28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દરિયો ડૂબાડશે?

રાજીવ પંડિતગ્લોબલ વોર્મિંગની ચર્ચા લાંબા સમયથી ચાલ્યા કરે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયા પર ખતરનાક અસરો થશે તેવી ચેતવણીઓ વચ્ચે એક નવો અભ્યાસ બહાર આવ્યો છે. આ અભ્યાસ પ્રમાણે દરિયાના પાણીનું સ્તર દિવસે દિવસે ઉપર જઈ રહ્યું છે અને ૨૦૫૦ સુધીમાં તો વિશ્ર્વમાં કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોનો બહુ મોટો વિસ્તાર મુસીબતનો સામનો કરશે. આ અભ્યાસ વૈશ્ર્વિક સ્તરે થયેલો છે અને તેમાં દરિયાકાંઠે વસેલાં ઘણાં શહેરો અંગે આગાહી કરવામાં આવી છે. આપણા માટે એ બધી બાબતો બહુ મહત્ત્વની નથી. આપણા માટે મહત્વની બાબત ભારતના દરિયાકાંઠે થનારી અસરો છે.

આ અભ્યાસ પ્રમાણે દરિયાના પણીનું સ્તર ઉપર જઈ રહ્યું છે તેના કારણે વિશ્ર્વમાં ત્રીસ કરોડ લોકો પર ખતરો છે. માત્ર ભારતમાં જ આશરે સાડાત્રણ કરોડ લોકોને અસર થઈ શકે છે. મુંબઈને તો અસર થશે જ કેમ કે મુંબઈ ભારતમાં દરિયાકાંઠે વસેલું સૌથી મોટું શહેર છે. જોકે મુંબઈ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર, કોલકાતા, કોચી, ઓડિશા અને ચેન્નઈના માથે પણ જોખમ છે. ભારતની પાડોશમાં આવેલા ચીન, બંગલાદેશ, થાઈલેન્ડ, વિયેતનામ અને ઇન્ડોનેશિયા સુધ્ધાં સમુદ્રના ખોફનો ભોગ બની શકે છે તેવી ચેતવણી આ અભ્યાસમાં અપાઈ છે.

આ અભ્યાસ પ્રમાણે ૨૦૫૦ સુધીમાં એ હાલત થઈ જશે કે અરબી સમુદ્રમાં પાણી દર વર્ષે ઓછામાં ઓછું એક વાર મુંબઈ પર ફરી વળશે ને તેને તબાહ કરી નાંખશે. અત્યારે આપણે દેશના ઘણા વિસ્તારોમાં નદીઓમાં પૂર આવતાં જોઈએ છે. તેના કારણે આ શહેરો તબાહ થઈ જાય છે. સંખ્યાબંધ લોકોના જીવ જાય છે ને માલમત્તાનું નુકસાન કેટલું થાય છે તેનો તો અંદાજ જ નથી હોતો. હવે પછી દરિયાકાંઠાના વિસ્તારો પણ આ દરિયાઈ પૂરનો અને તબાહીનો ભોગ બનશે તેવી આગાહી આ અભ્યાસમાં અપાઈ છે. વધારે ખતરનાક બાબત એ છે કે, ૨૧૦૦ સુધીમાં એ સ્થિતિ હશે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૦ કરોડ લોકો રહે છે તેવા વિસ્તારો કરતાં દરિયાના પાણીનું સ્તર ઊંચું હશે. તેના કારણે સામાન્ય મોજાં આવશે તો પણ પાણી તેમનાં ઘરોમાં ફરી વળશે ને ઊંચાં મોજાં આવશે તો બધું સાફ થઈ જશે.

મુંબઈના સંદર્ભમાં આ અભ્યાસ સૌથી મહત્ત્વનો છે કેમ કે મુંબઈ તો દરિયાકાંઠે વસેલું સૌથી મોટું શહેર છે. દરિયાના પાણીના વધતા સ્તરના કારણે દરિયાકાંઠાનો સમગ્ર વિસ્તાર તો મુસીબતનો સામનો કરશે જ ને આ વિસ્તારો તો જળતરબોળ થશે જ પણ આ ઉપરાંત પરાનો ઘણો વિસ્તાર પાણીથી જળતરબોળ થવાની સંભાવના છે. મુંબઈ ચોતરફથી દરિયાથી ઘેરાયેલું છે તેથી તેના પર દરિયાના પાણીના વધતા સ્તરનો ખતરો સૌથી વધારે છે. આ વિષયના કેટલાક નિષ્ણાતોના મતે તો ખતરો એટલો વધારે છે કે, આખું મુંબઈ દરિયાનાં ઊંચાં મોજાંની થપાટોથી સાફ થઈ જાય એવું બને. ભૂતકાળમાં સુનામીના કારણે દક્ષિણ ભારતમાં ભારે તબાહી વેરાયેલી. તેના કરતાં પણ વધારે તબાહી સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

આ સમસ્યાના કારણોમાં મુખ્યત્વે ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન એમીઝન્સને જવાબદાર માનવામાં આવે છે. આ ઉપરાંત પીગળતા ગ્લેશિયર્સ પણ મોટાપાયે જવાબદાર ગણાય છે. આ સમસ્યા છેલ્લાં કેટલાંય વરસોથી છે પણ ૧૯૯૩થી આ સમસ્યા વધુ વકરી હોવાનું અભ્યાસુઓ કહે છે. આ બધાં સામાન્ય કારણો છે અને સમગ્ર વિશ્ર્વને લાગુ પડે છે. ગ્લોબલ વોર્મિંગ માત્ર ભારતની સમસ્યા નથી પણ સમગ્ર વિશ્ર્વની સમસ્યા છે. હવામાં કાર્બનનું વધતું પ્રમાણ પણ સમગ્ર વિશ્વની સમસ્યા છે ને તેના કારણે પેદા થતી સમસ્યાઓ પણ સામાન્ય છે. તેના કારણે ગરમી વધે છે અને તાપમાન વધે છે તેથી હિમાલય જેવા મોટા પર્વતોમાં રહેલાં હિમખંડો ઝડપથી ઓગળે છે. પરિણામે નદીઓમાં પાણી વધે છે ને સરવાળે એ પાણી દરિયામાં ઠલવાય છે તેથી દરિયાના પાણીનું સ્તર પણ વધે છે. આ બહુ સામાન્ય કારણો છે પણ ભારતના સંદર્ભમાં આ સિવાય બીજાં કારણો પણ છે. આ સમસ્યાને સમજવા માટે એ કારણો સમજવાં જરૂરી છે. આ કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ દરિયાકાંઠાના વિસ્તારોમાં જમીનનું સંતુલન ખોરવાઈ ગયું છે એ અપાયું હતું. સાથે સાથે તેને રોકવા માટે શું કરવું તેના પગલાં પણ સૂચવાયેલાં. અત્યારે જે નવો અભ્યાસ બહાર આવ્યો છે તે પછી આ પગલાંને ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે.

આપણે ત્યાં પર્યાવરણનું સંતુલન ખોરવાઈ રહ્યું છે તેવી ચેતવણી લાંબા સમયથી અપાય છે. તેના કારણે દરિયાના પાણીના સ્તરમાં વધારો થશે અને દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જશે તેવી ચેતવણીઓ પણ અપાયા કરે છે. આ સિવાય બીજી ચેતવણીઓ પણ અપાય છે. આ બધી ચેતવણીઓના કારણે કેન્દ્ર સરકારે દેશમાં પર્યાવરણનું સંતુલન ખોરવાય તો શું થાય તેનો અભ્યાસ કરવા ને એ રોકવા શું કરવું તેનાં પગલાં સૂચવવા માટે જાણીતા પર્યાવરણ નિષ્ણાત માધવ ગાડગિલના નેતૃત્વમાં સમિતિ બનાવેલી. આંધ્ર પ્રદેશ, તમિળનાડુ સહિતનાં રાજ્યોમાં છાસવારે પૂર આવતાં ને તબાહી થતી તેના કારણે મનમોહનસિંહ સરકારના પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે આ સમિતિ રચેલી.

આ સમિતિએ ખાસ કરીને સમુદ્રકિનારાના વિસ્તારોમાં જમીનનું સંતુલન ના ખોરવાય તે માટે શું કરવું તે માટેનાં પગલાં સૂચવવાનાં હતાં. આ સમિતિએ ૨૦૧૧માં રિપોર્ટ આપ્યો તેમાં સાફ શબ્દોમાં કહેલું કે, આપણે સાવ બેજવાબદાર બનીને વર્તીએ છીએ ને પર્યાવરણનું ધ્યાન નથી રાખતા તેમાં છાસવારે પૂર આવે છે ને મોકાણ મંડાય છે. આ રિપોર્ટમાં ક્વોરીઓ, ખાણોમાં ખોદકામ, જંગલોનો નાશ કરીને તાણી બંધાયેલાં બાંધકામોને કારણે જમીનો

ધસી પડે છે ને પાણીને બાંધી શકતું નથી તેથી તબાહી વેરાય છે એવું સ્પષ્ટ કારણ અપાયેલું.

કેરળ, આંધ્ર પ્રદેશ સહિતના દક્ષિણ ભારતના વિસ્તારમાં ક્વોરીઓ જમીનનું સંતુલન બગાડવામાં મુખ્ય કારણભૂત છે. આ રાજ્યોમાં ઠેર ઠેર ક્વોરીઓ બનાવી દેવાઈ છે ને ખોદકામ ચાલ્યા જ કરે છે તેમાં જમીનનું સંતુલન ખોરવાઈ ગયું છે. ભારત સરકારે આપેલા આંકડા પ્રમાણે જ દક્ષિણનાં રાજ્યોમાં અત્યારે સત્તાવાર રીતે જ પચ્ચીસ હજારની આસપાસ ક્વોરીઓ છે. બિનસત્તાવાર રીતે ચાલતી ક્વોરીઓ તો અલગ. એ સિવાય ખાણોમાંથી માલ ઉસેટાયા કરે છે ને ટુરિઝમમાંથી થતી આવકની મલાઈ ખાવા પહાડી વિસ્તારોમાં હાઈરાઈઝ બિલ્ડિંગો તાણી બંધાયાં તેની પણ મોકાણ છે. એ સિવાય જેની પાસે માલ છે ને વગ છે એ લોકો જંગલો પોતાના બાપનો માલ હોય એમ પચાવીને બેસી ગયા છે. આ દૂષણ આખા દેશમાં છે તેથી આ વાત આખા દેશને લાગુ પડે છે. મુંબઈમાં જંગલોનું પ્રમાણ ઓછું છે પણ આડેધડ બિલ્ડિંગો તાણી બંધાયાં છે એ કારણ છે જ. આ ઊચાં બિલ્ડિંગોને આપણે વિકાસનાં પ્રતીક માનીએ છીએ પણ એ જ વિકાસ આખા મુંબઈને ડુબાડી દેશે.

આ રિપોર્ટ અપાયેલો ત્યાં લગી જ જમીનોની પત્તર તો ખંડાઈ ગયેલી પણ એ છતાં જાગ્યા ત્યાંથી સવાર એમ સમજીને એ વખતે જ અમલ શરૂ કરાયો હોત તો પણ સારું હતું. ભવિષ્યમાં આ પ્રકારની હોનારતો રોકી શકાય પણ આપણા શાસકો ઘોરતા રહ્યા ને કશું ના કર્યું તેમાં આ હાલત થઈ ગઈ. આપણા શાસકો બિલ્ડરો, ખાણ માફિયાઓ, મોટી કંપનીઓ પાસેથી રોકડી કરીને તેમને બેફામ બાંધકામો કરવા દે છે તેમાં હાલત બગડતી જ જાય છે.

આપણે હજુ નહીં ચેતીએ તો હાલત હજુ બગડશે. તાજો અભ્યાસ આવ્યો છે તેમાં સ્પષ્ટ ચેતવણી છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પહેલાં કરતાં ત્રણ ગણાં વધારે લોકોના જીવ પર ખતરો છે. આ સંજોગોમાં આ રિપોર્ટને ધ્યાનમાં લેવાની જરૂર છે. આ રિપોર્ટ બહાર આવ્યો એ ગાળામાં કેરળમાં ભારે હોનારત થયેલી ને દરિયાકાંઠાના વિસ્તારો તબાહ થઈ ગયેલા. મજાની વાત એ છે કે, મનમોહનસિંહ સરકારે રચેલી આ સમિતિના વડા માધવ ગાડગિલે એ વખતે જ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, કેરળ પછી હવે મહારાષ્ટ્ર ને ગોવાનો વારો છે કેમ કે ત્યાં પણ આ જ બધા ગોરખધંધા થઈ રહ્યા છે. તેમણે એવી ચેતવણી પણ આપેલી કે, ગુજરાત સહિતના સમુદ્રકિનારે આવેલાં બીજાં રાજ્યોનો પણ વારો ગમે ત્યારે આવશે જ. જો આપણા શાસકો નહીં ચેતે તો કેરળમાં જે થયું એ બધે થશે. વિકાસના નામે આપણે ત્યાં જમીનના સ્તર સાથે જે રમત થઈ રહી છે તેનાં ખરાબ પરિણામ અત્યારે કેરળ ભોગવી રહ્યું છે ને કાલે આપણે બધાં પણ ભોગવીશું.

મુંબઈ જેવાં શહેરમાં વોટર મેનેજમેન્ટ કાયમી સમસ્યા છે ને તેના વિશે વાત કરવાનો અર્થ નથી. તેનું કારણ એ કે, આ શહેર આડેધડ ફૂલ્યુંફાલ્યું છે. તેના કારણે પાણીના નિકાલ માટેની જમીનો ઘટતી જાય છે ને લોકો વધતાં જાય છે તેથી પાણીનો વપરાશ પણ વધતો જાય છે. આ સંજોગોમાં વોટર મેનેજમેન્ટ કરીને દરિયાના પાણીના સ્તરમાં થતા વધારાને રોકવું શક્ય નથી પણ કમસે કમ જમીનોનું ખોદકામ રોકાય ને તેમાં વિવેકપૂર્ણ રીતે વર્તાય તો પણ ઘણું.

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા બહુ વ્યાપક છે ને તેને અંકુશમાં લેવા માટે એક આખી સદીનું આયોજન કરવું પડે. તેને માટે પેટ્રોલિયમથી ચાલતાં વાહનો પર નિયંત્રણથી માંડીને ફેક્ટરીઓ બંધ કરવા સુધીનાં ઘણાં પગલાં લેવાં પડે. આ પગલાં લેવા મોટું આયોજન કરવું પડે ને એ આપણા વશની વાત નથી. આપણી વસતી જ એટલી બધી છે કે, તેની જરૂરિયાતો સંતોષવા આપણને કશું બંધ કરવાનું પરવડે તેમ નથી. તેથી ગ્લોબલ વોર્મિંગને રોકવાની વાત ભૂલી જાઓ પણ કાંઠાના વિસ્તારોમાં નવાં બાંધકામને રોકવાનું શક્ય છે જ.

જાગ્યા ત્યારથી સવાર સમજીને એ કરીએ તો પણ ઘણું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3407o1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com