28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પોલોની જન્મભૂમિ ઈમ્ફાલ

સફરનામા-દર્શના વિસરીયાહેડિંગ વાંચીને ચોંકી ગયા ને કે ઈમ્ફાલ એ સ્પોર્ટ્સ પોલોની જન્મભૂમિ છે? અત્યાર સુધી આપણા માટે ઈમ્ફાલ એટલે અઢળક કુદરતી સૌંદર્ય, વન્યજીવોની વિવિધતા અને તરતા ટાપુઓ પૂરતું જ સીમિત હતું બરાબર ને?

પોલો અને ઈમ્ફાલનું કનેક્શન આજનું નવું નહીં પણ આશરે અઢીસો દાયકા જૂનું છે. જી હા, ૧૮૫૦ની આસપાસ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સૈનિકો અને બ્રિટિશ ચાની ખેતી કરનારાઓ કેટલાક લોકોનું એક ગ્રુપ અત્યારે વર્તમાન સમયમાં આસામમાં આવેલા સિલ્ચર ખાતે જઈ રહ્યા હતા એ વખતે તેમણે મણિપુરની રાજકુંવરીઓને ઘોડાની પીઠ પર બેસીને હૉકી જેવી જ રમત રમતાં જોઈ અને એક પુરુષોના ટોળાંને નાના નાના ખચ્ચર પર બેસીને હરીફાઈ કરતાં જોયા હતા.

આ રમતને સ્થાનિકો સાગોલ કાંગજૅ તરીકે ઓળખવામાં આવે છે, જે અત્યારની આપણી પોલોની રમતને એકદમ મળતી આવે છે. મણિપુર સામ્રાજ્યના કાંગબા સામ્રાજ્યના રાજવીઓએ ૧૪મી સદીમાં આ રમતની શરૂઆત કરી હતી.

બ્રિટિશરોને આ રમત ગમી ગઈ અને ૧૮૫૩માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સભ્ય કેપ્ટન રોબર્ટ સ્ટેવર્ટે મણિપુરી પ્લેયર્સ સાથે પહેલી વખત સિલ્ચરમાં યોજાયેલી પોલોની મેચમાં ભાગ લીધો હતો અને છ વર્ષ બાદ કર્નલ જોસેફ શેરર સાથે મળીને તેમણે સિલ્ચરમાં દુનિયાની પહેલી પોલો ક્લબ ‘ધ સિલ્ચર કાંગજૅ ક્લબ’ની સ્થાપના કરી.

પોલો અને ઈમ્ફાલ વચ્ચેનો એકદમ ગાઢ સંબંધથી માહિતગાર થયા બાદ હવે આપણે ઈમ્ફાલમાં આવેલા અન્ય પર્યટન સ્થળો અને તેના ઈતિહાસ તરફ નજર કરીએ. ઈમ્ફાલ એ મણિપુરની રાજધાની છે, અને તે પોતાની પ્રાકૃતિક સૌંદર્ય, જૂના-પુરાણા કિલ્લાના માધ્યમથી પોતાના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે, તો ચાલો શરૂ કરીએ ઈમ્ફાલ પરિભ્રમણ.

---------------------

વૉર સિમેટ્રી

બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલાં ભારતીય અને બ્રિટીશ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી આ વોર સિમેટ્રીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જગ્યા એકદમ શાંત છે અને તેને સ્ટોન માર્કર કરીને ખૂબ જ સુંદર રીતે મેઈન્ટેન રાખવામાં આવી છે. અહીં યુદ્ધમાં શહીદ થયેલાં સૈનિકોની માહિતી ખૂબ જ વિસ્તારપૂર્વક આપવામાં આવી છે.

-----------------

લોકટક લેક

ઈમ્ફાલ પરિભ્રમણની શરૂઆત તો લોકટક લેકથી જ કરવી પડે. પૂર્વોત્તર ભારતમાં આવેલું સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે આ લોકટક લેક. આ તળાવને દુનિયાના એક માત્ર ફ્લોટિંગ લેક હોવાનું માન પણ મળે છે. અહીં પર્યટકો તરતાં ફુમદી જોઈ શકે છે. તળાવમાં જોવા મળનારા તરતાં ટાપુઓને સ્થાનિકો ફુમદી તરીકે ઓળખે છે. આ તરતાં ટાપુઓની એક અનોખી શૃંખલા જ આ તળાવમાં જોવા મળે છે. ઈમ્ફાલના પ્રમુખ આકર્ષણોમાં આ લોકટક લેકનો સમાવેશ થાય છે. આ પાણીનો ઉપયોગ પીવા સિવાય સિંચાઈ અને વીજળીના ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે.

------------------

સિરોહી નેશનલ પાર્ક

સિરોહી નેશનલ પાર્ક

લોકટક લેક ઉપરાંત અહીંની વાઈલ્ડ લાઈફ પણ પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે અને તેનું ઉદાહરણ છે સિરોહી નેશનલ પાર્ક. આ નેશનલ પાર્ક ભારતના સૌથી નાના જંગલ તરીકે પ્રખ્યાત છે, જેનો વિસ્તાર ૪૧ વર્ગ કિલોમીટર જેટલો છે. ૧૯૮૨માં તેને નેશનલ પાર્કનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પર્વતો અને હરિયાળીને કારણે આ જ્ગ્યા છે એના કરતાં વધારે આકર્ષક લાગે છે. અહીં તમે વાઘ, દીપડો, જંગલી સુવર, હરણ, હાથી સિવાય અન્ય વન્યપ્રાણીઓને પર્યટકો તેમના નેચરલ હેબિટેટમાં જોઈ શકો છો. વન્યજીવો સિવાય અહીંનો વનસ્પતિ વૈભવ પણ એકદમ સમૃદ્ધ છે. પરંતુ આ બધામાં અહીં ઊગનાર સિરોહી લીલી સૌથી વધારે પ્રખ્યાત છે.

--------------------

મણિપુર સ્ટેટ મ્યુઝિયમ

લોકટક લેક, કાંગલા ફોર્ટ, વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી સિવાય તમે અહીં આવેલા મણિપુર સ્ટેટ મ્યુઝિયમની મુલાકાત પણ લઈ શકો છો. આ મ્યુઝિયમ એ એક મ્યુઝિયમ જ નથી, પણ તેને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ કહી શકાય, કારણ કે અવારનવાર અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે.

આ કાર્યક્રમો રાજ્યની સંસ્કૃતિ, કળા અને પરંપરાઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન સ્વર્ગવાસી માજી વડાં પ્રધાન ઈંદિરા ગાંધીજીના હસ્તે ૧૯૬૯માં થયું હતું. આ સંગ્રહાલયમાં આપણા ઐતિહાસિક વારસાનું જતન કરીને જાળવી રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ લોકજાગૃતિ લાવવામાં પણ આ મ્યુઝિયમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

-------------------

કાંગલા કિલ્લો

ઈમ્ફાલમાં આવેલું કાંગલા એ એક ઐતિહાસિક સ્થળ છે અને સત્તાનું મુખ્ય કેન્દ્ર પણ હતું. કાંગલા ફોર્ટ મણિપુરની લોકસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. મણિપુરની પ્રાચીન રાજધાની તરીકે કાંગલા ફોર્ટને એક આગવું જ માન-સન્માન પ્રાપ્ત થયું હતું. કાંગલા ફોર્ટમાં રાજવી પરિવારના સભ્યોના મહેલ, મંદિર, કબ્રસ્તાન આવેલું છે. ઐતિહાસિક અને પુરાતાત્ત્વિક મહેલની મુલાકાત તો બનતી હૈ બોસ!

-----------------------

સેક્ટા આર્કિયોલોજિકલ લિવિંગ મ્યુઝિયમ

સેક્ટા આર્કિયોલોજિકલ લિવિંગ મ્યુઝિયમ

કુદરતી સૌંદર્ય માણી લીધા બાદ હવે આપણે આપણી સફર આગળ વધારીએ ઈતિહાસ તરફ. અહીંનું સેક્ટા આર્કિયોલોજિકલ લિવિંગ મ્યુઝિયમ પર્યટકોની બકેટ લિસ્ટમાં સૌથી ટોપ પર હોય છે. આ મ્યુઝિયમનું નિર્માણ એ સ્થળે કરવામાં આવ્યું છે જ્યાં એક સમયે અતીત સાથે જોડાયેલો ખજાનો છુપાયેલો હોવાની વાત કરવામાં આવતી હતી.

જોકે, હજી સુધી ખજાના સાથે સંકળાયેલા કોઈ પણ સંકેત મળ્યા નથી. આ મ્યુઝિયમમાં ૧૪મી સદીના અદ્વિતીય પ્રાચીન વસ્તુઓનો ખૂબ મોટો સંગ્રહ જોવા મળે છે, જે આદિવાસી ઈતિહાસ અને લોક સંસ્કૃતિથી આપણને રૂબરૂ કરાવે છે. દુર્લભ વસ્તુઓમાં પર્યટકોને અહીં ઘરેણા, માનવખોપડી, ચાંદી અને તાંબા તેમ જ અન્ય વસ્તુઓ જોવા મળે છે.

---------------------

કેવી રીતે પહોંચશો?

બાય ટ્રેન: મણિપુર કે ઈમ્ફાલ પાસે પોતાનું કોઈ સ્વતંત્ર રેલવે સ્ટેશન નથી. ઈમ્ફાલ જવા માટેનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન દીમાપુર છે. દીમાપુરથી ઈમ્ફાલ વચ્ચેનું અંતર આશરે ૨૧૫ કિલોમીટર છે. દીમાપુરથી ઈમ્ફાલ સુધીનો આગળનો પ્રવાસ તમારે બાય રોડ જ કરવો પડશે.

બાય એર: બાય ટ્રેન મુંબઈથી જવામાં તમારો સમય વેડફાય એવી પૂરીપૂરી શક્યતા. એટલે બાય એર ઈમ્ફાલ જવું વધારે હિતાવહ છે. મણિપુરમાં સ્વતંત્ર એરપોર્ટ આવેલું છે, જે દેશના તમામ મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. ઈમ્ફાલથી આ એરપોર્ટ માત્ર આઠ કિલોમીટરના અંતરે આવેલું છે. એરપોર્ટથી ઈમ્ફાલ સુધીનો આગળનો પ્રવાસ બાય રોડ પ્રાઈવેટ ટેક્સી કે બસમાં જ કરવો પડશે.

રોટી, કપડાં ઔર મકાન: ઈમ્ફાલ એ એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન હોવાને કારણે ત્યાં રહેવા-ખાવા-પીવાની કોઈ જ સમસ્યા ઉદ્ભવે એ શક્ય નથી. બસ થોડું ખાવામાં પીવામાં કોમ્પ્રોમાઈઝ કરવાની તૈયારી હશે તો અહીંથી બહુ બધી યાદોનો ખજાનો લઈને જ જશો એની ગેરન્ટી.

નવેમ્બરથી એપ્રિલ વચ્ચેનો સમય અહીં આવવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન અહીં આવવા માટે આમ તો આખા વર્ષમાં ગમે ત્યારે આવી શકાય, પણ નવેમ્બરથી એપ્રિલ વચ્ચેનો સમય એ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

hwuJ2m
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com