28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આપણો આનંદ, એમના માટે સજા

પ્રાસંગિક-મૌસમી પટેલ‘એરે મારી રોઝી રવિવારે દિવાળીના દિવસે સાંજે ઘરમાં ગભરાઈને પોતાના હાઉસમાં ભરાઈ ગઈ એ જેમ કરો તેમ બહાર આવવા તૈયાર નહીં થાય. મહામુસીબતે એને બહાર કાઢી તો એકદમ અગ્રેસિવ થઈ ગઈ અને જે સામે મળે તેના પર અટૅક કરવા લાગી.’

‘તું રોઝીની ક્યાં વાત કરે છે, મારો સુલ્તાન તો ભારે બીકણ. ફટાકડાના અવાજથી તો તે ગભરાય જ છે, પણ સાવ સાદું સુરસુરિયું કે પાઉસ પણ કોઈ ફોડતું હોય તો તે તેની બાજુમાં પણ નહોતો જતો. બિચારો બે-ત્રણ દિવસથી હોલના એક ખૂણામાં ચૂપચાપ પડ્યો રહે છે.’

ઉપરના સંવાદો વાંચીને ગૂંચવાઈ ગયા ને? ખાસ કંઈ સમજણ પણ નહીં પડી હોય. એક જ વાત સમજાઈ હશે અને એ વાત એટલે બે બહેનપણીઓ પોત-પોતાની સમસ્યાઓ એકબીજાં સમક્ષ રજૂ કરી રહી હતી. આખરે કોણ છે આ રોઝી અને સુલ્તાન? રોઝી ત્રણ વર્ષની ડાલ્મેશિયન ડોગી છે અને સુલ્તાન એ ડૉબરમેન પ્રજાતિનો શ્ર્વાન છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ઘણી વખત તમને અલગ અલગ પ્રકારના લોકો જોવા મળે છે, પણ મને આ પ્રવાસ દરમિયાન એક આખી અલગ જ નવી સમસ્યા જાણવા મળી કે જેના વિશે કદાચ આપણે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું જ નથી. પરંતુ જે લોકોના ઘરે આવા પાળેલાં પ્રાણીઓ હોય એ લોકો વચ્ચે આવી ચર્ચા કે સંવાદો આ સામાન્ય છે.

ફટાકડા કે સૂતળી બૉમ્બનો મોટો અવાજ આપણા માટે આનંદદાયક કે ખુશી આપનારો હોઈ શકે છે, પણ આપણા ઘરમાં રહેતાં પાળેલાં કે પછી રસ્તા પર રખડનારાં પ્રાણીઓ માટે આ અવાજ જરા પણ આનંદદાયક નથી હોતો. એથી વિપરીત આ અવાજ તેમના માટે ત્રાસદાયક અને તણાવપૂર્ણ હોય છે. ક્યારેય ધ્યાન આપ્યું છે કે દિવાળીના સમય દરમિયાન અચાનક જ આ પ્રાણીઓના સ્વભાવમાં આટલો બધો ફેરફાર કેમ જોવા મળે છે? આપણા કરતાં બિલાડી અને શ્ર્વાનની સાંભળવાની ક્ષમતા ખૂબ જ તીવ્ર હોય છે અને ઘણી વખત આપણે જે અવાજો નથી સાંભળી શકતા એ અવાજ તેઓ ખૂબ જ ઝડપથી સાંભળી લેતાં હોય છે.

પરિણામે દિવાળીમાં સતત કાન પર પડનારા મોટા અને કર્કશ અવાજથી તેમને ખૂબ જ ત્રાસ થાય છે. આવી પરિસ્થિતિમાં તેમનામાં બે પ્રકારનાં પરિવર્તનો આવી શકે છે, પહેલું એટલે તેઓ એકદમ શાંત અને દુ:ખી થઈને ઘરના કોઈ ખૂણામાં પડ્યા પાથર્યાં રહે છે, જ્યારે બીજા પરિવર્તન અનુસાર તેઓ એકદમથી અગ્રેસિવ થઈ જાય છે અને અટેકિંગ મૂડમાં આવી જાય છે. ઘણી વખત તેઓ કારણ વિના ધ્રૂજતા જોવા મળે છે, ડિપ્રેસ થઈ જાય છે. એટલું જ નહીં ઘણી વખત તો કોઈ પણ કારણ વિના તે સતત ભસવાનું શરૂ કરી દે છે. ફટાકડાથી ગભરાઈને તેઓ સોફા, કબાટ કે ઘરના અન્ય રાચરચીલાની પાછળ છુપાવવાનું પસંદ કરે છે, જ્યાં તેમને અંધારુ મળી રહે.

મુંબઈના એક પશુ રોગ ચિકિત્સાના નિષ્ણાત પ્રાણીઓની આ સમસ્યા વિશે વાત કરતાં જણાવે છે કે ફટાકડા ફૂટવાને કારણે અચાનક ફેલાતો પ્રકાશ અનેક વખત પ્રાણીઓમાં પાર્શિયલી કે કાયમી અંધત્વ આવવાનું કારણ પણ બની જાય છે.

આ જ વર્ષે ક્રિકેટના રન મશીન તરીકે ઓળખાતા રોહિત શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શૅયર કર્યો હતો, જેમાં ઘરની બહાર નીકળેલો એક શ્ર્વાન જોરથી ફૂટી રહેલા ફટાકડાના અવાજથી ગભરાઈને ઘરમાં ભરાઈ જાય છે. આ વીડિયો કદાચ તેના જ ઘરનો હોવાનું પણ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે, પણ આપણા માટે આ વિડિયો ક્યાંનો છે, કોનો છે એના કરતાં વધારે મહત્ત્વનું છે કે આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવવો? રોહિત શર્મા ઉપરાંત બી-ટાઉનની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પણ આ વખતે ટ્વિટર પર તેના ચાહકોને પોલ્યુશન અને ક્રેકર્સ ફ્રી દિવાળી ઉજવવા માટેની અપીલ કરી હતી.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ‘દિવાળી બાદ તેમની પાસે કેટલાય એવા કેસ આવે છે કે પ્રાણીઓ ટ્રોમામાં આવી જાય છે. આવા સમયે તેમને નોર્મલ લાઈફમાં આવવા માટે રેગ્યુલર સેશન્સ અને સીટિંગની જરૂર પડે છે. જોકે આ વખતે આમાં થોડું પરિવર્તન જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં તો લોકો અમારી પાસે તેમનાં પાળેલાં પ્રાણીઓ જ લઈને દવાખાનામાં આવતા હતાં, પરંતુ હમણાં હમણાં એવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે કે જેમાં લોકો રસ્તા પરનાં રખડતાં પ્રાણીઓ કે જેમને દિવાળીમાં ફટકડાને કારણે ઈજા પહોંચી હોય કે પછી તેઓ તાણભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય એવા પ્રાણીઓને પણ દવાખાનામાં સારવાર માટે લઈ આવે છે. આ પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે લોકોમાં પ્રાણીઓ માટે આજે પણ હમદર્દી છે અને એમની કાળજી પણ છે. જો આટલી જ હમદર્દી આપણે આ પ્રાણીઓ પ્રત્યે હોય તો આપણે શા માટે તેમને ત્રાસ આપતા એવા ફટાકડાઓનો મોહ છોડી શકતા નથી? એક બાજુ રસ્તા પરના પ્રાણીઓની ચિંતા કરીને તેમને દવાખાને લાવનારા લોકો છે તો બીજી બાજું એવા લોકો પણ છે કે જેઓ આ નિર્દોષ પ્રાણીઓના જીવન સાથે રમત કરતાં અચકાતા નથી. દિવાળીમાં બિલાડી, ઉંદર કે શ્ર્વાનની પૂંછડી સાથે ફટાકડા બાંધીને ફોડનારાઓ નરાધમો પણ અહીં જોવા મળે છે. કેટલાક વિકૃત માનસિકતા ધરાવનારાઓનો ભોગ આ મૂંગા પ્રાણીઓએ બનવું પડે છે. દિવાળી બાદ આવા અનેક કેસ અમારી પાસે આવે છે અને તેમની સારવાર કરતી વખતે ખરેખર એક જ સવાલ સતાવે છે, હજી કેટલી હદે નીચા ઉતરીશું આપણે?’

આપણામાંથી મોટાભાગના લોકો મૂંગા અને અબોલ પ્રાણીઓને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ અને આપણે એવું માની લઈએ છીએ કે તેમને કોઈ પણ વસ્તુ કે લાગણી અનુભવાતી નથી. જ્યારે હકીકત તો એ છે કે તેઓ આપણા કરતાં વધારે સંવેદનશીલ હોય છે. મુંબઈની સલોની પાસે ત્રણ વર્ષનું બબલું નામનું સસલું છે. દિવાળીના દિવસોમાં આ સસલું એકદમ આકુળવ્યાકુળ થઈને અહીંયા ત્યાં દોડવા લાગે છે. એટલું જ નહીં તેના વર્તન અને ખાવા-પીવાની આદતો પણ બદલાઈ જાય છે. તે દિવસનો મોટાભાગનો સમય બ્લેન્કેટમાં કે અંધારું હોય એવી જગ્યાઓ પર છુપાઈને જ બેસી રહે છે.

આનંદ માણવામાં કંઈ જ ખોટું કે ખરાબ નથી, પણ આપણો આનંદ જ્યારે બીજા કોઈ જીવ માટે ત્રાસદાયકે કે જોખમી પુરવાર થાય એ યોગ્ય ગણાય? આપણે ક્યાં સુધી માત્ર આપણો જ વિચાર કરીશું? શું ધરતી પર જીવવાનો અધિકાર માત્ર આપણને જ છે? મૂંંગા અને અબોલ પશુઓ આપણી સામે વિરોધ નથી નોંધાવી શકતાં એટલે આપણે તેમને હંમેશાં જ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈશું? આવા તો કંઈ કેટલાય સવાલો છે જે આપણને હજી આપણે આપણી જાતને પૂછવાના છે, પણ આ સવાલો પૂછવાની હિંમત આપણે ક્યારેય કેળવી શકીશું ખરા એ જ સૌથી મોટો પ્રશ્ર્ન છે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

20OGg7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com