28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હવે મંગળસૂત્રની કેદમાં લગ્નોને પૂરી શકાશે નહીં

સુનામી-એષા દાદાવાળાએમણે કહ્યું કે આજે પણ અમે મિત્રો છીએ

એમણે કહ્યું કે મા-બાપ તરીકે-મિત્રો તરીકે-ભાગીદાર તરીકે ભવિષ્યમાં અમે સાથે રહીશું. એમણે કહ્યું કે-એકબીજાને મેળવવા બદલ અમે બહુ નસીબદાર છીએ. એમણે એવું પણ કહ્યું કે-પહેલાં એવી ખબર હોત કે ૨૫ વર્ષ પછી છૂટા થવાનાં છીએ તો પણ અમે શરૂઆત તો કરી જ હોત.

જે એમણે ના કહ્યું એ કે-માત્ર મિત્રો હોવાથી એક છત નીચે રહી શકાતું નથી. જે એમણે ના કહ્યું એ કે-જવાબદાર મા-બાપ હોવું, સારા મિત્રો હોવું અને વફાદાર ભાગીદાર હોવું એટલું જ સાથે રહેવા માટે પૂરતું નથી. જે એમણે ના કહ્યું એ કે-કમનસીબ હોય તો પણ ક્યારેક છૂટા પડવું અનિવાર્ય હોય છે અને જે એમણે ના કહ્યું એ કે-દરેક સારી શરૂઆત સારા અંતની ખાતરી આપતી નથી.

આ કહાની છે એમેઝોનનાં જેફ બેઝોસ અને એમની પત્નીનાં છૂટાછેડાની. છૂટાછેડા બાદ જેફ પર આડા સંબંધનો આરોપ લાગ્યો છે-જે બહુ જ સ્વાભાવિક હતું. એક અહેવાલ પ્રમાણે જેફ અને એની પત્ની અલગ થઇ ગયાં એ પછી જેફના સંબંધો શરૂ થયા. જો કે-આ કેટલું સત્ય છે એ કોઇને ખબર નથી.

માત્ર બે સારા માણસ હોવું, સારા પાર્ટનર હોવું, સારા મિત્રો કે સારાં માતા-પિતા હોવું એ એક તંદુરસ્ત સંબંધ માટે પૂરતું નથી હોતું. તો સવાલ એ છે કે લાંબા-ટકાઉ અને મજબૂત સંબંધ માટે શું જરૂરી હોય છે? કદાચ-અદમ્ય આકર્ષણ. એક ન સમજાવી શકાય એવું ખેંચાણ-જે એકમેક સાથે જોડીને રાખે. સાથે રહેવા માટે એક જ કારણ જરૂરી હોય છે કે સાથે રહ્યા વગર રહી શકાતું નથી હોતું.

લગ્ન કરનાર દરેક માણસોને મારો એક સવાલ છે કે-તમારા લગ્નજીવનનો પાયો શું છે? એ અગ્નિ-જે બુઝાઇ ગયો છે? એ ચાર ફેરા? પેલી નાડાછડીની ગાંઠ કે એ ક્યાં મુકાઇ ગઇ છે એ પણ યાદ નથી... પીળું પડી ગયેલું સર્ટિફિકેટ? સમજણ કે આકર્ષણને ટકાવી રાખવાના પ્રયત્નો?

તમે જ્યારે લગ્નનાં બંધનમાં બંધાવાનું નક્કી કરેલું-ત્યારે કોઇ અગ્નિ પ્રગટ્યો ન્હોતો, કોઇ ગાંઠ પણ બંધાઇ ન્હોતી કે કોઇ સર્ટિફિકેટ પણ લખાયું ન્હોતું. એ વખતે કોઇ સાવ જુદી જ બાબત હતી-જે તમને આકર્ષિત કરી ગઇ હતી.

લગ્નને ટકાવી રાખવા એકમેક માટેનું આકર્ષણ ૧૭મા વર્ષે હતું-એ જ આકર્ષણ ૯૨મા વર્ષે પણ રહેવું જોઇએ. તમે પાંચ વર્ષ રોજ આઇ લવ યુ કહ્યું-એટલે છઠ્ઠા વર્ષે બંધ કરી દો એવું થતું નથી-તમારે કહેવું પડે છે અને પ્રમાણિકતાપૂર્વક કહેવું પડે છે. કાગળનું સર્ટિફિકેટ સામેની વ્યક્તિને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનો પરવાનો આપતું નથી. લાગણીની ઉત્કટતા, પ્રેમની તીવ્રતા રોજ દર્શાવતા રહેવું પડે છે.

આપણે પ્રેમને ટકાવવા લગ્ન કરીએ છીએ અને પછી લગ્નને ટકાવવા બાળકને જન્મ આપી દઇએ છીએ. પ્રેમ જે લગ્ન સાચવી નથી શકતો એ જ લગ્ન બાળકને કારણે સચવાઇ જાય એવું આપણે માની લઇએ છીએ.

આપણે લગ્નને સરકારી નોકરીની જેમ ટ્રીટ કરતાં થઇ ગયા છીએ. લગ્ન આપણને એટલી બધી સલામતી આપી દે છે કે આકર્ષણને ટકાવી રાખવું પડે એ પણ આપણે ભૂલી જઇએ છીએ. આપણે ત્યાં મોટાભાગનાં લગ્ન પ્રેમને કારણે નહીં પણ સમાજની ધાક અને બાળકોને કારણે ટકી રહે છે. પત્ની વોટ્સએપનાં લોકેશનમાં પતિને શોધતી રહી જાય છે અને પતિ પત્નીને શોધવા બેડરૂમની બંધ લાઇટનો સહારો લે છે. આ લગ્નનું વરવું સત્ય છે. બે જણ વચ્ચેના નિયમિત સેક્સથી લગ્ન સંપૂર્ણ છે એવું કહી શકાય નહીં અને બે જણ વચ્ચેની અદ્ભુત સમજણથી લગ્ન ટકી જ રહેશે એવું પણ કહી શકાય નહીં.

એકસરખા શોખ હોય એટલે લગ્ન સફળ નીવડે એવું પણ હોતું નથી. રાખીને કવિતાઓ ખૂબ ગમે છે-ગુલઝાર દેશનાં સર્વોચ્ચ કવિ છે અને છતાં બેઉનું લગ્નજીવન લાંબું ન ચાલ્યું. જાવેદ અખ્તર અને હની ઇરાની-એક કવિ અને એક લેખક હોવા છતાં લગ્નજીવન તૂટી ગયું. બે વ્યક્તિનું સરખા હોવું લગ્ન માટે જરૂરી નથી પણ બેઉ જણ સરખા નથી-આ સમજણ બેઉને હોવી બહુ જરૂરી છે.

બિલ્ડિંગ બાંધવામાં આવે છે ત્યારે એ ચાર પાયા પર ઊભું હોય છે. એક-પછી એક માળ બંધાતા જાય અને બિલ્ડિંગ તૈયાર થઇ જાય પછી ધીમે-ધીમે કરીને પેલા પાયાઓ હટાવી લેવાતા નથી. લગ્નમાં એ પાયા હટાવી લેવાની ભૂલ કરાતી હોય છે. સમય સાથે બદલાવ ખૂબ જરૂરી છે પણ બદલાવની સાથે નવા પાયા બનાવતા જવું પણ એટલું જ જરૂરી છે. પાયો બનાવવાની અને એને સાચવવાની જવાબદારી બેઉ વ્યક્તિની છે.

આ વાંચ્યા પછી એક કોરો કાગળ લો. તમારી દ્રષ્ટિએ તમારા સંબંધના કેટલા અને કયા પાયા છે એ લખો. આવો જ એક કોરો કાગળ તમારા પાર્ટનરને આપો અને એને પણ લખવા કહો. જો તમારા અને તમારા પાર્ટનરના કાગળમાં પાયા મળતા આવતા હશે તો તમારા લગ્ન ટકેલાં રહેશે-નહીંતર તમારે નવા પાયા બનાવવાનો સમય આવી ગયો છે એવું નિશ્ર્ચિતપણે માની લેજો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

577111
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com