28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વસતિમાં ભારત ચીનને પાછળ રાખી દેશે

વિશેષ-અનંત મામતોરાજગત જેમ માહિતી વિસ્ફોટનો સામનો તો કરી જ રહ્યું છે, પણ એક તરફ બૉમ્બ જેવા વિસ્ફોટકોના વપરાશ માટે જગતના દેશોમાં અરુચિ પેદા થઇ રહી છે ત્યારે વસતિ વિસ્ફોટની સમસ્યા વકરી રહી છે. આ બધું જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતા સમસ્યા વિકરાળ બની જતા વાર નહીં લાગે. વૈશ્ર્વિક સ્તરે કરવામાં આવેલા એક સર્વે મુજબ ૨૦૫૦ સુધીમાં દુનિયાની વસતિ આશરે ૧૦ અબજ થઇ જશે. આ ૨૦૫૦નું વર્ષ જાણે કે એક બેન્ચમાર્ક વર્ષ બની રહ્યું છે. થોડા દિવસો પહેલાના એક રિપોર્ટ અનુસાર ૨૦૫૦ સુધીમાં ગ્લોબલ વૉર્મિંગ અને અન્ય કેટલાંક કારણોસર મુંબઇ સહિત ભારતના અને વિદેશના કેટલાંક શહેરો પાણીમાં ગરકાવ થઇ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

માહિતી વિસ્ફોટની સાથે વસતિ વિસ્ફોટના મુદ્દાને પણ ગંભીરતાથી લેવાની જરૂર છે. એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આગામી દસકમાં વસતિની બાબતમાં ભારત ચીનને પાછળ રાખી દેશે. ૨૦૧૮ની આંકડાકીય માહિતી કહે છે કે ચીનની વસતિ ૧૩૯ કરોડ છે જ્યારે ભારત એને આંબી જવા દોડ મૂકી રહ્યું હોય એમ આપણા દેશની વસતિ ૧૩૫ કરોડને ઓળંગી ગઇ છે. ચાલો આપણે ચીનને પાછળ રાખીને એમનાથી આગળ નીકળી જશું એમ માનીને રાજીનારેડ થઇ જવાની જરૂર નથી. એક હદથી વધુ વસતિ વધારો પ્રગતિ માટે અવરોધક સાબિત થઇ શકે છે. યુનાઇટેડ નેશન્સ - સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે ૨૦૫૦ની સાલ સુધીમાં દુનિયાની વસતિ લગભગ ૧૦ અબજ થઇ જશે. ત્રણ વર્ષ પહેલા થયેલા સર્વેક્ષણ પ્રમાણે જગતની જનસંખ્યા ૭.૪ અબજ હતી. મતલબ કે હવે પછીના ૩૦ વર્ષમાં બીજા અઢી અબજ લોકોનો ઉમેરો થશે. આ વસતિ વિસ્ફોટના જે કારણો છે એમાંનું પ્રમુખ કારણ છે કેટલાક દેશોમાં પ્રજનન દરના પ્રમાણમાં તીવ્ર વધારો થયો છે. આ ઉપરાંત આરોગ્યપ્રદ જીવન અને તબીબી ક્ષેત્રના વિકાસને પગલે માનવીની જીવાદોરી જગતમાં ઘણે ઠેકાણે લંબાઈ છે. યુએનનો આ વસતિ અંદાજ એક ડગલું આગળ વધે છે અને સન ૨૧૦૦ સુધીમાં જગતની જનસંખ્યા વધીને ૧૧.૨ અબજ પર પહોંચી જવાની ધારણા વ્યક્ત કરે છે. ૨૦૧૫થી ૨૦૫૦ દરમિયાન અડધોઅડધ વસતિ વધારો તો ભારત, નાઇજીરિયા, પાકિસ્તાન, કૉન્ગો રિપબ્લિક, ઇથિયોપિયા, તાન્ઝાનિયા, યુએસએ, ઇન્ડોનેશિયા અને યુગાન્ડા જેવા ગણ્યાગાંઠ્યા દેશોમાં જ જોવા મળશે. હવે એક મહત્ત્વની વાત. સાલ ૨૦૨૨ સુધીમાં ભારત વસતિમાં ચીનને પાછળ રાખી દેશે. બીજી એક અચંબો પમાડે એવી વાત એ છે કે ઇબોલા, બોકો હરામ અને આર્થિક મંદી જેવી તકલીફોનો છેલ્લા કેટલાક સમયથી સામનો કરી રહેલા નાઇજીરિયાની જનસંખ્યા ૨૦૫૦ સુધીમાં તો યુએસએને પણ ટપી જશે. લ્યો કરો વાત. અન્ય એક રસપ્રદ વાત. યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા તેમ જ એશિયાની સરખામણીમાં પછાત ગણાતા આફ્રિકાના ૨૮ દેશોમાં ૩૫ વર્ષમાં વસતિ બમણી થઇ જવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. વાત આટલેથી નથી અટકતી. હવે શ્ર્વાસ રોકીને વાંચો. સન ૨૧૦૦ સુધીમાં તો આ આફ્રિકન દેશોની લોકસંખ્યા અધધધ કહી શકાય એવી પાંચ ગણી વધી જવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. માનસશાસ્ત્રીઓ એ વાતથી હેરાન છે કે વિટંબણાઓથી ભરેલું જીવન જીવતી વસતિ કઇ રીતે પ્રજનનમાં આટલી હરણફાળ ભરી શકે. યુએનના ઇકોનૉમિક અને સોશ્યલ અફેર્સના વસતિ વિભાગના ડિરેક્ટર જોહ્ન વિલમથના કહેવા પ્રમાણે ‘અત્યંત ગરીબી અનુભવતા કેટલાક રાષ્ટ્રોમાં ઊંચા પ્રજનન દરને કારણે ઘણી સમસ્યા ઊભી થઇ શકે. ગરીબી તેમ જ અસમાનતાની નાબૂદીની સમસ્યા તેમ જ ભૂખમરો અને કુપોષણનો સામનો કરવામાં સમસ્યા ઊભી થઇ શકશે. આ ઉપરાંત શિક્ષણ તેમ જ આરોગ્યના પ્રશ્ર્ને તકલીફો ઊભી થવાથી આ દેશોની વિકાસ યોજના ખોરંભાઇ જશે.’

આ સર્વેક્ષણમાં બીજી ઘણી વિગતો છે, પણ એમાંથી એક વાત ઊડીને આંખે વળગે એવી એ છે કે ૨૦૨૦ સુધીમાં ભારત સૌથી યુવાન દેશ થઇ જશે અને દેશની સરાસરી આયુ ૨૯ વર્ષ હશે. આજ સમયે ચીન અને યુએસની સરેરાશ આયુ ૩૭ વર્ષ હશે જ્યારે પશ્ર્ચિમ યુરોપની ૪૫ હશે. ટૂંકમાં કહીએ તો જગતમાં મોટેરાંઓની સંખ્યા વધશે જ્યારે આપણે ત્યાં ઘટમાં ઘોડા થનગનશે જેવો ઘાટ થશે. ભારતમાં જુવાન લોહી વધશે એને પગલે બે પૈસા રળવાની તકો પણ વધારવી પડશે. નાણાપ્રધાન અરુણ જેટલીએ આ બાબતે તાજેતરમાં હૈયાધારણ આપી છે અને એ દિશામાં આપણે ધારણા પ્રમાણે આગળ વધી શક્યા તો દેશના અર્થતંત્રને પણ મજબૂત વેગ મળશે એવી આશા અસ્થાને નથી. બીજી બાજુનો વિચાર કરીએ તો દીર્ઘજીવીઓ દેશના અર્થતંત્ર પર બોજો ગણાતા હશે, પણ સમાજ માટે તો તેઓ એક મોટી દેન છે. યુવાનોમાં થનગનાટ હોય, કામ કરવાની ઝડપ અને ઉત્સાહ અનેરા હોય એની ના નહીં, પણ વડીલોમાં ઠરેલપણું તેમ જ અનુભવ અને વ્યવહારુ સમજનું પ્રમાણ વધુ હોય એના અનેક કિસ્સાઓ આપણે ત્યાં પ્રચલિત છે.

આ બધી તો છે આંકડાની માયાજાળ અને એ પોતાની રીતે ફેલાતી રહેશે. મનુષ્ય એક બુદ્ધિજીવી પ્રાણી હોવાની સાથે સાથે એક લાગણીશીલ પ્રાણી સુધ્ધાં છે. એટલે યુવાવર્ગની ટકાવારી વધે એ સાથે જેમ રોજગારની તકો વધારવાની દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે એમ જે દેશોમાં વડીલોની સંખ્યા વધી રહી છે ત્યાં એ વર્ગની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સઘન તૈયારીઓ થાય એ પણ એટલું જ જરૂરી છે. સ્થૂળ ભાવમાં ઘરડાં ઘર (ઓલ્ડ એજ હોમ) જેવી સગવડો આ દિશામાં એક કદમ ભલે ગણાતું હોય પણ ભૌતિક સગવડોની સાથે સૂક્ષ્મ ભાવ ધરાવતી હૂંફ, પ્રેમ જેવી લાગણીઓ પણ તેમને મળી રહે એવાં પ્રયત્નો પણ થવા જોઈએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

G5s5125k
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com