28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભાઈ રાજી નંઈ રી’યે: આઈ.એન.ટી.નાં નાટકોના સુવર્ણકાળના સમયની આ વાત છે

નાટક, પ્રેક્ષક અને હુ-સુરેશ રાજડાએસમયે સંસ્થાના એકસાથે પાંચ પાંચ નાટકોના કલાકારો બે થી અઢી મહિનાના નાટ્ય પ્રવાસે નીકળી પડતાં. કાળક્રમે કલાકારોના હિન્દી ગુજરાતી સિરિયલ્સનાં રોકાણોને કારણે પ્રવાસો ટૂંકા થતા ગયાં... પહેલા અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ, ભરુચના પ્રયોગો કર્યા પછી આઈ.એન.ટી. દક્ષિણ ગુજરાતમાં સપાટો બોલાવતી. સુરત, વલસાડ, નવસારીના પ્રયોગોની ભજવણી પછી અમે સહુ કલાકારો ભાવનગર, જામનગર, રાજકોટ થઈ છેક અઢી મહિના પછી ઘરે પરત ફરતા. દરેક કલાકાર દરેક નાટકમાં ભૂમિકા ભજવે તે શક્ય નહોતું. એ બધાના મુંબઈ પાછા આવવાની ને પ્રયોગ હોય ત્યારે અમુક તમુક સ્થળે પહોંચાડવાની જવાબદારી સંસ્થાના સેટ ડિઝાઈનર, લાઈટિંગ ડિઝાઈનર કમ મેનેજર તથા સંસ્થાના સંસ્થાપકોમાંના એક એવા ગૌતમ જોષી જેવા અનુભવી અને સિદ્ધહસ્ત માણસના હાથમાં રહેતી અને એમની જવાબદારી તેઓ બખૂબી નિભાવતા... મારા ટીકુ, જતિન કે સિદ્ધાર્થ જેવા આઈ.એન.ટી.ના જમાઈઓને પ્રવીણભાઈ તમામ નાટકમાં નાના મોટા પાત્રની જવાબદારી સોંપી અમારે બે અઢી મહિનામાં વધારે આવનજાવન ન કરવી પડે તે રીતે સાચવી લેતા. સિદ્ધાર્થની આવનજાવન રહેતી પણ હું, ટીકુ ને જતિન તો પાત્ર ભજવવાનું ના હોય તો નેપથ્યના કસબી તરીકે કસબ દેખાડી ટૂરમાં ટકી રહેતા. પ્રવીણ જોષીના અવસાન બાદ કેટલાંક વર્ષો (લગભગ દસ બાર વર્ષ) સુધી લાંબા નાટ્ય પ્રવાસોનો સીલસીલો મેં ચાલુ રાખ્યો હતો. આ વ્યવસ્થાને કારણે મારે વર્ષમાં લગભગ ચાર થી પાંચ નાટકો બનાવવાં પડતાં તો ક્યારેક ત્રણ નવાં અને બે જૂનાં (ખૂબ સફળ થયા હોય તેવા છિન્ન, કુંવર વહેલા પધારજો, ચીલ ઝડપ) જેવા નાટકો જોડે દીર્ઘ નાટ્યપ્રવાસ ગોઠવાતો...

વર્ષ તો યાદ નથી પણ આજે સૌરાષ્ટ્રના આવી લાંબી ટૂર દરમિયાન હાજાં ગગડાવી નાખતા એક પ્રવાસની વાત કરવી છે... હેરત, આશૂકમાશૂક, કૂંપળ ફૂટ્યાની વાત ત્રણ નવાં નાટકો અને બે જૂનાં નાટકો સાથેનો અમારો સંસ્થાની પરંપરા પ્રમાણેનો લાંબો નાટ્ય પ્રવાસ યોજાયો હતો. પ્રવાસના અંતે સૌરાષ્ટ્રમાં આ વર્ષે બે નવા સેંટર પ્રથમ વાર ઉમેરાયા હતા - પોરબંદર અને અમરેલી... તમામ નાટકોના કલાકારો હતા ડેઈઝી ઈરાની, દર્શન જરીવાલા, અરવિંદ રાઠોડ, ઈલા મહેતા, રજની શાંતારામ, રાજેશ મહેતા અને હું... હેરતમાં અભિનય કરતા કિશોર ભટ્ટ અને રસિક દવેની વધુ આવનજાવન રહેતી. રાજકોટ, ભાવનગર, જામનગરના પ્રયોગો પતાવી અમારો રસાલો ઉપડ્યો પોરબંદર તરફ. પોરબંદર જેવા રળિયામણા શહેરનો મારો, આઈ.એન.ટી.નો આ પહેલો ને છેલ્લો પ્રવાસ બની રહેવાનો હતો... જેના કારણમાં હતો સમગ્ર સૌરાષ્ટ્ર જેના નામથી થરથર કાંપતું હતું એ પોરબંદરનો વિખ્યાત-કુખ્યાત ગેન્ગસ્ટર, અંડરવર્લ્ડનો બેતાજ બાદશાહ એવો માથાભારે ડોન સરમણ મુંજા.

છાપામાં છપાતા સમાચારોને કારણે એના નામે પડેલી અનેક લોકવાયકાઓના કારણે તેમ જ ચિત્રલેખા સાપ્તાહિકમાં ‘શ્રવણ ઝૂંઝા’ના નામે છપાતી લેખમાળાને કારણે સરમણ મુંજાના નામથી હું પરિચિત હતો, પરંતુ એને મોઢામોઢ મળવાનું, એના ઘરે જમવાનું નોતરું મળવાનું ને એના ગામ બરખલામાં જગપ્રસિદ્ધ મેર મંડળીનો રાસ જોવાનું ને અમારા કલાકારોની આંખ સામે ગોળીઓની રમઝટ વચ્ચે એના પરલોક સીધાવી જવાનું અમે કોઈએ સપનામાંય નહોતું વિચાર્યું. પોરબંદર પહોંચતાવેંત વર્ષોથી આઈ.એન.ટી. સંસ્થાના સૌરાષ્ટ્રના નાટ્યપ્રવાસનો કાર્યભાર સંભાળતા સ્વ. મનસુખ જોષી (કોડમંત્ર નાટકના દિગ્દર્શક રાજુ જોષીના પિતાશ્રી) જેઓ સંસ્થાના અનેક સ્થાપકોમાંના એક હતા... તેમણે એલાન કર્યું કે, સુરેશ પોરબંદરના અમુક તમુક માથાભારે તત્ત્વો આપણા નાટકના પ્રયોગોની ભજવણી દરમિયાન વગર ટિકિટે ઘૂસી ન જાય અને ચાલુ નાટકે ખલેલ ન પાડે તે માટે આપણે સરમણ મુંજાને આમંત્રણ આપી આવીશું. એ હાજર છે એવી ખબર પડતાવેંત અમુક મવાલીઓ એ વિસ્તારમાં આવવાનું માંડી વાળશે... ને આપણે સુખરૂપ નાટકો ભજવી શકીશું. મુંબઈના દાઉદ ઈબ્રાહિમના નામ જેવી જેની ધાક હોય ને એના જેવી જેની કાર્યશૈલી હોય એવા અંડરવર્લ્ડના ડોનને રૂબરૂ મળવા જવાની વાતથી રોમાંચિત થઈને હું મનસુખભાઈ જોડે જવા તૈયાર થઈ ગયો. ઊંડે ઊંડે નાટકોની ભજવણી દરમિયાન કોઈ વિઘ્ન ના નડે તેવી મારી પણ ઈચ્છા હતી જ. માથાભારે માણસો હેરાન ન કરે તે માટે શ્રેષ્ઠ માથાભારે માણસ પાસે જઈને હાજર રહેવા વિનંતી કરવી પડે એ કેવી વિડંબના?

આ મનસુખ જોષી એટલે લોકસાહિત્ય અને લોકકલાઓના પ્રખર અભ્યાસુ માણસ. ડાંગ જિલ્લામાં આદિવાસી કલાકારોને ભેગા કરી સાંસ્કૃતિક મેળો ભરવો, ભૂજમાં કચ્છમાં આવીને વસેલા સીદીઓની કલાકારીગરીનો મહોત્સવ યોજવો, સોમનાથ મંદિરના પ્રાંગણમાં બાપોદરા સાહેબનાં ભજનોની રમઝટ બોલાવડાવવી, આઈ.એન.ટી.ના રિસર્ચ ડીપાર્ટમેન્ટના નેજા હેઠળ યોજાયેલા આ અત્યંત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ મનસુખ જોષીની અથાગ મહેનત, લગન અને એમનો લોકકલાઓ પ્રત્યેનો અસીમ પ્રેમ જવાબદાર હતા. નક્કી કરેલા સમયે અમે ઊપડ્યા સરમણ મુંજાને મળવા. એમના બંગલાના કંપાઉંડમાં દરબાર ભરીને સરમણ શેઠ બેઠા’તા. શહેર આખાના માણસો પોતાને થયેલા અન્યાયની ને થયેલ હેરાનગતિની ફરિયાદો લઈને આવ્યા હતા. એક પછી એક ફરિયાદોનો પોતાની રીતે નિકાલ લાવી... અમારી સામે જોયું. પ્રમાણમાં થોડા સુઘડ માણસો જોઈને અમને પાસે બોલાવીને બેસાડ્યા. મનસુખભાઈએ પોતાની, મારી ને સંસ્થાની ઓળખ આપી આવવાનું પ્રયોજન સમજાવ્યું. સરમણભાઈએ તરત પોતાના શાગિર્દને બોલાવી પોરબંદરના બે-ચાર મોટા ગુંડાઓને અમારી નજરની સામે ફોન કરી અમારા નાટકના પ્રયોગો દરમિયાન કોઈ પણ પ્રકારનો વિક્ષેપ પાડે તેવી ગતિઓથી દૂર રહેવાની સૂચના - ચેતવણી આપવા માંડી... એ ચેતવણી આપ્યા પછી શાગિર્દ એક વાક્ય જરૂર બોલતો.... ‘જો એવું કાંઈ થયું તો ભાઈ રાજી નહીં રી’યે’.

‘ભાઈ રાજી નઈ રી’યે’ એવું બોલાય એટલે પત્યું... ભાઈને નારાજ કર્યા તો તમારું આવી બનશે એવી ગર્ભિત ચેતવણી હતી એવું અમને સમજાઈ ગયું... મેં એમને આજના નાટકમાં રાત્રે હાજર રહેવાની વિનંતી કરી... અમે પાંચ છ જણ આવીશું એવું બોલી એમણે આમંત્રણ સ્વીકાર્યું.... ને છેક મુંબઈથી કલાકારો આવ્યા છે એ જાણી (અરવિંદ રાઠોડના નામથી ગુજરાતી ફિલ્મોના કારણે પરિચિત હતા) પોરસાઈ એમણે અમારા બીજા દિવસનો કાર્યક્રમ અમને પૂછ્યા વિના આપમેળે નક્કી કરી નાખ્યો... આજે સાંજે બધા કલાકારોને લઈને રાણીબાને નાટકનું આમંત્રણ દેવા એમના મહેલે જવાનું, કાલ સવારે મારે ત્યાં કલાકારોએ ભોજન કરવાનું ને પછી મારે ગામ બરખલા જઈ મેર રાસમંડળીનો રાસ જોવાનો... મનસુખભાઈએ શું કરવું છે સુરેશ જેવા પ્રશ્ર્નને લઈ સૂચક નજરે મારી સામે જોયું.... ને મારાથી સહસા જોરથી બોલાઈ ગયું... મનસુખભાઈ ના પાડશું તો ભાઈ રાજી નઈ રી’યે. દરેક ફોનના ક્ધવરસેશનના અંતે બોલાતા આ વાક્યનો મારા મોઢે થયેલો પુનરોચ્ચાર સાંભળી સરમણભાઈ ને એમની અડખેપડખે બેઠેલા શાગિર્દો ખિખિયાટા કરતા હસી પડ્યાં. ને સરમણભાઈએ ખુલાસો કરવો પડ્યો કે આ વાક્ય બોલાય એટલે સામાવાળો સમજી જાય કે મારી ઈચ્છા શું છે ને હું એની પાસે શું ઈચ્છું છું... ભાઈને રામ રામ કરી હું ને મનસુખભાઈ ઉતારે પહોંચ્યા. અમારી ડોન જોડેની મુલાકાતની વાતોથી બધા રોમાંચિત થઈ ઊઠ્યા... ને સાંજના સમયે એમની જોડે રાજાના મહેલમાં રાણી સાહેબાને નાટક જોવાનું આમંત્રણ આપવા જવાનું છે સાંભળી કલાકારોનો ઉત્સાહ બેવડાઈ ગયો... ભાઈ રાજી નઈ રી’યે વાળી વાત પણ મેં એમને કરી દીધી હતી.

ઢળતી બપોરે અમારા કલાકારોનો સમૂહ એમને ત્યાં પહોંચી ગયો. નારિયેળ પાણીથી અમારું સ્વાગત કરી પોતાની પત્ની સંતોકબેન જોડે સહુની ઓળખાણ કરાવી (આ સંતોકબેનના કારનામાઓને કારણે કોઈકને શબાના આઝમી અભિનિત ફિલ્મ ‘ગોડમધર’ બનાવવાની પ્રેરણા મળી હતી.) સરમણભાઈ સાથે અમારો કાફલો ઊપડ્યો પોરબંદરના મહારાજાના મહેલ તરફ (મહારાજા અવસાન પામ્યા હતા, રાણીબા જીવતાં હતાં) અમારી મુલાકાત કોણે નક્કી કરી, મહેલમાં અમે કઈ રીતે પ્રવેશ્યા, રાણીબાને અમને મળવા કોણે રાજી કર્યા એ સરમણભાઈ જાણે... બધું યંત્રવત ગોઠવાઈ ગયું હતું... લાલ પથ્થરના સુંદર મહેલમાં અમે સહુ કલાકારો, સરમણભાઈ ને એમનો દસેક વર્ષનો દીકરો કાનો (જે આજે કાંધલ જાડેજાને નામે કુખ્યાત છે.) મહેલના ભવ્ય દીવાનખાનામાં ગોઠવાઈ ગયા. પાંચ મિનિટમાં રાણીસાહેબા હાજર થયાં અમને સહુને ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ અંગ્રેજ સન્નારી છે. અમારું શાહી શાનોશૌકતથી સ્વાગત કરાયું. દરબારી પહેરવેશમાં સજ્જ બે માણસો ચાંદીની તાસકમાં ચાંદીના કપ-રકાબીમાં ચહા-કોફી પીરસવા લાગ્યા... આ બેમાંથી એક માણસ કપમાં ગરમ પાણી રેડે સાથે ચાલતો બીજો માણસ જોઈએ તે પ્રમાણે ખાંડ કે કોફી નાખે... રાજા-મહારાજાઓને ત્યાં થતી મહેમાનગતિની આ એક નાનકડી ઝલક અમને જોવા મળી... રાણીબા જોડે થોડાક ગપ્પા મારી અમે સહુએ વિદાય લીધી. ગુજરાતી નાટકમાં મને સમજ નહીં પડે એમ કહી એમણે નમ્રતાપૂર્વક નાટક જોવા આવવાની ના પાડી પણ બીજા દિવસે ભોજન લેવા સરમણભાઈને ઘરે પધારશે એવું વચન આપ્યું. આટલા મોટા મહેલની માલકણને આલીશાન ગાડીમાં સરમણભાઈને ઘરે પધારેલા જોઈને મેં હળવેથી મનસુખભાઈને કહી લીધું. રાણીબાને ફોન કરીને કહેવાઈ ગયું હશે કે આપ નહીં આવો તો ભાઈ રાજી નઈ રી’યે.

સરમણભાઈને ત્યાં લાડવા ને દૂધનો જમણવાર પતાવી અમે ઊપડ્યા એમને ગામ બરખલા જવા... મેરમંડળીના રાસની અધવચ્ચે દાંડિયાની રમઝટની જગ્યાએ ધડાધડ ગોળીઓની રમઝટ જામી. અનેક ગોળીઓ વાગવાથી ચાળણી થઈ ગયેલા સરમણ મુંજાના નિશ્ર્ચેતન થઈ ગયેલા દેહને જોઈને અમે સહુ કલાકારો હેબતાઈ ગયા, હબક ખાઈ ગયા, સખત ગભરાઈ ગયા. ડેઈઝી અને અરવિંદ રાઠોડ અવાક્ થઈને આ બધું જોઈ રહ્યાં હતાં... મેં એમને હલબલાવીને મોટેથી કહ્યું ઊઠો ને ભાગો નહિંતર સામસામે ચાલતી ગોળીઓમાંથી એકાદી તમને વાગી જશે.... સરમણભાઈના માણસોએ મે’માન આમ આવતા રીયો કહી બાજુની નાનકડી શેરીના એક ઘરમાં બેસાડી અમારી હિફાજત માટે ભરી બંદૂકે બે જણને ઘરની બહાર બેસાડી દીધાં... બહાર સમરાંગણમાં સ્થપાયેલી શાંતિ પછી મનસુખભાઈ ને અમે બધા ઘરે આવવા નીકળ્યા ત્યારે બે દિવસથી અમારી સરભરા કરનાર સરમણ મુંજાના ગોળીઓથી વિંધાયેલા અચેતન શરીરને જોઈને મેં વિચાર્યું સરમણભાઈના રાજીપાનો કે એમની નારાજગીનો આધાર ઉપરવાળો ક્યાં લગણ રાજી રી’યે છે એના ઉપર અવલંબિત છે!

-------------------------

(ડાબેથી) પોરબંદરના ડોન સરમણ મુંજાને ગોળીઓ વાગતાં ડેઈઝી ઈરાની અને અરવિંદ રાઠોડ સ્તબ્ધ થઈ ગયા હતા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

w55U87s6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com