28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોઇ સરકાર પધરાવો સાવધાન : પર ફેંસલા હોગા કબ?

મિજાજ મસ્તી-સંજય છેલટાઇટલ્સ:જુગાર રમવામાં અને સરકાર રચવામાં કંઈપણ થઈ શકે છે (છેલવાણી)

તમે કોઇ શાણા વેપારીને પૂછશો કે સોદો ક્યારે કરશો તો જવાબ ટાળવા એ કહેશે માર્કેટ બદલાઇ ત્યારે. કોઇ કવિને પૂછશો કે નવી રચના ક્યારે લખશો તો કહેશે અંદરથી કોઇ અદ્ભુત આઇડિયા આવશે ત્યારે. કોઇ લેખકને પૂછશો કે ક્યારે લખશો તો એ રોજ જેમ જ કહેશે: બસ આવતી કાલે! તમે કોઇ સાધુ-સંતને પૂછશો કે મારું ભલું ક્યારે થશે તો કહેશે કે સારો યોગ આવશે ત્યારે! આપણે ત્યાં કામ ટાળવા અને નિર્ણય ના લેવા માટે દરેકની પોતપોતાની સ્ટાઇલ હોય છે.

મહારાષ્ટ્રના ઇલેક્શનના પરિણામોને આજે આ લખાય છે ત્યારે ૭ દિવસ થઇ ગયા પણ સરકાર કોણ કોની સાથે બનાવશે એનો નિર્ણય લેવાયો નથી. બધી બાજુએથી સોદાબાજી, દગાબાજી અને બાજીગરી ચાલી રહી છે. બીજેપી અને શિવસેના વચ્ચે "આ દેખેં ઝરા કિસમેં કિતના હૈ દમ?- વાળી કવ્વાલી ફરી શરૂ થઇ ગઇ છે. કોરસમાં શરદ પવારની પાર્ટી અને કૉંગ્રેસવાળા ઢોલ મંજીરા વગાડે છે! કોણ કોની સાથે લગ્ન કરશે અને કોણ કોને ડિવોર્સ આપશે એ સમજાતું નથી. સમૂહલગ્નના માંડવામાં ઊભા ઊભા સૌ લઇને સત્તા સુંદરીના ગળામાં વરમાળા પહેરાવવા થનગની રહ્યા છે! સરકાર કેવી રીતે બનશે નિર્ણયનું ચોઘડિયું હજીયે આવ્યું નથી અને ‘સરકાર પધરાવો સાવધાન’ની ઘોષણાંની પ્રતીક્ષામાં સૌ ઊભા છે.

..પણ ફટાફટ ફેંસલો કે ત્વરિત નિર્ણય કોને કહેવાય એ એક દાખલા સાથે સમજાવું. હમણાં ૩૧મી એ સરદાર પટેલની જન્મજયંતી ગઇ એટલે યાદ આવે છે કે આઝાદી બાદ દેશના ભાગલા સમયે એમણે કેવા કેવા કઠીન ફેંસલા લીધેલા! થયું એવું કે ૧૯૪૮માં મુસલમાન નેતાઓએ જેમ અલગ પાકિસ્તાન દેશની માગણી કરી એ જ રીતે અકાલીઓએ ‘શીખ સૂબા’ એટલે કે અલગ શીખ દેશની માંગણી કરવા માટે ત્યારની દિલ્હી સરકાર સામે મોરચો માંડલો. જી હાં, આજની સરકારના પાર્ટનર એવાં અકાલીઓ તો ત્યારે પાકિસ્તાન સાથે ભળી જવા તૈયાર થઈ ગયેલા! ખૈર તો એ અકાલી મોરચાનાં આગેવાન માસ્તર તારાસિંઘે, પુરાની દિલ્હી સ્ટેશને દોઢ બે લાખ શીખોને બોલાવી લીધેલા. સરદાર પટેલ એમની આ ચાલ નાકામ કરવા માગતા હતા કારણકે દેશમાંથી હિંદુ-મુસ્લિમ કૌમી દંગાઓની આગ હજુ બુઝાઈ નહોતી ત્યાં વળી આ શીખોનો મામલો ક્યાંથી પોસાય? સરદાર પટેલે આખું શીખ આંદોલન ઠંડું પાડવા માટે એક જબરદસ્ત માસ્ટર-પ્લાન રચ્યો! જે વાંચીને તમે અને તમારા હાથમાંનું આ છાપું હલી જશે!

ઇન્ટરવલ:

જી હમેં મંઝૂર હૈ, આપકા યે ફૈંસલા

કહ રહી હૈ હરનઝર, બંદા પરવર શુક્રિયા! (રાજા મહેંદીઅલી ખાં)

તારાસિંઘને લઇને પંજાબથી નીકળેલી ટ્રેન દિલ્હી પહોંચતા પહેલા બાદલી સ્ટેશને રોકાણી. ત્યારે ત્યાં આખા પ્લેટફોર્મ પર બધે પોલીસો જ પોલીસો ફેલાયેલાં હતાં. શીખ નેતા તારાસિંઘ એમના સેક્રટેરી સાથે સેકંડ ક્લાસનાં ડબ્બામાં આરામથી સૂતા હતાં પણ એમને ખબર નહોતી કે એ જ સમયે છેક પ્લેટફોર્મની ઉપર સડસડાટ કરતી એક કાળી મોટરકાર દોડી રહી છે, લોકો આ જોઇને ચોંકી ગયાં અને કાર તારાસિંઘના ડબ્બાનાં દરવાજા સામે લગોલગ જઇને ઊભી રહી. એમાંથી બે શીખ પોલીસ ઓફિસરો નીકળ્યાં જેમની પાસે તારાસિંઘની ધરપકડનું વોરંટ હતું.

જોકે તારાસિંઘ પાસે ટિકિટ તો હતી એટલે એમની અકારણ ધરપકડ કરવી ગેરકાનૂની ગણાય પણ ખાસ પરિસ્થિતિમાં કોઇની ધરપકડ કરવા માટે રેલવે ગાર્ડની અનુમતિ લઇ શકાય.- અને એ રીતે માસ્તર તારાસિંઘને ટ્રેનની અંદર જ અચાનક એરેસ્ટ કરવામાં આવ્યા અને તરત જ પેલી કાળી મોટરકારમાં બેસાડીને પોલીસ ઓફિસરો કોઇક અજ્ઞાત સ્થળે ઉપાડી ગયાં.

ત્યારે સાંજે ૪ વાગેલા અને આ બધામાં ગાડી લેઇટ થઇ ગઇ. હવે પ્રોબ્લેમ એ હતો કે જો ત્યાં પુરાની દિલ્હી સ્ટેશને આ ધરપકડની વાત પહોંચી જાય તો શીખોનો બળવો થઇ જાય અને વાત મારકાટ પર પહોંચે. સરદાર પટેલને આ વાતની બરોબર જાણ હતી. સરદાર, ભીડ કે ટોળાની માનસિકતાને બહુ સારી રીતે સમજતા હતા,"અમે શું કરીએ? એ તો જનતાનો આક્રોશ હતો...ભીડનો ગુસ્સો હતો! -એવી દલીલ કરીને દંગા ફેલાવવામાં સરદાર નહોતા માનતા. તો સરદાર પટેલે દિલ્હી જંકશન પર વાત ફેલાવી કે ટ્રેન લેઇટ છે ગમે ત્યારે આવી પહોંચશે. શીખ આંદોલનકારીઓનાં ટોળાં ત્યાં ટ્રેનની રાહ જોતાં રહ્યાં પણ ત્યાં એ ટ્રેન ક્યારેય પહોંચી જ નહીં! એ ટ્રેનને સીધી નવી દિલ્હી તરફ વાળી દેવામાં આવી. આ બધામાં બીજા બે-ત્રણ કલાક વીતી ગયાં. શીખોની ભીડને માસ્તર તારાસિંઘની ગિરફ્તારીના સમાચાર મળે એ પહેલાં સૌ વિખરાઇ ગયા અને સરકાર વિરોધી મોરચો ફુસ્સ થઇ ગયો! પણ આ રીતે- જ્યાં મોરચો મંડાય ત્યાં ને ત્યાં, ત્યારે ને ત્યારે સરકાર વિરોધી ચળવળને ફુસ્સ કરવા માટે ફોર્સ જોઇએ. ફેંસલાનો ફોર્સ, નૈતિકતાનું નિર્ણયાત્મક બળ, પ્રજાને ચૂપ કરવાનો પાવર-સરદાર આવું કરી શકતાં કારણ કે તેઓ ભાષણનાં નહીં અનુશાસનના નેતા હતા.

પણ હવે આ દેશમાં જલદી નિર્ણય ના લેવાની વાતને પણ ગુણ કહેવાય છે. આજે કાલે કે પરમ દિવસે કે આવતા વરસે કે પછીના વરસે કામ થાય કે ના થાય તો પણ આપણું લોહી જરાયે ઊકળતું નથી. એનું કારણ છે કે આપણે પુનર્જન્મમાં માનીએ છીએ. જે કામ આ જન્મે ના થયું, તે હવે આવતા જન્મે થશે, એમાં શું?-એવી નમણી નિરાંત આપણી પાસે અવેલેબલ છે.

એક જમાનામાં ત્યારના વડા પ્રધાન પી. વી. નરસિંહારાવ કહેતા કે ફૈંસલા ના લેના ભી ફૈંસલા હૈ! કોઈ જ નિર્ણય ન લઇને ખોટા ના પડવાની નિરાંત છે. છેક ૧૯૬૫માં નેહેરુનાં બહેન વિજયાલક્ષ્મી પંડિતે, લાલ બહાદુર શાસ્ત્રી માટે કહેલું કે એમની સરકાર ‘પ્રિઝનર

ઓફ ઈન્ડિસીઝન’ એટલે કે અનિર્ણયની કૈદી છે! મનમોહન સિંહ સરકાર માટે પણ એવું જ કહેવાતું. સરહદ પરની અશાંતિ કરતાં દેશની અંદરની અશાંતિ સામે લડવામાં સરકારના નિર્ણયોની પરીક્ષા થાય છે.

અહિંયા સૌને નિરાંત છે. શિક્ષકો એક જ પાઠને આખું અઠવાડિયું નિરાંતે ભણાવી શકે છે. ડૉકટરો, ટેસ્ટ પર ટેસ્ટ કરાવીને પેશન્ટને જીવતાંજીવત મારી શકે છે. એન્જિનિયરો ખાડાવાળાં રસ્તા બનાવીને ખાડા પૂરવામાં આળસ કરે છે. બૅંકવાળાઓ લાંબી લાઇનો વચ્ચે પણ પત્ની સાથે ‘કઢી સાથે મિષ્ટાન રાખવું કે નહીં?’-એવી ચર્ચાઓ કરી શકે છે. સૌને નિરાંત છે. સરકારી ઓફિસરો એક ટેબલથી બીજા ટેબલ પર ફાઇલ લેવામાં એટલી વાર લગાડે છે જેટલી વાંદરામાંથી માણસ બનવામાં આપણને લાગેલી..તો એવામાં મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાની શું ઉતાવળ છે, આખરે તો પ્રજાને લૂંટવાની જ છેને ? એક વીક આમ કે તેમ?

એંડ ટાઇટલ્સ:

આદમ: શું વિચાર્યું?

ઇવ:એ જ કે કૈંક વિચારવું તો પડશે જ!

-----------------

સરદાર પટેલ અકાલી મોરચાના આગેવાન તારાસિંઘ (જમણે)ની ચાલ નાકામ કરવા માગતા હતા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

nF282u32
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com