28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વપરાશકારોએ સોશિયલ મીડિયાને નફરત ફેલાવવાનું સાધન બનાવી દીધું છે

તહોમતનામું-એષા દાદાવાળા



૧૪૦૦ જેટલા ભારતીયોનું વોટ્સએપ હેક કરાયું. ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા કરાયેલા આ હેકિંગનો સત્તાવાર આંકડો હજી બહાર પડ્યો નથી. વોટ્સએપનો ઉપયોગ કરનાર ઘણાં લોકો આ સમાચાર વાંચીને ફફડી ગયા છે ત્યારે આજનું તહોમતનામું મારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર સૌ કોઇ પર માંડવું છે. આપણે બધા વોટ્સએપિયા જિંદગી જીવીએ છીએ. ફોરવર્ડ રહેવામાં અને ફોરવર્ડ કરવામાં આપણને સૌને ખૂબ રસ પડે છે. ફેસબુકનો ઉપયોગ એકબીજાને ઉતારી પાડવા માટે કરાઇ રહ્યો છે. સોશિયલ મીડિયાનાં લખાણો નધણિયાતા બાળક જેવા થઇ ગયા છે. ત્યારે આજનું તહોમતનામું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર સૌ કોઇ સામે.

તહોમત નં. : ૧. મૂળ રચયિતાનું નામ જાણ્યે-અજાણે ઉડાડી પોસ્ટ વાયરલ કરવામાં આવે છે અને આવું કરી જે-તે સર્જકને અન્યાય કરાય છે.

શેક્સપિયરે એવું કહ્યું હતું કે-નામમાં શું રાખ્યું છે? પણ એમનું આ વાક્ય સોશિયલ મીડિયા માટે લાગુ પડતું નથી. કોઇની પોસ્ટ કોઇનાં નામે ફરતી કરવી એ ઇન્ટલેક્ટ ક્રાઇમ છે. વોટ્સએપ પર મોરારિબાપુનાં નામે ઘણી કવિતાઓ ફરે છે. કોઇ સામાન્ય લેખકે લખેલી હિન્દી કવિતાઓ ગુલઝારનાં નામે ફોરવર્ડ કરાય છે અને ગુલઝારનું નામ વાંચી એને હજ્જારોની સંખ્યામાં લાઇક્સ પણ મળે છે. સોશિયલ મીડિયા પર ઓરિજિનલ લેખકનું નામ કાઢી-નીચે પોતાનું નામ મૂકી એ પોસ્ટને ફરતી કરનારા ઢગલાબંધ લોકો છે, આવા લોકોને કારણે સોશિયલ મીડિયાની વિશ્ર્વસનિયતા જોખમમાં મુકાઇ ગઇ છે.

તહોમત નં. : ૨. ફેસબુકનો ઉપયોગ કરનારા મોટાભાગનાં લોકો ફેસબુકનાં ધારા-ધોરણ વિશે જાણતા નથી.

ફેસબુકનો ઉપયોગ કરનારા મોટાભાગનાં લોકોને ફેસબુક દ્વારા અપાતા હકો અને ફરજો વિશે જાણ હોતી નથી. આવા લોકો મનમાં આવે એમ ઠોકમઠોક કર્યા કરતા હોય છે. ફેસબુક ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ આપે છે. જો તમારા નામ

વિના તમારી પોસ્ટ ફરતી થઇ હોય તો તમે ફેસબુકને રિપોર્ટ કરી શકો છો-તમારી ફરિયાદમાં વજૂદ હોય તો ફેસબુક જાતે તમારા નામ વિના ફરતી થયેલી એ પોસ્ટને ડિલિટ કરી દે છે. ૨૦૧૮ના જાન્યુઆરી મહિનામાં ફેસબુકે કોપીરાઇટનાં મામલે ૩ લાખ ૧૨ હજાર પોસ્ટ અને ક્ધટેન્ટનાં મામલે ૭ લાખ ૩ હજાર પોસ્ટ ડિલિટ કરી હતી. મોટાભાગનાં લોકો ફેસબુકનાં કમ્યુનિટી સ્ટાન્ડર્ડને પાળવાની તસ્દી લેતા જ નથી.

તહોમત નં. : ૩. સોશિયલ મીડિયાને તમે નફરત ફેલાવવાનું સાધન બનાવી દીધું છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાતા લખાણો કે ફોટોગ્રાફ્સ માટેનાં ધારાધોરણોને કોઇ પાળતું નથી. ફેસબુક અને સોશિયલ મીડિયાને તમે નફરત ફેલાવવાનું સાધન બનાવી દીધું છે. રેતી ખનનની જેમ કોઇનાં ચારિત્ર્યનું હનન એ ભરીસભામાં દુર્યોધને આચરેલા પાપ જેવું છે. આ પાપ આપણે વારે-તહેવારે સોશિયલ મીડિયા પર કરતા રહીએ છીએ.

હમણાં થોડા સમય પહેલાં જ ફેસબુક દ્વારા ૨૫ પાનાંનું હેટ સ્પીચ એટલે કે અપશબ્દો અને અન્ય બાબતોનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે દરેકને પોતાની વિચાર-સરણી રજૂ કરવાનો-એને વાયરલ કરવાનો અધિકાર છે પણ કોઇપણ વ્યક્તિને ટારગેટ કરી, એનાં વિશે અપશબ્દો લખી કે એનાં ચારિત્ર્ય અંગે ટિપ્પણીઓ કરી કોઇપણ પોસ્ટ ન જ મૂકવી જોઇએ. આવી પોસ્ટ અંગે જો રિપોર્ટ કરવામાં આવે તો ફેસબુક સત્યતા ચકાસી પગલાં પણ લઇ શકે છે.

તહોમત નં : ૪ સોશિયલ મીડિયા પર તમારી સલામતી તમારા જ હાથમાં છે, પણ તમે એ સલામતી જળવાયેલી રહે એ માટે કોઇ પગલાં લેતા નથી અને પછી બૂમાબૂમ કરો છો

ફેસબુકની દીવાલો પર તમે રીતસરનાં ધસી જાવ છો. ભાન ભૂલીને રિક્વેસ્ટો સ્વીકારી લો છો. અનફ્રેન્ડ કરવાની, ફ્રેન્ડ સિવાયનાં લોકોને કોમેન્ટ નહીં કરવા દેવાની-આવી વાડ ઊભી કરવાની સવલત ફેસબુક આપે છે. શિસ્તમાં ન રહેતા લોકોને સીધાદોર કરવાને બદલે સૌથી પહેલા તમારે તમારી વાડ ઊંચી કરી લેવી જોઇએ-પણ એવું તમે કરતા નથી. આવું કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે એ તમારી સ્વતંત્રતા પર મુકાતો કાપ નથી પણ બીજાની સ્વચ્છંદતાને અટકાવવાનાં પ્રયત્નો છે.

સ્ત્રીઓએ ફેસબુકની આ વાડને ઊંચી કરેલી રાખવી જોઇએ કારણ કે-એમની લખેલી પોસ્ટ કોઇને ન ગમે અને ચર્ચામાં પોસ્ટ સામેનાં મુદ્દા ખૂટી પડે ત્યારે લોકો ચારિત્ર્યહનન પર આવી જતા હોય છે.

સોશિયલ મીડિયા પર આપણે શિસ્તને પાળતા નથી. વોટ્સએપ અને ફેસબુક પાશ્ર્ચાત્ય દેશોમાંથી આવ્યા છે. જ્યાં સૌથી વધારે શિસ્ત પળાતી હોય છે.

પાશ્ર્ચાત્ય દેશો બીજાની સ્પેસ, રૂઢિગત નીતિ-નિયમોનું સખ્તાઇથી પાલન કરવા માટે જાણીતા છે.

સોશિયલ મીડિયાની તમારી વોલ પર સ્વતંત્રતા અને ડિગ્નીટી જાળવવાનું કામ તમારું પોતાનું જ છે. બીજાનાં ઘરનાં આંગણામાં જઇને થૂંકી આવવાની ટેવ દરેકને છે. ફેસબુક એ બદલો લેવાનું, ઘસાતું લખવાનું, કોઇનું ક્ધટેન્ટ કોઇનાં નામે ચડાવી દેવાનું, ફોટોગ્રાફ્સ જાહેર કરી દેવાનું કે ચારિત્ર્યનાં રિપોર્ટ કાર્ડ પ્રોડ્યુસ કરવાનું માધ્યમ હરગિઝ નથી.

રામાયણનાં સમયે સીતા માટે લક્ષ્મણ-રેખા લક્ષ્મણે દોરી હતી. જે એનું રક્ષણ કરતી હતી. જે રાવણોને દૂર રાખતી હતી. જે સીતાનાં અસ્તિત્વનું સંરક્ષણ કરતી હતી. સોશિયલ મીડિયામાં રાવણોને દૂર રાખવા માટે હવે સીતા લક્ષ્મણની રાહ જોઇને બેસી શકે એમ નથી. પોતાની લક્ષ્મણ રેખા એણે પોતાની જાતે જ બનાવવાની છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

h32YA3h
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com