28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અન્યાયને અવગણી અવ્વલ આવ્યાં

પ્રાસંગિક-અનંત મામતોરામહિલા સશક્તિકરણના અનેક પ્રયાસો અને સ્ત્રી સમાનતાની લોભામણી વાતો પછી પણ વિશ્ર્વભરની મહિલાઓ પોતાની ઓળખાણ અને સમાન વેતન માટે આજે પણ સંઘર્ષ કરી રહી છે એ વરવી હકીકત છે. ભારતની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે મહિલાઓનો પગપેસારો તો છેક રાજા રામમોહનરાય, ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર અને મહાત્મા ફુલેના કાળમાં શરૂ થયો જેમણે સ્ત્રી શિક્ષણ માટે અનેક સામાજિક આંદોલનો કર્યા હતાંં.જોકે, સ્ત્રી શિક્ષણની આટલી ચળવળો પછી પણ તે સમયે શિક્ષણ અને ખાસ કરીને વિજ્ઞાનના ક્ષેત્રમાં તો મહિલાની ભાગીદારી નહીં બરાબર હતી. અમુક કૉલેજોમાં તો સ્ત્રીને વધુ ભણવાની ઇચ્છા હોય તો પણ તેમને પ્રવેશ મળતો નહીં. આવા સમય અને સંજોગો સામે ઝીંક ઝીલીને એક મહિલાએ ન કેવળ આ ક્ષેત્રમાં પીએચ.ડી.ની ઉપાધિ હાંસલ કરી, પરંતુ કેમ્બ્રિજ વિશ્ર્વવિદ્યાલયમાં એક વૈજ્ઞાનિક તરીકે શાનદાર કારકિર્દી પણ બનાવી. આમ કરવાવાળી તે પ્રથમ ભારતીય મહિલા હતી.

જી.. હા, આપણે જેના વિષે વાત કરવા જઇ રહ્યા છીએ તેમનું નામ છે કમલા સોહની. ૧૪ સપ્ટેમ્બર ૧૯૧૨માં ઇન્દોરમાં જન્મેલા કમલાજીના પિતા અને કાકાએ વિજ્ઞાન ક્ષેત્રે જ ભણીને ડિગ્રી હાંસલ કરી હતી. પિતા નારાયણ ભાગવત અને કાકા માધવરાવ ભાગવત ભારતીય વિજ્ઞાન સંસ્થાનના રસાયણશાસ્ત્રના પ્રથમ બેચના ગ્રેજ્યુએટ હતા. તેમના સાંનિધ્યમાં ઉછરેલા કમલા સોહનીમાં પણ આ વારસો ઊતરે એ સ્વાભાવિક હતું.

પ્રારંભિક શિક્ષણ પૂરું કર્યા પછી મુંબઇ યુનિવર્સિટીમાં પ્રથમ તો તેમણે ઉચ્ચ ક્રમાંકે પાસ થઇને બી. એસસી. ની ડિગ્રી મેળવી. ત્યાર બાદ પોસ્ટગ્રેજ્યુએશન કરવા તેમણે અતિ ઉત્સાહ સાથે ભારતીય વિજ્ઞાન સંસ્થાનમાં દાખલ થવા અરજી કરી. તે સમયે પ્રખ્યાત વૈજ્ઞાનિક અને અધ્યાપક સી.વી. રમણ આ સંસ્થાના પ્રમુખ હતા. વિજ્ઞાનના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીતનાર તેઓ પ્રથમ ભારતીય જ નહીં, પણ પહેલા એશિયન વૈજ્ઞાનિક હતા. આટલા શિક્ષિત હોવા છતાં તેઓ પણ રૂઢિચુસ્ત વિચારોથી પ્રભાવિત હોઇ તેમણે કમલા સોહનીની અરજીને રદ્દબાતલ કરી દીધી હતી. કમલાના પિતા અને કાકાએ પણ તેમને ખૂબ આગ્રહભરી વિનંતી કરી પણ તેય કામ ન આવ્યું. ઊલટાનું કહ્યું કે તેઓ આ કૉલેજમાં એક સ્ત્રીને તો એડ્મિશન નહીં જ આપે. બોલો, બી.એસસી.ના ફાઇનલ વર્ષમાં સૌથી વધુ ગુણાંક સાથે પાસ થનાર મહિલાને દાખલ કરવામાં ન આવી એ કેટલો અન્યાય કહેવાય. જોકે, હિંમત હારે એ કમલા સોહની શાના? તેઓ તો સીધા પહોંચ્યા પ્રોફેસર સી.વી. રમણ પાસે. તેમને કૉલેજમાં દાખલ ન કરવાનું કારણ પૂછ્યું અને સાથે પડકાર પણ ફેંક્યો કે જો તેમને અહીં ભણવાનો મોકો મળશે તો તેઓ ડિસ્ટિંક્શન સાથે પરીક્ષા પાસ કરી બતાવશે.

પ્રાંરભમાં તો પ્રોફેસર સાહેબે કમલાજીની વાતો પર ધ્યાન ન આપ્યું, પણ જ્યારે તેમની પાસે એક હોશિયાર મહિલાને કૉલેજમાં એડ્મિશન ન આપવા માટે કોઇ તર્કસંગત કારણ ન બચ્યું તો તેઓ કેટલીક શરતો સાથે કમલાને એડમિશન આપવા તૈયાર થઇ ગયા.

આ શરતો પ્રમાણે કમલાજીને એક નિયમિત વિદ્યાર્થીને મળે છે તેવા નિયમ અનુસાર પ્રવેશ ન મળ્યો. તેની સાથે તેણે પોતાના ગાઇડની આજ્ઞા અનુસાર મોડી રાત સુધી કામ પણ કરવાનું હતું. કમલા પ્રોેફેસરના આવા વલણથી ભારે દુ:ખી અને ઉદાસ તો થયા હતા, પણ તેમને આ પ્રતિષ્ઠિત કૉલેજમાં પોસ્ટગ્રેજ્યુએશન કરવાની તક મળી હતી એટલે તમામ શરતો સ્વીકારી લીધી હતી.

પાછળથી કમલાજીએ એક સભામાં પોતાની આ ઉદાસી વ્યક્ત પણ કરી હતી. આ સભા ભારતીય મહિલા વૈજ્ઞાનિક સંઘ તરફથી આયોજિત કરવામાં આવી હતી અને કમલા સોહનીને તેમાં મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરાયા હતા.

તેમણે જાહેરમાં કહ્યું હતું કે, ‘ ભલે, પ્રોફેસર સી.વી. રમણે નોબેલ પુરસ્કાર જીત્યો હોય, એક માણસ તરીકે તેમની દૃષ્ટિ ઘણી સંકુચિત હતી. તેમણે મારી સાથે હંમેશા બીજા દરજ્જાનો જ વ્યવહાર કર્યો, કેવળ એટલા માટે કે હું એક સ્ત્રી છું. ’

જોકે, બધી જ વાતો ભૂલીને કમલાજીએ તો પોતાના અભ્યાસમાં પૂરો જીવ રેડી દીધો હતો. ૧૯૩૬માં તેઓ ડિસ્ટિંક્શન સાથે પોસ્ટગ્રેજ્યુએટ થઇ ને જ રહ્યા. આટલું ઓછું હોય તેમ આગળના સંશોધન માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપ પણ મેળવી લીધી. આનું પરિણામ એ આવ્યું કે આગામી વર્ષથી સી.વી.રમણે આ કૉલેજના દરવાજા મહિલા વિદ્યાર્થીઓ માટે પણ ખોલી દીધા.

૧૯૩૭માં કમલા સોહનીએ વૈજ્ઞાનિક રોબિન હિલના નેતૃત્વમાં કામ કરવાનું શરૂ કર્યું. રોબિન પણ કમલાના કામથી ખૂબ પ્રભાવિત થયા. ત્યાર બાદ તેમણે કમલા સામે પ્રોફેસર ફ્રેડરિક હોપક્ધિસની પ્રયોગશાળામાં કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આ મહાશય પણ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક હતા અને તેમની સાથે કામ કરવા વૈજ્ઞાનિકોએ ફેલોશિપ જીતવી પડતી હતી. કમલા જેનું નામ. તેમણે ફેેલોશિપ જીત અને તેમની સાથે કામ કરવાનું પણ શરૂ કર્યું.

પ્રોફેસર હોપક્ધિસના માર્ગદર્શન હેઠળ કમલા સોહનીએ માત્ર સોળ મહિનાની અંદર જ સંશોધન પત્ર તૈયાર કર્યું. આ શોધખોળ પોષણ સંબંધી હતી અને તેને માત્ર ચાલીસ પાનામાં લખવામાં આવ્યું હતું. આ જોઇને પીએચ.ડી. કમિટી પણ અત્યંત પ્રભાવિત થઇ અને તેમના સંશોધનનો સ્વીકાર કરી લીધો. આ રીતે કમલા સોહની વિજ્ઞાન ક્ષેત્રમાં પીએચ.ડી કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં.

ત્યાર બાદ તો કમલાજીને કામ આપવા માટે ઘણી અમેરિકન કંપનીઓની ઓફર આવવા લાગી હતી, પરંતુ તેમણે ભારત પરત ફરવાનું જ જરૂરી સમજ્યું. જે દેશમાં તેમને એક સ્ત્રી હોવાને કારણે ભણતરમાં તકલીફ પડી હતી

તે જ દેશમાં તેઓ પાછા ફર્યાં. તેઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી હતા. પોતાના જ્ઞાન અને કુશળતાનો પ્રયોગ દેશસેવાર્થે કરવા માગતા હતા. દેશમાં પાછા ફર્યા બાદ મુંબઇના વિજ્ઞાન સંસ્થાનમાં તેમને જીવ-રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે નોકરી મળી ગઇ.

આ સમય દરમ્યાન તેમણે ‘નીરો’ નામક પીણા પર સંશોધનકાર્ય પણ કર્યું. તેમનું લક્ષ્ય નીરોમાં મૌજૂદ પોષક તત્ત્વોની ભાળ મેળવવાનું હતું, જેથી તે દેશના ગરીબો માટે ઉપયોગી સાબિત થાય. તેમણે એ શોધી કાઢ્યું કે નીરોમાં વિટામિન અને લોહતત્વ અધિક પ્રમાણમાં હતું. જેને કારણે તેનો ઉપયોગ ગર્ભવતી મહિલાઓ અને શિશુઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં થઇ શકે છે. ત્યાર બાદ તેઓ દૂધની ફેક્ટરી સાથે પણ જોડાયા. સંશોધનકાર્ય તો તેમની રગેરગમાં દોડતું હતું. અહીં કામ કરીને તેમણે એક એવું પ્રોટોકોલ વિકસાવ્યું જે દૂધને જલદીથી દહીંમાં જામી જતા રોકી શકતું હતું. આ કામ માટે તેમને રાષ્ટ્રપતિ સન્માન દ્વારા પણ નવાજવામાં આવ્યા.

તેમણે તેમના જીવનકાળ દરમ્યાન ઘણાં પુસ્તકો પણ લખ્યાં. ૧૯૬૯ સુધી એક કર્મયોગીની જેમ કાર્ય કર્યા પછી તેમણે નિવૃત્તિ લઇ લીધી. ૧૯૮૭માં તેમનું નિધન થયું. આ સાથે જ દેશે એક એવી મહિલાને ખોઇ જેમણે વિદ્યાર્થી અવસ્થામાં પારાવાર મુશ્કેલીઓ સહન કરીને પણ પોતાના સપનાને સાકાર કર્યાં હતાં અને પોતાના જ્ઞાનનો ભરપૂર લાભ દેશને આપ્યો.

સલામ દેશની આ પ્રથમ ડૉક્ટરેટ મહિલા વૈજ્ઞાનિકને.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

R73Hgu
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com