28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સંબંધોમાં પડેલી તિરાડ પ્રેમથી ભરી દેશો તો જીવન જીવવાની મજા આવશે

નેહા.એસ.મહેતાકેમ છો મારા વાચકમિત્રો? નૂતન વર્ષાભિનંદન.

આજે ફોર અ ચેઈન્જ, વાચકમિત્રોના મનની મૂંઝવણ વિશે વાત કરવાને બદલે આ કોલમના નવા વર્ષના આ પ્રથમ પીસમાં આજે મારે ખુલ્લા દિલથી થોડી વાત કરવી છે.

તો મિત્રો કેવો રહ્યો દીપોત્સવ? કેટલા મઠિયા ખાધા? કેટલા ફટાકડા ફોડ્યા? કેટલું ગળ્યું ખાધું? કેટલા નવા કપડા પહેર્યાં, કેટલી જગ્યાઓ ફર્યા, કેટલા દિલ જોડ્યા અને કેટલા દિલ તોડ્યા? અરે, આ શું પૂછ્યું એમ ને? મેં આવું પૂછ્યું કારણ કે મિત્રો આપણે સાવ ખોટાય નથી બનવું કે કોઇ આપણને પૂછે કે કેમ છો? ને આપણે તરત બોલીએ કે બસ મઝામાં!

આપણને લાગે કે રખે ને હું દુ:ખી લાગું કે મારું દુ:ખ કે તકલીફ છતી થાય! એટલે આપણે ખુશ ન હોઈએ તો પણ લાફો મારીને ગાલ ગુલાબી રાખીએ. બધું સારું છે, મઝામાં છીએ, એમ રાખીને જાતને જ મૂર્ખ બનાવીએ છીએ. મારા કરતા વધારે તમને ખબર છે કે તહેવારોમાં કેવા કેવા ફટાકડા ફૂટતા’ હોય છે.

હું એમ જરાય નથી કહેતી કે તમે સારા ન થાઓ. પ્રેમથી રહેવું એ જ સારું છે. બધા હસીખુશીથી સાથે રહે, ખાય-પીએ, વાતો કરે, બધાનું સારું થાય તેવો જ ઈરાદો હોય, પણ જો તેવામાં કોઇ કાંઇક ન ગમતી વાત કરે કે ગરમ થાય તો બીજા બધા તે બિચારી વ્યક્તિ પર ચડી બેસે ને કહે કે ‘આ તો ખરાબ માણસ છે, પ્રસંગ બગાડ્યો’ ને એવું ઘણું બોલે, એવું કેમ? કેમ સારું જ દેખાવાનું? ગમે તેવું જૂઠ બીજાને ગમે તે રીતે બોલો તો ચાલે અને સત્ય હોય પણ સહેજ ન ગમે તેવું બોલો તો કહે કે જોતો ખરો આ કેવો માણસ છે, કડવું બોલીને પ્રસંગ બગાડ્યો.

પણ હું આ બાબતે આપણી ટિપિકલ સામાજિક વિચારધારાથી અલગ વિચારું છું. હું વિચારું છું કે જેમ કોઇ પણ વ્યક્તિ ડિવોર્સ લેવા લગ્ન કરતી નથી, સામેના પાત્રને કે બંને પાત્રોને ન ફાવે તો ડિવોર્સ થઈ જાય છે. તેમ જ કોઇ પણ પ્રેમાળ વ્યક્તિ જાણીજોઇને ગુસ્સે થતી નથી ને પ્રસંગ બગાડતી નથી. કાંઇક ખોટું ચોક્કસ થયું હોય છે જેથી કોઈ સેન્સિટિવ વ્યક્તિ ગુસ્સે થઇ જાય છે ને એનાથી કડવું સત્ય બોલાઈ જાય છે અને બિચારો ગુસ્સે થનાર બધાની સામે બદનામ થઇ જાય છે. -

જ્યારે બીજા લોકો જે પોતાને સુજ્ઞ ગણે છે, જેઓ પોતાની જાતને સારા ગણતા હોય છે તેઓ આ માણસ નામક ફૂટતા ફટાફકડાની કાં નિન્દા કરે . અરે મહાનુભાવો જો ખરેખર તમે સારા છો ને તમારો તમારી વાણી ને વર્તન પર સંયમ છે તો તમે પેલા બિચારા ગુસ્સાથી પીડિત દુખી વ્યક્તિને ખરાબ કહીને વધારે દુખી કરી , વ્યક્તિ છે એના કરતા વધારે ખરાબ ચીતરીને શું ફાયદો?

તમે સારા છોને તો તમે સારપ દેખાડો, તમે સાચા ને સારા હો તો તમે એ વ્યક્તિને પૂછો, સમજાવો કે વહાલા (કે વહાલી) તારી જાતને આટલી પીડા કેમ આપે છે? અને પોતાની ભૂલ હોય તો સુધારો તમે પણ કરો. સંબંધો ને ભાવનાના દરિયામાં માત્ર સારું બોલવું ને ચૂપ રહી છટકી જવું તેવું ન કરો. કારણ હું માનું છું કે માણસ માટે પ્રસંગ છે પ્રસંગ માટે માણસ નહીં. પણ આજકાલ તો સંબંધોમા બહુ લોચા થઇ ગયા છે. કામ ના હોય તો લોહીના સંબંધોને પારકાથી પણ વધુ પારકા કરી દેવામા આવે એવી હાલત છે. એક સમય હતો જ્યારે લોકો કહેતા કે જેવો છે એવો મારો પરિવાર છે. હવે તેવું માત્ર વિજ્ઞાપનમા બોલાય છે.

હું એવા પરિવારોની કે એવા લોકોની વાત નથી કરતી જેમના પરિવારમા સંપ, સચ્ચાઈ અને માનવતાને આજે પણ પ્રાધાન્ય અપાય છે. તેમણે ચિંતા ન કરવી. પણ હું એવા પરિવારોની વાત

કરું છું જેઓ નાદાન છે ને થોડા દૂર રહેવાથી તેઓ સંબધ પણ તોડી નાખે છે કાં પછી સંબધ તોડવા માટે દૂરદૂરના બહાનાં કાઢે. અને મેં આ વખતે દિવાળીમાં અમુક ઘરોમાં જોયું. ને મને લાગ્યું કે વાણી-વર્તન-વ્યવહાર બધામાં તોલમોલ ચાલી રહ્યું છે. બધા પોતાના દાવની રાહ જોવે છે. આવી સ્થિતિમાં માતાપિતાની-વડીલોની શું હાલત થતી હશે તે વિચાર્યું છે? હું માનું છું કે જો સંબંધ હોય તો સાચો જ હોય . જે માણસો લોહીના સંબંધ પર શંકા કરતા હોય કે સમાજ ને લોકોના કારણે લોહીના સંબંધનું અપમાન કરતા હોય ત્યારે મને એ બધા માણસો ૫૦૦૦ ની ફૂટતી લૂમો જેવા લાગે. સળગાવો પછી થોડીવારમાં અવાજથી કાન સુન્ન થઇ જાય તોય બધા જોયા કરે ને પતે પછી પોતે કરેલ કચરાનો આનંદ પણ ઉઠાવે.

ઘણા પરિવારોના સંબંધો પણ એવા થતા જાય છે. સંબંધ લાભદાયક હોય ને કામ આવે તો મારો ને સારો, બાકી બીજાનો ને ખારો! મિત્રો આવું કરવાથી જીવનનો સ્વાદ, સંવાદ અને સંબધ માત્ર પેલા ઇન્સ્ટન્ટ પેકેટ ફૂડ જેવો થઇ જશે. બેસ્વાદ અને સત્ત્વ વગરના .

મારા વ્હાલા મિત્રો ભલે હું ઉમ્મરમાં તમારાથી નાની છું પણ બહુ નાની ઉમરથી ઘરની બહાર રહી છું માટે જ કહું છું કે ગમ્મે તેવો હોય, પરિવાર એ પરિવાર છે. જો તમે તમારા પરિવારને જેવો છે તેવો અને પરિવારજન જેવા છે તેવા દિલથી સ્વીકારશો તો તમને પણ તમારા માતાપિતા રાજારાણી ને ભાઇભાન્ડુ ફિલ્મ સ્ટાર જેવા જ લાગશે. અને આપણે જે માન-સન્માન આપણા પરિજનોને આપીશું તેટલું જ માન સમાજ તથા મિત્ર વર્તુળ આપણને આપશે.

મારો કહેવાનો ભાવ એ છે કે આપણે જેમ દિવાળીમાં ફટાકડા ફોડીએ છીએ ને બીજા દિવસે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આંગણામાં ફોડેલા ફટાકડાનો કચરો વાળીને ભરીએ છીએ તેમ જ નવા વર્ષની શરૂઆતમાં જ મનમાં ભરાયેલા - કડવાશરૂપી - કચરાનો નિકાલ કરજો. ભલે ઘરમાં ફટાકડા ફૂટે, દારૂગોળા છૂટે, ભલે થોડા લડાઈ-ઝઘડા થાય, પણ પછી વાળી ભરજો. જતું કરજો. સંબંધોમાં પડેલી તિરાડ પ્રેમથી ભરી દેજો. તો દિવાળીનું કે કોઈ પર્વ જ નહીં, જીવન પણ સાર્થક થશે. કોઇનો બુઝાતો દીવો હોય તો તેમાં તેલ ભરી પ્રગટાવી દેજો. આવું કરશો તો જીવન જીવવાની મજા આવશે.

ફરી મળીએ આવતા રવિવારે વાચકમિત્રોના મનની મૂંઝવણ અને એના ઉકેલની કોશિશ સાથે.

-----------------

તમારા સવાલો મોકલાવો મુંબઈ સમાચારના એડ્રેસ પર પત્ર દ્વારા અથવા આ ઈમેઈલ આઈડી પર: neha.mehta@bombaysamachar.comઆપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Ehma847
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com