28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જલારામબાપાના સદાવ્રતની ડબલ સેન્ચુરી
રામનામમેં લીન હૈ દેખત સબમેં રામ.

લાઈમ લાઈટ-મુકેશ પંડ્યારામે રાવણને હણી, સીતાજી સહિત પાછુ અયોધ્યાગમન કર્યુ તે દિવસને લોકોએ ઘેર ઘેર દિવા પ્રગટાવીને ઉજવ્યો. આ દિવસ હતો આસો વદ અમાસનો જે દીવાળી તરીકે પ્રસિદ્ધ થઇ ગયો. હાલમાં જ આપણે દીવાળી ધામધૂમથી ઊજવી. દિવાળીના બરાબર એક સપ્તાહ બાદ તેમના પરમ ભક્ત જલારામનો જન્મદિવસ ઉજવાય છે. આજે જલારામબાપાની ૨૨૦મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે.

કારતક સુદ ૭ને વિક્રમ સંવત ૧૮૫૬ના દિવસે સૌરાષ્ટ્રના રાજકોટની નજીક આવેલા વીરપુર ગામમાં જલારામબાપાનો જન્મ થયો હતો. પિતાજીએ શાળામાં દાખલ તો કર્યા હતા, પણ ભણવામાં તેમનું મન લાગતું ન હતું. તેમનું ધ્યાન તો સાધુસંતોમાં જ પરોવાયેલું રહેતું હતું. બાપા ચૌદ વર્ષના થયા ત્યારે તેમના પિતાએ તેમને શાળામાંથી ઉઠાડી નાનકડી હાટડીએ બેસાડી દીધા. જલાબાપાને જ્યારે પણ કોઇ સાધુસંત મળતા ત્યારે તે એમને ઘરે જમવા લઇ જતા. આ જોઇને પિતાને ચિંતા થતી કે ક્યાંક જલારામ સાધુ ન બની જાય આથી આટકોટના પ્રાગજી સોમૈયાની દીકરી વીરબાઇ જોડે તેમના લગ્ન કરાવી દીધા.

જલારામબાપાને મન સંસાર સાધુસંતોની સેવા માટે હતો. તે સમયે જૂનાગઢની ગિરનાર યાત્રા કરવી હોય તો વીરપુર માર્ગમાં જ આવતું. સાધુસંતો સહિત અનેક યાત્રાળુઓ જલારામબાપાને ત્યાં ભોજન કરીને જ આગળ વધતાં. બાપા ક્યારેક જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ તેમને આપતા. આ જોઇને તેમના પિતાએ તેમને ઘરથી જુદા કરી નાખ્યા. હવે જલાબાપા તેમના કાકાની દુકાને બેસવા લાગ્યા. ધીરેધીરે ત્યાંથી પણ તેમનું ચિત્ત ઊઠી ગયું. સત્તર વર્ષની ઉંમરે તેઓ જાત્રા કરવા નીકળી પડ્યા. જાત્રાએથી આવીને જલારામ બાપા ભોજા ભગતને મળવા ગયાને જાણે જુગજુગની ઓળખાણ જાગી ઉઠી. તેમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી અને રામનામનો મંત્ર આપ્યો. વૈકુંઠ સિધાવ્યા સુધી તેમણે રામનામ જપ્યું.

સદાવ્રત ચાલુ કર્યું

જલારામ અને તેમના પત્ની વીરબાઇ નજીકના ખેતરમાં કામ પર જતા અને જે દાણો મળે એ ભેગો કરતાં. જલારામબાપાનો સંકલ્પ હતો કે કોઇને બોજારૂપ બનવું નહીં ને જાતમહેનતનો જ રોટલો ખાવો અને ખવડાવવો. જરૂરિયાત કરતા વધુ દાણા ભેગા થતાં તેમણે ગુરુની આજ્ઞા લઇને રોજેરોજ સાધુસંતો અને ગરીબોને જમાડવા અન્નક્ષેત્ર શરૂ કર્યું. વીરબાઇ રાંધે અને જલાબાપા પીરસે. એક વાર તો રોજ કરતા વધુ સાધુ સંતો ઘરઆંગણે આવી ચઢ્યા. ઘરનો દાણો ખૂટવા લાગ્યો. પરિસ્થિતિ પામીને વીરબાઇએ માવતરથી મળેલી સોનાની સેર ડોકમાંથી ઉતારી જલારામ આગળ ધરી દીધી અને કહ્યું ‘ભગત મૂંઝાશો નહીં. આ સેર વેચી આવો અને આંગણે આવેલા સંતોને રોટલા ખવડાવો.’ ગરીબ હોય કે અમીર, દરેક મહિલાને ઘરેણાનો મોહ તો હોય જ છે, પણ વીરબાઇએ ઘરેણાનો લેશમાત્ર મોહ ન રાખીને આંગણે આવેલા મહેમાનને રોટલા પૂરા પાડ્યા. ધન્ય છે વીરબાઇને જેઓ પોતાના પતિના સત્કાર્યમાં તન,મન અને ધનથી મદદરૂપ થયા. જલારામ અને વીરબાઇ બેઉ એવું માનતા કે ‘ જે દે ટુકડો તેને ભગવાન ઢૂકડો.’

૨૦૦ વર્ષ નોટ આઉટ

જલાબાપાએ વિક્રમ સંવંત ૧૮૭૬માં મહા સુદ બીજના રોજ સદાવ્રતની શરૂઆત કરી હતી. તે સમયે તેમની ઉંમર ૨૦ વર્ષની હતી. હાલમાં સંવત ૨૦૭૬ની શરૂઆત થઇ રહી છે એટલે કે આ સદાવ્રતની સ્થાપના થયેને ૨૦૦મું વર્ષ ચાલી રહ્યું છે. તમારામાંથી ઘણાને ખબર હશે કે છેલ્લા લગભગ ૨૦ વર્ષથી તો વીરપુરમાં ચાલતા આ સદાવ્રતને સંભાળતા બાપાના વંશજોએ દાન લેવાનું બંધ કર્યું છે, પછી એ રોકડ રકમ હોય કે અન્ન, ગોળ, દાળ કે તેલ-ઘી હોય. ભારતનું આ એકમાત્ર એવું અન્નક્ષેત્ર છે જે વર્ષના ૩૬૫ દિવસ રોજના હજારો ભાવિકોને નિ:શુલ્ક ભોજન પૂરું પાડે છે, પણ દાનરૂપે એક પાઇ પણ સ્વીકારતા નથી. આજે કોઇ પણ મંદિર વર્ષની લાખો-કરોડોની આવક છોડવા તૈયાર ન થાય. તેમની આવકમાંથી પોતાના મંદિરનો પ્રચાર -પ્રસાર માટે તત્પર રહેતા હોય છે ત્યારે વીસ વર્ષ પહેલા જલાબાપાના વારસ એવા જયસુખબાપાએ ડોનેશન લેવાનું તદ્દન બંધ કર્યું હતું. વગર ડોનેશને કોઇ પણ સદાવ્રત ચાલે કેવી રીતે એ પણ એક આશ્ર્ચર્ય છે. એવું જાણવા મળે છે કે તેમની પાસે હજુ પણ ૧૦૦ વર્ષ કરતા વધુ સમય સુધી ચાલી શકે એટલું ભંડોળ છે.

અગાઉ બાપાને નામે માનતા માનવાવાળા અસંખ્ય ભાવિકો તેમની માનતા ફળે એટલે યથાશક્તિ દાન આપી જતાં. બાપાના પરચા અનેક ભક્તોને મળતા. હાલમાં વગર દાને પણ વીરપુરનું આ સદાવ્રત સતત ચાલ્યા કરે છે એ પણ એક પરચો જ કહેવાયને?

જય હો, જલારામ બાપાની જય હો!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

M1v2Lb7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com