28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હેલ્મેટને કારણે... - ૧

અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગરગુજરાત સરકારનાં જુદાં જુદાં ખાતાંઓ તરફથી વિવિધ સપ્તાહો ઊજવવામાં આવે છે. ગુનામાં આવી ગયેલા વાહનચાલકોને વરસનાં એકાવન અઠવાડિયાં તતડાવનાર ‘ટ્રાફિક નિયમન ખાતું’ વરસનું એક અઠવાડિયું ‘વિનય સપ્તાહ’ પણ ઊજવે છે ! આ ખાતા દ્વારા ઈ.સ. ૨૦૦૫ના સપ્ટેમ્બરની પહેલી તારીખથી સાતમી તારીખ સુધી ‘હેલ્મેટ સપ્તાહ’ ઊજવાયું હતું. અલબત્ત, આ સપ્તાહની ઉજવણીની વિધિવત્ જાહેરાત કરવામાં નહોતી આવી, પણ દ્વિચક્રી વાહનચાલક માટે હેલ્મેટ ધારણ કરવાનું ફરજિયાત થયું પહેલી સપ્ટેમ્બર-૨૦૦૫થી અને એમાંથી કામચલાઉ મુક્તિ મળી આઠમી સપ્ટેમ્બરના સુપ્રભાતથી. આ એક અઠવાડિયું ગુજરાતના પ્રત્યેક વાહનચાલકને મુગટો ધારણ કરાવવા ટ્રાફિક નિયમન ખાતા તરફથી જે ઝુંબેશ ચલાવવામાં આવી તેને કારણે એ આખું અઠવાડિયું ‘હેલ્મેટ સપ્તાહ’ બની રહ્યું.

‘વાઘ આવ્યો રે વાઘ’ની પેલી જાણીતી બાળવાર્તાની જેમ ‘હેલ્મેટ આવી રે હેલ્મેટ’ એવું તો અનેક વાર સંભળાયું હતું. કેટલાંક વર્ષો પહેલાં પહેલી વાર આવી હાક પડી ત્યારે હેલ્મેટ ખરીદવાનો ધસારો થયો હતો. પણ તે દિવસોમાં મારું ખિસ્સું નાનકડો ઘસારો પણ ખમી શકે તેમ નહોતું, એટલે હું એ ધસારામાં સામેલ થઈ શક્યો નહોતો. એ પછી ‘હેલ્મેટ આવી રે હેલ્મેટ’ની હાક વારંવાર વાગી પણ લોકોએ હેલ્મેટની ધમકીને બહુ સિરિયસલી નહોતી લીધી. સપ્ટેમ્બરની પહેલી તારીખથી હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવામાં આવશે એવો અણસાર તો ત્રણેક મહિના પહેલાં મળી ગયો હતો, પરંતુ ‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ એવી શ્રદ્ધા રાખી લોકોએ હેલ્મેટ ખરીદવામાં ઉતાવળ નહોતી કરી. આવા આશાવાન અને ધૈર્યવાન લોકોમાં હું પણ હતો.

ત્રીસમી ઑગસ્ટે ટી.વી.ના ગુજરાતી સમાચારમાં હેલ્મેટની મુદત વધારવાના સમાચાર આવવાનો સંભવ હતો. ગુજરાતી સમાચારનું શ્રવણ-દર્શન નિયમિત કરતો હોવા છતાં તે દિવસે સાંજે મેં સમાચાર ન સાંભળ્યા. ધારો કે હેલ્મેટ ફરજિયાત થવાના સમાચાર સાંભળવા પડે તો રાત્રે હેલ્મેટની ચિંતામાં સરખી ઊંઘ ન આવે. હેલ્મેટવિહીન મસ્તકે જતા એવા મને ટ્રાફિક પોલીસે ઝાલ્યો હોય એવાં સપનાં આવે એવુંય બને. જે ગુનાઓ મેં ક્યારેય કર્યા નથી, જે ગુનાઓ કરવાની મારામાં શક્તિ જ નથી એવા ગુનાઓમાં સંડોવાવાનાં સપનાં પણ મને કેટલીક વાર આવે છે. લીલી બત્તી બુઝાઈ ગયા પછી રસ્તો ઓળંગવાને કારણે ટ્રાફિક પોલીસે મને અટકાવ્યો હોય કે મારા સ્કૂટરનું અપહરણ કરીને - ટ્રાફિકની ભાષામાં કહીએ તો સ્કૂટરને ‘ટો’ કરીને લઈ જવામાં આવતું હોય, પૈસા લઈને મને જવા દેવાની વિનંતી કરવાની મારી હિંમત ચાલતી ન હોય એવાં એવાં સપનાં તો મને અનેક વાર આવે છે. એટલે હેલ્મેટ અંગે છેવટની પરિસ્થિતિ શી છે તે સવારે જ જાણવાનું સલાહભર્યું છે એમ મેં માન્યું.

એકત્રીસમી ઑગસ્ટનું છાપું જોયું તો ફિલ્મી ભાષામાં કહું તો ‘વહી હુઆ જિસકા મુઝે ડર થા.’ પહેલી સપ્ટેમ્બરથી હેલ્મેટ ધારણ કરવાનું ફરજિયાત બની રહ્યું હતું. વાહનવ્યવહાર ખાતાના પ્રધાનશ્રીને ઉદ્દેશીને ફરી હું ફિલ્મી ભાષામાં બબડ્યો, ‘મુઝે આપસે યહ ઉમ્મિદ નહિ થી.’ પરંતુ આ માઠા સમાચારની સાથે એક સારા સમાચાર પણ હતા. પાછળ બેસનાર સ્ત્રીઓ અને બાળકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘દરેક કાળા વાદળને રૂપેરી કોર પણ હોય છે.’ બેને બદલે એક જ હેલ્મેટ ખરીદવી પડશે એ વિચારે મને આનંદ થયો. મેં હોંશભેર આ શુભસમાચાર પત્નીને આપ્યા. મને હતું કે પત્ની રાજી થશે આ સમાચારથી. પણ એ તો નારાજ થઈ ગઈ. કહે, ‘આ સરકાર શું સમજે છે એના મનમાં ?’ આવા અણધાર્યા પ્રતિભાવથી હું થોડો ડઘાઈ ગયો; પછી ધીરેથી કહ્યું, ‘રાજ્ય સરકારના મનમાં શું છે એ તો હું જાણતો નથી, પરંતુ મારી સરકારના મનમાં શું છે તે જાણવા આતુર છું.’

‘શું છે એટલે ? અમારે સ્ત્રીઓએ હેલ્મેટ પહેરવાની નહિ એટલે શું ? શું અમારા માથાની કશી કિંમત જ નહિ ?’

‘સાંભળ, સ્ત્રીઓના માથા કેટલાં બધાં કીમતી હોય છે એનો એક ટુચકો છે.’

‘તમારા ટુચકા મેં હજાર વાર સાંભળ્યા છે, ને સાંભળીસાંભળીને અનેક વાર મારું માથું ચડ્યું છે. સો વાતની એક વાત : સ્ત્રીઓ માટે હેલ્મેટ ફરજિયાત નહિ થાય ત્યાં સુધી હું સ્કૂટર પર નહિ બેસું.’

‘એમાં સ્કૂટર પર નહિ બેસવાની પ્રતિજ્ઞા લેવાની શી જરૂર છે ? આપણે બે હેલ્મેટ ખરીદીશું. તું હેલ્મેટ પહેરીને બેસજે. સવિનય કાનૂનભંગનો ગાંધીજીને પણ નહિ સૂઝેલો એવો નવો નુસખો ગણાશે.’

‘સવાલ કાનૂનભંગનો નથી, સ્ત્રીપુરુષ-સમાનતાનો છે. પાછળ બેસનાર સ્ત્રીને હેલ્મેટમાંથી મુક્તિ મળી છે પણ પાછળ બેસનાર પુરુષને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ નથી મળી. પુરુષોં કા ખૂન ખૂન હૈ ઔર સ્ત્રીયોં કા ખૂન પાની ?’ પત્નીએ સોહરાબ મોદીના જુસ્સાથી અને પોતાના આગવા ગુસ્સાથી કહ્યું. અને પછી ભીષ્મપ્રતિજ્ઞાની ઘોષણા કરતાં કહ્યું, ‘કાં તો સરકાર પાછળ બેસનાર સ્ત્રી માટે પણ હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરે અથવા પાછળ બેસનાર પુરુષને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપે તો જ હું સ્કૂટરની પાછલી સીટ પર બેસીશ. કાયદામાં આવો સુધારો નહિ થાય તો છાપાંમાં ચર્ચાપત્રો લખીશ, સ્ત્રી-સંસ્થાઓને પત્રો લખીશ ને આવો કાયદો કરાવીને જ જંપીશ.’

એકત્રીસમી ઑગસ્ટનો દિવસ મારો જન્મદિવસ છે. આ દિવસના છાપાંમાં સ્પષ્ટ સમાચાર હતા કે પહેલી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થશે. આને મારા જન્મદિવસ માટેની સરકારની ભેટ ગણી એ ભેટ એ જ દિવસે લઈ આવી શક્યો હોત, પરંતુ હજુ આવતી કાલનો સૂરજ કદાચ હેલ્મેટ-મુક્તિના સમાચાર સાથે ઊગે એવું બની શકે એમ માની એકત્રીસમી તારીખે મેં હેલ્મેટ ન ખરીદી.

પહેલી સપ્ટેમ્બરનો સૂરજ તો એના નક્કી સમયે ઊગ્યો, પણ મુક્તિના સમાચારને બદલે બંધનના સમાચાર લઈને જ ઊગ્યો. વધારામાં તે દિવસના છાપાંમાં આઇ.એસ.આઇ.ના માર્કાવાળી હેલ્મેટ ખરીદવાની તાકીદ પણ કરવામાં આવી હતી. કઠોર પરિશ્રમની જેમ મજબૂત હેલ્મેટનો પણ કોઈ વિકલ્પ નથી એ સત્યનું જ્ઞાન પહેલી તારીખના સૂરજે મને કરાવ્યું.

પહેલી સપ્ટેમ્બરે સવારે દસ વાગ્યાની આસપાસ હું હેલ્મેટ ખરીદવા નીકળ્યો. સ્કૂટરના અરીસામાં મુખદર્શન થતાં મને ખ્યાલ આવ્યો કે કરોડોની કિંમતના હીરા ખરીદવા નીકળ્યો હોઉં એવું ગાંભીર્ય મારા મુખ પર વ્યાપેલું હતું. ‘શુકન જોઈ ઘોડે ચડો રે વરરાજા...’ એવું પરણવા માટે થનગનતા વરરાજા માટેનું એક લગ્નગીત છે. હું શુકન જોયા વગર સ્કૂટર પર ચડ્યો હોઈશ એટલે મારા ઘરથી થોડેક જ આગળ આવેલા ટ્રાફિક સિગ્નલવાળા ચાર રસ્તા પર મને રોકવામાં આવ્યો.

‘હેલ્મેટ...’

‘એ લેવા જ જાઉં છું. મારા ખિસ્સામાં અત્યારે હજાર રૂપિયા એ કારણે જ છે. સામાન્ય રીતે ટ્રાફિક અંગે દંડ થાય, સ્કૂટરમાં પંક્ચર પડે કે પેટ્રોલ ખૂટે તો એકાદ લિટર પુરાવી શકાય એટલા જ પૈસા મારી પાસે હોય છે.’

‘આજે હજાર રૂપિયા છે ને ? એમાંથી હેલ્મેટ ન પહેરવા બદલનો દંડ ભરી શકાશે.’

‘તો પછી હેલ્મેટ કેવી રીતે લઉં ?’

‘ફરી પાછા ઘેર જઈ, પૈસા લઈ આવીને.’

‘પણ હું હેલ્મેટ લેવા જ જાઉં છું, તમારા સોગન.’ એમની પત્નીને વિધવા બનાવવાનો મારો ઉત્સાહ એમનાથી સહન ન થયો. ગુસ્સે થઈને એ બોલ્યાં, ‘મારા સોગન શા માટે ખાવ છો ? તમારું કોઈ સગુંવહાલું નથી ?’ ‘ગાંધીજીની જેમ સમગ્ર વિશ્ર્વ મારું સગુંવહાલું છે’ એવી ઉચ્ચ ભાવના પ્રગટ કરવાની ઊર્મિ, એમના ચહેરા પરનો ગુસ્સો જોઈ, મેં માંડ રોકી અને નમ્રતાથી કહ્યું, ‘સાહેબ, હેલ્મેટ લેવા જ જાઉં છું. પછી દંડ શા માટે ?’

‘હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટર પર હેલ્મેટ લેવા જવું એ પણ ગુનો છે.’

‘ઓહ ! વેરી સૉરી, સાહેબ ! હેલ્મેટ લેવી કે ન લેવી એ અંગે આટલો સમય હેમ્લેટની જેમ...’

‘હેમ્લેટ કોણ ?’

‘તમે નહિ ઓળખો, સાહેબ ! બહુ મોટા માણસ હતા. હું એની જ્ઞાતિનો છું. પણ સાહેબ અત્યાર પૂરતો જવા દો. હું હેલ્મેટ લઈ આવી, તમને બતાવીને પછી જ ઘેર જઈશ.’

મારી સાથેનો સંવાદ (આમ તો વિ-સંવાદ) એમની ધીરજ કરતાં વધુ લંબાયો એટલે ટૂંકું કરતાં એમણે કહ્યું, ‘હું અહીંથી જવા દઈશ તો કોઈક આગળ પકડશે અને એ માનશે કે મેં પૈસા લઈને તમને જવા દીધા. એને બદલે સ્કૂટર અહીં મૂકી જાવ અને રિક્ષામાં બેસી હેલ્મેટ લઈ આવો.’

(ક્રમશ:)

(‘ભજ આનન્દમ્’માંથી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

i3sT8m
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com