28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દોડતી સુપર મૉમ

તેઆવી. તેણે જોયું. તે દોડી અને જીતી ગઇ... આજે પણ એ એવી હરણગતિએ દોડતી હોય છે કે આનાથી વધુ સુંદર શબ્દો ભલા શું હોઇ શકે તેને નવાજવા માટે. વીસમાં વર્ષથી તે વિવિધ સ્પર્ધાઓમાં દોડતી રહી છે. છેલ્લાં ૧૨-૧૩ વર્ષમાં તો તેણે ખૂબ યશ મેળવ્યો છે. જોકે, તેની સાથે ટીકાઓનો બોજ પણ સહન કર્યો છે. ૩૨માં વર્ષે અને એ પણ માતા બન્યા પછી જમૈકાની પૉકેટ રૉકેટ તરીકે ઓળખાતી આ શેલી ઍન ફ્રેઝરે હાલમાં જ ૧૦૦ મીટરની દોડમાં સુવર્ણચંદ્રક મેળવીને વિક્રમ સર્જ્યો છે. આ તેનો ચોથો સુવર્ણચંદ્રક છે. તેના બે વર્ષના પુત્રની હાજરીમાં જ તેણે આ સિદ્ધિ મેળવી છે.

સામાન્ય રીતે દોડવીરો આ ઉંમરે રિટાયર થઇ જતા હોય છે, પણ આ શેલીની તો શૈલી જ અનોખી છે. આ દોડમાં પ્રથમ આવનાર તે મોટામાં મોટી ઉંમરની મહિલા તો બની ઉપરાંત પ્રથમ એવી માતા પણ બની જેણે દોડમાં ચંદ્રક મેળવ્યો હોય. મતલબ કે તેણે મા બન્યા પછી પણ દોડવાનું છોડ્યું નથી. મોટા ભાગની મહિલાઓ પરણ્યા પછી, ખાસ કરીને મા બન્યા પછી ખાસ કરીને ખેલકૂદની કારકિર્દીને તિલાંજલિ આપી દેતી હોય છે, પરંતુ જમૈકાની આ શેલી જરા અલગ માટીની બનેલી છે. એ કહે છે,‘ હું ૩૨ વર્ષની છું, પણ હજુયે દોડી શકું છું. જીતી પણ શકું છું. છોકરા થયા પછી પણ પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાય છે એ જ મારે વિશ્ર્વની તમામ મહિલાઓને કહેવું છે. સપના જોતા રહો, તે અવશ્ય પૂર્ણ થાય છે. તેમાં વધતી ઉંમર આડે આવતી નથી એ જ મારે બધાને કહેવું છે. વાળ રંગેલા અને કેડમાં છોકરાને લઇને મેડલ સ્વીકારવા પહોંચેલી આ શેલીમાં ગજબનો આત્મવિશ્ર્વાસ છલકાતો હતો. તેને જોઇને જ ઘણી મહિલાઓને પ્રેરણા મળશે એમાં શંકાને સ્થાન નથી.

મોટા ભાગની મહિલાઓ મા બન્યા પછી નિવૃત્તિ લઇ લે છે. જોકે,શેલીની જેમ મા બન્યા પછી પણ વિવિધ રમતોમાં પોતાનું યોગદાન ચાલુ રાખનાર કેટલીક મહિલા ખેલાડીઓના નામ જાણવા જેવા છે. જેમ કે, મેરી કોેમ, સેરેના વિલિયમ્સ, ક્રિસ્ટી રમ્પોન, નિયા અલી જેવી મહિલા ખેલાડીઓએ બૉક્સિગં, ટેનિસ, ફૂટબોલ, એથલેટ્સની સ્પર્ધાઓમાં મા બન્યા પછી પણ ભાગ લેવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં જ સાનિયા મિર્ઝાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે તેણે પોતે મા બન્યા પછી ચાર મહિનામાં ૨૬ કિલો વજન ઘટાડ્યું છે અને આગામી જાન્યુઆરી મહિનાથી એ પાછી સ્પર્ધાઓમાં ઝંપલાવવાનું વિચારી રહી છે.

મૂળમાં મહિલાઓનું મન હોય તો માળવે જઇ શકાય અર્થાત્ સિદ્ધિ મેળવી શકાય.તેની આડે ઉંમર, લગ્ન કે માતૃત્વ કંઇ આવતું નથી. તમારી ઇચ્છાશક્તિ પ્રબળ હોય, નિયમિત પ્રેક્ટિસ અને સખત મહેનત હોય તો કોઇ પણ સંજોગોમાં સફળતાને પ્રાપ્ત કરી શકાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Dg0qbga2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com