13-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સઈ, સોની ને સાળવી, શરમ ન રાખે જાળવી: વ્યવસાયલક્ષી કહેવતો

ઝબાન સંભાલ કે-હેન્રી શાસ્ત્રીદિવાળી, નવું વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમના સપરમા દિવસો રંગેચંગે પૂરાં થઇ ગયા. રોશનીનો આ તહેવાર તમારા સૌના જીવનમાં ઉજાસ લાવી દે એવી પ્રાર્થના. દિવાળીના દિવસોની તૈયારી કરતી વખતે તમારે વિવિધ વ્યક્તિઓ સાથે પનારો પડતો હોય છે. આ યાદી સમય અનુસાર નાની-મોટી થતી હોય છે, પણ એમાં એક નામ અડિંગો જમાવીને બેઠું હોય છે. એ નામ છે સઈ જે મેરાઈ તરીકે પણ ઓળખાય છે. જોકે, સામાન્ય બોલચાલમાં આપણે એને દરજી તરીકે ઓળખીએ છીએ.

દિવાળીના દિવસોમાં નવા કપડાં પહેરવાની ઈચ્છા લગભગ સૌ કોઈને હોય. હવે જોકે રેડીમેડનો જમાનો આવ્યો છે, પણ પહેલા તો કપડું લઇ દરજી પાસે નવા કપડાં સીવડાવવા માટે દેવાતા. દિવાળીમાં મોટી ઘરાકી નીકળે એટલે દરજી પાસે ધસારો જોવા મળે અને કોઈને ના ન પડાય એવો મંત્ર ગોખી રાખનાર દરજી કામ તો લઇ લે પણ પહોંચી ન શકે એટલે વાયદા કરે કે ‘આજ દઉં છું ને કાલ આપું છું, સવારે આપીશ કે સાંજે લઇ જાવ’ એમ કહીને ધક્કા પર ધક્કા ખવડાવ્યા કરે. દિવસ-રાત ઉજાગરા કરીને મોટા ભાગના વાયદા પૂરા તો કરી દે, પણ ઘરાકને છેલ્લે સુધી અધ્ધર શ્ર્વાસે રાખે. નસીબ ખરાબ હોય એને તો દિવાળી જૂના કપડા પહેરીને જ ઉજવવાનો વારો આવે. આજની તારીખમાં મોચીની સંખ્યા નજીવી થઇ ગઈ છે, પણ અગાઉ તહેવાર કે લગ્નપ્રસંગે નવા જૂતા મોચીને ઑર્ડર આપીને તૈયાર કરવામાં આવતા અને એ પણ દરજીની માફક વાયદાઓ કર્યા કરતો. આ બેઉના વલણ પરથી કહેવત બની છે કે ‘સઈની સાંજ અને મોચીનું વહાણું’ જે ખોટા વાયદા કરવા વિશેની કહેવત તરીકે જાણીતી છે. સઈનો ઉલ્લેખ ધરાવતી અન્ય એક કહેવત છે કે ‘સઈ, સોની ને સાળવી, શરમ ન રાખે જાળવી.’ આ ત્રણેય વ્યાવસાયિકો પોતાના ધંધામાં નફો વધારવાના હેતુથી કોઈની સાડીબાર નથી રાખતા એવું જણાવવાનો ઉદ્દેશ આ કહેવત પાછળ છે. પેન્ટ-શર્ટ સીવવા માટે જે લંબાઈનું કપડું દરજી માગે એ ચૂપચાપ દઈ દેવું પડે છે અને કપડાં સિવાઇ ગયા પછી ‘કપડું વધ્યું હોય તો પાછું આપજા’ે એમ નથી કહી શકાતું કે નથી દરજી કોઈ કપડું પાછું આપતો.

ઘરેણાં બનાવતોે સોની માગે એટલું વધારે સોનું એને દીધા વગર છૂટકો નથી હોતો એવો અનુભવ તો તમે જરૂર કર્યો હશે. હવે વાત કરીએ સાળવીની. સાળવી એટલે કે વણકર કહે કે ‘મેં સાડી તૈયાર કરી એમાં આટલી જરી વાપરી કે આટલા દોરા વાપર્યા’ તો એ વાત સામી દલીલ કર્યા વિના સ્વીકારી જ લેવાતી હોય છે. આ ધંધાર્થીઓ ખોટું કરે છે એવું કહેવાનો ઈરાદો નથી, પણ એમની આગળ તમારું કંઈ ચાલે નહીં એ હકીકત છે.

વ્યવસાયને કારણે જાણીતી બનેલી અન્ય એક કહેવત છે ‘સુથારનું મન બાવળિયે’. કામ દરમિયાન સુથારને કાયમ લાકડા સાથે પનારો પડતો હોય છે. દરેક જગ્યાએ એની નજર લાકડું જ શોધતી હોય છે અને એના પરથી કહેવત પડી છે કે ‘સુથારનું મન બાવળિયે.’ માણસનું મન પોતાની રુચિ પ્રમાણેની વસ્તુ ઉપર જ ચોંટતું હોય છે એ અહીં દર્શાવવાનો ઇરાદો છે.

‘ધોબીનો કૂતરો, નહીં ઘરનો કે નહીં ઘાટનો’ એ કહેવત તમે અનેક વખત સાંભળી હશે. આ કહેવતના જન્મ પાછળની કથા જાણવા જેવી છે. વાત એમ છે કે પરિવારને બે ટંકના રોટલા ભેગો કરવા માટે ધોબીએ ઢગલાબંધ કપડા લઇને નદી કિનારે (હિંદીમાં કિનારો ઘાટ તરીકે ઓળખાય છે) આવજા કરવી પડે છે. આ કપડાનું વજન ખેંચી શકે એ માટે એ ગધેડાનો ઉપયોગ કરે છે. આના પરથી કહેવત પડી છે કે નજીવી આવક ધરાવતા ધોબીને ઘરમાં રહેલી સંપત્તિનું રક્ષણ કરવાની જરૂર નથી કે નથી એ એટલો મજબૂત કે ઢગલાબંધ કપડાનો ભાર વહન કરીને આવજા કરી શકે. આમ ધોબીને કૂતરો ઘરમાં કે ઘાટ પર કામ આવે એવો નથી.

-------------------------

ભારતીય ભાષાની એક ખાસિયત કહો તો ખાસિયત અને વિશિષ્ટતા કહો તો વિશિષ્ટતા એ છે કે રૂપકોના ઉપયોગથી ભારેખમ વાત હળવાશથી કરી શકાય છે. ઘણી વખત આવી કહેવત વાંચતી વેળાએ એના અર્થની તીવ્રતા વાગતી નથી પણ વાત સમજાઈ જરૂર જાય છે. અહીં આપેલી કહેવત પરથી એ વાત સ્પષ્ટ થઈ જશે.

ઘરૂ અળજ્ઞઈંબિ નૂ રુલફ રુડપળ ટળજ્ઞ નુલબળૂ લજ્ઞ હ્લપળ જફ? આ કહેવતમાં વપરાયેલા બે શબ્દો ઓખલી અને મૂસલોં વિષે પહેલા જાણીએ. ઓખલી એટલે ખાંડણિયો અને મૂસલ (મૂસલોં મૂસલનું બહુવચન છે) એટલે સાંબેલું.

કહેવતને શબ્દાર્થમાં સમજીએ તો ખાંડણીમાં માથું મૂકી દીધા પછી સાંબેલું કેવું અને કેટલું વાગશે એની ચિંતા ન હોય.

મતલબ કે કષ્ટ સહન કરવાની માનસિક તૈયારી હોય પછી ગમે એટલા દુ:ખ આવી પડે તોય બીક લાગે નહીં એવો એનો ભાવાર્થ છે. આ કહેવતમાં ઓખલી અને મૂસલ એ બે શબ્દોના ઉપયોગને કારણે ભાવની તીવ્રતા સમજાઈ જાય છે.

-----------------------

ગુજરાતી અને મરાઠી એ બે ભગિની ભાષા છે એનું વધુ એક સચોટ ઉદાહરણ એટલે આ કહેવત. ‘મનાત માંડે, પદરાત ધોંડે’ એ કહેવતનો ભાવાર્થ છે કે મનમાં મોટા મોટા મિનારા બાંધવા, પણ વાસ્તવિકતા એ હોવી કે એક ચોરસ ફૂટ જમીનના પણ વાંધા હોય. ગરીબી હોય, પણ મનસૂબા માત્ર બાદશાહના હોય. આટલું વાંચ્યા પછી તમને તરત સ્મરણ થશે ગુજરાતી કહેવતનું ‘કરમ કોળીના, જાત ગરાસિયાની.’ એવા જ ભાવાર્થવાળી અન્ય એક કહેવતનું સ્મરણ થઈ આવે છે ‘કરમ કઠિયારાના, દેહ રાજાનો’. ટૂંકમાં વિચાર અને હકીકત વચ્ચે રહેલો તીવ્ર વિરોધાભાસ વ્યક્ત થાય છે. આના ઉપરથી કવિની એક પંક્તિનું સ્મરણ થાય છે કે ‘વિચારો એવા કે અવનિ પર રાજ્ય કરવું, પરિસ્થિતિ એવી કે રખડી રઝળી પેટ ભરવું.’ એક જ દેશમાં અને એ પણ પડખે પડખેના રાજ્યોમાં રહેતા લોકોની ભાષા ભલે અલગ હોય, તેમની વિચારશૈલીમાં કેવું ગજબનાક સામ્ય હોય છે, નહીં!

------------------

લોકબોલીનાં રત્નો

સૌરાષ્ટ્રમાં વપરાતો એક શબ્દપ્રયોગ છે ઠમઠોરવું. માર મારવા માટેનો આ એક નમૂનેદાર કાઠિયાવાડી શબ્દ છે જેનો અર્થ થાય છે માર મારીને પાંસરું કરવું અથવા ખોખરું કરવું. એ વાત બરાબર ઠમઠોરીને એને કહેજો તો જ એ માનશે એવું કહેવાતું હોય છે.

દુખણા-ઓવારણાં - મીઠડાં. ભાષાના ભાવમાં રહેલી ઉદાત્ત ભાવનાનું આ અનેરું ઉદાહરણ છે. મિજમાન વગેરેને મળતી વખતે મહિલા પોતાના બેઉ હાથનાં આંગળાં પ્રેમથી માનપૂર્વક અડાડીને પાછા પોતાના બેઉ હાથ પોતાને માથે લઇને આંગળા વાળી દબાવી ટાચકા ફોડી પ્રેમ દેખાડે એ દુખણા કે ઓવારણા લીધા કહેવાય છે. આ વિધિમાં બીજાનાં દુ:ખ ઓવારી પોતાના શિરે લેવાની ભાવના રહેલી છે. ખાસ કરીને બહેન પોતાના ભાઇને કહેતી હોય છે કે ‘મારા વીરાના દુ:ખણાં લઉં, ઓવારણાં લઉં, ઘણું જીવો મારા વીર’.

દુ:ખીના દાળિયા થવું એટલે ખૂબ દુ:ખી થવું. ગાડીમાં એટલી બધી ભીડ હતી કે હું તો દુ:ખીના દાળિયા થઇ ગયો.

--------------------

SENTENCE

અંગ્રેજીમાં ફિગર્સ ઑફ સ્પીચ નામનો એક ભાષાપ્રયોગ છે. એમાં શબ્દ કે શબ્દ સમૂહનો અર્થ એના શબ્દાર્થ કરતાં સાવ અલગ તારી આવે છે. ગુજરાતીમાં આપણે જેને અલંકાર તરીકે ઓળખીએ છીએ. શબ્દ અને અર્થની ચમત્કૃતિ ધરાવતી રચના એવો એનો અર્થ છે. આજે આપણે PUN તરીકે ઓળખાતી એક ફિગર્સ ઓફ સ્પીચનું મજેદાર ઉદાહરણ જોઈએ. ગુજરાતીમાં આ પ્રકાર શ્ર્લેષ અલંકાર તરીકે ઓળખાય છે. વાક્ય છે ખઅછછઈંઅૠઊ ઈંજ ગઘઝ ઉંઞજઝ અ ઠઘછઉ ઇઞઝ અ MARRIAGE IS NOT JUST A WORD BUT ASENTENCE.. આ વાક્યનો ભાવાર્થ જોઈએ તો લગ્ન જીવનનો નવો તબક્કો છે એમ કહી શકાય. જોકે, પન એટલે કે શ્ર્લેષ અલંકારમાં સેન્ટેન્સ શબ્દના બીજા અર્થ સજાને કેન્દ્રમાં રાખીને લગ્ન એક સજા છે એવો મજેદાર ભાવાર્થ કાઢવામાં આવ્યો છે. એક જ શબ્દના બે જુદા જુદા અર્થ કેવી મોજ કરાવી જાય છે.

ખ્રિસ્તી વિધિથી લગ્ન પાર પડે ત્યારે પાદરી બ્રાઈડ અને ગ્રુમને(વર અને વધૂને) તમે એકબીજા સાથે જીવન વિતાવવા સહમત છો કે કેમ એવું વારાફરતી પૂછે ત્યારે વર અને ક્ધયા I DO એમ બોલે એ સાથે વિવાહ સંપન્ન થતા હોય છે. આના પરથી એક મજેદાર પન છે કે WHICH IS THE LARGEST

SENTENCE IN ENGLISH?ઊગૠકઈંજઇં? આનો શબ્દાર્થ થાય છે કે અંગ્રેજી ભાષાનું સૌથી મોટું વાક્ય કયું અને એ સાંભળીને તમે માથું ખંજવાળવા લાગો અથવા ડિક્ષનરી કે ગૂગલબાબાને શરણે જઈને શોધ આરંભી દો. એમ કરવાની કોઈ જરૂર નથી. અહીં પણ શ્ર્લેષનો ઉપયોગ છે અને પેલા સવાલનો જવાબ છે DO. હવે તમે કહેશો કે આ કઈ રીતે સૌથી મોટું વાક્ય કહી શકાય? તો એનો જવાબ છે કે સવાલના સેન્ટેન્સ શબ્દમાં સજા અર્થ અભિપ્રેત છે અને આઈ ડુ કહીને યુગલ લગ્નબંધનમાં જકડાતું હોય છે, મતલબ કે લગ્ન એ સૌથી મોટી સજા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

03N35A
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com