28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખાટા ઓડકાર, હૃદયમાં દાહ, છાતીમાં બળતરા થાય ત્યારે કયો ઉપચાર કરી શકાય?

આરોગ્ય વિજ્ઞાન-ડૉ. મલ્લિકા ચંદ્રશેખર ઠક્કુર

કોઈપણ દરદી આવીને કહે કે મને ખાટા ઓડકાર આવે છે. હૃદયમાં દાહ બળે છે. છાતીમાં બળતરા થાય, શરીરમાં ભારેપણું લાગે. ગળામાં દાહ બળે, ગ્લાનિ અરુચિ અને અર્જીણ જણાય તો સમજી લેવું કે આ દરદીને અમ્લપિત્તની અસર છે. આ રોગના દરદીને ક્યારેક ઝીણો તાવ તથા શરીરમાં ઝીણી ઝીણી ફોલ્લીઓ પણ જણાય છે. અમ્લપિત્ત માટે આયુર્વેદમાં અનેક અક્સીર પ્રયોગો છે. એ જુદી જુદી અવસ્થામાં જુદી જુદી માત્રામાં આપતા લાભ થાય છે.

અમ્લપિત્તના કોઈ દરદીને કબજિયાત હોય તો તેને અવિપત્તિકર ચૂર્ણ વધુ અનુકૂળ આવે છે. આયુર્વેદનો આ સુપ્રસિદ્ધ યોગ છે. કેમ કે એમાં નસોતર હોય છે. જ્યારે દરદીનો કોઠો નરમ હોય ત્યારે શતપત્ર્યાદિ ચૂર્ણ સરસ કામ આવે છે.

અવિપત્તિકર ચૂર્ણમાં ગરમ દ્રવ્યો આવે છે, જેમાં સૂંઠ, મરી, પીપર, વાવડિંગ, ત્રિફળા, એલચી, તમાલપત્ર, મોથ એક એક ભાગ, લવંગ દસ ભાગ, નસોતર ૪૦ ભાગ, સાકર ૧૦૦ ભાગ લઈ એનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ ત્રણથી છ ગ્રામ જેટલું લઈ જમ્યા પહેલાં સવારે અને રાત્રે લેવું. આનાથી હોજરીને આંતરડાનું શૂળ મટે છે. હરસવાળા દરદીને ખૂબ લાભ થાય છે. પેશાબ છૂટથી આવે છે. પથરીના દરદીને પણ રાહત થાય છે.

એક દરદીને એસિડિટી હતી, પણ એમની ખાસ ફરિયાદ કબજિયાતની હતી. એમને અવિપત્તિકર ચૂર્ણ ત્રણ ગ્રામ સાથે પ્રવાલપિષ્ટી, સૂતશેખર, ગળોસત્વનું સંયોજન લેવા સૂચવ્યું. ધીરજ અને ખંતથી એ ચૂર્ણનું સેવન ચાલુ રાખ્યું. પંદરેક દિવસમાં એમને એમાં ઘણી રાહત જણાઈ. આ ઔષધ ખૂબ જ લાભકારી અને ગુણકારી છે.

આ ઔષધ જમ્યા પહેલાં લેવાથી એ જઠરાગ્નિને સતેજ કરે છે. હોજરીનો સોજો ઓછો કરે છે. ભૂખ લગાડે છે. હોજરીમાંના અન્નને બરાબર પાચન કરી શકે છે. આ યોગમાં ૧૦ ભાગ લવંગ અને ૪૦ ભાગ નસોતર છે. રોજબરોજ દૂર દૂરથી નોકરી-ધંધે આવનજાવન કરતાં લોકોમાં આ એસિડિટીનું પ્રમાણ બહુ રહે છે. ખાવાપીવાના ઠેકાણા રહે નહીં. પરિશ્રમનો ખૂબ થાક લાગે. ભૂખ લાગે પણ ખાતા વેંત પેટ એકદમ ભારે થઈ જાય. સવારે દસ્તમાં મૂંઝારો થાય. બેસો અને જોર કરે તો કઠણ ઝાડો થાય. પછી મધ્યમ અને છેવટે નરમ ચિકાશ ઊતરે. ઝાડે જઈ આવ્યા પછી શાંતિ જણાય પણ થાક જેવું જણાય. આ માટે અવિપત્તિકર ચૂર્ણ એની ઉત્તમ દવા છે. આ ચૂર્ણ લેવાથી અમ્લપિત્ત મટે છે. સાથોસાથ કબજિયાત પણ મટાડે છે.

આ યોગમાં મુખ્ય દ્રવ્ય નસોતર છે. નસોતર મધુર, કડવી, તૂરી છે. ઉષ્ણ છે. પાચનકાળે તીખી છે. એના મૂળ અને પાન વપરાય છે. દવામાં કાળા નસોતર વપરાવા જોઈએ. નસોતર તીવ્ર રેચક નથી એ તો અનેક દરદોમાં વપરાય છે. જૂનાં જમાનામાં એનો ઘણો ઉપયોગ થતો. ઉદર રોગીને ઝાડો બહુ કઠણ આવતો હોય તો તેમને નસોતરનું શાક આપવું જોઈએ.

કમળાના દરદીને નસોતરનું ચૂર્ણ સાકર સાથે આપી શકાય. મલેરિયામાં પણ નસોતરનું ચૂર્ણ મધ સાથે ચટાડવાનું સૂચવાયું છે. આજકાલ મળતા સફેદ નસોતર રેચક નથી. પણ પ્રયત્ન કરતા કાળી નસોતર મળે છે, પણ શારીરિક બંધારણમાં સફેદ નસોતર સારું કામ આપે છે. આમ આ અવિપત્તિકર ચૂર્ણ માત્ર અમ્લપિત્ત દૂર કરે એવું નથી. એ કબજિયાત મટાડે છે. પેશાબ છૂટથી લાગે છે. જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે, એ હરસવાળાને બહુ અનુકૂળ આવે છે.

હવે જેમને માત્ર અમ્લપિત્ત હોય પણ કબજિયાત ન હોય પણ કાચાપાકા ઝાડા થતાં હોય તેમને તો અવિપત્તિકર ચૂર્ણ આપવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી. એમને શતપત્ર્યાદિ ચૂર્ણ જેમાં ઈસબગુલ, જીરુ, વંશલોચન, ગળોસત્વ, અનંતમૂળ, તજ, તમાલપત્ર, એલચી, મોથ, આંબળા, સફેદ ચંદન, રૂમિમસ્તકી બધા એક એક ભાગ લઈ ૧૬ ભાગ ગુલાબના ફૂલની પાંદડી અને ૩૨ ભાગ સાકર લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું.

આ ચૂર્ણનો ઉપયોગ એક એક ચમચી જેટલો મલાઈ વગરના દૂધ સાથે સવારે, બપોરે અને રાત્રે લઈ શકાય. એમાં અસલી ચંદન અને રૂમિમસ્તકી નાખીને બનાવેલું ચૂર્ણ વધુ ગુણકારી બને છે. આની સાથે પ્રવાલપિષ્ટી ગળોનું સંયોજન પણ ઉમેરી શકાય. આ પ્રયોગ કરતા હાથપગની ખોટી તજા ગરમી દૂર થાય. બળતરા શાંત થાય. એસિડિટી ઓછી થાય. તરસ ઓછી લાગે. લિવર પણ બરાબર કામ કરતું થાય. માથામાં થતું શૂળ પણ અટકે. મોઢામાં પડતાં ચાંદા પણ મટી જાય.

આ પ્રયોગ કરવાથી આંતરડાની જૂની વ્યાધિ મટી જાય. લોહી શુદ્ધ થાય અને ચહેરા ઉપર સ્ફૂર્તિ જણાય. શરીરમાં થાક અને નબળાઈ દૂર થાય. શરીરમાં આત્મવિશ્ર્વાસ પ્રગટે.

આયુર્વેદમાં આવી આવી ઔષધિઓનો ભંડાર છે. જરૂર છે એના સંશોધનની અને યોગ્ય ઉપચારની, આમાં શતપત્ર્યાદિ ચૂર્ણ, એસિડિટીથી પીડાતા દરેક દરદીને મદદરૂપ થાય છે. એની સાથે પ્રવાલ, ગળોનું મિશ્રણ પણ ઉમેરી શકાય. આ ઉપરાંત અમ્લપિત્ત હોય પણ સાથે શરદી ન હોય તો ગુલકંદ-આંબળાનો મુરબ્બો, આમલકીય રસાયન જેવા ચાટણો પણ અનુપાનરૂપે લઈ શકાય, આવા પિત્તશામક ચૂર્ણોની પરંપરા આયુર્વેદમાં આપી છે.

દેશ કાળ, ઋતુ, વય, પ્રકૃત્તિ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ પ્રયોગ કરવા જરૂરી છે. આ પ્રયોગથી આંતરડા મજબૂત બને છે. ઝાડો બાંધીને આવે છે.

અમ્લપિત્ત મટાડવા અન્ય એક પ્રયોગ છે, જેને શીતલપ્રભા કહી શકાય. એમાં અનુક્રમે ચંદન, વાળો, કમળફૂલ, મહુડાના ફૂલ, જેઠીમધ, મોથ, કાળીદ્રાક્ષ, આંબળા, એલચી, ચણ કબાબ, ધાણા એ બધી ચીજોને એક એક ભાગે લઈ તેમાં ૧૧ ભાગ ખડી સાકર ભેળવી ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ સવારે નરણે કોઠે, સાંજે ચારેક વાગ્યે અને રાત્રે સૂતી વખતે બેથી ત્રણ ચમચી જેટલું લઈ શકાય. ગળામાં અન્નનળીમાં દાહ થતો હોય તો તેના માટે આ અક્સીર યોગ છે. મોઢામાં થતાં ચાંદા મટે છે. નસકોરી ફૂટવી, માથું દુ:ખવું, ચક્કર આવવા, ભ્રમ આવે આ બધી ફરિયાદો મટે છે.

અહીં સારવારમાં રોગના લક્ષણોને દબાવી દેવાથી લાભ થતો નથી. અલબત્ત તત્કાળ રાહત મળે છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે રોગના કારણોનો ત્યાગ એ અડધી ચિકિત્સા છે. આવા દરદીઓએ ચા, જર્દા વગેરેનો સદંતર ત્યાગ કરવો જોઈએ. આહાર-વિહારમાં ખ્યાલ રાખવો જોઈએ. ઔષધોપચારમાં શંખનો એક પ્રયોગ બૃહત શંખવટી સાથે સુવર્ણયુક્ત, સૂતશેખર બબ્બે ગોળી સવારે નરણે કોઠે અને રાત્રે સૂતી વખતે લઈ શકાય.

મહારાષ્ટ્રના વૈદ્યોમાં શંખવટી અને તેમાં ખાસ કરીને બૃહત શંખવટીનો પ્રયોગ જાણીતો છે. શાસ્રોમાં સૂત-શેખરમાં સુવર્ણ તો સ્વયં આવે જ છે. રાત્રે સૂતી વખતે હરડે, જેઠીમધ, નસોતર, ઈસબગુલ, ગુલાબફૂલ આ પાંચ ભાગે લઈ તેનું ચૂર્ણ ત્રણથી છ ગ્રામ રોજ લઈ શકાય.

સૂતશેખર વૈદ્યોનું માનીતું ઔષધ છે તે માત્ર હોજરીની અમ્લતાને દૂર કરતું નથી, પણ ગળામાં અન્નનળીમાં સોજો પણ મટાડે છે. હાયટસ હર્નિયાને માટે પણ બૃહત શંખવટી સાથે તે માફક આવે છે.

માનસિક શાંતિ પણ સમર્પે છે. એક બહેનને યોનિમાર્ગમાં અમ્લતા ઘણી હતી. પિત્તનાશક ઉપચારોને બદલે એન્ટીબાયોટિક કે તેવી ગોળી અંદર મૂકે ત્યારે શાંતિ અનુભવે પણ એ રાહત કામચલાઉ હતી. જનનમાર્ગની એસિડિટી માટે મોઢા વાટે લેવા સૂતશેખર અને બૃહત શંખવટી સૂચવી ત્યારે એમને સારું લાગ્યું. એ ઉપચાર ચાલુ રાખતા તેઓ રોગમુક્ત થયા.

અમ્લપિત્ત કયા સ્વરૂપમાં ક્યારે ભટકાઈ જાય, વંશ વારસાગત હોય કે આજના મિથ્યા આહાર વિહારથી થતો હોય એ બધાનું યોગ્ય નિદાન કરી આપતા અમ્લપિત્ત સાધ્ય છે. સાથે સૂતશેખર સમસમની જેવા દ્રવ્યો કામ કરે છે. આમાં એક બાબત ધ્યાનમાં લેવા જેવી કે વૈદ્યે આમાં માનસિક ચિંતા, તણાવ કે દબાણનું પણ પરીક્ષણ કરવું જોઈએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

52mr255
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com