28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વાહ ભાઈ વાહ!-એમ. એસ. ટીમ

એમ. એસ. ટીમ૧૦૦૦ વર્ષ જૂનું વૃક્ષ બન્યું ટ્રી ઓફ ધ યર

ક્યારેય કોઈ ઝાડને ટ્રી ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો હોય એવું વિચાર્યું છે ખરું? વિચાર તો બહુ દૂરની વાત છે, કલ્પના પણ કરવી અઘરી લાગે છે. હકીકતમાં આવું બન્યું છે અને એ પણ ઈંગ્લેન્ડના લિવરપુલમાં. અહીં આશરેે ૧૦૦૦ વર્ષ જૂના ઑકને વૃક્ષને ઈંગ્લેન્ડનો ૨૦૧૯નો ટ્રી ઓફ ધ યરનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. એવું કહેવાય છે આ વૃક્ષ ૧૦૬૬માં પણ ત્યાં જ હતું જ્યારે નોર્મંસે ઈંગ્લેન્ડ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. ૨૦૧૪થી શરૂ કરાયેલો આ પુરસ્કાર ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડમાં આવેલા એવા વૃક્ષોને આપવામાં આવે છે કે જેમનો કોઈને કોઈ ઈતિહાસ હોય. આ વૃક્ષોની સુંદરતા અને ખાસિયત પણ પુરસ્કાર આપતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકના આ વૃક્ષે પુરસ્કાર મેળવવા માટેની હરીફાઈ દરમિયાન આપવામાં આવેલા ૧૧,૦૦૦ વોટમાંથી ૩૪ ટકા વોટ મેળવ્યા હતા. એસેક્સમાં એક મહેલ પર ઊગેલા ગુલરનું અને વ્હાઈટ બેટ પર ઊગેલું ડ્રેગન ટ્રી ઑકના વૃક્ષ સાથે હરીફાઈમાં હતા. એક હજાર વર્ષ જૂના આ વૃક્ષને લિવરપુલના ઇતિહાસ માટે ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. બીજા વિશ્ર્વ યુદ્ધ દરમિયાન જે પણ સૈનિક યુદ્ધ પર જતાં હતાં એ બધા જ આ વૃક્ષનાં પાંદડાં તેમના ખીસામાં રાખતા હતા. આ પાછળની માન્યતા એવી હતી કે આમ કરવાથી તેમને શક્તિ મળે છે અને યુદ્ધમાં સૈનિકની રક્ષા કરતાં હતા, આ પાંદડા. આ વૃક્ષ સાથે સંકળાયેલી એક બીજી સ્ટોરી એવી પણ ફેમસ છે કે આ વૃક્ષ હકીકતમાં તો એક ડરામણા ડ્રેગનનું શરીર છે. એક યોદ્ધાએ પવિત્ર દેશથી પાછા ફરતી વખતે ડ્રેગનની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેનું શરીર વૃક્ષના થડમાં પરિવર્તિત થઈ ગયું હતું. ૧૮૬૪માં બારુદથી ભરેલાં એક જહાજમાં થયેલા વિસ્ફોટને કારણે આ ઝાડમાં ત્રણ તિરાડો આવી ગઈ હતી. આ માન્યતા કેટલી હદે સાચી છે એ તો રામ જાણે પણ બોસ, આપણમાં માટે મોસ્ટ ઈન્ટરેસ્ટિંગ પાર્ટ તો એ છે કે કોઈ વૃક્ષને ટ્રી ઓફ ધ યરનો એવોર્ડ મળે અને એ પણ ચારસો-પાંચસો વર્ષ જૂના નહીં, પણ પૂરા ૧૦૦૦ વર્ષ જૂનાં વૃક્ષને.

---------------------

કુદરતની કરામત

સામાન્ય વિજ્ઞાનની સમજ પ્રમાણે દોડતી કે સુસવાટા મારતી હવાને પવન કહેવાય છે. આપણી ભાષામાં પવન માટે સરસ સમાનર્થી શબ્દો પણ છે જેમ કે વાયુ, સમીર, અનિલ વગેરે. સવારે સરસ મજાની ઠંડકનો અનુભવ કરાવતો અને બપોરે ગરમીથી તોબા પોકારાવી દેતો પણ પવન જ છે. સપ્ટેમ્બર કે ઑક્ટોબરમાં આવતા ભાદરવા મહિનામાં ઉકળાટ કેમ અનુભવાય છે? ડિસેમ્બર-જાન્યુઆરીમાં કેમ ઠંડી બહુ પડે છે? ઉનાળામાં કેમ પરસેવે રેબઝેબ થઇ જવાય છે? ચોમાસામાં ભરતીના મોજાની વધુ ઉછળકૂદ કયા કારણસર જોવા મળે છે? સબ સવાલોં કા એક હી જવાબ એ ન્યાયે આ વિવિધ પ્રશ્ર્નોનો એક જ ઉત્તર છે, પવન.

જો શાળાના ભણતર દરમિયાન તમે ભૂગોળ પર ધ્યાન આપ્યું હશે તો પૃથ્વી એની ધરી તરફ ૨૧.૫ અંશ નમેલી છે એ તમને શિક્ષકે સમજાવ્યું હશે. એના આ નમી જવાને કારણે જ ધરા પર ઋતુચક્ર જોવા મળે છે. આ પાયાનું ભણતર. જોકે, ભૂગોળને ગંભીરતાથી ભણવાની સમજણ ન કેળવાઈ હોવાને કારણે ઈશાની પવન, ખારો પવન કે વ્યાપારી પવન જેવી વ્યાખ્યાઓ સ્મૃતિપટ પરથી ભૂંસાઈ ગઈ હશે. તો પછી પવનની દિશા શું કામ અને ક્યારે બદલાય છે એ તો ક્યાંથી યાદ હોય? જોકે, એસીમાં બેસીને કૃત્રિમ ઠંડકનો અનુભવ કરવા ટેવાયેલાને આ વાતમાં કેટલો રસ હશે એ પણ એક સવાલ છે.

આપણે મૂળ વાત પર આવીએ. પવન ચોક્કસ દિશામાં વેગથી દોડતી હવા છે. જમીન પરના પવનની દિશા અને ઊંચે આકાશમાં લહેરાતા પવનની દિશા બદલાતી રહે છે. પરિણામે એની અસર હવામાન પર થતી જોવા મળે છે. ડિસેમ્બરમાં પવન ઉત્તર દિશાથી મુંબઈ તરફ આવતો હોય છે. એ પવન ઉત્તર ભારતની કડકડતી ઠંડી અને કયાંક થયેલી બરફ વર્ષાની ઠંડક સાથે લઈને આવે છે. માર્ચ મહિનાથી પવન દિશા બદલીને પશ્ર્ચિમ તરફથી આવવાની શરૂઆત થાય છે. સમુદ્રથી જમીનની દિશામાં આવતા આ પવનમાં ભેજનું પ્રમાણ વિશેષ ન હોવાથી ગરમી વધવાની શરૂઆત થાય છે. ત્યાર બાદ વારો આવે છે નૈઋત્યના પવનનો. જૂનના પ્રારંભથી ફૂંકાવાની શરૂઆત કરનાર આ પવનમાં ભેજનું પ્રમાણ સારું એવું હોવાના કારણે આપણે ત્યાં વર્ષાઋતુનું આગમન થાય છે. સપ્ટેમ્બરની આસપાસ એનો પ્રભાવ ઓછો થાય છે અને પછી જમીનથી સમુદ્રની દિશા તરફ પવન વાય છે.

----------------------

મારી હૂંડી સ્વીકારો બૅન્ક મૅનેજરજી

આપણા દેશમાં સૌથી ધનવાન વ્યક્તિ કોણ એનો ક્રમ વર્ષે-બે વર્ષે બદલાતો રહે છે. દુનિયાના પણ એ જ હાલ છે. જોકે, આર્થિક રીતે સારું એવું સમૃદ્ધ દેવાલય કયું તો એનો જવાબ વર્ષોથી એક જ રહ્યો છે. એ જવાબ છે આંધ્ર પ્રદેશના તિરુમલા ખાતે આવેલું તિરુમલા વેંકટેશ્ર્વર મંદિર. અલબત્ત એનો નંબર બીજા ક્રમે આવે છે. પહેલા નંબરે ઠાઠથી બિરાજે છે શ્રી પદ્મનાભસ્વામી ટેમ્પલ તરીકે ઓળખાતું કેરળનું વિષ્ણુ મંદિર.

જોકે, આજે આપણે વાત કરવાની છે ટીટીડી તરીકે ઓળખાતા તિરુમલા તિરુપતિ દેવસ્થાનની. તાજેતરમાં આ મંદિરની આવકમાં ૨૫.૮૨ કરોડ રૂપિયાનો ઉમેરો થયો હતો. અલબત્ત આ મંદિર માટે આ રકમ કંઇ અધધધ ન ગણાય, પણ રસપ્રદ વાત એ છે કે આ પૈસાનો ઉમેરો કઇ રીતે થયો. છેલ્લાં કેટલાંક વર્ષોથી દાનપેટીમાં શ્રદ્ધાળુઓ ચિલ્લરનું દાન કરી રહ્યા હતા એની ગણતરી કરવામાં આવતા એ રકમનો આંકડો ૨૬ કરોડ સુધી પહોંચી ગયો હતો. તાજેતરના દિવસોમાં આ સિક્કાઓની સાચવણી મુશ્કેલી ઊભી કરી રહી હતી એટલે એ સિક્કાઓને ચલણી નોટમાં બદલવું જરૂરી બની ગયું હતું. સિક્કાની સંખ્યા એવી જબરજસ્ત હતી કે એને ભરવા માટે ૮૫૦૦૦ કોથળીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો. એક માહિતી પ્રમાણે આ મંદિરની વાર્ષિક આવક આશરે ૧૨૦૦ કરોડ રૂપિયા છે. અલગ અલગ મૂલ્યના સિક્કાનો નિકાલ કરવામાં મંદિરના મૅનેજરો મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને બૅન્કો પણ સિક્કાઓ સ્વીકારવા તૈયાર નહોતી. જોકે, ટીટીડીના નવા અધ્યક્ષ બૅન્ક મૅનેજરોની સમજાવટ કરવામાં સફળ રહ્યા. થોડા દિવસો પહેલા મંદિરના મૅનેજમેન્ટને ૭૦૦૦૦ કોથળીઓના બદલામાં કાગળની નોટો મેળવવામાં સફળતા મળી. જોકે, હજી ૧૫,૯૨૮ કોથળીઓ વટાવવાની બાકી પડી છે જેની કિંમત ૪.૯૫ કરોડ રૂપિયા થાય છે. ટૂંક સમયમાં એનો પણ નિવેડો આવી જશે એવો વિશ્ર્વાસ ટીટીડીને છે. ‘મારી હૂંડી સ્વીકારો બૅન્ક મૅનેજરજી’ એવું ગાવાનો વારો આવ્યો છે.

------------------------

અહીં ફરવા મળશે રૂ. ૧૪ લાખ

કોઈ એક ઘરમાં ફરવા માટે તમને કોઈ લાખો રૂપિયા ઓફર કરે એ વાત માનવામાં આવે ખરી? સવાલ સાંભળીને જ થયું ને હોતું હશે કંઈ આવું? પણ આ હકીકત છે અને વોશિંગટનમાં આવેલા ટેનિસીના સમરટાઉનમાં આવેલા એક ઘરમાં ૧૦ કલાક રહેવા માટે ઈનામમાં ૨૦,૦૦૦ ડોલર્સ એટલે કે આશરે (રૂ. ૧૪ લાખ) આપવામાં આવશે. લેકિન, કિંતુ, પરંતુ બંધુ, કહાની મેં ટ્વીસ્ટ હૈ... આ ઘર એ સામાન્ય ઘર નથી, પણ એક હોન્ટેડ હાઉસ છે. આ ઘરમાં જતાં પહેલાં દરેક સ્પર્ધકે ૪૦ પાનાનું કરારનામું સાઈન કરવું પડશે અને સ્પર્ધકની ઉંમર ૨૧ વર્ષથી નાની ના હોવી જોઈએ. હોન્ટેડ હાઉસમાં એક ચોક્કસ સ્થળ સુધી પહોંચવા માટે સ્પધર્કે શારીરિક અને માનસિક પડકારોમાંથી પસાર થવું પડે છે. આ દરમિયાન કોઈ વ્યક્તિને ગુસ્સો પણ આવી શકે છે. એટલું જ નહીં ઘરમાં સ્પર્ધકોને ઘરની અંદર પહેલાંથી જ હાજર ડરામણા મેકઅપ સાથેના કલાકારોનો સામનો પણ કરવો પડશે. મેક મી મેનર નામના ઘરના સંચાલકો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તેઓ તેમના ઘરની પબ્લિસિટી માટે આવું નથી કરી રહ્યા. આ સિવાય તેમના દ્વારા એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે આ રીતે એક હોન્ટેડ હાઉસમાં પ્રવેશવું અને શારીરિક અને માનસિક પડકારાથી ડર્યા વિના ઘરમાં રહેવું એ જરાય સહેલું નથી. ભયને સરળતાથી પચાવવો એ દરેક માટે મુશ્કેલ છે. અત્યાર સુધી આ હૉન્ટેડ હાઉસમાં કોઈ પણ વ્યક્તિ ડર્યા વિના રહી શકી નથી. સ્પર્ધકની મુશ્કેલી ઓછી કરવા માટે ઘરની અંદર તેને કરવી પડનારી મુશ્કેલીના જાણકારી અગાઉથી જ આપી દેવામાં આવશે, જેથી તેઓ સરળતાથી તેમની વિઝિટ પૂરી કરી શકે. મેક મી દ્વારા તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ ઘરમાં ૧૦ કલાક ડરામણા અવાજો અને અચાનક ક્યાંકથી પ્રગટ થનારા ડરામણા મેકઅપવાળા ઍક્ટર તમારા હૃદયના ધબકારા ચૂકવવામાં સક્ષમ છે. હવે સમજાયું કે ૧૦ કલાકમાં ૧૪ લાખ રૂપિયા કમાવવા માટે તમારે કેટલા પાપણ વણવા પડશે?!

-------------------

પૈસા માગ્યા, પાળેલો સિંહ છોડી મૂક્યો

તમે કોઈને ઉધાર પૈસા આપ્યા હોય, તમે એ વ્યક્તિ પાસે પૈસા માગવા પહોંચો ત્યારે એ તમને પૈસા આપવાને બદલે તમારા પર સિંહ છોડી મૂકે તો? વિચારીને જ શરીરના રૂંવાડા ઊભા થઈ ગયા ને? આવું હકીકતમાં બન્યું છે અને એ પણ આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં. એકાદ મહિના પહેલાં બનેલી આ ઘટનામાં હાલમાં જ પ્રકાશમાં આવી હતી, જ્યાં પોતાના ઉધારીના પૈસા માગવા પહોંચેલા એક ઈલેક્ટ્રિશિયન પર આરોપીએ તેની પર પાળેલો સિંહ છોડી મૂક્યો હતો. પીડિત ઈલેક્ટ્રિશિયને પહેલાં તો આ ઘટનાની કોઈ જ ફરિયાદ નહોતી નોંધાવી, પણ જ્યારે આરોપી તેની સારવારનો ખર્ચ આપવાના પોતાના વાયદામાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આખી ઘટના વિશે પાકિસ્તાનની પોલીસનું કહેવું છે કે આરોપીએ ઈલેક્ટ્રિશિયન પાસેથી કંઈક કામ કરાવડાવ્યું હતું અને વારંવાર પૈસા માગવા છતાં આરોપી પૈસા ચૂકવવામાં ગલ્લાતલ્લા કરી રહ્યો હતો. જ્યારે ઈલેક્ટ્રિશિયન પોતાના પૈસા લેવા પહોંચ્યોેેેે ત્યારે પહેલાં તો બંને વચ્ચે ખૂબ બોલાચાલી થઈ હતી. ત્યાર બાદમાં ગુસ્સે ભરાઈને આરોપીએ ઈલેક્ટ્રિશિયન પર તેનો પાળેલો સિંહ છોડી મૂક્યો હતો. આ ઘટના બાદ આરોપીએ પીડિતને પોલીસ ફરિયાદ નહીં કરવા અને તે તેની સારવારનો ખર્ચ આપશે એવું વચન આપ્યું હતું. પણ બાદમાં તેણે પોતાનું વચન પાળ્યું નહીં. પરિણામે રોષે ભરાયેલા ઈલેક્ટ્રિશિયને પોલીસમાં આખી ઘટનાની જાણ કરી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. વાંચવામાં અને સાંભળવામાં આ ઘટના જેટલી હાસ્યાસ્પદ લાગે છે એટલી જ હકીકતમાં ડરામણી છે. આવું તો પાકિસ્તાનમાં જ થઈ શકે બૉસ!

---------------------

બદલે કી ભાવના

રાજકારણીઓ વચન આપીને તેને પૂરા નહીં કરવા માટે ફેમસ હોય છે અને આપણે ત્યાં તો આ ખૂબ જ સામાન્ય બાબત છે. પણ ક્યારેય વિચાર્યું છે કે વચન પૂરા નહીં થતાં રોષે ભરાયેલી જનતા શું કરી શકે છે? આ સવાલનો જવાબ આપણને મળશે મેક્સિકોના ચિયાપાસ રાજ્યના લાસ માર્ગારિટાઝમાં. અહીંના મેયર જ્યૉર્જ લૂઈસ એસ્કેંડન હર્નાડેઝે ચૂંટણી દરમિયાન લોકોને રસ્તો બંધાવી આપવાનું વચન આપ્યું હતું. જનતાએ તેમના આ વચનને હકીકત માનીને મત આપીને વિજયી બનાવ્યા. પણ બધા રાજકારણીઓની જેમ જ્યોર્જ વચનપૂર્તી કરવામાં પાછા પડ્યા. ટૂંક સમયમાં જ તેમનો કાર્યકાળ પૂરો થવાનો છે અને તેણે કોઈ રસ્તો પણ બંધાવી આપ્યો નથી. રોષે ભરાયેલા નાગરિકોએ મેયર ઓફિસનું કામકાજ પતાવીને જ્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને ઘેરી લીધા. એટલું જ નહીં પણ તેમને કાર સાથે બાંધીને એ જ ખરાબ રસ્તા પર તેમને ઘસડીને લઈ ગયા. તેમને ત્યાં સુધી ઘસડીને લઈ ગયા જ્યાં સુધી પોલીસે હસ્તક્ષેપ ના કર્યો. આ ઘટનામાં મેયર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એટલું જ નહીં પોલીસ અને નાગરિકો વચ્ચે પણ છુટા હાથની મારામારી થઈ હતી, જેમાં ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ માટે પોલીસે ૩૦ જણની અટકાયત કરી છે. પણ સૌથી રસપ્રદ વાત તો હવે આવે છે કે આ ઘટનાના આઠ કલાક બાદ જ મેયરે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ માટે નાગરિકોને ડરાવવામાં નહીં આવે કે ન તો તેમની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવશે. એટલું જ નહીં પણ મેયરે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ તેમના અપહરણ અને હત્યાના પ્રયાસવાળી આ ઘટનાને વધારે મહત્ત્વ જ નથી આપવા માગતા!

---------------------

ફોટાવાળાએ ફ્રેમ તોડી

સપ્તપદી, સાત ફેરા, સાત જનમના સાથ વગેરે રૂપકો આપણા સમાજની લગ્નવ્યવસ્થા સાથે જડબેસલાક સંકળાયેલા છે. બે આંખો ચાર થાય, બે હૈયાં એક થાય અને વાત લગ્નમંડપ સુધી પહોંચી જાય એવા તો કંઇ કેટલાય પ્રસંગો તમે જોયા હશે, માણ્યા હશે. જોકે, હવે જે પ્રસંગની વાત માંડી છે એ તો કદાચ તમારી કલ્પનાની બહાર હશે. આપણે ત્યાં લગ્ન લેવાય ત્યારે એ સાદાઇથી હોય કે ધામધૂમથી થવાના હોય, અમુક બાબતો અનિવાર્ય હોય છે. નવોઢા બ્યુટી પાર્લરમાં તો જાય જાય ને જાય જ. બીજું ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર મહામૂલી ક્ષણો કૅમેરામાં કેદ કરવા હાજર હોય જ. કોઇ પણ ક્ધયાને આ બે કોડ તો હોવાના જ. એકવાર ચાર માણસ જમવા ઓછા આવે તો ચાલે, પણ વીડિયોગ્રાફર તો હોવો જ જોઇએ. તમિળનાડુના ત્રિચી શહેરમાં યોજાયેલા એક લગ્નસમારંભમાં એક હેરત પમાડે એવી ઘટના આ સંદર્ભમાં બની હતી. ઘટના છે તો થોડી જૂની, પણ ધ્યાનમાં હમણાં આવી છે. વાત એમ હતી કે મૅરેજ ઠાઠથી થાય એવા ક્ધયાના માતાપિતાના કોડ હતા. જોકે, વરપક્ષ સાદાઇનો આગ્રહી હતો અને એક નાનકડા હૉલમાં એક ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફરને બોલાવી સાદાઇથી લગ્ન પાર પાડવા ક્ધયાપક્ષને સમજાવી દીધો. થયું એવું કે નક્કી કરેલા સમયે બેમાંથી એકેય ફોટાવાળા ભાઇ હૉલ પર પહોંચ્યા નહીં. થઇ રહ્યું. ક્ધયા વીફરી અને મુરતિયા સાથે ઝઘડો શરૂ કર્યો અને વાતનું એવું વતેસર થયું કે લગ્ન ફોક કરીને તેણે ચાલતી પકડી. બોલો, છે ને કમાલ!

---------------------નારીશક્તિનો મહિમા ભારતમાં જ છે એવું નથી, દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકામાં પણ હવે નારીશક્તિનો મહિમા ગાજી રહ્યો છે. જી હા, ન્યૂ યોર્કમાં આવેલા ૧૪૩ વર્ષ જૂના સેન્ટ્રલ પાર્કમાં ઈતિહાસમાં અમિટ છાપ છોડી જનાર ત્રણ મહિલાઓની પ્રતિમા લગાવવામાં આવશે. જોકે આવું પહેલી વખત થશે કે સેન્ટ્રલ પાર્કમાં મહિલાઓની પ્રતિમા લગાવવામાં આવશે. અત્યાર સુધીમાં આ પાર્કમાં ૨૩ પ્રતિમા લગાવવામાં આવી છે અને આ બધી પ્રતિમા પુરુષોની છે. મહિલા અધિકારો માટે લડત આપનારી આ ત્રણ મહિલાઓમાં સુઝૈન બી. એન્થની, એલિઝાબેથ કેન્ડી સ્ટેંટન અને સોજૉર્નર ટ્રુથનો સમાવેશ થાય છે. આ પ્રતિમાઓ પાર્કમાં મૂકવા પાછળનો હેતુ એવો છે કે જ્યારે મહિલાઓ સાથે આવી જાય છે ત્યારે ક્રાંતિકારી પરિવર્તન આવે છે. સુઝેને અમેરિકન મહિલાઓને તેમના અધિકારો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૧૮૭૨માં તેમની વોટિંગ કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી. પણ તેમણે હાર માન્યા વિના સ્ટેંટન સાથે મળીને મતાધિકાર માટે આંદોલન શરૂ કર્યું. જોકે, દુર્ભાગ્યે સુઝૈનનું આ સપનું તેમના મૃત્યુના ૧૪ વર્ષ બાદ એટલેે ક ૧૯મી સદીમાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. એલિઝાબેથે ૧૮૪૮માં સેનેકા ફોલ્સમાં દુનિયાનું પહેલું મહિલા અધિકાર સંમેલનનું આયોજન કર્યું હતું. તેમણે સુઝૈન સાથે મળીને રાષ્ટ્રીય લીગની સ્થાપના પણ કરી હતી. જ્યારે સોજૉર્નર ટ્રુથ વ્યવસાયે એક શિક્ષિકા હતા અને તેમણે ગુલામી અને નાગરિક અધિકારોના હનનના વિરોધમાં આંદોલન છેડ્યું હતું.

---------------------

કરોડપતિ ભિખારણ

હાલમાં જ થોડાક સમય પહેલાં મુંબઈમાં લોકલ ટ્રેનની અડફેટે આવીને મૃત્યુ પામનાર એક ભિખારી લખપતિ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, પણ આજે આપણે વાત કરીશું એક કરોડપતિ ભિખારણની. લેબનૉનમાં હમણાં કેટલાક સમયથી એક મહિલા ભિખારણ ખૂબ જ લાઈમલાઈટમાં છે, કારણ કે તેના બૅંક એકાઉન્ટમાં ૬.૩૭ કરોડ રૂપિયા છે. વાફા મહોમ્મદ નામની આ મહિલાએ વર્ષોથી ભીખ માગીને આ રકમ ભેગી કરી છે. આ ઘટના એ વખતે પ્રકાશમાં આવી હતી જ્યારે વાફાએ તેની આ બચતને એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો. વાફા સીદોન નામની હોસ્પિટલ સામે છેલ્લાં દસ વર્ષથી ભીખ માગે છે. હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરનારી એક યુવતીએ જણાવ્યું હતું કે વાફાને અમે એક ભિખારણ તરીકે જ ઓળખતા હતા, પણ તેની પાસે આટલી સંપત્તિ હશે એ વાતની તો અમે કોઈએ કલ્પના કરી જ નહોતી. એટલું જ નહીં આ વિસ્તારમાં અવરજવર કરનારા મોટાભાગના લોકો વાફાને ઓળખે છે.

------------------------

બર્થ-ડે કોનો? બૅક્ટેરિયાનો!તમારા મિત્રનો કે સ્નેહીનો કે ગર્લફ્રેન્ડની વરસગાંઠની ઉજવણીની રંગત જામી છે. કોરસમાં ગીત ગવાઇ રહ્યું છે: ‘તુમ જિયો હજારોં સાલ, સાલ કે દિન હોં પચાસ હજાર’. આનંદમય વાતાવરણમાં તાળીઓના તાલે વધામણી દેવાઇ રહી છે. ઘણા બધા વિકલ્પો ચકાસ્યા પછી લાવવામાં આવેલી એક સુંદર મજાની કેક સુંદર ટેબલક્લોથ પાથરેલા ટેબલ પર ગોઠવવામાં આવી છે. કેક પરની કૅન્ડલ્સ પ્રજ્વલિત કરીને લાઇટ્સ ઑફનો આદેશ અપાય છે. સાગમટે મીણબત્તીઓને ફૂંક મારીને ઓલવવા માટે કહેવામાં આવે છે. જોકે, તમે એમાં જોડાતા નથી. ના, તમનેય પ્રસંગનો ઉમંગ છે, પણ કોઇક વિશેષ જાણકારી કૅન્ડલને ઓલવવાના કોરસગાનમાં જોડાતા તમને અટકાવે છે. કેક અને કૅન્ડલ વિશે તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસના તારણ પ્રમાણે બર્થ-ડે ઉજવણી વખતે જ્યારે ફૂંક મારવાથી કૅન્ડલની જ્યોત ટમટમવાને કારણે કેક પરના બૅક્ટેરિયાનું પ્રમાણ ૧૪૦૦ ટકા વધી જાય છે. કદાચ તમારે એવું ગીત ગાવાનો વારો આવે કે ‘હૅપ્પી બૅક્ટેરિયા ટુ યુ.’

અમેરિકામાં પ્રસિદ્ધ થતી ‘જરનલ ઑફ ફૂડ રિસર્ચ’માં આ સંશોધનની વિગતો પ્રકાશિત કરવામાં આવી છે. કેટલાક ફૂડ સાયન્ટિસ્ટોએ મળીને બે વિશિષ્ટ બર્થ-ડે કેક તૈયાર કરાવી હતી. આ કેક પર ૧૭ કૅન્ડલ રાખવામાં આવી. આ કેકને ઓલવવા માટે કેટલાક વૉલ્યુન્ટર્સને બોલાવવામાં આવ્યા હતા. તેમને ગરમાગરમ પિઝાનો એક પીસ ખવરાવવામાં આવ્યો હતો. મસાલેદાર વાનગી ખાધા પછી મીઠી વાનગી (સ્વીટ ડિઝર્ટ) ખાવા મળે એ ઇરાદાથી આમ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રત્યેક કેકની સપાટી પર કેટલા બૅક્ટેરિયા છે એનું પરીક્ષણ કરીને નોંધ રાખવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા ત્રણ વખત કરવામાં આવી. તારણ શું નીકળ્યું? જે કેક પર રાખવામાં આવેલી કૅન્ડલ ફૂંક મારીને ઓલવવામાં આવી હતી એના પર કૅન્ડલ પ્રજ્વલિત રાખવામાં આવેલી કેક કરતાં ૧૪૦૦ ટકા બૅક્ટેરિયા વધુ હતા. જોકે, આ સાથે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો વરસગાંઠની પાર્ટીમાં હાજર રહેલી પ્રત્યેક વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો આ બધા બૅક્ટેરિયા તમારું કશું નહીં બગાડી શકે. હકીકત એ છે કે આપણે કાયમ કોઇને કોઇ પ્રકારના સૂક્ષ્મ જીવોથી ઘેરાયેલા હોઇએ છીએ. આ જીવોના ઘણાં સંશોધનોએ એ વાત સિદ્ધ કરી છે કે આ સુક્ષ્મ જીવોની હાજરી આપણા માટે લાભકારી હોય છે. એમની હાજરીને કારણે બીમાર કરી શકતા નુકસાનકર્તા સૂક્ષ્મ જીવો સામે આપણું રક્ષણ થાય છે. અલબત્ત તમે જેની બર્થ-ડે પાર્ટી મનાવવા ગયા હો એ વ્યક્તિ જો બીમાર હોય તો કેક ખાતા પહેલા બે વાર વિચાર કરજો. જો કોઇ વ્યક્તિ છીંક ખાય તો એને કારણે ફેલાતા બૅક્ટેરિયા કે વાઇરસ ગળું ખરાબ કરી શકે અથવા ફ્લુ જેવી તકલીફ થઇ શકે છે. એટલે બર્થ-ડે પાર્ટીમાં જાવ ત્યારે બીજા લોકોના આરોગ્ય પર પણ ધ્યાન આપજો. ઓકે?

-----------------------

દિવાળીમાં પ્રાણીપૂજા

વાક્બારસથી શરૂ થઇ બેસતા વર્ષ સુધી આપણે ત્યાં દિવાળીના ઉત્સવનો મહિમા છે. અલબત્ત ભાઇબીજ અને લાભ પાંચમ સુધી માહોલ ઉજવણીનો જોવા મળે છે. વિવિધતામાં એકતા એ ભારતની ઓળખાણ છે, પણ દિવાળીની ઉજવણીમાં બધા સાગમટે જોડાઇ જાય છે. ઉજવણીની પ્રક્રિયામાં પણ ગજબનું સામ્ય જોવા મળે છે. જોકે, આપણા પડોસી દેશ નેપાળમાં દિવાળીની ઉજવણી સાવ અનોખી રીતે થતી જોવા મળે છે. ત્યાં મનુષ્યપ્રેમ કરતાં પ્રાણીપ્રેમ સવાયો જોવા મળે છે.

આપણે ત્યાં રોશની કરવાને તેમ જ લક્ષ્મીપૂજાનું પ્રાધાન્ય હોય છે. નેપાળમાં તો દિવાળીના સપરમા દિવસોમાં ગણેશજી કે લક્ષ્મીજીની નહીં, પણ શ્ર્વાનની પૂજા કરવામાં આવે છે. નેપાળમાં દિવાળી તિહાર તરીકે ઓળખાય છે. રખે એને આપણી તિહાર જેલ સમજી બેસતા. એ દિવસે નેપાળીઓ દીવડા પ્રગટાવે, નવાં કપડાં પહેરે અને જલસા કરે. જોકે, બીજે જ દિવસે ઉજવણીની રીત સાવ બદલાઇ જાય. એ દિવસ કુકુર તિહાર તરીકે ઓળખાય છે અને એ દિવસે શ્ર્વાનની પૂજા કરવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે આ પૂજા સાથે દિવાળી પૂરી નથી થઇ જાતી, પણ પૂરા પાંચ દિવસ એ ઉજવણી ચાલે છે. કુકુર તિહારના દિવસે શ્ર્વાનની પૂજા કરીને એને કંકુનો ચાંદલો કરીને હાર પહેરાવવામાં આવે છે. ખાસ શ્ર્વાન માટે એને ભાવતી વાનગીઓ પણ તૈયાર કરાય છે. કુકુર તિહારમાં શ્રદ્ધા ધરાવતા લોકો શ્ર્વાનને યમરાજાનો સંદેશવાહક માને છે. મૃત્યુ પછી પણ શ્ર્વાન માલિકની રક્ષા કરે એવી માન્યતા હોવાથી આ પૂજાનું મહત્ત્વ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0v5IJf
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com