13-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આપણી આસપાસ હિતેચ્છુના સ્વાંગમાં હિતશત્રુ હોય છે

અનોખું-કલ્પના મહેતા‘ફ્રેન્ડશિપ એ એક ઐસી શિપ હોતી હૈ જો કભી નહીં ડૂબતી....’ હિંદી ટીવી સિરિયલમાં સાંભળેલો આ ડાયલોગ કાનને સાંભળવા માટે ભલે ગમે એટલો મીઠો લાગતો હોય, પણ એ વાસ્તવિક જીવનમાં એટલો જ જોખમી પણ પુરવાર થઈ શકે છે. જો શિપમાં બેઠેલી બંને વ્યક્તિ એકબીજાને પૂર્ણપણે વફાદાર હોય તો જ ફ્રેન્ડશિપની શિપ બરાબર આગળ વધશે, પણ જો બંનેમાંથી એક વ્યક્તિ પોતાના ફાયદા માટે બીજી વ્યક્તિને નુકસાન પહોંચાડે તો શું થાય? આવી વ્યક્તિને ફ્રેનિમી (ફ્રેન્ડ+એનિમી) કહેવાય છે. આપણા વડીલો પણ હંમેશાં કહેતાં વ્યક્તિને જાણી, સમજી અને વિચારીને જ મિત્ર કે દુશ્મન બનાવવો. એવું કહેવાય છે કે દરેકના જીવનમાં કૃષ્ણ જેવો એક મિત્ર હોવો જોઈએ જે તમારા માટે ભલે યુદ્ધ ના લડવા જાય, પણ ખરો સમય આવ્યે તમને સાચી સલાહ ચોક્કસ આપે. આજે આપણે વાત કરીશું કે કઈ રીતે તમારી સામે સારા બનીને તમારી જ પીઠ પાછળ વાર કરનારા મિત્રોને ઓળખશો અને તેનાથી કઈ રીતે બચશો?

ફ્રેનિમીની સૌથી પહેલી અને મહત્ત્વની ક્વૉલિટી એટલે મધથી પણ મીઠી બોલી. તમારા મિત્રની જીભ પરથી સતત સાકર જ જરતી હોય તો તમારે અહીં ચેતી જવાની જરૂર છે, કારણ કે પૂરેપૂરી શક્યતા છે કે આ જ એ આસ્તિન કા સાંપ હોય. આવા મિત્રો તમારા મોઢા પર તમારા માટે મીઠા-મીઠા બોલ બોલશે, પણ જેવી તમે પીઠ ફેરવશો એટલે તરત જ તમારી બદબોઈ કરવાનું શરૂ કરી દેશે. જોકે જરૂરી નથી કે દરેક મીઠું બોલનાર વ્યક્તિ ફ્રેનિમી જ હોય, પણ ગુજરાતી કહેવત છે ને કે ચેતતો નર સદા સુખી. કોઈ વ્યક્તિ પર આંધળો ભરોસો કરીને પાછળ પસ્તાવા કરતાં પહેલાંથી જ ચોકસાઈ રાખીને આગળ વધવામાં કંઈ જ ખોટું નથી.

મીઠાશથી થોડું આગળ વધીએ અને વાત કરીએ બીજા ટાઈપના ફ્રેનિમીની. જરૂરી નથી કે તમારો મિત્ર હંમેશાં મીઠા બોલો જ હોય, જો કોઈ વ્યક્તિ તમારી ખૂબ જ નજીક હોવાનો અને તમારો શુભચિંતક હોવાનો દાવો કરે તો બૉસ કુછ તો ગડબડ હૈ... પોતાની દરેક ગુપ્ત કે અંગત વાતો કહીને તમારી નજીક રહેવાનો, તમને વ્હાલા થવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ ખરો મિત્ર છે કે મિત્રના વેશમાં શત્રુ છે એનો તફાવત સમજવો જરૂરી છે. પોતાના ‘કહેવાતા’ સિક્રેક્ટ્સ જણાવીને તમારા બધા સિક્રેટ્સ જાણી લેવાની આ એક ચાલ હોઈ શકે. એક વખત તમારા બધા સિક્રેટ્સ જાણી લીધા બાદ એ જ વાતોનો તમારી વિરુદ્ધ ઉપયોગ કરવાની તક આ ફ્રેનિમી નહીં છોડે, એટલે મિત્રો પાસે કેટલી અને કયા પ્રકારની અંગત વાતો કરવી છે એનો નિર્ણય તમારે જાતે જ લેવો પડશે.

ફ્રેનિમી મીઠા બોલો કે નજીક રહેવાનો જ પ્રયાસ કરે એવું પણ નથી. ઘણી વખત એવું પણ બંને કે કોઈ એકાદ મિત્ર ઈચ્છે કે તમારું પૂરેપૂરું ધ્યાન તેના પર જ હોય, આને પઝેસિવનેસનું નામ આપવાની જરૂર નથી. જો કોઈ મિત્ર તમને તમારા અન્ય મિત્રોથી છૂટા પાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો બી એલર્ટ. આ ફ્રેનિમીએ તમારા માટે બિછાવેલી એક સોનાની જાળ પુરવાર થઈ શકે છે. આવું કરવાનું એક માત્ર કારણ એ છે કે તમારો એ મિત્ર નથી ઈચ્છતો કે તમારી સામે બીજી કોઈ વ્યક્તિ કૉમ્પિટિશનમાં ના ઊતરે. તે સતત તમારું ધ્યાન એની પર જ કેન્દ્રિત કરાવીને અંદર-અંદર જ તમને હરાવવાના મનસૂબા ઘડતો હોઈ શકે.

હંમેશાં સવાલો અને તમે શું કરી રહ્યા છો એની પળેપળની ખબર રાખવી એ પણ તમારા ફ્રેનિમીનો એક મહત્ત્વનો ગુણધર્મ છે. તમે સતત શું કરી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો, તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે એની પળેપળની ખબર રાખનારા મિત્રોથી થોડા સાવચેત રહેવાની જરૂર છે. સમય આવતાં જ તમારી પાસેથી જ જાણેલી અને સાંભળેલી માહિતીનો ઉપયોગ આ ફ્રેનિમી તમારી સામે કરતાં એક પણ ક્ષણનો વિચાર કરશે નહીં.

મિત્ર બનીને શત્રુ હોવાની ભૂમિકા ભજવનારાની વધુ એક ક્વૉલિટીની વાત કરીએ તો આ લોકોને પડકાર જરા પણ પસંદ નથી. જો તમે એમની સામે પડકાર કે ચેલેન્જ ફેંકશો તો તરત જ અણગમો તેના ચહેરા પર છતો થઈ જશે. આ પાછળનું મુખ્ય કારણ એટલે અસુરક્ષિતતાની ભાવના કે પછી ઈર્ષા. જેવા તમે આવા મિત્રની ક્ષમતા અને કાબેલિયત પર શંકા કરશો એટલે તેઓ તેમના મૂળરૂપમાં આવી જશે. સતત પોતાની હામાં હા કરાવનારા આવા મિત્રોથી ચેતવા જેવું છે. આ પ્રકારના મિત્રો તમને તમારી આસપાસ મોટી સંખ્યામાં જોવા મળશે અને તેમાં પણ જો તમે નોકરી કરતાં હશો તો તમારા મિત્રોની યાદીમાં આવો એકાદ મિત્ર તો ચોક્કસ હશેને હશે જ!

જરૂરિયાતના સમયે તમારા આ કથિત મિત્રો આઉટ ઓફ રડાર થઈ જશે. જો કોઈ મિત્ર તમારા જરૂરિયાતના સમયે જ તમને કામમાં ના આવે તો સાવધાન થઈ જાવ, કારણ કે આ જ એ આસ્તિન કા સાંપ ટાઈપના મિત્ર છે. તમે જ્યારે તમારી સમસ્યા તેમની સામે રજૂ કરો ત્યારે જ તેમને કંઈક મહત્ત્વનું કામ યાદ આવી જાય કે બેધ્યાનપણે તમારી વાત સાંભળે તો આ વ્યક્તિ તમારો મિત્ર નહીં પણ ફ્રેનિમી છે, જેને માત્રને માત્ર પોતાની વાત અને ફાયદામાં રસ છે. તમારી વાત કે મુસીબત સાથે તેને સ્નાન સૂતકનોય સંબંધ નથી.

ફ્રેનિમીના આટઆટલા પ્રકાર જાણી લીધા બાદ હવે ઝડપથી વાત કરી લઈએ કે આખરે કઈ રીતે આ ફ્રેનિમીનો સામનો કરી શકાય અને તેમને દૂર રાખી શકાય એની. સૌથી પહેલાં તો કોઈને પણ ખૂબ જ ઓછા સમયમાં સારો મિત્ર બનાવતા પહેલાં તેના વિશેની શક્ય એટલી માહિતી એકઠી કરો અને ત્યાર બાદ જ તેની સાથે મિત્રતાના સંબંધમાં આગળ વધો. જો કોઈ વખત માણસ ઓળખવામાં થાપ ખાઈ જવાય તો પણ તેનો સામનો કરવો એ સૌથી મહત્ત્વનું છે. ફ્રેનિમી હંમેશાં કંઈકને કંઈક એવું કરશે કે બોલશે જેને કારણે તમે ઉશ્કેરાઈ જાવ. ઉશ્કેરાવાને કારણે એક તો તમારી ઊર્જા વેડફાય છે અને બીજું એટલે તમે ઉશ્કેરાટમાં આવીને આખી બાજી ઊંધી વાળી નાખો એવી પૂરેપૂરી શક્યતા છે એટલે ઉશ્કેરાટને કાબૂમાં રાખો અને સંયમથી કામ લો.

આ ઉપરાંત શક્ય હોય તો કોઈને પણ પાસે કોઈ પણ વ્યક્તિ માટે ટીકા-ટિપ્પણી કરવાનું ટાળો. ઘણી વખત તમારી આ જ ટેવનો ફાયદો તમારો ફ્રેનિમી ઉપાડી શકે છે. તમે જે વ્યક્તિની ટીકા-ટિપ્પણી કરી હશે તેમને જ તમારી સામે હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે. લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ. હંમેશાં સાચા મિત્ર અને ફ્રેનિમી વચ્ચે એક ચોક્કસ અંતર જાળવી રાખો. તમે તમારા મિત્રો સાથે જેટલું ખૂલીને કે સ્પષ્ટપણે વાત કરો એટલી ઊંડી અને લાંબી ચર્ચા ફ્રેનિમી સાથે કરવાનું ટાળો.

અંગ્રેજી શબ્દ ફ્રેનિમીની શોધ ભલે ૫૦ વર્ષ પહેલાં થઈ હોય અને ૨૦૧૦માં ઑક્સફર્ડ ડિક્શનરીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હોય, પણ અનાદિકાળથી આવા હિતશત્રુઓ આપણા જીવનમાં હતા, છે અને રહેશે જ. જરૂર છે આપણે ચેતતા રહેવાની.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

G450LHE1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com