28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દુનિયા વિશ્ર્વાસ ઉપર ચાલે, વિશ્વાસ ખતમ તો બધું ખતમ

દિલની વાત-દિનેશ દેસાઈઈન્ટરનેટની દુનિયામાં લિન્કડ્-ઈન નામની કરિઅર ઓરિએન્ટેડ સાઈટનું નામ જાણીતું છે. લિન્કડ્-ઈનના સ્થાપક રીડ હોફમેન (જ. ૫ ઓગસ્ટ, ૧૯૬૭)એ એક વાર કહેલું કે માણસ સ્વભાવે જ સાહસી હોય છે. સાહસ દરેક ક્ષેત્રમાં કરવું જ જોઈએ. તમારા વિજાતીય પ્રેમસંબંધમાં આગળ વધવાની પહેલ એટલે પણ સાહસ. પરંતુ સંબંધમાં જ્યારે કોઈ સાથી તમે એના ઉપર મૂકેલા વિશ્ર્વાસનો ભંગ કરે છે, ત્યારે પહેલા દિલ તૂટે છે અને પછી સંબંધમાંથી વિશ્ર્વાસ પણ તૂટી જાય છે, વિશ્ર્વાસ ઊઠી જાય છે.

સાચી વાત છે. સંબંધમાં ભરોસો તૂટે ત્યારે બધું જ તૂટે છે પરંતુ સૌથી પહેલા વ્યક્તિનું દિલ તૂટે છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ મૂકો છો, ત્યારે તમે એમ દિલથી કરો છો, એટલે કે તમે વિશ્ર્વાસ એવી વ્યક્તિ ઉપર જ મૂકો છો જેને તમે દિલથી પસંદ કરો છો અને સમય જતા તમે એને ચાહવા લાગો છો. એમ બની શકે એ સામી વ્યક્તિ પણ તમને ચાહવા લાગે. જોકે આવી ચાહત એ કોઈ સાપેક્ષ બાબત નથી.

વિશ્ર્વાસ યાને ભરોસો વિઝ્યુલાઈઝ કરી શકાતો નથી અને દિલ તૂટે ત્યારે એનો કોઈ અવાજ આવતો નથી. આ ઘટના કદાચ સાઉન્ડપ્રૂફ છે. જે વ્યક્તિને તમે ચાહતા હોવ તેનો જ તમે દગો યા વિશ્ર્વાસઘાત કરી શકતા નથી. જો એમ બન્યું હોય તો એનો અર્થ એવો જ થયો કે તમે એ વ્યક્તિને જિંદગીમાં એક ક્ષણ માટે પણ કદાપિ ચાહી જ ન હોય.

રીડ હોફમેન કહે છે એમ (૧) સંબંધ, (૨) સાહસ અને (૩) વિશ્ર્વાસ એ ત્રણેયનો મેળ બેસવો જોઈએ. રીડે પોતાની કરિઅર એપલ કંપનીમાં શરૂ કરી. એ પછી તેઓ એન્ટ્રપ્રિનિયર બન્યા. પોતાની સાથે અગાઉ જોબ કરતી મિશેલ સાથે તેઓએ લિવ-ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું. સને ૨૦૦૬માં રીડ અને મિશેલે લવ-મેરેજ કર્યા. આ લવ-બર્ડ કપલે નક્કી કર્યું કે બેઉ પ્રોફેશનલ કરિઅરમાં બિઝી રહેતા હોવાથી સંતાનો માટે કદાચ પૂરતો ટાઈમ ન પણ આપી શકે. આથી તેમણે નિ:સંતાન રહેવાનું નક્કી કરેલું છે. સંબંધની આ પારદર્શિતા છે. એકમેકનો વ્યવહાર વિશ્ર્વાસપ્રદ છે.

સંબંધના છોડને વિશ્ર્વાસનાં ખાતર-પાણી મળવાં જોઈએ. ભરોસો નામનો છોડ રાતોરાત વૃક્ષ બની જતો નથી. એને બનતા, તૈયાર થતા વાર લાગતી હોય છે. કઠિયારો કુહાડીનો એક જ ઘા કરીને કોઈ ઘેઘૂર, ઘટાદાર વૃક્ષના થડને કાપી નાખી શકતો નથી. કઠિયારો થડ ઉપર એકના એક ઘા ઉપર વારંવાર કુહાડીથી વાર કરે છે.

કુહાડીના ઘા જેવું જ સંબંધમાં વિશ્ર્વાસ અને ભરોસાનું છે. કોઈ વ્યક્તિએ મૂકેલો વિશ્ર્વાસ એક વાર તોડવામાં આવે તો એ વ્યક્તિ કદાચ માફ કરી દે છે. પરંતુ એ જ સિલસિલો એક વાર, બે વાર, ત્રણ વાર અને વારંવાર ચાલુ રહે તો? તો પછી સંબંધની હત્યા થઈ જતી હોય છે.

દરેક વ્યક્તિ તમારા ઉપર આંખો બંધ કરીને વિશ્ર્વાસ કરતો જ હોય છે. જવાબદારી તો આપણી છે કે એ વ્યક્તિ અંધ છે, એવું સાબિત કરવામાં ન આવે. માનવીનો સ્વભાવ જ એને વિશ્ર્વસનીય બનાવે છે. માનવી પાસે ગમે તેટલી ધન-સંપત્તિ હોય, એ ધનથી વિશ્ર્વસનીયતા આવતી નથી. કોઈ વ્યક્તિ એને પ્રેમ ન કરી શકે, જેનાથી તેને ડર લાગતો હોય. વ્યક્તિત્વમાંથી પ્રેમ છલકવો જોઈએ. જો કે એક એવું વિધાન પણ જાણીતું જ છે કે ભય બિન પ્રીત નાહિ. જો તમે બધાના મિત્ર હો, તો તમે કદી કોઈના મિત્ર ન હોઈ શકો.

દરેક વ્યક્તિ કોઈ પણ કાર્ય માટે પ્રવૃત્ત થાય છે એ માટે આ સાત પરિબળ ભાગ ભજવે છે: (૧) અનુકૂળતા, (૨) તક, (૩) આદત, (૪) કોઈક કારણ, (૫) ઈચ્છાશક્તિ, (૬) જોશ (કાર્ય પ્રત્યેનો ઉત્સાહ) અને (૭) મજબૂરી. દરેક સંબંધની શરૂઆત યા સ્ટાર્ટ-અપ માટે પણ આ જ પરિબળ ધ્યાનમાં લઈ શકાય.

કોઈ વ્યક્તિ શા માટે એકમેક પ્રત્યે આકર્ષાય અને સંબંધ બાંધે છે? અનુકૂળતા હોય, તક મળી હોય, કોઈક વાજબી કારણ હોય, મનોમન ઈચ્છાશક્તિ હોય, ભીતરમાં જોશ હોય કે પછી કોઈ મજબૂરી. ખરેખર તો અહીં ‘મરીઝ’નો શેર યાદ આવે: બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

એક યુગલની વાત છે. બેઉ એકબીજાને ખૂબ ચાહે અને એકમેકને કહે પણ ખરા કે આઈ લવ યુ... બેઉ એકમેકની પસંદ-નાપસંદ અને ગમા-અણગમાનું ધ્યાન રાખતા હોય, એવું આપણને પહેલી નજરે જ લાગે.

પતિ કહે કે તું તારા ફ્રેન્ડઝ સાથે લાંબી લાંબી ચેટ્સ કરે છે અને એમની સાથે ગેટ ટુ ગેધર અને પાર્ટીઝ એટેન્ડ કરે છે, એ મને નથી ગમતું.

કહ્યાગરી અથવા પ્રેમાળ હોય એ રીતે પત્ની જવાબ આપતી કે ડોન્ટ વરી. નો પ્રોબ્લેમ. મારા માટે તમારો પ્રેમ મહત્ત્વનો છે. તમારા પ્રેમ ખાતર હું હવે એવી પાર્ટીઝ કે ગેટ ટુ ગેધરમાં નહીં જ જાઉં અને એમની સાથે ચેટ્સ પણ બંધ કરી દઈશ.

થોડા સમય પછી પતિનું ધ્યાન ગયું કે પોતાની પત્નીના ફ્રેન્ડઝ ગ્રુપની પાર્ટીમાં પત્ની પણ હાજર હતી અને તેમના ગ્રુપ ફોટોગ્રાફ્સ સોશિયલ સાઈટ્સ પર પણ મૂકવામાં આવ્યા છે.

પતિએ પૂછ્યું કે આ શું છે ડીયર?

પત્નીએ બિન્ધાસ્ત અને ભોળી બનીને સાવ ફ્લેટ જવાબ આપ્યો કે ઑહ, કમ-ઑન, ડીયર. ડોન્ટ બી સિલી. આ તો મારા ગૃપની એક ફ્રેન્ડ અમેરિકાથી આવી હતી, એની વેલકમ પાર્ટી હતી, એટલે એમાં મારે જવું જ પડે એમ હતું. બટ, ઈટ્સ ઑ.કે. જો તને ના ગમ્યું હોય તો હવે નેક્સ્ટ ટાઈમ નહીં જઉં...

પતિએ પત્નીને તેનું પ્રોમિસ યાદ અપાવ્યું કે પણ, તેં તો મને પ્રોમિસ આપ્યું હતું ને કે હું આ બધું બંધ કરી દઈશ? અને આવાં પ્રોમિસ તેં મને અગાઉ પણ ચાર-ચાર વાર આપેલાં છે અને દરેક વખતે તેં પ્રોમિસ તોડેલાં છે. એના કરતા તું પ્રોમિસ જ ના આપે તો કેવું?

પત્નીએ ફરી એક વખત કાચના વાસણ જેવું વધુ એક બ્રેકેબલ પ્રોમિસ આપ્યું કે ઓ.કે. ડીયર. ગોડ પ્રોમિસ. હવે આવું નહીં બને.

પત્નીના પ્રોમિસને થોડો જ સમય થયો હતો અને ફરી એક વખત પ્રોમિસ બ્રેક-અપનો કિસ્સો બન્યો. વાત જાણે એમ બની કે રવિવારની રજાના દિવસે પતિને બપોરના સુમારે કોઈક કામથી ઘરેથી નીકળવાનું બન્યું. તેની પત્ની કોઈક સંબંધીની ખબર જોવા હોસ્પિટલ જવાનું છે, એમ કહીને ઘરેથી નીકળી હતી. પતિ જે કામથી ઘરેથી નીકળીને કોઈક કોમ્પલેક્સ પાસે પહોંચ્યો અને જોયું કે પત્ની તો અહીં આઈસક્રીમ પાર્લરમાં ફ્રેન્ડઝ સાથે આઈસક્રીમ પાર્ટી માણી રહી હતી.

પતિને જોઈને પત્નીએ કોઈ પણ શરમ કે સંકોચ રાખ્યા વિના વેલકમ કર્યું કે આવ ને, ડીયર. મીટ માય ફ્રેન્ડઝ. આ મારા બધા સ્કૂલ-કોલેજ ગ્રુપના ફ્રેન્ડઝ છે. આજે બહુ વખત પછી મળવાનું અને ગેટ ટુ ગેધરનું પ્લાન કર્યું હતું. લેટ્સ બી સેલિબ્રેટ.

એ વખતે તો પતિ કંઈ જ ના બોલ્યો, પરંતુ ઘરે પહોંચીને તેણે પત્નીને કહ્યું કે ડીયર, આપણા લવ-મેરેજ છે. મને જે નથી ગમતું એ મેં તને કહ્યું. પરંતુ મેં તારા ઉપર કોઈ પ્રતિબંધ તો મૂક્યો જ નથી તો પછી મારાથી ચોરી-છૂપીથી તારે હોસ્પિટલનું બહાનું કાઢીને ઘરેથી નીકળવું પડે અને આ રીતે બધાને મળવું પડે અને બધા સાથે મારી જાણ બહાર સંબંધ કેમ રાખવા પડે? જસ્ટ બી ક્લેરિફાય. તારે આ બધું કરવું હોય તો મને પ્રોમિસ આપવાની જરૂર શું હતી? અને આવું બધું કરવા કે પાર્ટિસિપન્ટ બનવા હું ના પણ ક્યાં પાડું છું? બસ, મને આ બધું નથી ગમતું એ હકીકત છે અને તું આવું બધું બંધ કરે તો એ મને વધારે ગમશે. આટલી જ વાત છે. મને કહેતા દુ:ખ થાય છે કે તેં મારો ભરોસો તોડ્યો છે. મારો વિશ્ર્વાસ તેં એક વાર નહીં પાંચ-પાંચ વાર તોડ્યો છે, એ તો મેં તને પાંચ વખત રેડ હેન્ડેડ પકડીને કહ્યું છે. આ સિવાય તેં કેટલી વાર મારો ભરોસો તોડ્યો હશે, મને ખબર નથી. તારા ઉપરથી મારો ભરોસો ઊઠી ગયો છે. તારા ઉપરનો મારો વિશ્ર્વાસ ડગમગી ગયો છે. ગયેલો વિશ્ર્વાસ ફરી પાછો આવતો નથી.

પત્નીએ તરત જ સુણાવી દીધું કે એક વાત સમજી લે, ડીયર. હું કંઈ તારી ગુલામ નથી કે તારું કહેલું જ કરું. મને પણ મારી લાઈફ જીવવાનો અને એન્જોય કરવાનો પૂરો હક્ક અને અધિકાર છે. મારી લાઈફ એ મારી લાઈફ છે. એમાં મને તારી કે કોઈની દખલગીરી પસંદ નથી. હું આવી જ રહેવાની છું. તું જો મને બદલવાની કોશિશ કરવા માગતો હોય કે આશા રાખતો હોય તો બહેતર છે કે આપણે છૂટા પડી જઈએ અને ડિવોર્સ લઈ લઈએ.

આવું સાંભળીને તો પતિના પગ નીચેથી ધરતી ખસી ગઈ. પતિએ તેની પત્નીને સમજાવતાં કહ્યું કે એનો અર્થ એ થયો કે તું મને પ્રેમ કરતી જ નથી અને આપણે પ્રેમલગ્ન કર્યા પછી પણ તું મારી સાથે ખુશ નથી, એટલે જ મને છોડી દેવાની અને ડિવોર્સની વાત કરે છે. તારી વાતનો મતલબ તો એવો જ થયો કે તું મારા વિના ચલાવી લઈ શકે છે, પરંતુ તારા ફ્રેન્ડઝ વિના જીવી શકે એમ નથી.

સંબંધમાં ભરોસો અને વિશ્ર્વાસ ખતમ થઈ ગયા પછી કહેવાની જરૂર નથી કે આ લવબર્ડ કપલનું ભંગાણ થયું અને ડિવોર્સ થઈ ગયા. આપણા ઉપર કોઈ આંખો બંધ કરીને વિશ્ર્વાસ મૂકે પછી એ વિશ્ર્વાસ ટકાવી રાખવાની જવાબદારી આપણી હોય છે. કોઈ આપણા ઉપર વિશ્ર્વાસ ના મૂકી શકે એ માટે આપણે જ ક્યાંક જવાબદાર હોઈએ, એવું પણ બને. - સમાપ્ત

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

51El25
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com