28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આવનારા સમયને સલામ

આજે આટલું જ-શોભિત દેસાઈજેલ વાદળની માંડ તૂટી છે

ટીપે ટીપે મળી છે આઝાદી

આજે કારતક સુદ સાતમ વિક્રમ સંવત ૨૦૭૬ની સવારે ભોંયરામાં મુશ્કેટાટ બંધાયેલો શિયાળો હજી ચૂં ચા કરવાની હિમ્મત નથી ભેગી કરી શક્યો એવા ઉષ્ણતાના જોહુકમી એકહથ્થુ શાસનમાં શ્ર્વાસ લેતા આપ સૌને આપની ગંજાવર સહનશક્તિ બદલ નમન નમન નમન. વાદળની જેલ તોડીને વરસાદ ટીપે ટીપે આઝાદ થાય એમ જ ગયા વરસની કેદમાંથી આ વરસ દિવસે દિવસે મુક્તિ પામ્યું છે. તો આવો, નવા વરસને ગાયત્રી મંત્રના અક્ષરદીઠ અબજો રૂપિયાના મોતીડે ગુજરાતીમાં અને એ પણ ગઝલના છંદમાં વધાવીએ.

તમે અસ્તિત્વના છો પ્રાણ, સર્વે દુ:ખને સંકોરો

નીતિમય, શ્રેષ્ઠ સુખ આપો, પ્રકાશિત માર્ગ પર દોરો

અમારી બુદ્ધિને શરણું ધરી પાવન કરો જીવન

સમુન્નત હો વિચારો સૌ, અમારા શ્ર્વાસ થઈ મ્હોરો

આવનારા સમયને, આવનારી વિચારસરણીને, આવનારી પેઢીને અગાઉથી પારખી જઈને શત પ્રતિ શત સાચા ભવિષ્યવેત્તા શ્રી ઓરોબિંદોએ ભાખ્યું જ હતું.

સૂર્યની આંખવાળા, અદ્ભુત સવારના સંતાનોને મેં વયનો ઉંબર ઓળંગતા જોયા...

પ્રમાણપત્રો આપવાના ધંધામાંથી હું હંમેશાં બાકાત રહ્યો છું પણ અતિન્યાય થઈ જવાથી કેટલાક અલ્પજ્ઞ ગુજરાતી ભાષામાં પંકાયા, પૂજાયા, પોંખાયા; એ નાતે આટલું તમને વિદિત કરવાની ઘૃષ્ટતા આદરું છું કે (ફરી પાછું) મારા મત પ્રમાણે દરેક ભાષાના એક સર્વકાલીન શ્રેષ્ઠ સર્વપ્રકારસંપન્ન સારસ્વતના ઈન્તખાબમાં ગુજરાતીમાંથી સુરેશ જોશી જાય. નવા વર્ષની પહેલી રવિવાર સવારે હું એમનો શ્રેષ્ઠ નિબંધ તમારી તહેનાતમાં મૂકતા ગદ્ગદિત થઈ રહ્યો છું.

મધુમાલતીની ગભરુ કળીને દુ:સ્વપ્ન આવ્યું છે. એ ઊંઘમાં હીબકાં ભરે છે. નમવા આવેલી રાત ઝૂકીને એને ધીમેથી પૂછે છે: ‘શું છે બેટા?’ કળીના હોઠ ફફડે છે, લાખ જોજન દૂરના તારાની પાપણ પલકે છે, મારી નાડી જોરથી ધબકે છે. અવાવરુ વાવને તળિયે શેવાળમાં જીનની દાઢી ધૂ્રજે છે, એના કમ્પથી એક ચીબરી કકલાણ કરી મૂકે છે. હું કાન સરવા રાખીને સાંભળું છું. પાંદડાંની આડશે પવન પણ કાન માંડીને બેઠો છે. કળી કહે છે: ‘આવતી કાલે સૂરજ નહીં ઉગે.’ પવન પૂછે છે: ‘ગાંડી, કોણે કહ્યું તને?’ કળી કહે છે: ‘શેષનાગે મારા કાનમાં કહ્યું, ‘હવે શું થાય? બીજો સૂરજ ક્યાંથી લાવીશું?’ કોઈ કહે, ‘બ્રહ્માજીને ઢંઢોળીને જગાડો ને કહો કે સવાર થાય તે પહેલા બીજો સૂરજ ઘડી આપો.’ પણ બ્રહ્માજીને જઈને કોણ જગાડે? એ સાંભળીને પાસેના તળાવમાંના દેડકાએ આંખો પટપટાવી, ગલોફાં ફુલાવ્યાં ને પછી બોલ્યો: ‘ડ્રાંઉ ડ્રાંઉ, હું જાઉં.’ બખોલમાં બેઠેલા સાપને હસવું આવ્યું. એણે મૂછો ફરકાવીને કહ્યું, ‘તમે લંગડે પગે ક્યારે પહોંચશો?’ તોત્સુકાની ઢીંગલીઓમાંની એકે ઠાવકું મોઢું રાખીને કહ્યું, ‘સૂરજ ક્યાં છે તે હું જાણું છું.’ બધા કહે, ‘તો ઝટ ઝટ કહી દે ને!’ એવું ને એવું ઠાવકું મોઢું રાખીને એ બોલી: ‘પરવાળાના બેટમાં એક જળપરી રહે છે. એણે એક સૂરજને પૂરી રાખ્યો છે. જો સૂરજ બહાર નીકળે તો રાજકુમારને ચાલ્યા જવું પડે, પરવાળાના બેટમાં રાત હોય ત્યાં સુધી જ એ જળપરીના મહેલમાં રહી શકે. સૂરજ ઊગતાની સાથે જ એને ચાલ્યા જવું પડે. આથી જળપરીએ એને સંતાડી રાખ્યો છે.’ આ સાંભળીને બીજી ઢીંગલી હસી પડીને બોલી: ‘એ તો જુઠ્ઠી છે જુઠ્ઠી! એક નહીં પણ લાખ સૂરજ હું લાવીને અબઘડી હાજર કરી દઉં.’ બધા એક સાથે બોલી ઊઠ્યાં: ‘તો કરી દે હાજર’ એના જવાબમાં એ બોલી: આંધળાની આંખને તળિયે હજાર સૂરજ ડૂબ્યા છે. એને તાગવાની હિંમત હોય તે આવે મારી સાથે.’ કોઈ ઊભું થયું નહીં. કળી બિચારી ફરી હીબકાં ભરવા લાગી. ત્યાં ઘુવડ બોલ્યું: ‘આ ચાંદામામાએ કેટલાય સૂરજને આજ સુધીમાં લૂંટી લીધા છે. એ લૂંટ બધી પાછી કઢાવો એની પાસેથી.’ ત્યાં તો દૂરથી દરિયાદાદા ઘૂરક્યા: ‘ખબરદાર’ હવે? રાતથી તો હવે ઝાઝું થોભી શકાય તેમ નહોતું. ત્યાં એક આગિયો બોલ્યો: ‘ચાલો ને, આપણે સૌ મળીને આપણામાંનું થોડું થોડું તેજ એકઠું કરીને સૂરજ બનાવીએ.’ આ સાંભળીને કળીને હોઠે સ્મિત ચમક્યું. એનું તેજ, આગિયાનું તેજ, સોયના નાકામાં દોરો પરોવતા દાદીમાની આંખનું તેજ એમ કરતાં કરતાં મારો વારો આવ્યો. અંધકારના ગાઢ અરણ્યને વીંધીને હું તેજ શોધવા નીકળ્યો, દૂર દૂર ચાલી નીકળ્યો, પણ જ્યાં જોઉં ત્યાં અંધકાર જ અંધકાર: શ્ર્વાસના બે પડ વચ્ચે સિવાઈ ગયેલો અંધકાર, શબ્દોમાંથી ઝરપતો અંધકાર. એ અંધકારમાં ફાંફાં મારતો આગળ વધતો હોય ત્યાં કોઈની જોડે ભટકાઈ પડ્યો. એનો ને મારો અંધકાર ચકમકની જેમ ઘસાયા, તણખો ઝર્યો, એના અજવાળામાં જોઉં છું તો - પણ એ કોણ હતું તેનું નામ નહીં કહું. મધુમાલતીની કળીએ આંખો ખોલી ત્યારે નવો નક્કોર સૂરજ ઊગી ચૂક્યો હતો. કળીએ શેષનાગના કાનમાં કહ્યું: ‘સૂરજ ઊગ્યો’ પણ દરરોજ સાંજે દયામણે ચહેરે કોઈ પૂછે છે: હવે આ સૂરજને તો કોઈ ચોરી નહીં જાય ને?

આજે આટલું જ...

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

23mjG5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com