28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માણસ ખરાબ સ્થિતિમાં હાર ન માની લે તો તેને રસ્તો મળી જ રહેતો હોય છે

સુખનો પાસવર્ડ-આશુ પટેલબિહારમાં જન્મેલો નારાયણ ઠાકુર બાળપણમાં જ લકવાગ્રસ્ત બની ગયો હતો એને કારણે એના શરીરનો ડાબો હિસ્સો કામ કરતો બંધ થઈ ગયો હતો. બાળપણથી જ નારાયણની મુશ્કેલીઓની શરૂઆત થઈ ગઈ હતી. નારાયણના પિતા બહુ ગરીબ હતા. અધૂરામાં પૂરું, તેમને હૃદયની બીમારી હતી. નારાયણ નાનો હતો ત્યારે જ તેઓ કુટુંબ સાથે દિલ્હી રહેવા જતા રહ્યા. દિલ્હીની સમયપુર બાદલી વિસ્તારની ગીચ ઝૂંપડપટ્ટીમાં તેનું કુટુંબ રહેતું હતું. દિલ્હી જઈને નારાયણના પિતાની તબિયત વધુ ખરાબ થઈ. તેમને બ્રેઈનટ્યુમર થઈ ગયું અને તેમનું અકાળે મૃત્યુ થયું. એ વખતે નારાયણની ઉંમર માત્ર આઠ વર્ષની હતી.

નારાયણના પિતાના અકાળ મૃત્યુને કારણે નારાયણ સહિત ત્રણ સંતાનોની જવાબદારી તેની માતા પર આવી પડી. તેની માતા મજૂરી કરીને જેમતેમ ઘરનું ગુજરાન ચલાવતી હતી. નારાયણના પિતા એક પ્લાસ્ટિક ફેકટરીમાં કામ કરતા હતા. તેમના મૃત્યુ પછી નારાયણની માતા માટે ત્રણ સંતાનોનું પાલનપોષણ કરવાનું મુશ્કેલ થઇ ગયું. એટલે તેની માતાએ પહેલા નારાયણથી નાના દીકરાને અને પછી નારાયણને દિલ્હીના એક અનાથ આશ્રમમાં મોકલી દીધા. તેનો આશય એવો હતો કે બીજું કંઈ નહીં તો મારા દીકરાઓને અનાથ આશ્રમમાં બે વખત ખાવાનું તો મળી શકશે. તેની માતાએ કકળતા હૃદયે એ કડવો નિર્ણય લેવો પડ્યો.

નારાયણને અનાથાશ્રમમાં જોવા મળ્યું કે કેટલાક અનાથ બાળકો સ્પોર્ટ્સમાં રસ લઈ રહ્યા છે. એટલે નારાયણે પણ સ્પોર્ટ્સમાં રસ લેવા માંડ્યો. નારાયણે આઠ વર્ષ અનાથ આશ્રમમાં વિતાવ્યા. એ દરમિયાન તેણે ક્રિકેટમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેને ક્રિકેટ રમવાની તક ન મળી. એટલે તેણે ૧૬ વર્ષની ઉંમરે અનાથ આશ્રમ છોડી દીધું જેથી તે ક્રિકેટ સહિત અન્ય રમતના વિકલ્પ પર વિચાર કરી શકે. ૨૦૧૦માં નારાયણે અનાથ આશ્રમ છોડ્યું અને તે તેની માતા સાથે રહેવા ચાલ્યો ગયો. એ વખતે તેના કુટુંબ પર એક વધુ આફત આવી પડી. દિલ્હીના ઉત્તર-પશ્ર્ચિમ વિસ્તારની ઝૂંપડપટ્ટી સમયપુર બાદલીમાં તેમનું ઝૂંપડું હતું. એ ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફેરવી દેવાયું. તેનું કુટુંબ ફૂટપાથ પર આવી ગયું. એ પછી તેઓ બીજી એક ઝૂંપડપટ્ટીમાં રહેવા ગયા. તેના કુટુંબની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે માતાને મદદરૂપ થવા માટે નારાયણે દિલ્હીની સિટી બસ સાફ કરવાનું શરૂ કર્યું. એ સિવાય તે રસ્તાના કિનારે ચાની લારીઓ પર કામ કરવા લાગ્યો. તેણે વેઈટર તરીકે પણ કામ કર્યું.

નારાયણની જગ્યાએ બીજો કોઈ ટીનએજર છોકરો હોત તો ભાંગી પડ્યો હોત પણ નારાયણે વિચાર્યું કે હું આ રીતે તો જિંદગી નહીં વિતાવું. એ દરમિયાન કોઈએ તેને સલાહ આપી કે તારે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં જઈને પ્રેક્ટિસ કરવી જોઈએ. પરંતુ નારાયણ સામે સમસ્યા એ હતી કે તેની પાસે તેના ઘરેથી જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ સુધી જવાના પૈસા નહોતા. એટલે નારાયણ વધુ કામ કરવા લાગ્યો. અને થોડા પૈસા એકઠા કરવા લાગ્યો. તેણે તેની ઝૂંપડપટ્ટીથી જવાહરલાલ નહેરુ સ્ટેડીયમ સુધી પહોંચવા માટે ત્રણ બસ બદલવી પડતી હતી. નારાયણે પાનીપત વિસ્તારમાં ઘર એટલે કે ઝૂંપડું શોધવાની કોશિશ કરી, પરંતુ તે તેવું કરી ન શક્યો. કારણ કે તેણે મહિનાના ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા ઓછામાં ઓછું ભાડું ચૂકવવું પડે એમ હતું.

એ પછી નારાયણે ટ્રેનિંગ માટે ત્યાગરાજ સ્ટેડિયમની નજીક રહેવાનું શરૂ કર્યું. એ દરમિયાન નારાયણે દિલ્હી સોનીપત રોડ પર એક ઢાબામાં વેઈટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં તે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરતો. એના માટે તેને ત્રણ થી ચાર હજાર રૂપિયા મળતા હતા. બાકીના સમયમાં એ પેટ્રોલ પંપ પર કામ કરતો. તે દિવસના પ્રેક્ટિસ કરતો અને સાંજથી મોડી રાત સુધી કામ કરતો હતો. એ પછી તેને ૨૦૧૫માં દિલ્હીમાં દિવ્યાંગો માટે સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લેવાની તક મળી. નારાયણનું ડાબું અંગ બરાબર કામ નહોતું કરતું. તેણે ખૂબ મથામણ કરી એ પછી તે દિલ્હીમાં સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં ભાગ લઈ શક્યો હતો. એ કોમ્પિટિશનમાં તેણે દિલ્હી વતી ૧૦૦ મીટર, ૨૦૦ મીટર દોડ અને શોર્ટપુટમાં એમ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા. એ પછી તેના માટે નેશનલ લેવલે રમવાનો માર્ગ ખૂલી ગયો. તેને એક ગોલ્ડ મેડલ જીતવા માટે ૬૨૦૦૦ રૂપિયા મળ્યા એનાથી તેનો ઉત્સાહ બેવડાઈ ગયો. ૨૦૧૫-૧૬માં તે નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

૨૦૧૭માં તેની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેની પસંદગી થઇ. જો કે તેને કહેવાયું કે તારે તારા ખર્ચે ચીન જવાનું છે. નારાયણ હેબતાઈ ગયો. પરંતુ તેને કળ વળી એટલે તેણે તેના કોચ અમિત ખન્નાને કહ્યું કે મારે કોઈ પણ હિસાબે ચીન જવું છે. તેની પાસે થોડી બચત હતી. તેના કોચ અમિત ખન્નાએ તેને ૩૦ હજાર રૂપિયા આપ્યા અને તેના કેટલાક મિત્રો-પરિચિતોએ તેને ઉધાર પૈસા આપ્યા. એ લઈને તે ચીન પહોંચ્યો. ત્યાં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, પરંતુ તે મેડલ ન જીતી શક્યો. જો કે તેનો દેખાવ પ્રમાણમાં સારો રહ્યો હતો.

એ પછી ૨૦૧૮માં પેરા ઓલિમ્પિકના એક અધિકારીએ તેને એ કારણે સસ્પેન્ડ કરી દીધો કે તું બહારના બાળકોને પ્રેક્ટિસ કરાવે છે. નેશનલ લેવલ પર રમવા માટે પણ તેનું નામ બ્લેકલિસ્ટ કરી દેવાયું. સ્ટેટ લેવલ પર પણ તેને રમવા ન દેવાયો. નારાયણના કોચ અમિત ખન્નાએ ખૂબ ફરિયાદો કરી ત્યારે ફરી નારાયણનું નામ ખેલાડીઓની યાદીમાં સામેલ કરાયું. એ પછી પણ તેણે ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો. તેને જકાર્તામાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવાની તક મળી ત્યાં તેણે ૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું. એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત રેડિયો કાર્યક્રમમાં નારાયણના વખાણ કર્યા.

નારાયણ ખુશ થઈ ગયો. તેને લાગ્યું કે હવે મારો સંઘર્ષ ખતમ થઈ ગયો. પણ તે એ સ્થિતિનો આનંદ માણી શકે એ અગાઉ જ નારાયણને પત્ર મળ્યો કે જકાર્તા જતા પહેલા તમે ડ્રગ્સ સેવન કર્યું હતું તેથી તમારું મેડલ અને સર્ટિફીકેટ તમને નહિ મળે શકે!

બન્યું હતું એવું કે નારાયણ જયારે એક કેમ્પમાં ગુજરાતમાં હતો ત્યારે તેને શરદી થઇ હતી અને ડૉક્ટરે તેને દવા આપી એના બીજા જ દિવસે તેનો મેડિકલ ટેસ્ટ થયો હતો. આ દરમિયાન ચીન અને ફ્રાન્સમાં પોતાના પૈસે રમવા જવાને કારણે નારાયણ પર દેવું થઈ ચૂક્યું હતું તેના કોચે તેને ખૂબ મદદ કરી અને વકીલ દ્વારા સાબિત કર્યું કે જકાર્તામાં તેને જે ગોલ્ડ મેડલ મળ્યો હતો એ અગાઉ તેણે ડ્રગ્સ સેવન નહોતું કર્યું, પરંતુ તેને ગુજરાતના ડૉકટરે શરદીની દવા આપી હતી. એ પછી તો જે અધિકારીએ તેને ૨૦૧૮માં સસ્પેન્ડ કર્યો હતો તેણે જ આ વર્ષે - ૨૦૧૯ના એક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યો. એ અગાઉ ૨૬ જુલાઈ ૨૦૧૮ના દિવસે નારાયણ પોલેન્ડમાં બ્રોન્ઝ મેડલ જીતી આવ્યો હતો. અત્યાર સુધીમાં તે ૧૯ ગોલ્ડ મેડલ, ૨ સિલ્વર મેડલ અને ૩ બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે. હવે તે ૨૦૨૦ની ટોક્યો પેરાઓલિમ્પિક અને ૨૦૨૦ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવીને દેશનું નામ રોશન કરવા માગે છે.

નારાયણની આર્થિક સ્થિતિ અત્યારે પણ સારી નથી એટલે તે તેની માતાને ઘર ચલાવવામાં મદદરૂપ બનવા માટે પાનની એક નાનકડી દુકાન ચલાવે છે. જો કે તેને આશા છે કે હવે તેનું જીવન બદલાઈ જશે. તેને સરકાર તરફથી પુરસ્કારો મળ્યા છે, પરંતુ હજુ તેની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે તે પોતાના કુટુંબ માટે એક સારું ઘર બનાવી શકે. તે કહે છે કે જયારે મારી સ્થિતિ સુધરશે ત્યારે હું મારા કુટુંબ માટે એક સારું ઘર બનાવીશ અને બાકીના પૈસા મારી તાલીમ પર ખર્ચીશ.

વિચાર કરો જે માણસ બચપણમાં જ લકવાગ્રસ્ત થઈ જાય અને આઠ વર્ષની ઉંમરે પિતાને ગુમાવી દે અને અનાથાશ્રમમાં જાય, ૧૬ વર્ષની ઉમરે અનાથાશ્રમમાંથી બહાર આવીને વેઈટર તરીકે કામ કરે બસો ધોવાનું કામ કરે અને ઢાબા પર કામ કરે અને એવી સ્થિતિમાં પોતાની શારીરિક અક્ષમતા અવગણીને તે પેરા ઓલિમ્પિક ખેલાડી તરીકે વિશ્ર્વસ્તરે ઝળકી ઊઠે!

નારાયણ ઠાકુર એ વાતનો પુરાવો છે કે માણસ ગમે એવી ખરાબ સ્થિતિમાં પણ હાર ન માની લે તો તેને આગળ વધવાનો રસ્તો મળી જ રહેતો હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

72j12F0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com