28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કામદાર સ્ત્રીઓને રાતે બાળસંભાળ કેન્દ્રની સગવડ મળે એ સારી પ્રગતિ છે, પણ...

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લગયા અઠવાડિયે ઝળહળતા સમાચાર આવ્યા. મોટા મથાળા સાથે એક મોટા અંગ્રેજી અખબારના પહેલા પાને જણાવવામાં આવ્યું કે હવે કામદાર સ્રીઓ માટે ઓફિસમાં જ રાત દરમિયાન બાળસંભાળ/ કેન્દ્રની સવલત મળશે. ઈન્ટરનેટ ટેક્નોલોજીમાં કામ કરતાં ઘણાં મહિલા કર્મચારીઓએ પણ રાતની શિફ્ટ કરવી પડે છે, કારણ કે ઇંગ્લેન્ડ અને તેથીયે વધુ અમેરિકા - કેનેડા સમયમાં આપણાથી પાછળ છે. આ જાણીતી વાત છે. સ્માર્ટ ફોનથી પણ સરળતાથી હવે ક્યાં કેટલા વાગ્યા છે તે જાણી શકાય છે. બીજી બાજું જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં આપણાથી વહેલો દિવસ ઊગી જાય છે.

આંતરરાષ્ટ્રીય ટેલિફોનોથી માંડીને ઈન્ટરનેટ પર વ્યવસાયના કામમાં અનેક કર્મચારીઓની જરૂર પડે. મહિલા એન્જિનિયરો અને ટેક્નિશિયનો ઉપરાંત ફાઈનાન્સ, બેકિંગ અને ઉત્પાદન કામ જાણતા વ્યાવસાયિકોએ આપણી મોડી રાતના સમયે આમાંના કામ અને કોઈ સમસ્યા હોય તો તે ઉકેલવા પડે. આપણો દિવસ હોય અને આ ધનિક દેશોમાં રાત હોય તો એ લોકો થોડે રાતે જાગીને કામ કરે? આપણે આંતરરાષ્ટ્રીય વિમાનની મુસાફરીમાં પણ જોઈએ જ છીએ કે આપણે અડધી રાતે જવા કે આવવાનું જેથી અમેરિકા વગેરેથી પ્લેન ઊડે કે ઊતરે ત્યારે જેમ બને તેમ દિવસનો જ સમય હોય. ત્યાં મુખ્ય શહેરોમાં એટલો બધો વિમાનનો વપરાશ હોય કે એરપોર્ટની આસપાસમાં લોકો ફરિયાદ કરે છે કે એમની શાંતિમાં ભંગ પડે છે. આપણા લોકો તો બિચારા જ્યાં માળો બાંધી શકે ત્યાં વસવાટ કરે એટલે કે ટ્રેન કે પ્લેનના અવાજો થાય તો પણ ચલાવી લે. સતત લોકલ ટ્રેનો ચાલતી હોય તેની બાજુમાં રહેતા લોકોને પણ ઊંઘ આવી જાય છે. માનવમન સહાયક છે અને અજાણપણે તે આવા રોજના અવાજો કેન્સલ કરી દે છે. એથી જ તો વૃદ્ધોને બહેરાશ આવે તો સાંભળવા માટેની હિયરિંગ એઈડ ગમતી નથી. માનવમન ન જોઈતા રોજિંદા અને ખાસ કરીને ઝીણા અવાજોને રદ કરી દે છે. સાંભળવાનું નીરક્ષીર વિવેકથી આવું કરી શકતું નથી. હા, બહાર મોટરના હોર્નસ, પાડોશમાં વાગતું ધમધમાધમ સંગીત ખલેલ પહોંચાડે છે. ખાસ કરીને તમે ધ્યાનથી વાંચતા-લખતા હો ત્યારે. મારા પપ્પાના ઘર ઉપરથી રોજ રાતે પરદેશ જતાં વિમાનો ઊડે છે. એક વાર મારી ખાસ બહેનપણી રાત રોકાવા આવેલી. ત્યારે તો હજી આટલાં બધાં વિમાનો ઊડતાં નહીં. પોતાની નિદ્રામાં ખલેલ પહોંચી ને સવારે એણે મને પૂછયું કે તમે લોકો આવા અવાજથી ઊઠી જતા નથી? મેં તો સાંભળ્યો જ નહોતો. રાતે બે વાગ્યે અવાજ આવે તે વિમાનનો હોય તે આપણે એ જોડે કાંઈ લાગતું વળગતું નથી એ મન સમજી ગયું હશે. હવે તો ત્યાંથી અનેક વિમાનો અડધી રાતે ઊડે છે ને સૌ નિરાંતે સૂઈ રહે છે.

મૂળ વાત પર આવીએ તો હા, કર્મચારી બહેનોને બાળસંભાળ કેન્દ્ર રાતે પણ મળે એ સારી પ્રગતિ કહેવાય, જો કે એમાં સંભાળવા જેવું છે. ૧૯૬૦ના ગાળામાં અને તે અગાઉ પણ સામ્યવાદી મહિલા મઝદૂર સંગઠનોએ કામના સ્થળે મઝદૂર સ્રીઓ માટે બાળસંભાળ કેન્દ્રની માગ કરેલી. એ સ્વીકારાઈ પણ ખરી. ત્યાર પછી બે ઘટનાઓ બની. એક તો ગ્લેક્સો વગેરે કંપનીઓમાં સારા અને સુઘડ બાળસંભાળ કેન્દ્ર કાઢ્યાં અને બીજું કે મિલો વગેરેમાં સ્રીઓને કામ મળતું ઓછું થઈ ગયું હોય તો સગર્ભા થાય અને આવાં ક્રેશ રાખવા પડે ને! જ્યાં જ્યાં સ્રી કર્મચારીઓની ઘણી જરૂર હોય ત્યાં આ સવલત પણ જરૂરી બને છે. એક તો પેલા સ્રી સંગઠનને કારણે હવે લગ્ન કરે તે સ્રીને કામમાંથી છૂટી કરી દેવા સામે પણ સફળ લડત કરેલી. પરણે તો પાછી સગર્ભા થાય અને સવલતો આપવી પડે. આ ઘણા માલિકોને જચતું નહોતું. હવે તો સાંભળ્યું છે કે અમુક બૅંકોમાં પણ સ્રી ઓફિસર કે ક્લાર્ક હોય પણ સૌ માટે દિવસ દરમિયાન કામના કલાકો માટે બાળસંભાળની સવલતો છે.

પેલી કામદાર બહેનોની તો વાત જ ટળી ગઈ. કારણ કે મુંબઈ હવે ઔદ્યોગિક કેન્દ્ર નહીં પણ વેપારી કેન્દ્ર છે. અહીંની મોંઘાદાટ જમીન ઉપરથી ઉત્પાદન કેન્દ્રો બંધ થાય છે અને મહાલયો ઊભા થાય છે જ્યાં દેશવિદેશની કંપનીઓના મોમાં આંગળા નાખી જાઓ એવી ઓફિસો બનાવે છે. મૉલ્સ બને છે, જ્યાં કાપડની મિલો હતી ત્યાં ધનિક પરિવારો વસવાટ કરે છે, ઘણી વાર બાજુમાં મિલોનાં ભૂંગળા પણ દેખાય. ઉત્પાદન હવે ગ્રામીણ કે નાનાં શહેરોમાં ખસેડાઈ ગયું છે. આ સોસાયટીઓમાં પણ માર્કેટથી માંડીને ક્લબ વગેરે હોઈ શકે પણ બાળસંભાળ કેન્દ્ર નહીં. અહીંની સ્રીઓ પણ પોતાના હોદ્દા મુજબનું કામ કરવા જાય છે અને બાળકને સંભાળવા બાઈ મળતી નથી એવા ઉદ્ગારો કાઢે છે.

જૂનાં રાત્રિ બાળસંભાળ કેન્દ્રો

આ ક્ષેત્રમાં નિર્મલા નિકેતનની સોશિયલ વર્ક કૉલેજે અદ્ભુત અને મૌલિક કાર્ય શરૂ કરેલું. ત્યારની એમની વિદ્યાર્થિની પ્રીતિ પાઈ (હવે પાટકર) ત્યાં મુખ્ય કાર્યનું સંચાલન કરતી અને આગળ જતાં એણે જ સંસ્થા બનાવી બધું કાર્ય ઉપાડી લીધું. આ હતું મુંબઈના જાણીતા સેક્સ વર્ક વિસ્તારમાં સેક્સ વર્કમાં જોડાયેલી મહિલાઓનાં બાળકો માટેનું રાત્રિ બાળસંભાળ કેન્દ્ર, ત્યાર પછી તો એમનું કામ વિસ્તર્યું. અને આજે બીજા પણ એક-બે ગ્રુપો આ કાર્ય કરે છે. આવાં બાળસંભાળ કેન્દ્ર સ્થાનિક મ્યુનિસિપલ શાળામાં ચાલે. અહીં સાંજ પડે. ઘરાકી મળે ત્યાર સુધીમાં બાળકો આવી જાય.

શાળામાં જતા હોય તે હોમ વર્ક કરે, પોષક ખોરાક મેળવે અને સૂવા માટે સ્વચ્છ ગોદડી-તકિયા ઈત્યાદિ વાપરો. સવારની શાળા ચાલુ થાય તે અગાઉ બાળકો જતાં રહે. કોઈ કોઈને એમની મા કામ ન મળે એમ હોય તો લઈ પણ જાય. છોકરાં ગીત શીખે, રમત રમે અને કાંઈક ગૌરવશીલ બાળપણ ગાળે. આવું ન હોય ત્યાં બાપડા માતાના ખાટલા નીચે કે માળિયે સૂઈ જાય અને માતાનું કામ ચાલુ રહે. આપણાં બધાં માટે આ હકીકત શરમજનક છે. કોઈ સ્રીએ સેક્સ વર્ક કરવું કે નહીં એ અહીં ચર્ચાનો વિષય નથી. એ બહુ જટિલ અને અટપટી સમસ્યા છે. ક્યાંક ક્યાંક સેક્સ વર્કરોએ કહ્યું પણ છે કે આ કામમાં આવતાં પહેલાં એમણે બાંધકામ કે ઘરના કામો કરેલા છે. ત્યાં મુકાદમ કે ઘરનો કોઈ પુરુષ મફતમાં લાભ લે અને વેશ્યાવાડે પૈસા આપીને કામ કરાવે. અહીં પેદા થતાં બાળકો આખા સમાજના સંતાનો છે.

ક્યારેક ક્યારેક સેક્સ વર્કરોને કોઈ ઘરાક જોડે સ્નેહનો નાતો બંધાઈ જાય છે. પેલો માણસ નિયમિત આવે અને માનવસંબંધ રાખે. બીજી રીતે મદદરૂપ થાય તો અહીં એ વિશેષ મુલાકાતી ગણાય. પેલો ભેટ કે કાંઈ આપે પણ એણે અમુક રૂપિયામાં આટલો સમય ત્યાં રહેવું એવું નક્કી ન હોય. ક્યારેક બંનેને ખબર પણ હોય કે આવનાર બાળક કોનું છે. આવી છઠ્ઠા ધોરણમાં એક બીએમસીની શાળાના મરાઠી વિભાગમાં ભણતી એક છોકરી એક પ્રકલ્પમાં મળેલી. અસલ નેપાળી દેખાય. કેમ મરાઠી માધ્યમમાં હતી તો કહે કે એના પિતા મરાઠીભાષી છે અને એમની ઈચ્છા છે કે દીકરી મરાઠીમાં ભણે. બહુ ઉત્સાહી અને હોશિયાર છોકરી. અમે જ્યાં જ્યાં છોકરીઓ પાસે પ્રશ્ર્નોત્તરી લઈને ગયેલાં ત્યાં ત્યાં છેલ્લે એમને માટે મેળા જેવો શૈક્ષણિક ઉત્સવ કરતાં અને છોકરીઓને એમનો ફોટો લઈ એક સ્ક્રેપબુક જેવી ડાયરી બનાવી ભેટ આપતા. એ શાળામાં એક સિનિયર આડા પડ્યા કે આમ ફોટા લઈ છોકરીઓને વેચી દેવામાં પણ આવે વગેરે. મૂળ એ ભાઈને આચાર્યા જોડે વાંકું પડેલું હતું. અમે કહ્યું કે ચાલો, વાલીઓની મીટિંગ લઈ પૂછી જોઈએ. આમ પણ પેરન્ટ્સ મીટિંગમાં માતા જ વધુ જતી હોય છે. આ વિસ્તારમાં સેક્સ વર્ક ઉપરાંત અન્ય વ્યવસાયોમાં હોય એવી પણ વસતિ હતી. પેલી છોકરી હસતી હસતી આવી કે આવો, મારી મા આવી ગઈ છે. એને મળો. ત્યાં સ્રી જ્યારે ધંધા માટે ઘરાક શોધતી હોય ત્યારે મેક્સી ઉપર દુપટ્ટો નાખીને ખરીદી કરવા કે બીજા કામે જાય. નેપાલી માતા પણ દુપટ્ટો નાખીને આવેલી અને સાહજિકતાથી અમારી જોડે વાત કરતી હતી. થોડા સમય પછી અમે ગયાં ત્યારે એ છોકરીની માતાએ કોઈક હોસ્ટેલમાં મૂકી દીધેલી. જુવાન થવા માંડે અને કોઈ ઘરાક કે સેક્સ દલાલની આંખે ચડી જાય તો બહુ તકલીફ થાય. સલામતી માટે

અહીંની છોકરીઓને સરકારી કે બિનસરકારી હોસ્ટેલોમાં રખાય છે. આમાં પણ કેટલી વીસે સો થાય છે એ જાણવા જેવું છે. છોકરાઓ તો બાપડા નાનામોટા સાચા ખોટા કામ કરી સ્વતંત્ર થાય છે. આ

છોકરીઓ અઢાર વર્ષે બહાર પડે પછી શું? પછી તો હોસ્ટેલનો આશરો ગયો. થોડા વર્ષ અગાઉ એક યુવતી અમારી ઓફિસે કામ શોધવા આવેલી. એની ભલામણમાં એક હોસ્ટેલ સુપરવાઈઝર બહેનનું નામ હતું અને કાયમી સરનામું વગેરે પણ ત્યાં જ. એ અહીં ચર્ચાય છે તે વિસ્તારમાં રહેતી હતી. માતા કદાચ મરી ગઈ હશે, ત્યાં ટી.બી., ગુપ્ત રોગો અને એઈડ્સનું પ્રમાણ વધારે હોય તેથી એવું બની શકે. એને મા-બાપ, ભાઈ-બહેન, કાકા-મામા, માસી કે ફોઈ કોઈ જ નહોતું. મેં ડફોળની જેમ પૂછયું કે એવું તે કાંઈ હોય. મૂળ વતન કયું તો કહે ખબર નથી. એને પછી બીજે કામ મળી ગયું તે સારું થયું.

એક સેમિનારમાં આ જ પ્રકારની એક યુવતીએ કહેલું કે પોતે સૌ થોડા થોડા ભેગા થઈ લીવ એન્ડ લાઈસન્સ પર ઘર ભાડે રાખે છે. ત્યાં પણ મુશ્કેલી છે, કારણ કે બધાં એકલી છોકરીઓને ઘર આપે નહીં અને સગા અને વતનમાં ઝીરો. ભલું થજો પેલા રાત્રી બાળસંભાળ કેન્દ્રનું અને પેલી હોસ્ટેલોનું જ્યાં અઢાર વર્ષ સુધી તો આ સંતાનોને આશરો મળે છે.

આ કથાઓ ક્યારે પણ છાપાનાં પહેલા પાને જોઈ છે? દરોડા પાડ્યા, આટલીને છોડાવી, આટલીની ધરપકડ કરાવી, આટલીને સરકારી આશ્રય સ્થાનોમાં મૂકી વગેરે આવે પણ આઈ.ટી.ની ઓફિસોમાં રાતના બાળસંભાળ મળી રહે છે એવી પહેલે પાને છડી પોકારાય છે ત્યારે પેલાં સેક્સ વર્કના વિસ્તારમાં રાતે કામ કરતી મહિલાઓનાં બાળકોને સાચવવાનું કામ કરતી બહેનોને સલામ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6w3yIVof
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com