28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સોશિયલ મીડિયા: અફવાઓ અને અંધાધૂંધી ફેલાવવા માટેનું સરળ, સુગમ, સસ્તું હથિયાર!

રંગ છલકે-કિન્નર આચાર્યસોશિયલ મીડિયા: અફવાઓ અને અંધાધૂંધી ફેલાવવા માટેનું સરળ, સુગમ, સસ્તું હથિયાર!

હમણાં એક સમાચાર વાઇરલ થયા કે, "દેશની સર્વશ્રેષ્ઠ ટ્રેન તેજસ એક્સપ્રેસમાં ભોજન લીધા પછી ૨૪ પેસેન્જરો બીમાર પડ્યા, ત્રણની હાલત અતિ ગંભીર! સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સમાચાર મુકાયા કે બે’ક કલાકમાં એક હજારથી વધુ લોકોએ એ શેર પણ કર્યાં. આપણે જાણીએ છીએ કે તેજસ એક્સપ્રેસનો કોન્ટ્રાકટ પ્રાઇવેટ કંપનીને અપાયો છે અને એ રેલવેનાં ખાનગીકરણની દિશામાં પ્રથમ કદમ ગણાય છે. સ્વાભાવિક છે કે, આ સમાચારથી ખાનગીકરણની આખી પ્રક્રિયા પર બ્રેક લાગી જાય. આ સમાચાર ખરેખર ચોંકાવનારા હતા. એટલે જ આવા ન્યૂઝની ખરાઈ કરતી એક વેબ સાઇટે ખાંખાખોળા કર્યાં અને ખ્યાલ આવ્યો કે, આ ન્યૂઝ જૂનાં છે, ૨૦૧૭ની સાલમાં અન્ય કોઈ ટ્રેનમાં આવું બન્યું હતું! તેજસનું નામ શા માટે લેવાયું? માત્ર તેને બદનામ કરવા અને એવું ઠસાવવા કે, "પ્રાઇવેટાઇઝેશનથી કશો જ ફર્ક પડવાનો નથી!

જૂઠા સમાચાર અને અફવાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયા એક અત્યંત સરળ, સુગમ અને સસ્તું હથિયાર બની ગયું છે. સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રશસ્તિગાન કરતો એક લેખ વાઇરલ થયો છે. તેમાં મોદીના ભરપૂર વખાણ છે, કહો કે, એ મોદીની સોફ્ટકોપીમાં ષોડશોપચાર પૂજા જ છે. માલિક કરતા દાસ ઉછાંછળા અને ગોલા કરતાં ગધા ડાહ્યાં. નાદાન-ભોળા અનુયાયીઓ રાત-દિન આ લેખ ફોરવર્ડ કર્યા કરે છે. લેખ પહેલા દાવો થયો છે કે, એ આર્ટિકલ ન્યુયોર્ક ટાઇમ્સ દૈનિકના તંત્રી જોસેફ હોપ્સએ લખ્યો છે. આખા જગતને આ લેખ મોકલી ભક્તો કહી રહ્યા છે: લ્યો.. લેતા જાઓ.. હવે તો ન્યૂયોર્ક ટાઇમ્સ પણ અમારાં આરાધ્ય દેવતાનાં ભજનો ગાય છે. નવરા હાથ તણખલાં તોડે કે વાળ ઉખાડે. પ્રવૃત્તિ નિવૃત્ત લોકો જાણે કોઇ અનુષ્ઠાન આદર્યું હોય તેમ આ મેસેજ ફોરવર્ડ કરી રહ્યાં છે. ઝેરનું મારણ જેમ નાગરવેલના મૂળિયા હોય તેમ આવાં મેસેજનું મારણ એટલે, ગૂગલ મહારાજ. ઇન્ટરનેટના દેવાધિદેવ. જગતની દરેક સમસ્યાનો ઉકેલ મહાદેવ પાસે છે. પણ મનુષ્યને ગૂગલ જ સાધ્ય છે. અને આ દેવોના પણ દેવતા ગૂગલ કહે છે કે, જોસેફ હોપ્સ નામના કોઇ તંત્રી કે પત્રકાર આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતા જ નથી! તેઓ સેલિબ્રેટિયન યુનિવર્સિટીમાં ક્વાન્ટમ થિયરી અને એટમ લેઝર્સના નિષ્ણાત છે અને આ વિષય પર જ રિસર્ચ કરે છે. ન્યૂયોર્ક ટાઇમ્સ સાથે તેમને નાડી-નેફાનો નાતો પણ નથી અને કમસે કમ આ જન્મમાં તો તેઓ પત્રકાર-તંત્રી નથી જ.

આવું પ્રથમ વખત નથી બન્યું. છેલ્લાં બે-ચાર વર્ષ દરમિયાન ફેક મેસેજીસ અને ગપ્પાંબાજી જેવાં હોક્સ મેઇલે દાટ વાળ્યો છે. કાનખજૂરાના બોંતેર પગ હોય, કેટકેટલાં ભાંગવા ! આવા વાઇરલ કાનખજૂરાના બોંતેર લાખ ટાંટિયા હોય છે. સ્વાઇન ફલૂના વાઇરસની જેમ આવા મેઇલ-મેસેજ અત્રતત્રસર્વત્ર ફેલાઇ જાય, કોઇના મોબાઇલમાંથી એ ડીલીટ કેમ કરીને કરવા! બાહુબલી રિલીઝ થયું ત્યારે ન્યૂઝ લોન્ડ્રીના ડાબેરી પત્રકાર મધુ ત્રેહાનના નામે મેસેજ વાઇરલ થયો જેમાં મધુએ ફિલ્મમાં એક પણ મુસ્લિમ પાત્ર નહીં હોવાના કારણે તેના સર્જકોની ટીકા કરી હતી. હિન્દુવાદી સાઇટ્સ પર મધુ માટે જાણે ધોબીઘાટ ખૂલી ગયો હોય એવી તેમની ધોલાઇ થઇ. પોતે આવું કશું કહ્યું જ નથી એવું સમજાવતા મધુને નાકે દમ આવી ગયો. પણ કહેવાતા રાષ્ટ્રભક્તો અને ભારતમાતાના ડાહ્યાડમરાં સંતાનો તો એ પહેલાં જ મધુબહેનને સોફ્ટ કોપીમાં ફાંસી આપી ચૂક્યા હતા. સત્ય બહાર આવ્યું પછી પણ રાઇટ વિન્ગના ઠેકેદારોએ અફસોસ સુધ્ધાં વ્યક્ત ન કર્યો. નફ્ફટની પૂંઠે બાવળિયો ઉગે તો એ શું કહે? એમ જ કે, હશે ભાઇ... છાંયડો થયો!

કેંદ્રમાં નવી સરકાર રચાઇ એ પછી બટકબોલાં કટ્ટરવાદી સંગઠનોને જાણે સ્ટેરોઇડ્સનાં ઇન્જેક્શનો ખોસ્યા હોય એવું જોમ ચડ્યું છે. આવા નેતાઓની જીભડી સવા મીટરની થઇ ગઇ છે. અને હાથ સાવ ટુંકા છે. સ્વરાજ્યના કોલમિસ્ટ શૈફાલી વૈદ્યએ ટ્વિટ કરીને નેશનલ એડવાઇઝરી કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્ય જીન ડ્રીઝ સામે અભિયાન છેડયું હતું. શૈફાલીનો દાવો હતો કે, વિદેશી નાગરિક હોવા છતાં જીનને કાઉન્સિલમાં સ્થાન મળી ગયું. અર્થશાસ્ત્રની જીનએ સાબિત કર્યુ કે તેઓ ૩૭ વર્ષથી ભારતમાં રહે છે. અને ૨૦૦૨માં જ તેમને ભારતીય નાગરિકત્વ મળી ગયું હતું! પણ, આવી સ્પષ્ટતાઓ સાંભળે છે કોણ! હજુ પણ આ મેસેજ હવામાં આમતેમ ઘુમરાઇ રહ્યો છે.

સોશિયલ મીડિયાની આ મજા એ છે કે, તેમાં અલમોસ્ટ કશું જ નાશવંત નથી. લગભગ બધું જ શાશ્ર્વત છે, અજરામર છે. અને આ જ કદાચ સજા પણ છે. ફેક હમ્બગ સમાચાર જો પ્રિન્ટ મીડિયામાં છવાય તો તેનું ફોલો-અપ બંધ કરીને તેની અસર ડાઇલ્યૂટ થઇ શકે છે. ચેનલ પર પણ આવું થઇ શકે. સોશિયલ મીડિયા પર આવું અસંભવ છે. અહીં એક વખત મિસાઇલ છૂટી ગયા પછી તેનો ક્ધટ્રોલ કોઇની પાસે હોતો નથી. એક મેસેજ વહેતો થયો કે ફલાણા નંબર પરથી ફોન આવે ને કોઇ ઉપાડશે તો મોબાઇલમાં બ્લાસ્ટ થઇ જશે! ખણખોદીયાઓએ તપાસ માંડી તો ખ્યાલ આવ્યો કે, આવા કોઇ કોલ ક્યાંયથી, કોઇને આવતાં જ નથી. મેસેજ સાથે ફોન બ્લાસ્ટનો જે ફોટો વાઇરલ થયો હતો એ ધડાકો મહારાષ્ટ્રના કોઇ ગામમાં ચાર્જિંગ સમયે થયો હતો.

વાદળોમાં શિવની અને ગણેશની આકૃતિના ફોટોગ્રાફસ, કૈલાશમાં મહાદેવના દર્શન... આ તસવીરો સતત વાતાવરણમાં ફરી રહી છે. આ બધો કમાલ ફોટોશોપનો છે એવું સમજવા માટે કંઇ રોકેટ સાયન્સ કે અવકાશ વિજ્ઞાનનું જ્ઞાન જરૂરી નથી. એનાં માટે માત્ર સિકસ્થ સેન્સ જ ખપે. આ છઠ્ઠી ઇંદ્રિય એટલે, કોમન સેન્સ. ૨૦૦૦ રૂપિયાની નોટમાં કોઇ માઇક્રોચીપ હોઇ જ ના શકે એ જાણવા નોટ ફાડવાની આવશ્યકતા જ ન હોય. આવા મેસેજ ફોરવર્ડ કરવા એ પણ એક દ્રષ્ટિએ ડેટાનો વ્યય છે. ડિઝિટલ યુગમાં ડેટાની કિંમત નમક જેટલી છે અને તેનું મૂલ્ય પણ સોલ્ટ જેટલું છે. ન એ ઓછું ચાલે, ન તેનો દુરુપયોગ કરાય. થોડાં સમય અગાઉ કોઇએ મેસેજ વાઇરલ કર્યો કે, નરેન્દ્ર મોદીના ઉદયની આગાહી ફ્રેન્ચ ભવિષ્યવેતા નોસ્ત્રાદોમસ સદીઓ પહેલાં જ કરી ચૂક્યો હતો. અને પોતાની ગૂઢ ભવિષ્યવાણીમાં તેણે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ નરેન્દ્રુસ તરીકે કર્યો હતો! આ નોસ્ત્રાદોમસ પણ એક જબરું પાત્ર છે. આપણે ત્યાં પોતાના બિલ્ડિંગના પ્રેસિડેન્ટની ચૂંટણી કોઇ જીતે તો પણ તેને નોસ્ત્રાદોમસની આગાહી સાથે સાંકળતા હોય છે. ઊંડી તપાસ કરાતાં માલૂમ પડ્યું કે આ ટાઢા પ઼્હોરનું ગપ્પું હતું. ઓડાં દેખી જેમ ખોડાં ગૂડે તેમ આવા મેસેજ એક પ્રકારની પ્રેકિટસ જેવાં થઇ પડ્યાં છે. પોલિટિકલ પાર્ટીના સાયબર વોર રૂમ અને પાવર બ્રોકર્સના ફળદ્રુપ ભેજાંની ફસલ જેવાં સંદેશાઓ ફેલાવવામાં જાણતાં - અજાણતા સામાન્ય પ્રજા પણ હાથો બને છે. હોરાજીની દાઢી ભલે ને કોઇને કાજે તાપણું થાય તેવો ઘાટ છે બિહારની એક મુસ્લિમ સ્ત્રીના નામે વીડિયો વાઇરલ થયો છે. બુરખો નહીં પહેરવા બદલ આ સ્ત્રીને મુસ્લિમોનું એક ટોળું જાહેરમાં મોતને ઘાટ ઉતારી દે છે. વીડિયો આવ્યોને ગોકિરો મચ્યો. દિવસો પછી છતું થયું કે એ ક્લિપ બિહારની પણ નથી અને ભારતની પણ નથી, વાસ્તવમાં એ વીડિયો ગ્વાટેમાલાની એક આંતરિક ઘટનાનો છે. આવી જ રીતે બિહારના વીડિયો તરીકે વધુ એક ક્લિપ ખપાવાઇ. એક હિન્દુ શખ્સને તેમાં મુસ્લિમ યુવાનો મોતને ઘાટ ઉતારતાં દેખાય છે. વીડિયો સાથે મેસેજ પણ મોકલાયો કે, આ વીડિયોને એટલો ફેલાવો કે, એ મોદીજી સુધી પહોંચે... મોદીજી સુધી પહોંચ્યો કે કેમ એ તો તેઓ જાણે, પરંતુ તુરંત જ તપાસ થઇ અને ખ્યાલ આવ્યો કે, આ વીડિયો બિહારનો નહીં ક્ધિતુ બાંગ્લાદેશનો છે!

સ્થાપિત હિતો ચોક્કસ પ્રકારના અન્ડરગ્રાઉન્ડ પ્રોપેગેન્ડાના ભાગરૂપે આવી ક્લિપ્સ અને આ પ્રકારના ક્ધટેન્ટ વાઇરલ કરે છે. અને ઓવરગ્રાઉન્ડ પ્રોપેગેન્ડાના હિસ્સારૂપે એ માધ્યમો પર ઝળક્યા કરે છે. દસેક મહિના પહેલાં રાજકોટના નવાં બસ સ્ટેન્ડના અફલાતૂન ફોટોઝ વાઇરલ થયાં. એરપોર્ટ કરતાં પણ વધુ ઝાકઝમાળ ધરાવતી આ તસવીરો સાથે કહેવાયું કે, આ કોઇ એરપોર્ટ નથી, ગુજરાતના રાજકોટ શહેરનું નવનિર્મિત બસ સ્ટેન્ડ છે. આને કહેવાય વિકાસ!

તું મારી શરણાઇ ફુંક, હું તારો શંખ વગાડુંના ન્યાયે દેશની ટોચની સેલિબ્રિટિઝએ પણ આ ફોટોગ્રાફ્સ શેર કર્યાં. ઇન્ફોસિસના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં રહી ચૂકેલા મોહનદાસ પાઇએ આ મેસેજ માથે મટુકડીની જેમ ઊંચક્યો અને શેર કર્યો. ગોએન્કા ગ્રુપના ચેરમેન એચ.વી. ગોએન્કાએ માથે મોરપિંછની માફક આ મેસેજ ખોસ્યો અને સોશિયલ મીડિયા પર નૃત્ય કર્યા. ખુદ ભાજપના જ સાંસદ બાબુલ સુપ્રિયોએ પણ રાગ દરબારી આલાપ્યો. એકદમ ઊંચા-બુલંદ સ્વરે. બાય ધ વે, આવું કોઇ બસ સ્ટેન્ડ રાજકોટમાં બન્યું જ નથી. આ મેસેજ વાઇરલ થયો ત્યારે તો રાજકોટના બસ સ્ટેન્ડની યુરિનલ નજીકથી પણ પસાર ન થઇ શકીએ તેવી તેની હાલત હતી. હા! નવું બસ સ્ટેન્ડ અત્યારે બને છે જરૂર. પણ એ કેવું બનશે એ ભગવાન જાણે. ચોક્કસ પ્રકારની આવી હરકતો માત્ર રાઇટ વિન્ગ તરફથી જતી હોય તેવું નથી. આ સ્નાનકક્ષમાં સઘળાં દિગંબર છે. નરેન્દ્ર મોદી અને સચિન તેંડુલકર પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસના સોફા પર બેસી વાતો કરતાં હોય અને પીએમઓની દીવાલ પર મુકેશ અંબાણીનો ફોટો ટીંગાયેલો હોય એવો ફોટો સોશિયલ મીડિયામાં મોદી વિરોધીઓ સાબિત કરવા માગતા હતા કે, અંબાણી પર મોદીના ચારેય હાથ છે. ઓરિજિનલ તસવીર જો કે, ખુદ મોદીએ રિલીઝ કરી હતી, પરંતુ સ્વાભાવિક છે કે પીએમઓની ભીંત પર અંબાણીનો ફોટો ન જ હોય. કદાચ અંબાણીનું નામ તેમના હૈયે કોતરાયેલું હોય તો પણ આવો તમાશો કરે એટલાં તેઓ ભોળા નથી. અંબાણીની તસવીર ધરાવતી એ તસવીર અસલમાં કોઇએ ફોટોશોપમાં બનાવી હતી.

ક્યાં ક્યાં સુધી પૂગી શકાય! સોશિયલ મીડિયા એક ઉપયોગી ઉપકારક એવું ફેન્ટાસ્ટિક પ્લેટફોર્મ છે. તેનો સદુપયોગ જ્ઞાન ગમ્મત અને સવલત તથા કમાણી સુધીનું ઘણુંબધું આપે છે, પરંતુ તેનો દુરુપયોગ અનર્થ સર્જવા સક્ષમ છે. કેસરની ક્યારી બનાવી ને આપણે ગુલાબજળથી બીજ સીંચીએ તો કોઇ સુગંધી દ્રવ્ય જ ઊપજે એવું કોણે કહ્યું! આપણે જો ડુંગળીયા બીજ રોપ્યાં હોય તો કાંદા જ ઊગે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8541Ow45
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com