28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ક્રાંતિકારી ક્ધહાઈલાલ દત્તા

ઈતિહાસ પાછળના ઈતિહાસ-પ્રફુલ શાહસમયની ગર્તામાં ધકેલાઈ ગયેલા અનેક ક્રાંતિકારીઓમાં એક નામ એટલે ક્ધહાઈલાલ દત્તા. આ માણસના જોમ, જોશ અને દેશદાઝ એકદમ અપ્રતિમ. ક્ધહાઈલાલે માત્ર ૨૦ વર્ષની યુવાનવયે જે કરી બતાવ્યું એની કલ્પના વર્તમાન સંદર્ભમાં થઈ જ ન શકે. આજના યુવાનની ૨૦ વર્ષની ઉંમરે જે અવઢવ અને મોજ-મસ્તી હોય છે એ જોઈને ક્ધહાઈલાલના પરાક્રમનું મૂલ્ય અનેકગણું વધી જાય છે.

આજે જે બંગાળમાં બાંગલાદેશી ઘૂસણખોરોની દાદાગીરી વધી છે એ જમીન પર ક્ધહાઈલાલનો જન્મ. પિતા ચુનીલાલ દત્તા અને માતા બ્રજેશ્ર્વરી દેવી. ૧૮૮૮ની ૩૦મી ઑગસ્ટે હુગલીના ચંદનનગરમાં જન્મ થયો. એ સમયે ચંદનનગર ફ્રેન્ચ વસાહતનો એક વિસ્તાર હતો. જન્માષ્ટમીની કાળી અંધારી રાતે જન્મ થયો એટલે જ કદાચ ક્ધહાઈલાલ નામ પાડ્યું હોય. બાકી શરૂઆતમાં તેઓ સર્વતોષ નામે ઓળખાતા હતા. જન્મ ચંદનનગરમાં પણ મૂળ વતન બંગાળનું શ્રીરામપુર. ચાર વર્ષની ઉંમરે પિતા સાથે મુંબઈ આવવાનું થયું. પાંચેક વર્ષ મુંબઈ રહ્યા બાદ ફરી ચંદનનગર ગયા, ત્યાં જ પ્રાથનિક શાળાથી લઈને સ્નાતક સુધીનો અભ્યાસ.

કૉલેજકાળમાં પ્રો. ચારુચંદ્ર રૉયને પ્રતાપે ક્ધહાઈલાલના જીવનનો માર્ગ ફંટાઈ ગયો. તેઓ ક્રાંતિના ‘ક’ના પરિચયમાં આવ્યા. અહીંથી તેઓ અંગ્રેજોના વિરોધના માર્ગે નીકળી પડ્યા. મંઝિલ સ્વતંત્રતા હતી, પણ તે ઘણી દૂર હતી. આ ચંદનનગરમાં ક્રાંતિની પહેલીવહેલી ચિનગારી પ્રગટાવનારા હતા એક તંત્રી. ‘સંધ્યા’ નામક મેગેઝિનના બ્રહ્મબાઘવ ઉપાધ્યાય. એમના સુધી પહોંચવાનું પણ પોતાના પ્રાધ્યાપક થકી શક્ય બન્યું.

૧૯૦૫માં અંગ્રેજો બંગાળના વિભાજનનું જોખમી જુગટું ખેલ્યા. ફળસ્વરૂપે આખા બંગાળમાં વિદ્રોહની જ્વાળા ફેલાઈ ગઈ. આ આંદોલનના એક મોભી સુરેન્દ્રનાથ બેનર્જીના સંપર્કમાં પણ ક્ધહાઈલાલ આવ્યા.

આ અફરાતફરી વચ્ચે ક્ધહાઈલાલે બી.એ.ની પરીક્ષા આપી. હવે કરવું શું? ચંદનનગરથી નીકળીને સીધા પહોંચી ગયા કલકત્તા. તરત જ બારીન્દ્ર રિવૉલ્યુશનરી ગ્રુપ ‘યુગાંતર’માં જોડાઈ ગયા. આ સમયે તેઓ જાણીતા ક્રાંતિકારી બારીન્દુકુમાર ઘોષના જૂથમાં સામેલ થઈ ગયા. ઉંમર હશે માંડ ૧૭-૧૮ વર્ષની પણ ક્ધહાઈલાલ જબરા હિમ્મતવાન. ક્રાંતિકારીઓ જ્યાં શસ્ત્ર, દારૂગોળો અને બૉમ્બ વગેરે સંતાડતા હતા, એ જ મકાનમાં રહેવાનું નક્કી કરી લીધું. આ ખૂબ જોખમી સાબિત થાય, પણ એની પરવા કોને હતી? આ યુવાનની અંદર ક્રાંતિકારીનો પિંડ આકાર લઈ રહ્યો હતો અને એકદમ પોલાદી મજબૂતી મેળવી રહ્યો હતો. માત્ર નિષ્ક્રિય સભ્ય બનીને બેસી રહેવાને બદલે ક્ધહાઈલાલ અખબારી નોકરી સાથે બહુ જાણીતી અનુશીલન સમિતિના સભ્ય જ ન બન્યા બલ્કી પોતાના ઘરમાં જ એની શાખા શરૂ કરી. આ શાખામાં પહેલી નજરે નિર્દોષ લાગે એવી પ્રવૃત્તિ કરાવતી, વ્યાયામ અને લાઠી ચલાવતા શીખવવા જેવી. બહારથી કોઈને લાગે નહિ કે અંદર કંઈક ભયંકર રંધાઈ રહ્યું છે.

૧૯૦૮ના એપ્રિલમાં પહેલી વાર ક્ધહાઈલાલ દત્તાનું નામ ખુલ્લામાં આવ્યું: થયું એવું કે ખુદીરામ બૉઝ અને પ્રફુલ્લ ચાકીએ અંગ્રેજોને ભીંસમાં લેવા મુઝફફરપુરમાં હુમલો કરી દીધો. આ કેસમાં અરવિન્દ ઘોષ, બારીન્દ્ર અને અન્યની સાથે ક્ધહાઈલાલ દત્તાની પણ ધરપકડ થઈ. આ કેવી રીતે થયું એની વિગતો જાણવી પડે. સશસ્ત્ર ક્રાંતિકારીઓએ અંગ્રેજોની ભૂખ-ઊંઘ હરામ કરી નાખી હતી. એમાંય મુઝફફરપુર કાંડ બાદ તો બ્રિટિશરોને એકદમ સચેત કરી દીધા હતા.

અંગ્રેજ પોલીસો, ગુપ્તચરો, ખબરીઓ અને ચમચાઓ જાણે હવાના એક- એક કણને સૂંઘતા હતા. જે શકમંદ દેખાય એનો પીછો કરાય, ચાંપતી નજર રખાય, માહિતી મેળવાય અને જરૂર પડે - તક મળ્યે એકદમ દબોચી લેવાય. આ દોડધામ વચ્ચે પોલીસને અણધારી માહિતીનો અમૂલ્ય ખજાનો મળી ગયો. કલકત્તાના માણિકતલ્લા વિસ્તારમાં ક્રાંતિકારીઓનું મુખ્ય મિલનસ્થાન એક બગીચો હોવાની જાણકારી આવી.

આ બગીચો જાણીતા ક્રાંતિકારી અરવિંદ ઘોષના ભાઈ અને સિવિલ સર્જ્યન ડૉ. વારીન્દ્ર ઘોષની માલિકીનો હતો. હવે અનેક આંખ સતત આ બગીચા પર ચોંટેલી રહેવા માંડી. આનાથી ક્રાંતિકારીઓ સાવ અજાણ બૉમ્બધડાકાનો કારસો નાકામ બનાવવામાં પોલીસને સફળતા મળી. ફળસ્વરૂપે પાંત્રીસેક ક્રાંતિકારીઓ પોલીસની પકડમાં આવી ગયા, જેમાં અરવિંદ ઘોષ, વારીન્દ્ર ઘોષ, પ્રો. ચારુચંદ્ર રૉય અને ક્ધહાઈલાલનો પણ સમાવેશ.

અંગ્રેજ પોલીસ માટે મોટી, ખૂબ મોટી સફળતા હતી. બધાને અલીપુર જેલમાં ધકેલી દેવાયા અને ખટલો ચલાવવાના ચક્રો ગતિમાન થયાં. પાછળથી અલીપુર ષડ્યંત્ર તરીકે જાણીતા થયેલા આ મામલામાં પ્રો. ચારુચંદ્ર રૉય સદ્નસીબે છૂટી ગયા. કારણ એટલું કે તેઓ ફ્રેન્ચ વસાહતની હકૂમત હેઠળના ચંદનનગરના રહેવાસી હતા.

પોલીસના હાથે પકડાવાથી, જેલમાં રહેવાથી કે નિશ્ર્ચિત મૃત્યુદંડથી ક્રાંતિકારીઓના પેટનું પાણીય હાલતું નહોતું. તેઓ જેલમાંય મસ્ત ફકીરની જેમ જીવતા હતા. માભોમ માટે જે શક્ય હતું એ કરી છૂટવાનો આનંદ હતો, સંતોષ હતો અને હવે એનું જે પરિણામ આવે તે ખરું.

જોકે કારાવાસમાંય આ નરબંકાઓની દેશદાઝ કેટલી પ્રબળ હતી અને તેઓ શું કરી છૂટવા તત્પર હતા એ જાણીને સુખદ આંચકો લાગે જ. આ બંદીઓના ભાવિ પગલાં જાણતા અગાઉ મુઝફફપુર બૉમ્બ અટેક (૩૦ એપ્રિલ, ૧૯૦૮) અને અલીપુર બૉમ્બ કેસની થોડી વિગતો જાણ્યા વગર ન ચાલે. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

V5434821
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com