28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૧૩ છોડ જે ઘરને સજાવે, પ્રદૂષણથી બચાવે

સજાવટ-પ્રથમેશ મહેતાઅત્યારના સમયની મોટી સમસ્યાઓમાંની એક છે પ્રદૂષણ. દિલ્હી અને દિલ્હી- એનસીઆર અત્યારે ભારે પ્રદૂષણગ્રસ્ત છે. ઝેરીલી હવાથી બચવા લોકોએ માસ્ક પહેરીને નીકળવું પડે છે. આવા સમયમાં સરકારી રોકથામ સાથે આપણે વ્યક્તિગત ધોરણે પણ એવા ઉપાયો કરવા જોઇએ જેથી ભયંકર પ્રદૂષણથી રાહત મેળવી શકાય. આ ઉપાયોમાંનો એક સરળ ઉપાય એ છે કે આપણે ઘરમાં એવા છોડ ઉગાડીએ જે હવાને સ્વચ્છ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

---------------------------

અનાનસનો છોડ

હાલમાં જ નાસાના એક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે અનાનસનો છોડ હવામાં રહેલા વિષયુક્ત પદાર્થોનો નાશ કરે છે. તેમના દાવા પ્રમાણે આ છોડ રાતના સમયે પ્રાણવાયુ છોડે છે અને હવાને સાફ કરે છે. આ છોડને ઇન્ડોર પ્લાન્ટ તરીકે ઉગાડવા પણ સહેલા છે. તેમને ઓછા પાણીએ પણ સારી રીતે ઉગાડી શકાય છે.

-----------------

સ્પાઇડર પ્લાન્ટ

નાના નાના સફેદ ફૂલો અને ગીચ પાંદડાઓથી શોભતો આ છોડ ઘણો આકર્ષક લાગે છે. આ છોડ ચામડા, રબર અને પ્રિન્ટિંગ મટેરિયલમાં વપરાતા તત્ત્વો ઝાઇલીન, બેન્ઝિન, ફોર્મલ ડિહાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓનો નાશ કરીને વાતાવરણને શુદ્ધ કરે છે.

---------------

લેડી પામ

આ છોડ પણ હવાને સાફ કરવા માટે એક સારો વિકલ્પ છે. આ છોડ પણ વાયુમાંથી ફોર્મલડિહાઇડ, એમોનિયા, ઝાઇલીન, ટોલ્યુઇન જેવા વિષદ્રવ્યોને મારી હટાવે છે. એને ખૂબ ઠંડા વાતાવરણમાં ન રાખવા જોઇએ. ૧૫ થી ૨૩ ડિગ્રીના તાપમાનમાં એ વધુ સારી રીતે ઊગે છે.

-----------------

તુલસી

તુલસી એક એવું કુદરતી એર પ્યોરિફાયર છે જે ૨૪માંથી ૨૦ કલાક ઑક્સિજન બહાર કાઢે છે. કાર્બન મોનોક્સાઇડ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડને પણ શોષી લઇ વાતાવરણને શુદ્ધ કરવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતીય સંસ્કૃતિમાં તો આ છોડને અતિ પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો છે. તુલસીના પાન શરદી, કફ, તાવ અને ઉધરસ જેવી બીમારીમાં પણ ઉપયોગી છે.

------------------

સેન્સેવિરિયા પ્લાન્ટ

આ છોડ પણ પ્રદૂષણ દૂર કરવામાં અદ્ભુત કામગીરી બજાવે છે. તેનામાં તો ૧૦૦થી વધુ હાનિકારક રસાયણો શોષી લેવાની ક્ષમતા છે. આ છોડની જાળવણી કરવી પણ સહેલી છે. વળી તે રાત્રે પણ ઑક્સિજન બહાર કાઢે છે.

------------------

એલોવિરા (કુંવાર પાઠું)

આ છોડ પણ વાયુ પ્રદૂષણને મારી હટાવવા માટે અસરકારક સાબિત થાય છે. તેને પણ વધુ પાણી કે માવજતની જરૂર પડતી નથી. ઉલટાનું વધુ પાણીથી એ બગડી પણ શક્ે છે. અને હા તેને સમય સમય પર સૂર્યપ્રકાશમાં રાખવા જરૂરી છે. વાયુમાંં રહેલા બેન્ઝિન અને ફોર્મલડિહાઇડ જેવા ઝેરીલા તત્ત્વોનો નાશ કરવામાં ઉપયોગી છે.

------------------

બોસ્ટન ફર્ન

આ છોડ પણ પ્રદૂષણને દૂર રાખવામાં અત્યંત ઉપયોગી છે. આ છોડ તમારી બાલ્કનીની શોભા પણ વધારી શકે છે. આ છોડને વધુ પાણીની જરૂર પડે છે. તે સિવાય ઠંડીની મોસમમાં તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેને પ્રકાશમાં તો રાખવો પડે છે , પણ ડાયરેક્ટ લાઇટથી બચાવવા જરૂરી છે.

---------------

ગોલ્ડન પોથોસ

આ પણ એક ઘરમાં ઉગાડી શકાય એવો સુંદર છોડ છે. ઘરની અંદર રહેલી હવામાં કોઇ વિષદ્રવ્યો હોય તો તેમને દૂર કરવામાં અત્યંત ઉપયોગી સાબિત થયા છે. તેની જાળવણી પણ ખૂબ સરળ છે. આ છોડને વધુ પડતા સૂર્યપ્રકાશની પણ જરૂર નથી પડતી એટલે ઘરની અંદર ઇન્ડોર પ્લાન્ટ તરીકે સારી રીતે વિકસી શકે છે.

-------------------

ઇંગ્લિશ આઇવી

આ છોડ પણ ઓછા પ્રકાશમાં સારી રીતે ઉછરી શકે છે એટલે ઇન્ડોર પ્લાન્ટ તરીકે એક સારો વિકલ્પ છે. આ છોડ પણ વાયુમાં રહેલા અનેક ઝેરી તત્ત્વોનો નાશ કરવામાં અતિ ઉપયોગી છે. નાસાએ આ છોડને ઘરની હવા સાફ કરવાના મામલામાં નંબર વન માન્યો છે.

------------------

નાગ છોડ (સ્નેક પ્લાન્ટ)

આ છોડ બે મીટર ઊંચાઇ સુધી વધી શકે છે. તેને પણ વધુ માવજતની જરૂર પડતી નથી. તેને થોડા પ્રકાશમાં રાખવો જોઇએ અને સપ્તાહમાં એક-બે દિવસ સીધા સૂર્યપ્રકાશમાં રાખવો જોઇએ. તેને વધારે ગરમ વાતાવરણમાં ન રાખવો જોઇએ. આ છોડને પાણી પણ ઓછુ જોઇએ છે.

--------------------

બામ્બુ પામ

નાના કે મોટા એમ બે કદમાં આ છોડ ઉગાડી શકાય છે. આ છોડની ખાસિયત એ છે કે તેમને ઘરની અંદર તો ઉગાડી શકાય છે, પણ ઘરની બહાર ઉગાડો તોય સારી રીતે વિકસે છે. આ છોડ ફોર્મલડિહાઇડ ઉપરાંત ટ્રાઇક્લોરોઇથિલિન જેવા ઝેરી તત્ત્વોનો પણ નાશ કરી શકે છે.

------------------

ફ્લેમિંગો લિલી

આ છોડ વાયુમાંથી ફોર્મલડિહાઇડ, એમોનિયા, ઝાઇલીન, ટોલ્યુઇન જેવા વિષદ્રવ્યોને મારી હટાવે છે અને વાતાવરણને સ્વચ્છ કરવામાં મદદ કરે છે. આ છોડને સીધા સૂર્યકિરણોથી બચાવવાની જરૂર છે. આ છોડને અઠવાડિયામાં માત્ર બે દિવસ જ પાણી પાવાની જરૂર પડે છે.

-------------------

મની પ્લાન્ટ

લોકોમાં એવી માન્યતા છે કે આ છોડને ઘરમાં રાખવાથી પૈસામાં વૃદ્ધિ થાય છે. જોકે, એ ફક્ત માન્યતા છે. હા પણ એક વાત સાચી કે આ છોડ હવાને શુદ્ધ કરવાની બાબતે ઘણા ઉપયોગી પુરવાર થયા છે. જો ઘરના વાતાવરણને સ્વચ્છ રાખી શકીએ તો ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે. માટે તમે જ્યાં રહેતા હોવ ત્યાં તમારા વિસ્તારના હવામાનને અનુકૂળ હોય તેવા ઉપરોકત કોઇ પણ છોડને ઘર કે ઑફિસની અંદર રાખીને શોભા તો વધારી શકો છો, સાથે સાથે તંદુરસ્ત જીવન પણ જીવી શકો છો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3Uc5726
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com