28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચુરા લિયા હૈ તુમ ને જો દિલ કો : આંતરિક શક્તિ ઉજાગર કરે રાગ પીલુ

સેહત કે સૂર-નંદિની ત્રિવેદીલગભગ વીસેક વર્ષ પહેલાં અમદાવાદની એક સમૃદ્ધ ક્લબમાં ગઝલગાયક ઉ. ગુલામઅલીનો કાર્યક્રમ હતો. ખુલ્લી લોનમાં આગળ શાહી ઠાઠના ઢોલિયા ઢાળેલા હતા અને પાછળ રજવાડી ખુરશીઓ. હવામાં રાતરાણીની ખુશ્બુ પ્રસરી રહી હતી. ગઝલની ગુલાબી રંગીનિયત માણવા અમે ગાદી તકિયા પર સ્થાન લીધું. ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં હાર્મોનિયમ પર રાગ પીલુના સ્વર છેડાયા. મહેંદીહસન સાહેબની રાગ પીલુ પર આધારિત અદભુત ગઝલ કૈસે છુપાઉં રાઝ-એ-ગમ યાદ આવી ગઈ. હવે ગુલામઅલી સાહેબ શું ગાશે? એ દ્વિધાનો અંત થોડી જ વારમાં આવી ગયો.

ગુલામઅલીજીએ સૌના આશ્ર્ચર્ય વચ્ચે કાફી થાટના રાગ પીલુમાં દાદરા શરૂ કર્યો; બરસન લાગી સાવન બુંદિયા રાજા, તોરે બિન લાગે ના મોરા જિયા..! પીલુના સ્વરો ચંદનનો લેપ કરી રહ્યા હતા. ડૉ. પ્રભા અત્રેએ એમના પુસ્તક ‘એન્લાઇટનિંગ ધ લિસનર’ પુસ્તકમાં ઠુમરી અને દાદરાનો તફાવત સરસ રીતે રજૂ કર્યો છે. ઠુમરી અને દાદરાના ટેમ્પો સિવાય બન્ને પ્રકારો સમાન છે. બન્ને વચ્ચેનો ભેદ સ્પષ્ટ દર્શાવવો હોય તો એમ કહી શકાય કે વિલંબિત અને દ્રુત ખયાલ વચ્ચે જે ભેદ છે એ જ ઠુમરી અને દાદરા વચ્ચે છે. દાદરાની લય ઠુમરી કરતાં ઝડપી હોય છે તથા ઠુમરીની થીમ મુખ્યત્વે નારીલક્ષી હોય છે.રાગ પીલુમાં ઠુમરી, ચૈતી, કજરી, ઝૂલા તથા દાદરાનું ચલન વિશેષ હોય છે.

રાગ પીલુ : પીલુ સદાબહાર રાગ છે. યુ.પી., બિહારના લોકગીતો-લગ્નગીતોમાં ખૂબ ઉપયોગ થાય છે. તેનો મૂડ પ્રેમ, આનંદ, ભક્તિ અને ઉદાસી છે. પીલુનો ઉપયોગ વિવિધ રીતે ઠુમરી-દાદરામાં થાય છે. બરસન લાગે સાવન બુંદિયા રાજા, તોરે બિના લાગે ના મોરા જિયા એટલી લોકપ્રિય છે કે અનેક ઉપ શાસ્ત્રીય અને બોલીવૂડ ગાયકો દ્વારા પ્રસ્તુત થઈ છે, જે પીલુના રસવૈભવને પૂરેપૂરો બહાર લાવે છે.

પીલુનું આનંદ અને ઉદાસીનું મંત્રમુગ્ધ કરનારું સંયોજન આ રાગની વિશેષતા છે. કુશળ કલાકારો જ એ બહાર લાવી શકે. કોઈ જાણે પોતાની પ્રણયગાથા વર્ણવતું હોય એવી લાગણી થાય આ રાગ સાંભળીને. આ રાગમાં સૂક્ષ્મ અને સૌંદર્યકારી સરગમો ઉમેરીને એટલું બધું વૈવિધ્ય લાવી શકાય છે કે એ રાગ મિશ્ર પીલુ તરીકે કલાકારો પેશ કરે છે. એ માટે પ્રખર રિયાઝ જરૂરી છે.

સંગીતમાં રિયાઝનું મહત્ત્વ કેટલું હોય એ સંગીતપ્રેમીને કહેવાની જરૂર નથી. એટલે જ દરેક કલાકાર સવારે વહેલા ઊઠીને એક થી ત્રણ કલાક રિયાઝ કરે છે. સ્વરો પાકા થવા સાથે શ્ર્વસનક્રિયા સંતુલિત થાય એ વધારાનો ફાયદો છે. સંગીત તમને તમારા વર્તમાન અને તમારા સાચા ‘સ્વ’ની નજીક લાવે છે. ભલે તમે સંગીત ગાઓ, વગાડો અથવા સાંભળો, એની અસર ધ્યાન માટે સમાન છે. વૈજ્ઞાનિક પ્રયોગો સાબિત કરે છે કે, ધ્યાનની જેમ જ સંગીત પણ તાણ અને વેદના ઘટાડે છે, તમારા ભટકતા ‘સ્વ’ને સ્થિર કરે છે, તાજગી આપે છે. સંગીત સંવાદિતા શીખવે છે. સંગીતમય પ્રસ્તુતિમાં, તમે એકલા પ્રદર્શન કરતા નથી. સહ કલાકારો અને સાથે છે જેમાં એવા લોકો સાથે સંવાદિતા બનાવવી પડે જેને પહેલાં તમે ક્યારેય ન મળ્યા હો અથવા તેની સાથે કામ કર્યું ન હોય.

સંગીત એ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વિશ્ર્વની ચાવી છે. સંગીત ઉત્તમ ગુણોનો ખજાનો છે. સંગીત સાથેના તમારા સંબંધોને વધુ મજબૂત કરો. આ એક એવી કળા છે જેણે આપણા જન્મ પહેલાં જ મૂળિયાં ફેલાવી દીધાં છે. સંગીત શીખવાનું પ્રારંભ કરો, તે ગાયન હોય કે વાદન. જીવનમાં હતાશાથી દૂૂૂર રહેશો.

રાગ ચિકિત્સા: સંગીત મુખ્યત્વે માનસિક રોગોની દવા છે. વિશ્ર્વભરમાં આ વિશે પ્રયોગ થયા છે જેનાથી એ સાબિત થયું છે કે મનોરોગી, નાનાં બાળક, ગર્ભવતી માતા, પશુઓ અને વૃક્ષો પર સંગીતનો ધીમો પણ સકારાત્મક પ્રભાવ પડે છે. ચિકિત્સકો સંગીતને એક આવશ્યક ચિકિત્સા પદ્ધતિ રૂપે સ્વીકારતા અચકાય છે, પરંતુ મોટા ભાગના નિષ્ણાત ડૉક્ટરોનું એમ માનવું છે કે- સંગીત નસો પરનો તણાવ દૂર કરવામાં સહાયક થાય છે અને મનની નકારાત્મકતા દૂર કરે છે. આથી સંગીતનો હવે વૈકલ્પિક ચિકિત્સા રૂપે ઉપયોગ થઇ રહ્યો છે.

મન પર સંગીતનો ગાઢ પ્રભાવ પડે છે. મન મનુષ્યનાં વ્યક્તિત્વનું અભિન્ન અંગ છે. મનુષ્યના સકારાત્મક કે નકારાત્મક વિચાર અવચેતન મનમાં રહે છે. અવચેતન મનમાં રહેલા વિચાર મનુષ્યના સફળતા કે નિષ્ફળતા વિષેના આત્મવિશ્ર્વાસને દૃઢ અથવા નિર્બળ કરે છે. સૂરીલા સ્વર ધરાવતા ધ્વનિતરંગો કાનમાં પડે ત્યારે તેના સ્પંદનથી જ્ઞાનતંતુ પ્રભાવિત થાય છે. આ મધુર સ્પંદનો મગજમાં આનંદદાયક સંવેદના ઉત્પન્ન કરે છે. આનંદદાયક સંવેદનામાં મનને એકાગ્ર કરવાની શક્તિ છે. વિક્ષિપ્ત મન જ ચંચળ હોય છે. એકાગ્ર મન શરીરને વિપુલ પ્રમાણમાં સકારાત્મક ઊર્જા પૂરી પાડે છે.

સંગીત મનુષ્યનાં મગજમાં એવા તરંગ ઉત્પન્ન કરે છે જેનાથી માનસિક શાંતિ મળે છે. સંગીત સાંભળવાથી ચિંતા, ગભરામણ, ચીડિયાપણું, ક્રોધ, આવેશ જેવા લક્ષણ ધરાવતા દરદીને ઘણો આરામ મળે છે. સંગીત અવસાદ (ડિપ્રેશન)થી બચાવે છે. ચિકિત્સકોના કહેવા મુજબ સંગીત તણાવ (સ્ટ્રેસ) દૂર કરી કાર્યક્ષમતા વધારે છે. હવે ડૉક્ટરો પોતાની એકાગ્રતા અને કાર્યક્ષમતા વધારવા ઑપરેશન થિયેટરમાં પોતાને ગમતા સંગીતની ધૂન સાંભળે છે. ડૉક્ટરોનું માનવું છે કે-સંગીતના ઉપયોગથી ઑપરેશનની સફળતાનો દર વધે છે. સંગીતના પ્રયોગથી શારીરિક બીમારી દૂર થતી જોવા મળે છે. આથી જ સંગીતને રોગ નિવારક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ (ઑલ્ટરનેટિવ થેરપી) રૂપે જોવામાં આવે છે. દવાની સાથે સંગીત ચિકિત્સા (મ્યુઝિક થેરપી)નો પ્રયોગ કરવાથી અપેક્ષિત પરિણામ પ્રાપ્ત થયા છે. પ્રયોગ દ્વારા સંગીતના લાભ સિદ્ધ થયા છે. એક, સંગીત સાંભળવાથી તણાવ ઓછો થાય છે. બે, સંગીત સાંભળવાથી એકાગ્રતા વધે છે. ત્રણ, સંગીત સાંભળવાથી યાદશક્તિ વધે છે. ચાર, લોહીનું દબાણ (બ્લડપ્રેશર) કાબૂમાં રહે છે. પાંચ, શરીરનું અને મનનું ઉતાવળિયાપણું ઘટે છે. સ્વભાવગત ચીડિયાપણું ઓછું થાય છે.

રાગ પીલુ બીમાર દર્દીઓને હતાશા, વ્યગ્રતા, બેચેની મુક્ત કરે છે. ભૂલકણાપણું દૂર કરે છે. અશક્તિ દૂર હિમોગ્લોબીન વધારવામાં સહાયક નીવડી શકે છે.

કયા કલાકારોને સાંભળશો? ઉ. બડે ગુલામ અલીખાન, ઉ. અમજદ અલીખાન, પં. હરિપ્રસાદ ચૌરસિયા, વિદુષી ગિરિજા દેવી, ડૉ. પ્રભા અત્રે, વેંકટેશ કુમાર, પં. રવિશંકર (સિતાર), ઉ. વિલાયત ખાન.

સહાયક ફિલ્મી ગીતો: ગીતો જણાવતાં પહેલાં એક કિસ્સો યાદ આવે છે. ઓમકાર પ્રસાદ નૈયર યાને કિ ઓ.પી. નૈયર ફિલ્મ જગતના માત્ર મહાન સંગીતકાર ન હતા, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અને હોમિયોપેથી સહિતના ઘણા શોખ સાથે, તેમણે પોતાની આગાહીથી લોકોને દંગ કરી દીધા હતા અને ઘણા અસાધ્ય રોગો મટાડ્યા હતા. પીલુ એમનો ફેવરિટ રાગ.

એવું ભાગ્યે જ જોવા મળે કે એક પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક કોઈ ફિલ્મ સંગીતકારને સ્વીકારે. ભારતના મહાન શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ અમીરખાને રાગ પીલુમાં તેમની રચનાઓ માટે આ સંગીતકારની ભરપૂર પ્રશંસા કરી હતી, કારણ કે ઓ.પી. નૈયરનાં ઘણાં ગીતો યોગાનુયોગે રાગ પીલુ પર આધારિત હતાં જેમ કે, જાતા કહાં હૈ દીવાને, કભી આર કભી પાર, સર પર ટોપી લાલ હાથ મેં રેશમ કા રૂમાલ, પિયા પિયા ના લાગે મોરા જિયા ઈત્યાદિ. નૈયરસાહેબે વિનમ્રતાથી જવાબ આપ્યો, "ખાન સાહેબ, હું રાગ પીલુ વિશે કશું જ જાણતો નથી. હકીકતમાં, મને સંગીતની એબીસી ખબર નથી. મનમાં ધૂન આવે ને ગીત કમ્પોઝ થઈ જાય.

તેમણે આગળ ઉસ્તાદ અમીરખાંને વિનંતી કરી, "તમને ખરેખર મારું સંગીત ગમ્યું હોય, તો મારી આગામી ફિલ્મ માટે ગીત રેકોર્ડ કરો. ત્યારબાદ, ‘રાગિની’ ફિલ્મ માટે ખાન સા’બે નૈયરની રચના, ‘જોગિયા મેરે ઘર આયે’ માટે રેકોર્ડ કરવાનું સ્વીકાર્યું હતું. રાગ લલિત પર આધારિત આ ઉપ શાસ્ત્રીય બંદિશ ઘણી લોકચાહના પામી હતી.

-----------------------

Brain Power:Music, once admitted to the soul, becomes a sort of spirit, and never dies.

Edward Bulwer Lytton

---------------------

રાગ મિશ્ર પીલુ પર આધારિત આ ગીતો સાંભળવાલાયક છે.

* ઝૂલે મેં પવન કે આયી બહાર પ્યાર કર લે

* અય મેરી જોહરા ઝબીં

* કાલી ઘટા છાઇ મોરા જિયા ઘબરાએ

* મોરે સૈંયાજી ઉતરેંગે પાર હો

* કૈસા જાદૂ બલમ તુને ડારા

* ધીરે સે આજા રે અંખિયન મેં

* ચંદન કા પલના રેશમ કી ડોરી

* મૈંને રંગ લી આજ ચુનરિયા સજના

* તેરે બિન સુને નૈન હમારે

* ઘૂલ ગયા કજરા સાંજ ઢલી

* વિકલ મોરા મનવા

* જાઈએ આપ કહાં જાયેંગે

* સૂર ના સજે ક્યા ગાઉં મૈં

* તેરે પ્યાર કા આસરા ચાહતા હૂં

* પરદેસીઓં સે ના અંખિયા મિલાના

* કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહેં

* અબ કે બરસ ભેજ ભૈયા કો બાબુલ

* ધડકતે દિલ કી તમન્ના

* તૂ જો મેરે સૂર મેં (ખંભાવતીની અસર)

* નદીયા કિનારે ઘિર આઇ

* ચુરા લિયા હૈ તુમ ને

* બહારોં ને મેરા ચમન લૂટ કર

* ઢૂંઢો ઢૂંઢો રે સાજના

* દિન સારા ગુઝારા તોરે અંગના

* ન જાઓ સૈંયા છૂડા કે બૈંયા

* દે દે પ્યાર દે પ્યાર દે

* મૈંનૂ ઈશ્ક દા લગ ગયા રોગ

* સૂરમયી અંખિયોં મેં નન્હા મુન્ના એક સપના

* મેરી કિસ્મત મેં તૂ નહીં શાયદ

* ઘિર આઈ કાલી ઘટા મતવાલી

* ઘનન ઘનન ઘન ઘિર આયે બદરા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

68H06MdX
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com