13-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચંદરપૉલ સૌથી વધુ ૧૧૬ મેદાનો પર રમ્યો છે!

રમત જગત-યશ ચોટાઈટેેસ્ટ-ક્રિકેટ સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ મેદાનો પર રમી ચૂકેલા ક્રિકેટરોની યાદીમાં નવેમ્બર ૨૦૧૭ સુધી ઇંગ્લૅન્ડના ટૉમ ગ્રેવેની અને પાકિસ્તાનના મુશ્તાક મોહંમદના નામ મોખરે હતા, કારણકે તેઓ અલગ-અલગ સ્થળના કુલ ૧૧૫ મેદાનો પર રમ્યા હતા, પરંતુ વેસ્ટ ઇન્ડિઝના શિવનારાયણ ચંદરપૉલે એક જ મૅચ રમીને તેઓ બન્નેના વર્ષો જૂના વિક્રમને તોડી નાખ્યો હતો.

નવેમ્બર ૨૦૧૭માં ગયાનાની ટીમે ટૅરોબામાં બ્રાયન લારા ઍકેડેમીના મેદાન પર ફર્સ્ટ-ક્લાસ મૅચ રમી હતી. એમાં ગયાનાની ટીમનો ટ્રિનિદાદ ઍન્ડ ટૉબેગો ટીમ સાથે મુકાબલો હતો. ત્યારે ગયાનાની ટીમે ૪૩ વર્ષના ચંદરપૉલનો ટીમમાં સમાવેશ કર્યો હતો અને એ સાથે તે ઇતિહાસના ચોપડે આવી ગયો હતો. ચંદરપૉલ માટે એ ૧૧૬મું નવું મેદાન હતું. ગયાનાના વિજયમાં ચંદરપૉલનું ખાસ કંઈ યોગદાન તો નહોતું, કારણકે તે ફક્ત બે રન પર આઉટ થઈ ગયો હતો. જોકે, તેનો ૨૧ વર્ષીય પુત્ર ટૅગનારાયણ ચંદરપૉલ પણ એ જ મૅચમાં ગયાનાની જ ટીમ વતી રમ્યો હતો અને તેણે ૮૪ રન બનાવીને ગયાનાની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

૨૦૧૯ના વર્લ્ડ કપમાં ૮ ખેલાડીઓ નહોતા રમ્યા

૨૦૧૯ના વન-ડેના વર્લ્ડ કપમાં ૮ ખેલાડીઓ એવા હતા તેઓ સત્તાવાર રીતે પોતાની ટીમનો હિસ્સો હતા, પરંતુ તેમને રમવાનો મોકો જ નહોતો મળ્યો. લૉર્ડ્સ ખાતે રમાયેલી ફાઇનલમાં પણ ઇંગ્લૅન્ડ વતી ટૉમ કરન અને લિઆમ ડાઉસન તેમ જ ન્યૂ ઝીલૅન્ડના ટૉમ બ્લન્ડેલને નહોતું રમવા મળ્યું. ભારતીય ટીમે મયંક અગરવાલને મોડેથી બોલાવ્યો હતો, પણ તેને એકેય મૅચ નહોતી રમવા મળી. એ જ પ્રમાણે ઑસ્ટ્રેલિયાના મૅથ્યૂ વેડને પણ નહોતું રમવા મળ્યું. બંગલાદેશના અબુ જાયદ અને પાકિસ્તાનના મોહંમદ હસ્નૈનને પણ આવો અનુભવ થયો હતો. સાઉથ આફ્રિકાને ડેલ સ્ટેનની ખોટ ખૂબ વર્તાઈ હતી.

લક્ષ્મણની પહેલી અને છેલ્લી, બન્ને મૅચમાં ઝીરો

વીવીએસ લક્ષ્મણની ટેસ્ટ-કારકિર્દી ૧૬ વર્ષ ચાલી હતી, પરંતુ વન-ડે કરિયર ફક્ત ૮ વર્ષ (૧૯૯૮થી ૨૦૦૬)માં જ સમેટાઈ ગઈ હતી અને એમાં તે ૮૬ વન-ડે રમ્યો હતો. નવાઈની વાત એ છે કે તે ૧૯૯૮માં સૌપ્રથમ વન-ડેમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો અને ૨૦૦૬માં આખરી વન-ડેમાં પણ તેના ઝીરો પર જ આઉટ થઈ ગયો હતો.

એપ્રિલ ૧૯૯૮માં કટકમાં ઝિમ્બાબ્વે સામે તે પૉમી બાંગવાના ત્રીજા જ બૉલમાં એલબીડબલ્યૂ થઈ ગયો હતો. જોકે, કૅપ્ટન મોહંમદ અઝહરુદ્દીનના અણનમ ૧૫૩ રન અને અજય જાડેજાના અણનમ ૧૧૬ રનની મદદથી ભારતે એ મૅચ ૩૨ રનના માર્જિનથી જીતી લીધી હતી. એ પછીના બે વર્ષમાં લક્ષ્મણે તો ભારતીય ટીમમાં સ્થાન જમાવ્યું હતું, પણ અઝહર-જાડેજાએ મૅચ-ફિક્સિગંના આક્ષેપોને પગલે ટીમમાંથી સ્થાન ગુમાવી દીધું હતું. લક્ષ્મણ આખરી વન-ડે ડિસેમ્બર ૨૦૦૬માં સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે હતી જેમાં તે પોતાના પહેલા જ બૉલમાં (શૉન પોલૉકની બોલિંગમાં) કૅચઆઉટ થઈ ગયો હતો.

લક્ષ્મણે એ બે ઝીરો વચ્ચે ૮૪ વન-ડેમાં ૨૩૩૮ રન બનાવ્યા હતા. જોકે, વન-ડેમાં આવો ઉદાસીન પ્રારંભ અને અંત જોનારો લક્ષ્મણ એકલો નથી, પણ બીજા ૨૩ પ્લેયરો છે. એમાં ભારતીયોમાં રોજર બિન્ની અને ક્રિષ્ણમાચારી શ્રીકાંતનો પણ સમાવેશ છે, જ્યારે અન્યોમાં વેસ્ટ ઇન્ડિઝનો જેફ દુજોં તથા ઇંગ્લૅન્ડનો જોનથન ટ્રૉટ પણ સામેલ છે.

અમ્પાયરે પહેલા જ બૉલમાં ગાવસકરને આઉટ આપેલા

ભારતીય ક્રિકેટના લેજન્ડ સુનીલ ગાવસકરે ૧૯૭૧ની સાલમાં કારકિર્દીની શરૂઆત ધમાકેદાર સ્ટાઇલમાં કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામેની એ ટેસ્ટ-શ્રેણીમાં અજિત વાડેકરના સુકાનમાં તેમણે ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. જોકે, ૧૯૭૪માં એવું બન્યું કે બિલી ઍલીએ અમ્પાયર તરીકેની પોતાની પહેલી જ ટેસ્ટમાં પહેલા જ બૉલમાં ગાવસકરને જ્યૉફ આર્નોલ્ડના બૉલમાં અને વિકેટકીપર ઍલન નૉટના હાથમાં કૅચઆઉટ જાહેર કર્યા હતા. બીજા દાવમાં ગાવસકર પોતાના ફક્ત ચાર રનના સ્કોર પર ક્રિસ ઑલ્ડના બૉલમાં ઍલન નૉટના જ હાથમાં ફરી કૅચ આપી બેઠા હતા.

ઇંગ્લૅન્ડે એ ટેસ્ટ એક દાવ અને ૭૮ રનથી જીતી લીધી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

11JBh0w
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com