15-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

હૈયાને દરબાર-નંદિની ત્રિવેદીદર બેસતા વર્ષે વહેલી સવારે મારી મનગમતી સીડીઝમાંથી એટલિસ્ટ એક સીડી તો સાંભળવી જ એવો નિત્યક્રમ છે. આ ગમતી સીડીઝમાંની એક એટલે ‘જય જય શ્રીનાથજી’. સવારની ભક્તિમય શરૂઆત ચિત્ત શાંત કરેે. એમાંય સુરેશ દલાલનાં ગીતો, આશિત દેસાઈનું સ્વરાંકન અને સર્વોચ્ચ ગાયકોએ ગાયેલાં સર્વોત્તમ ભજનો હોય પછી પૂૂૂૂછવુંં જ શું?

નૂતન વર્ષની શુભ સવારે આહિર ભૈરવના સૂર છેડાય અને આશિત દેસાઈના ઘેરા અવાજમાં જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો...ભક્તિ રચના શરૂ થાય પછી ભક્તિભાવનો જે કેફ ચડે એ અવર્ણનીય. આ જ આલ્બમની જ અન્ય બે ગમતી કૃતિઓ એ સાંજ પહેલાંની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો તથા મોરપીંછની રજાઇ ઓઢી તમે સૂઓને શ્યામ..! પણ લાજવાબ છે. અમુક ગીતો સદા સર્વદા તાજાં જ લાગે. આજે વાત કરવી છે એવા જ આપણા સૌના માનીતા ભક્તિગીત મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ગીત તથા પુષ્ટિમાર્ગીય સંગીત વિશે. ભક્તિગીત અને ભજન તલ્લીન થઈને ગાવામાં આવે તો પારલૌકિક અનુભૂતિ થયા વિના રહે નહીં. પાર્શ્ર્વગાયિકા અનુરાધા પૌડવાલે એક વખત આ ભક્તિ રચનાનો ખાસ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મારું સૌથી પ્રિય ભજન છે. આ ગીતમાં એક વૈષ્ણવની કૃષ્ણભક્તિ સરળ-સહજ અને ભાવપૂર્ણ રીતે વ્યક્ત થઈ છે.

રાજસ્થાનના નાથદ્વારા સ્થિત મંદિરમાં શ્રીનાથજીનાાં વસ્ત્ર અને અલંકાર તિથિ અનુસાર જુદાં જુદાં હોય છે. પ્રત્યેક તિથિ અનુસાર તેમના વસ્ત્રો અને અલંકારનો શણગાર કેવા પ્રકારનો હોવો જોઈએ એ વાત નક્કી જ હોય છે. સમગ્ર વર્ષના ૩૬૫ દિવસ માટે તે જુદો જુદો હોય છે.

૫૦૦ વર્ષો પહેલાં શ્રી વલ્લભાચાર્યજીએ પાડેલી પ્રથા અનુસાર શ્રીનાથજીનો પ્રત્યેક તિથિ અનુસાર કરવામાં આવતો વિશિષ્ટતાપૂર્ણ શણગાર અને જુદા જુદા સ્વરૂપે શ્રીનાથજીને જોવા એ પણ અદ્ભુત લહાવો. શ્રીનાથજીના મોરપીંછથી માંડીને ચરણ સુધીના અલંકાર પ્રતિદિન જુદા હોય છે. તેમના પૂજન દરમ્યાન કરવામાં આવતા સંગીત ઉપચારોમાં ગાવામાં આવતાં ભજનો પણ તિથિ અનુસાર જુદી જુદી રાગદારીમાં હોય છે. શૃંગાર કરતી વેળાએ ઋતુ અનુસાર અલંકાર પહેરાવવામાં આવે છે, જેમકે ગ્રીષ્મઋતુમાં મોતીના દાગીના, ફાગણ માસમાં સોનાના, જ્યારે અન્ય મહિનાઓમાં રત્નજડિત દાગીના પહેરાવવામાં આવે છે.

નાથદ્વારા એ વૈષ્ણવોનું ખૂબ જ પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ છે. ત્યાં શ્રીનાથજી પ્રભુની ઝાંખી (દર્શન) કરો એટલે મન શાંત થઇ જાય, હૃદયમાં એક પ્રસન્નતા છવાઈ જાય

શ્રીનાથજી બધાને પ્રિય છે. શ્રીનાથજીના મંગલા, શણગાર, ગ્વાલ, રાજભોગ ઉત્થાપન ભોગ, શયન મનને આનંદ આનંદ આપે છે. નાથદ્વારામાં આખું વર્ષ ઉત્સવો ઉજવાય છે. એમાં પીછવાઈ અને પુષ્ટિ કીર્તનનું અનેરું મહત્ત્વ છે. શ્રી ગુંસાઈજીએ શૃંગાર, કીર્તન સંગીતનો અનન્ય લાભ આપ્યો છે. આ પ્રણાલિકા આજે પુષ્ટિમાર્ગમાં પ્રચલિત છે.

૧૬મી સદી પછી નરસિંહ-મીરાંના ભક્તિમાર્ગમાં વૈષ્ણવધારાનો એક વિશિષ્ટ પ્રવાહ ભળ્યો. એ છે પુષ્ટિ સંપ્રદાયનો સંગીત પ્રવાહ. આ સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી અને તેમના પછી પુત્ર વિઠ્ઠલનાથજીએ ધર્મોપદેશ માટે જ્યાં રોકાણો કર્યાં એ સ્થળો ‘બેઠક’ તરીકે ઓળખાયાં. ભારતમાં આવી લગભગ ૮૪ બેઠકો છે.

પુષ્ટિમાર્ગની સ્થાપના સાથે અષ્ટસખાઓનાં પદ પણ લોકપ્રિય થયાં. એમાંય સુરદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદદાસજી, કુંભનદાસજી ઈત્યાદિનાં કીર્તનો ખૂબ ગવાતાં. કહેવાય છે કે સુરદાસજીએ તો કૃષ્ણની બાળલીલાથી હિંડોળા સુધી સવા લાખથી વધારે કીર્તન લખ્યાં છે. આ બધાં કીર્તન રાગ અને ઋતુ પ્રમાણે લખાયાં છે. તન્મય થઈને ગાતાં આ કીર્તનકારોને સાંભળીએ તો પ્રભુભક્તિમાં લીન થઈ જવાય એવાં સુંદર છે. પુષ્ટિ સંપ્રદાયની કીર્તન પદ્ધતિને આકાશવાણી પરથી રજૂ કરવાના આરંભે ચં.ચી. મહેતાએ ‘હવેલી સંગીત’ સંજ્ઞા આપી હતી. આ હવેલી સંગીત ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યું છે. જોકે, પં. શ્રી ભગવતીપ્રસાદજી ભટ્ટે સ્વરલિપિમાં ‘પુષ્ટિ સંગીત પ્રકાશ’ નામના ગ્રંથનું નિર્માણ કર્યું છે જેમાં ૮૦ રાગોમાં ૧૩૭ પદ સ્વરલિપિબદ્ધ સ્વરૂપે ઉપલબ્ધ છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સ્નેહલ મુઝુમદારે કર્યો છે. મુંબઈમાં વિલેપાર્લેમાં રહેતા કુંજવિહારી લીમડી પાસે કીર્તન પરંપરાની ઘણી માહિતી છે. કૃષ્ણ ભક્તિનાં અનોખાં આલ્બમ્સમાં કવિ અવિનાશ પારેખનાં ગીત પંચમી, ગીત ગમતીલાં અને ગીત સુરીલાંનો સમાવેશ કરવો જ પડે. કૃષ્ણભક્તિ પ્રણય-ભક્તિ સ્વરૂપે એમાં જુદી રીતે બહાર આવી છે. રૂપા ‘બાવરી’એ પણ શ્રીનાથજીનાં સુંદર પદ રચ્યાં છે. ‘બાવરી કે શ્રીનાથજી’ સચિત્ર પુસ્તકમાં એમણે શ્રીનાથજીનાં અદ્ભુત પેઇન્ટિંગ બનાવી સામે એને અનુરૂપ પદ લખ્યાં છે. ભક્તિ ચરમસીમાએ પહોંચે ત્યારે ભક્ત શરીરથી આત્મા સુધી પોતાનું સર્વસ્વ શ્રીનાથજીને ચરણે ધરી દે છે. રૂપા બાવરી આવાં સમર્પિત કૃષ્ણપ્રિયા છે. એમનું આ પદ વાંચો :

આતમ હવેલી મેં બિરાજો શ્રીનાથજી

અબ કહીં ઔર ન જાજો શ્રીનાથજી

આતમ હવેલી મેં ના કોઈ દ્વાર

ના ખિડકી ના દીવાર

નિર્મલ શુદ્ધ તેજપુંજ પ્રકાશિત

રૂપ તેરા સાકાર....!

આતમને અજવાળવાની કેવી સરસ વાત છે આ પદમાં. આવાં તો અનેક વૈવિધ્યસભર પદ વાંચવા અને પુસ્તક સાથેની સીડીમાં સાંભળવા મળી

શકે છે.

આ ઉપરાંત, દેવદિવાળીએ તુલસી વિવાહ નિમિત્તે ગવાતાં પદો, અન્નકૂટનાં પદો અને વસંતોત્સવ દરમ્યાન ધમાર શૈલીમાં ગવાતાં વાસંતી પદો શબ્દ અને સંગીતની રીતે ઉત્કૃષ્ટ ગણાય છે. એ જ રીતે વૈષ્ણવ પરંપરામાં ‘રસિયા’ બહુ લોકપ્રિય થયા હતા. કૃષ્ણ હોળી- ફાગ ખેલે તે વખતે ગવાતો ‘રસિયા’ પ્રકાર સંગીતની એક વિશિષ્ટ શૈલી ગણાય છે. દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ‘રસિયા’ આજેય લોકો સાંભળવાનું પસંદ કરે છે. આજનું આ ગીત ફક્ત વૈષ્ણવો જ નહીં, દરેક ગુજરાતીનું માનીતું ગીત છે. અનેક કલાકારોએ ગાયેલું આ ગીત અંગતપણે આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં વધુ ગમે છે. સ્વાભાવિકપણે ‘જય જય શ્રીનાથજી’ સીડીમાં પણ એનો સમાવેશ

થયો જ છે. ભારતના સર્વ ધાર્મિક સંપ્રદાયોમાં સંગીતકલાને સન્માનિત સ્થાન આપવામાં આવ્યું છે. એમાં વલ્લભ સંપ્રદાયનું સ્થાન પ્રથમ છે. પ્રભુ સેવામાં એવો કોઇ ક્રમ નથી જેમાં સેવાક્રમ સાથે સંગીતની સુરાવલિઓ ન હોય. આ મીઠું મધુરું ભક્તિ ગીત તમને મનહર ઉધાસથી લઈને રૂપા બાવરી સહિત અનેક કલાકારોને કંઠે સાંભળવા મળી શકે છે. નૂતન વર્ષે શ્રીનાથજીને સ્મરીને એમનાં આશીર્વાદ સૌ કોઈ પામે એવી શુભેચ્છાઓ.

---------------------------

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

શ્રીયમુનાજી શ્રીમહાપ્રભુજી

મારું મનડું છે ગોકુલ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીનાં વન

મારા પ્રાણ જીવન...મારા ઘટમાં

મારા આતમના આંગણિયામાં શ્રીબાલકૃષ્ણજી

મારી આંખો વાંચે ગિરધારી રે ધારી

મારું તન મન ગયું છે જેને વારી રે વારી

મારા શ્યામ મોરારી... મારા ઘટમાં

મને પ્રાણ થકી મારા વૈષ્ણવો વ્હાલા

નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા

મેં તો વલ્લભપ્રભુજીનાં કીધાં છે દર્શન

મારું મોહી લીધું મન... મારા ઘટમાં

હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું

હું તો આઠે સમા એની ઝાંખી રે કરું

મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું

જીવન સફળ થયું... મારા ઘટમાં

મને ભક્તિ મારગ કેરો રંગ રે લાગ્યો

મેં તો પુષ્ટિમાર્ગ કેરો સંગ રે સાંધ્યો

હીરલો હાથમાં આવ્યો... મારા ઘટમાં

મારી અંત સમયની સુણો રે અરજી

લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી

મારા નાથ તેડાવે... મારા ઘટમાં

ગાયક કલાકાર : આશિત-હેમા દેસાઇ

--------------------------

ક્વિઝ ટાઈમ: મોરપીંછની રજાઇ ઓઢી... ગીતના કવિ અને મૂળ ગાયક કોણ છે?

--------------------

ગયા વખતની ક્વિઝનો જવાબ: જય જય ગરવી ગુજરાત... ગીતના કવિ નર્મદાશંકર લાલશંકર દવે ‘નર્મદ’ છે.

ક્વિઝમાં ‘મુંબઇ સમાચાર’ના ઘણાં વાચકો ઉત્સાહ અને ઉમળકા સાથે સામેલ થયા હતા. પણ ‘મુંબઇ સમાચાર’એ સંપૂર્ણ સાચો જવાબ આપનારી વ્યક્તિનાં નામ જ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું હોવાથી શનિવાર સાંજ સુધી સંપૂર્ણ સાચો જવાબ આપનારા વાચકોનાં નામ આ પ્રમાણે છે. સર્વેને અભિનંદન.

ૄતહેર ઔરંગાબાદવાલા ૄશીરીન ઔરંગાબાદવાલા ૄનૂતન વિપીન ૄમાના વ્યાસ ૄઅશોક સંઘવી ૄક્ષમા મહેતા ૄમીનળ કાપડિયા ૄજ્યોતિ ખાંડવાલા ૄકિશન માખેચા ૄઅલ્પા મહેતા ૄબિનીતા ત્રિવેદી ૄમયંક ત્રિવેદી ૄહરીશ જોશી ૄઅરવિંદ કામદાર ૄચંદ્રકાંત ચૌહાણ ૄમનીષા શેઠ ૄફાલ્ગુની શેઠ ૄશૈલજા ચંદરિયા ૄનીલમ ચંદરિયા ૄદિવ્યા અજમેરા ૄરુક્મિણી શાહ ૄભારતી બુચ ૄદિલીપ પરીખ ૄજયા રાણા ૄગોપા ખાંડવાલા ૄરેણુકા ખંડેરીયા ૄનિકીતા મહેતા ૄરવિન્દ્ર પાટડિયા ૄસોનલ ઠાકર ૄકમલેશ મૈઠિયા ૄસલીમ પઢીયાર ૄજ્યોત્સના શાહ ૄધર્મેન્દ્ર મટાલિયા ૄનેહલ દલાલ ૄરમેશચંદ્ર દલાલ ૄહીના દલાલ ૄઈનાક્ષી દલાલ ૄજ્યોત્સના ગાંધી ૄરસિક જુઠાણી (ટોરોન્ટો કેનેડા) ૄમહેન્દ્ર લોઢવીયા ૄરંજન લોઢવીયા ૄદમયંતી નેગાંધી ૄહિતેશ ગોટેચા ૄપદમીની ઠક્કર

---------------------

સૌજન્ય: રૂપા ‘બાવરી’

-------------------

આપના ઉત્તર શનિવાર સાંજ સુધી અને haiyane.darbar@bombaysamachar.com પર મોકલી આપવા. શનિવાર સાંજ સુધીમાં આવેલા જવાબ જ સ્વીકાર્ય રહેશે. પછીના ગુરુવારે આ જ કોલમમાં સાચા જવાબ આપનારનાં નામ પ્રસિદ્ધ થશે. વાચકોએ જવાબની નીચે પોતાનું સંપૂર્ણ નામ લખવું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ck0k064
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com