની છે. આ ફિલ્મ ‘કિક’ની સિકવલ છે. તે પછી વારો આવશે ‘વૉન્ટેડ ટુ’. ૨૦૦૯માં આવેલી વૉન્ટેડની સિકવલ હશે અગેઈન આ એકશન ડ્રામાનું ડિરેક્શન પ્રભુદેવાના હાથમાં છે. જો કે આ ફિલ્મની રિલીઝ તારીખ નક્કી નથી કરાઈ. આ ઉપરાંત રેમો ડી’સોઝાની ડાન્સ ફિલ્મ પણ છે, જેમાં તેની સાથે જેકલિન ફર્નાન્ડિઝ છે. આ સિવાય મલયાલમ ફિલ્મ ‘પુલીમુરુગન’ ની હિન્દી રિમેક, ‘મઝધાર’, ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ની સિકવલ, ‘પાર્ટનર ટુ’, ‘શેર ખાન’ જેવી ફિલ્મો પાછળ લાઈનમાં છે. આથી આગામી ત્રણ વર્ષ તો તેના હાથ ફિલ્મોથી ભરેલા રહેશે. અત્યાર સુધીમાં તેની ફિલ્મોમાં ૧૦૦ કરોડની ક્લબમાં ૧૧ ફિલ્મો, ૨૦૦ કરોડની કલબમાં ત્રણ અને ૩૦૦ કરોડની કલબમાં ત્રણ ફિલ્મો આવી ગઈ છે. આમ, તે કરોડોની ફિલ્મોનો ‘સુલતાન’ છે.

જ્યારે તેની સામે શાહરુખ ખાન હજુ બોલીવૂડ કિંગ છે, પણ છેલ્લા થોડા સમયમાં તેની ફિલ્મોમાં મંદી આવી ગઈ છે. નિષ્ફળ ફિલ્મો અને ઓછી ફિલ્મોને કારણે તે થોડો પાછળ પડી ગયો છે. તેની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ નિષ્ફળ ગઈ, પણ ખાન ફરી બેઠો થવા પ્રયત્ન કરી રહ્યો છે અને ધરખમ સફળતા મેળવીને પોતાની ગાદી ટકાવી રાખવા તેણે વિધુ વિનોદ ચોપ્રા અને કરણ જોહરનો હાથ પકડ્યો છે. અત્યારે તેની પાસે એક પણ ફિલ્મ નથી, પણ ટૂંક સમયમાં તે કેટલીક ફિલ્મોની જાહેરાત કરશે. વિધુ વિનોદ ચોપરાની એક ફિલ્મ તેની પાક્કી છે, એટલે તે આવશે પછી ફરી તેની ગાડી પૂરપાટ દોડવા લાગશે, કારણ કે ચોપરાની ફિલ્મ એટલે બોક્સ ઑફિસ પર સફળતાની ગેરંટી. આ ઉપરાંત તે કરણ જોહરની એક ફિલ્મ, વિક્રમ વેતાલની રિમેક, ‘હે રામ’ ફિલ્મની રીમેક, ‘ઓપરેશન ખુકરી’ જેવી ફિલ્મો તે કરવાનો છે. આ ઉપરાંત શિમીત અમીનની અને રાહુલ ધોળકીયાની આગામી ફિલ્મ પણ કરે તેવી શક્યતા છે. આમ, તે પણ પોતાનું સ્થાન મજબૂત રીતે પકડી રાખશે.

જ્યારે ત્રીજો ખાન આમિર ખાન પણ તેની આગામી ફિલ્મોનું જબરજસ્ત પ્લાનિંગ કરી રહ્યો છે. તેની બહુ ચર્ચિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અત્યારે બની રહી છે, જે ૨૦૨૦માં ક્રિસમસમાં રિલીઝ થવાની છે. તેમાં તેની સાથે કરીના કપૂર છે. દિગ્દર્શક અદ્વૈત રોહન છે. તે પછી તે મ્યુઝિક કિંગ ગુલશન કુમારની બાયોપિક ‘મોગલ’ કરવાનો છે, જેનું દિગ્દર્શન સુભાષ કપૂર કરવાના છે. તે પછી લાઈનમાં તેની ફિલ્મો છે, ‘સરફરોશ ટુ’, ‘મહાભારત’ છે, જેનું દિગ્દર્શન એસ.એસ. રાજામૌલી કરવાના છે. ૨૦૦ કરોડની આ એકશન પીરિયડ ડ્રામા છે.

આમિર ખાન બહુ ચૂઝી છે અને વિષયો પસંદ કરીને હટકે ફિલ્મો કરે છે. તેની ફિલ્મો મોટા બજેટની તથા મોટા પાયે બનનારી હોય છે. આ ઉપરાંત તે ફિલ્મની માવજતમાં ઘણો સમય આપે છે અને વર્ષ દરમિયાન તે ઓછી ફિલ્મો કરે છે. તેની ફિલ્મોની સફળતાની ગેરેન્ટી હોય છે.

આમ ત્રણેય ખાન જોરમાં છે - આવશે ત્યારે એકદમ ધમાકો બોલાવશે, પણ અત્યારે તેમની ફિલ્મો બેકસ્ટેજમાં છે અને તેમની સામે નવા હીરો વિકી કૌશલ, રણબીર કપૂર, વરુણ ધવન, રાજકુમાર રાવલ, આયુષ્યમાન ખુરાના જેવા હીરો પણ સફળ ફિલ્મો આપીને લહેર કરી રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

427S30
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com