28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કેશકર્તનાલયથી સૅલૉં સુધી: પરંપરાને નવીનતાનો સંગાથ

વિશેષ-પરેશ શાહલોકલ ટ્રેન મુંબઈની લાઈફલાઈન કહેવાય, પણ જ્ઞાનની, વધુ પડતા જ્ઞાનની એટલે કે દોઢડહાપણની સરવાણી વહેવડાવતી તો ક્યારેક ખરા અર્થમાં બે વાત શીખવી જતી પાટા પર દોડતી વિદ્યાપીઠ કહેવામાં કશો બાધ ના આવે. આવી જ એક દોડતી સફરમાં એકે બીજાને પુછ્યું, "બાલ કિધર કટાયા? સવાલ સાંભળીને ખરાબ હેર-કટની ભેટ મેળવનારો ભડક્યો ને બોલ્યો, "સુબહે સુબહે ભેજા ખરાબ મત કર, વો સા... હજામ કૈંચી પકડને નહીં આતા... પછી જે સંભાષણ થયું એમાં સમજાયું કે ભાઈના નસીબે એવો ઘાંયજો એના વાળ કાપી ગયો હતો કે એને જોતાની સાથે એમ લાગે કે આના કરતાં ઉંદરે કાતર્યા હોત કદાચ સારા દેખાતા હોત. ટૂંકમાં અજ્ઞાની, અણસમજ, ડોબા, અણઘડ માણસને પણ આપણે ‘હજામ જેવો’ કહી દઈએ છીએ. આજે આ હજામ વાળ કાપવાની દુકાન કે કેશકર્તનાલયમાં ધંધો નથી કરતો, પણ થ્રી કે ફાઈવ સ્ટાર સૅલૉંમાં બિઝનેસ કરે છે. એ હજામત કરવાનું કામ શીખેલો છે, બાકાયદા વ્યવસાયના યુક્તિ શીખીની આવેલો ડિપ્લોમાધારી છે.

ખબર નહીં કેમ, પણ લોકલ ટ્રેનના સંવાદે વિચારોનું ચકડોળ ચકરાવે ચડ્યું ને હજામ પર ખાસ્સો અભ્યાસ અંકે કરી લઈ શકાયો...

‘શોલે’ ફિલ્મ જેણે જોઈ હશે એ બધાને ફિલ્મમાં હરિરામ નામના નાઈની ભૂમિકા કરનારો કેશ્ટો મુખર્જી યાદ હશે. જેલમાં જય અને વિરુ વચ્ચેની નાનામાં નાની વાતચીતનો અહેવાલ કેશ્ટો જેલર અસરાનીને પહોંચાડતો હોય છે. આમ પણ ઘાંયજો, વાળંદ કે હજામ સ્ત્રી સ્વભાવના હોવાનું કહેવાય છે. પહેલાના ઘાંયજા ગામની સીમમાં વડ કે પીપળાના ઝાડ તળે બેસી ધંધો કરતાં અને ગામની દરેક વાતને અખબાર કરતાં વધારે ચોકસાઈથી ગામના દરેકને પહોંચાડતા, ક્યાંય ફૅક ન્યૂઝ હોવાનો અંદેશો જ ન રહેતો. કેશકર્તનાલયમાં કામ કરનારો નાઈ સુધ્ધાં બોલકો જ હતો, એવો અનુભવ મુંબઈ જેવા શહેરમાં રહેલાં લગભગ દરેક સિનિયર સિટિઝનને હોવાનો જ! દરેક પ્રકારની બાતમી એના મોંઢેથી જાણવા મળતી. ‘બિલાડીના પેટમાં ખીર ટકે તો... (બહેનોની માફી સાથે) સ્ત્રીના પેટમાં વાત ટકે’ની ઉક્તિમાં ‘... તો વાળંદના પેટમાં પણ વાત ટકે’ એટલું ઊમેરવામાં વાંધો નહીં, એવો વાળંદ કે હજામ બોલકો હતો. આજના જમાનાનો બાર્બર કદાચ ઓછું બોલે છે! અનેક પેઢીઓથી કહેવાતું આવ્યું છે કે, હજામની દુકાન કે વાળ કાપવાની દુકાન કે આજના જમાના પ્રમાણે એ દુકાન એટલે કેટલીક મસાલેદાર સ્વાદભરી, રસરસતી, કરકરી બાતમીઓ-વાતોનું સ્થળ! વાળંદની કાતર ચાલે એના કરતાં બમણી ઝડપે એની જીભ ચાલે એમ કહેવાતું, પણ આજના સુપરફાસ્ટ જમાનામાં પહેલાની જેમ કોઈને પણ સમય વેડફવાનું ફાવતું કે ગમતું નથી. આજે તો તમારી ‘હજામત’ થઈ ગઈ એટલે ગલ્લા પર, સોરી... કૅશ કાઉન્ટર પર ડો, મુલા, બ્રેડ, ચૅડર, સ્ટેશ કે બેેન્જી એટલે કે રોકડું નાણું ચુકવીને ચાલતી પકડવાની પદ્ધતિ થઈ ગઈ છે. હા, ટિપ પણ આપવાની જ, નહીં તો તમે ‘હજામ જેવા’ ગણાવ!

આ બાર્બર માટે આપણી ભાષામાં હજામ, વાળંદ, નાવી, નાઈ, ઘાંયજો, નાપિત, નાપિ, નાપિક, રોમશત્રુ, કેશશત્રુ, વાળશત્રુ, રાત જેવા શબ્દો છે. હજામ, વાળંદ અને રાતની કોમ પણ છે, એમ ભગવદ્ગોમંડલમાં જણાવ્યું છે. હિન્દુ અને મુસ્લિમ, બન્નેમાં હજામ નામની એક કોમ છે. હિન્દુ હજામ પોતાને આહિર કે રાજપૂતોમાંથી ઊતરી આવેલા માને છે, પણ વાળંદ કોમ સાથે તેમનો રોટી-બેટી વહેવાર થતો નથી. હજામ એ વાળંદ કરતાં ઊતરતી કોમ ગણાય છે. તેના બધા રીત-રિવાજ હિંદુઓ જેવા છે. વધુ જાણકારી એવી પણ છે કે, મુંડન કરનારા માણસ, નાઈ, ઘાંંયજો, વાળંદ જૂના જમાનામાં વૈદકને લગતું કામ કરતો. પગમાં ઘૂસેલી ફાંસ કે શૂળ કાઢી આપતો. ગુ. સા. પરિષદના એક અહેવાલ અનુસાર, સોળમા અને સત્તરના દશક સુધી શસ્ત્રવિદ્યા હજામોના હાથમાં હતી. આ વાત માનવી પડે છે કેમ કે ઈતિહાસની નોંધ છે કે, અફઝલ ખાનને માર્યા બાદ શિવાજી મહારાજ પર સૈય્યદ બંડાએ કરેલો તલવારનો જોરદાર વાર પોતાના પર ઝીલનારો અને સૈય્યદ બંડાને ખતમ કરનારો જિવા મહાલ ઘાંયજાઓની નાપિક કોમનો હતો. બીજી નોંધ છે કે, બ્રિટિશરો સામેની લડાઈમાં માથેરાનમાં સિદ્ધગઢ ખાતે થયેલા ગોળીબારમાં ક્રાંતિકારી ભાઈ કોતવાલ શહીદ થયો હતો. ભાઈ કોતવાલ પણ નાપિક કોમનો હતો. અંગ્રેજો સામે એમનું ક્રાંતિકાર્ય મુંબઈના કર્જત નામના વિસ્તારમાં ત્યારે ચાલતું હતું. એ ભાઈના સ્મરણાર્થે દાદરમાં વીર કોતવાલ સ્મારક બાંધવામાં આવ્યું હતું.

અગાઉનો કાળ એવો હતો કે સ્ત્રીનો ધણી ગત થાય એટલે કે જગત છોડી જાય પછી સ્ત્રીના સૌભાગ્યના ચિહ્નો નષ્ટ કરવામાં આવતાં, એમાં સ્ત્રીનાં માથાંના વાળ ઉતારવામાં આવતાં એટલે કે તે ગંગાસ્વરૂપ થયેલી સ્ત્રીનું મુંડન કરાતું. એ મુંડન કરવા વાળંદને બોલાવાતો. ત્યારે વિધવા-મુંડન કરવા સમયાંતરે વાળંદો, હજામો કે ઘાંયજા જતાં એ બહુ જૂની એવી પ્રથા હતી. આ લોકો શ્રાદ્ધ વખતે પુરુષનું મુંડન પણ કરે.

વિધવા-મુંડન સંબંધી કોઈ લેખકે લખેલી એક અદ્ભુત વાર્તા હતી. એમાં એવું હતું કે એક ઘાંયજો વિધવા-મુંડનનું કામ કરતો હોય છે. વર્ષોના વર્ષ એ કામ કરે છે, પણ અંતરથી એને કોઈ પણ વિધવા સ્ત્રીના વાળ ઊતારીને કુરુપ બનાવવાનું એને કઠતું હોય છે, સ્વભાવથી એ સંવેદનશીલ માણસ છે. ગામમાં રહેવાનું અને જીવવાનું હોઈ ઈચ્છા છતાં તે આ પ્રથાનો વિરોધ કરી શકતો નથી અને મન-અંતરમાં પીડાતો રહે છે. જીવનના એક તબક્કે એની જુવાનજોધ પુત્રી લગ્નના પંદર દિવસમાં વિધવા થાય છે. પુત્રીનો વાળ વિનાનો ચહેરોએ કલ્પી શકતો નથી. એ પુત્રીના સાસરિયામાં દરેક વાળંદને જઈને કહી આવે છે કે તમે મુંડનનું કામ ના કરશો, એ જાતની-કોમની દુહાઈઓ આપે છે. એની વાત માનીને એ ગામના ઘાંયજા મુંડન-કાર્ય કરવાથી દૂર રહે છે. એમ થવાથી ગ્રામ પંચાયત બાજુના ગામના વાળંદ-હજામને બોલાવે છે. પેલો અતિથિ-હજામ વિધવાનું મુંંડન શરૂ કરે છે ત્યારે અકળાયેલો વાળંદ પિતા એની પતરાની પેટીમાંથી સરસરસર કરતી વેગથી ચાલતી કાતર કાઢી અતિથિ વાળંદનું ગળું કાપી નાખે છે અને પુત્રીનો હાથ પકડીને જંગલ તરફ નાસી જાય છે. એને પુત્રીના વાળ કપાતાં અટકાવવાનો ગાંડો આનંદ છે. નાસતાં નાસતાં મોટા અવાજે ખડખડાટ હાસ્ય કરતો એ જંગલના અંધારામાં કાયમને માટે પુત્રીને સાથે લઈને ઊતરી જાય છે!

મહારાષ્ટ્રમાં વિધવાનું કેશવપન થતું અટકાવવા માટે મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ પ્રચંડ સામાજિક આંદોલન કયુર્ં હતું ત્યારે પુણેમાં તમામ નાઈઓએ એક થઈને હડતાળ પાડી હતી અને એમ કરીને ફૂલે દંપતીને સાથ આપ્યો હતો. આ ઘટના આપણા સમાજની ઐતિહાસિક અને સામાજિક ઓળખ છે.

આપણે મુંબઈ પૂરતી વાત કરીએ તો એમ કહેવાય છે કે, મુંબઈમાં પહેલું નાવીખાનું (હેરકટિંગ સલુન) લોણકર અને બડનેકરે કાઢ્યું હતું. નંદન કાલેલકર નામનો એક જણ લંડન જઈને વાળ કાપવાનું આધુનિક તંત્ર શીખીને આવ્યો અને પહેલા મુંબઈમાં અને પછી પુણેમાં ‘સલૂન’ કાઢનારો પહેલો વાળંદ કે હજામ કે નાપિક હતો. અહીં એક આડવાત આપણે આ સલૂન શબ્દ વાપરીએ છીએ તે ઉચ્ચાર ખોટો છે. કેશકર્તન કરનારાનો કે દરજીનો ઘરાકને બેસાડવાનો ઓરડો સૅલૉં કહેવાય છે. ફૅશનેબલ અને નામાંકિત સ્ત્રીનો સ્વાગત ઓરડો, તેમાં ભરાતી નામાંકિત લોકોની બેઠકને સૅલૉં કહેવાય છે અને વહાણ-જહાજ કે ટ્રેનના પ્રવાસીઓ માટેનો સુખ-સગવડોવાળો ઓરડો, ભવ્ય દિવાનખંડ કે દારૂની દુકાનને સલૂન કહેવાય છે. બેઉના સ્પેલિંગમાં ઝાઝો ફરક નથી માત્ર એક ‘ઓ’નો જ ફરક છે અને સલૂનમાં વધારાનો ‘ઓ’ આપણને ઓ...ઓ...ઓ...ની કમબુદ્ધિ-રાડ પડાવે છે.

હિંદુ ધાર્મિક પરંપરામાં જન્મથી મૃત્યુ સુધીના તમામ સંસ્કારમાં નાભિક, વાળંદ, ઘાંયજા કે હજામની જરૂર પડે જ પડે છે એટલે જ કેશકર્તન કલાકાર સમાજને એક ગૌરવ એવું પણ છે કે, "અમારા હાથે કેશ કાપ્યા વિના તો બ્રાહ્મણ પણ શુદ્ધ થતો નથી. વળી, એનું કારણ આપતાં આ લોકો પુરાણમાંથી દાખલો ટાંકે છે કે, સૃષ્ટિની ઉત્પત્તિ થતી હતી ત્યારે શેષશાયી ભગવાન વિષ્ણુની નાભિમાંથી પેદા થયેલો એટલે એ નાભિક કહેવાયો છે. કદાચ એટલે એ વધારે પવિત્ર અને શુદ્ધ છે અને તમામે એની મદદ લેવી પડે છે!

મુંબઈમાં એક કાળે મરાઠી હજામોની સંખ્યા બહુ મોટી હતી. ત્યારે કોઈ કોઈ કેશકર્તનાલયમાં ગુજરાતી કારીગરો પણ જોવા મળતા હતા. કોલાબા, ફોર્ટ, ભાયખાલા, લાલબાગ, પરેલ, દાદર, વડાલા, માહિમ વગેરે વિસ્તારોમાં પારસીઓનાં અનેક સૅલૉં હતા. ૧૯૭૦-૮૦ના દશકમાં એ હળવે હળવે બંધ પડતા ગયા. ’૮૦ પછી મુસ્લિમ, બિહારી, ઉત્તર ભારતીયોએ કેશ કર્તનના વ્યવસાય પર પ્રભુત્વ મેળવ્યું. એ પછી આંધ્ર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાનમાંથી આવેલા નાઈઓની પ્રબળતા વધી હતી. જોકે, હવે તો પરંપરાગત પદ્ધતિએ વાળ કાપનારી દુકાનો પણ પ્રમાણમાં વધારે આધુનિક બની છે. કસબ-કૌશલની વાત જવા દઈએ પણ દુકાનનો દેખાવ ભવ્ય થયો છે એટલું માનવું પડે. વ્યવસાયમાં આધુનિકતા ટકાવી રાખવા વિવિધ પ્રકારની હેર-કટિંગ સ્ટાઈલ શીખવનારી કાર્યશાળા, સેમિનાર આયોજિત કરવામાં આવે છે. વિદેશમાં મોકલીને શિક્ષણ અપાવનારી સંસ્થાઓ આવી છે. પરંપરાને નવીનતાનો સંગાથ આપવામાંથી પચાસ વર્ષ અગાઉના ‘કેશકર્તન સલૂનો’ આજે ફ્રિસ્કો, ક્રિસ્ટલ, ફાયર જેવા નામના સૅલૉં બની ગયા છે.

--------------------

કવિતા: વાળંદનું ચિત્ર

ગુજરી આગળ બેઠો હતો, ઘરાક સામે જોતો હતો

લટપટ લટપટ કરતો હતો. પાસે એની કોથળી હતી

કાચ અને સલ્લી સાથે, કાતર અને સાબુ સાથે

ગુજરી પાસે બેઠો હતો, ઘરાક સામે જોતો હતો

-કવિ પ્રેમાનંદ

(સલ્લી એટલે કાન સાફ કરવાની કે શૂળ-ફાંસ કાઢનારી સળી, સલાડી).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

GgB13nJW
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com