28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દોસ્તાન કી બંજર ઝમીન કી પ્યાસી કહાનીયાં

કૅન્વાસ-અભિમન્યુ મોદીનખશીખ ભારતીય કહાણીઓ તરસી રહી જાય છે. ભારતના ભવ્ય ઈતિહાસ માટે અહોભાવ ધરાવતા કાનમાં પ્રવેશવા માટે તરસી તરસીને તડપી રહેલી કેટલીયે વાર્તાઓ દટાઈ ગઈ છે. અફઘાનિસ્તાનના પ્રદેશથી લઈને મ્યાનમાર સુધી, અને હિમાલયની ટોચથી લઈને લંકા સુધી ભારતીય વાર્તાઓ ગાંડા બાવળની જેમ આડેધડ ફેલાયેલી છે. દર બાર ગામે ફક્ત બોલી જ નહિ, સંસ્કૃતિ પણ બદલાય, રીતિ-રિવાજો પણ બદલાય, ધાર્મિક આચરણો પણ બદલાય અને જિંદગીની અર્થછાયાઓ પણ બદલાય. આ બધું બદલાય માટે તે કબીલાની વાર્તાઓ જુદી હોવાની. દર થોડા અંતરે ભારતે રસપ્રચુર વાર્તાઓનો ખજાનો સર્જ્યો છે. ભારત વાર્તાઓનું અક્ષયપાત્ર છે. આવનારા હજારો વર્ષો સુધી ભારતીય મૂળની વાર્તાઓમાં તોટો નહિ આવે. મહાભારત અને રામાયણ સિવાય પણ અનેકોનેક વાર્તાઓએ ભારત દેશને બનાવ્યો છે. ભારત દેશની આન, બાન અને શાન આ ધરતીમાંથી ઉગી નીકળતી અનેક લોકકથાઓ, વાયકાઓ, દંતકથાઓ અને રહસ્યકથાઓમાંથી ઘડાઈ છે. કેસરી, સફેદ અને લીલો રંગ લાખો ભારતીય કહાનીઓના રંગોના સંમિશ્રણથી બન્યા છે.

ભારત હજારો વર્ષોથી વિવિધતાથી ભરેલો દેશ હતો. સિંધુખીણની સંસ્કૃતિમાં આજથી ચારેક હજાર વર્ષ પહેલા પણ બે શહેરો વચ્ચે તફાવત રહેતો. વૈવિધ્ય અહીં સામાન્ય છે. વૈવિધ્ય ભારતની હવામાં છે. ભારતના પાણીની બુંદોનું રાસાયણિક સમીકરણ એચટુ-ઓ વત્તા ડાઈવર્સિટી છે. અહીંની ધરતીમાં જન્મ લેતા માણસોના લોહીમાં અનોખાપણું હોય છે. જુદો રંગ, જુદો વર્ણ, જુદી જ્ઞાતિ, જુદો સંપ્રદાય, જુદા આરાધ્યદેવ, જુદા કુળદેવી, જુદા કુળદેવતા, જુદો ધર્મ, જુદી ભાષા, જુદી બોલી, જુદો ખોરાક, જુદી શૈલી, જુદી અટક, જુદી નીતિરીતિ, જુદી શ્રદ્ધા. ચાઇનીઝ લોકોની જેમ સરખા દેખાવના કે બ્રિટિશરોની જેમ સરખી માનસિકતા ધરાવતા માણસો ભારતમાં ન જોવા મળે. અહીં દરેકનો અલગ વિચાર છે, દરેકનો અલગ પ્રતિભાવ છે, દરેકનું અલગ કાર્ય છે અને દરેકનો અલગ ભૂતકાળ છે. ફિંગરપ્રિન્ટની જેમ એકબીજા કરતાં સાવ નોખા પડતા ભારતીયો વળી લાગણીશીલ અને સામુદાયિક જીવન ગાળતા આવ્યા છે. માટે એકબીજા સાથે વિખવાદ થયા વિના રહે નહિ. જ્યાં સહેજ પણ અસ્થિરતા સર્જાય કે પ્રવાહની દિશા ફંટાય ત્યાં વાર્તાનું સર્જન થાય. ભારત આવી અનેક મડાગાંઠોના પાયા ઉપર ઊભેલો દેશ છે.

આટલી બધી વાર્તા અને જુદી જુદી સંસ્કૃતિઓનો વારસો હોવાના કારણે જ અહીં હેરી પોટર કે ગેમ ઓફ થ્રોન્સ જેવી વાર્તાઓ નથી લખાતી. કારણ કે જાદુ અને રાક્ષસોની વાર્તા સાંભળતા સાંભળતા તો આપણે ઘોડિયામાં સૂઈ જતા હતા. ઉડનખટોલાથી લઇને સોનાના હરણ સુધીની મનોહર કલ્પનાઓ આજથી ત્રણ હજાર વર્ષ પહેલાના પ્રાચીન સમયમાં પણ ભારતીયો પાસે હતી. વાદળને દૂત બનાવનારા મહાસર્જકો આ ભૂમિએ સદીઓ પહેલા પેદા કર્યા છે. સાહિત્યમાં આપણે દુનિયા કરતાં અનેક સદીઓ આગળ હતા. પણ હવે સાંગોપાંગ ભારતીય વાર્તાઓ મુખ્ય પ્રવાહોમાંથી ઓસરતી જાય છે. પૃથ્વીના ગોળાર્ધની એક બાજુ આવી કલ્પનાતીત કથાઓને અત્યંત પ્રભાવી રીતે રજૂ કરીને મનોરંજન બાબતે મોનોપોલી સ્થાપી રહ્યું છે ત્યારે ભારતમાં પોતાની વાર્તાઓ પ્રત્યે ઉદાસીનતા પ્રવર્તે છે.

અંગ્રેજો આવ્યા પછીનો ભારતનો ઈતિહાસ ભારપૂર્વક ટેક્સ્ટબુકોમાં ભણાવવામાં આવે છે. દેશપ્રેમનો પાશ ચડાવવા માટે પાઠ્યપુસ્તકોને છેલ્લા સાત દાયકાથી પ્યાદા તરીકે વાપરવામાં આવે છે. અંગ્રેજો આવ્યા એની પહેલાનો ઈતિહાસ તો ખૂબ રસપ્રદ છે. મરાઠાઓ અને મુગલો વચ્ચેની તડાપીટ અને જુદા જુદા અખાડાઓના સાધુઓનો દબદબો. ભારતમાં તો સંન્યાસીના પણ કેટલા પ્રકાર. સાધુ, યતિ, વૈરાગી, તપસ્વી, બાવા, મુની. સાધુધર્મ જુદો અને સાધુવાદ જુદો. સાધુશ્રેષ્ઠનો પંથ જુદો. સાધુશીલતાના ઉદાહરણો અપાય. સાધુતાની કસમો ખવાય. સાધુશિરોમણીની પૂજા હાય. એમાં પણ અઘોરી તો આખી જુદી જ કોમ્યુનિટી. લોજીક સાથે મેળ ન ખાય અને સામાન્ય બુદ્ધિ જેને માનવા તૈયાર ન હોય એવા એવા પરાક્રમો અઘોરી સાધુઓના. શિવજી સાથેના અનુસંધાનમાં ભભૂત ચોળીને રહેતા સાધુઓનો સમુદાય. નાગા બાવાઓનું તપ તો કઠીનતમ. તેમની ટેક અનન્ય.

આવા જ એક નાગા બાવાની વાર્તા છે ‘લાલ કપ્તાન’. ભારતમાં બનેલી જુજ ઇન્ડિયન વેસ્ટર્ન ફિલ્મોમાંની ઉત્તમ ફિલ્મ. ‘રિવેન્જ વેસ્ટર્ન’ કેટેગરીની આ અદ્ભુત ફિલ્મ છે. ધીમી ધારે આગળ વધતી અને બાવાઓ જેવી જ સ્થિતપ્રજ્ઞતા ધરાવતી આ ફિલ્મ ભારતના રોમાંચક ભૂતકાળમાં દોરી જાય છે. સાધુઓની પીડા અને એ પીડામાંથી જન્મતી તાકાતનો પરચો આ ફિલ્મ આપે છે. સુક્કાભઠ્ઠ લેન્ડસ્કેપથી ભરાયેલી ક્ષિતિજો બતાવીને આ ફિલ્મ ભારત પ્રત્યે જીજ્ઞાસાના અનેક ઝરણાંઓ ઉત્પન્ન કરે છે. પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પગપેસારો કરી રહી હતી. ભારતની જમીન જ નહિ પણ ભારતીય જનમાનસને હડપવાની તેમની ખંધી ચાલ અહીંના જ અમુક સૂબાઓ, રાજાઓ કે સામંતોએ સફળ બનાવી હતી. ભારતમાં એવી વર્ણ વ્યવસ્થા હતી કે એક વર્ણમાંથી બીજા વર્ણમાં સહેલાઇથી જઈ શકાતું. મુસ્લિમોના આક્રમણ પછી વર્ણવ્યવસ્થા જડ થઇ ગઈ જે આજના જ્ઞાતિભેદ-જ્ઞાતિવાદનું કારણ બની.

ખટપટપ્રેમી અંગ્રેજો અને અમુક સ્વાર્થી તથા ડરપોક રાજાઓના એ સમયમાં અમુક સાધુઓ હતા. જે ભગવો ધારણ કર્યા વિના દેશપ્રેમના બીજ વાવતા. પોતાના વતન માટે જાન લઇ શકવાની અને કુરબાની આપવાની તેમની તૈયારી હતી. આવો જ એક બાવો જેને લોકો ‘ગુસાઈ’ના નામે ઓળખતા હતા તે પોતાનો વીસ વર્ષ જૂનો બદલો લેવા નીકળી પડ્યો છે. રસ્તામાં ઘણા વિઘ્નો આવે છે, અડચણો આવે છે, અંગ્રેજો આવે છે, ગંદું રાજકારણ ભળે છે પણ તે પોતાની મંઝિલ સુધી પહોંચે છે. ચહેરા ઉપર રાખ અને લલાટ ઉપર કફન બાંધીને નીકળેલા વૈરાગીએ કંઈ ગુમાવવાનું નથી હોતું. જેણે કંઈ ગુમાવવાનું ન હોય એની હિંમત અજેય થઇ જતી હોય છે. લાલ કપ્તાન આવા જ એક માથાફરેલ બાવાની વાત છે. લાલ કપ્તાન એ ભારતની વાત કરે છે જે આપણે ખાસ જોયું નથી. ભારતની ભૂમિ જે આવા અનેક કિસ્સાઓ પોતાની છાતીમાં ધરબીને બેઠી છે એ ભૂમિ લાલ કપ્તાન બનીને આપણી પાસે આવે છે. વર્ષો પછી એવી ફિલ્મ આવી જેમાં પાત્ર લેખન સચોટ થયું છે. બે કૂતરા સાથે કૂતરા જેવું નાક લઈને ફરતો ગાઈડ, સરોગેટ મધર જેવી દાસી, સૂબાની અત્યાચાર સહન કરતી બેગમ, પોતાને રાજા સમજતો ખંધો રહેમત ખાન અને તેનો વિશ્ર્વાસુ દોસ્ત અને લાલ કોટ પહેરેલો સાધુ અર્થાત કપ્તાન. ડાયલોગ્સ અફલાતુન લખાયા છે. સ્ક્રીનપ્લે એકદમ સટીક અને અસરકાર. ખૂબસુરત સિનેમેટોગ્રાફી અને વજનદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક. લગભગ બધા જ અભિનેતાઓનું સારું પરફોર્મન્સ. ઘણાં સમય પછી વર્લ્ડ સિનેમામાં માનભેર રજૂ કરી શકાય એવી ભારતીય ફિલ્મ આવી. પણ બહુધા ઇન્ડિયન ઓડીયન્સને સ્લેપસ્ટીક અને ચીપ કોમેડી, ગલગલીયાં થાય એવી લાઉડ સ્ટોરી અને એન્ટરટેઈનમેન્ટના નામે તમાશો જ મંજૂર છે. ભારતીયતાને માણવાનો મોકો આપતી ફિલ્મો આર્કાઈવ થાય અને ભવિષ્યમાં કોઈ એની કદરદાની કરે આપણે એવી માત્ર આશા રાખી શકીએ.

---------------------

આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિનું ચિત્રણ અને (જમણે) નાગા બાવાની વાર્તા ‘લાલ કપ્તાન’ પરથી બનેલી ફિલ્મનું દૃશ્ય

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

kh6370
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com