28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિટલરને ભાંડવાનો હક ગુમાવી રહેલા આપણે...

મોન્ટાજ-અભિમન્યુ મોદીશીર્ષકમાં કરવામાં આવેલો આરોપ સંગીન છે અને ગંભીર છે. સમજી વિચારીને માનવજાતને હિટલર સાથે સરખાવવાનું સાહસ કર્યું છે. પણ આ સાહસ, સાહસ જ છે અને દુ:સાહસ નથી એ નક્કી જાણજો. કારણ કે જન્મજાત સ્વાર્થખોર વૃતિના ડીએનએ લઇને જન્મેલા આપણે સ્વાર્થવૃતિની નવી નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છીએ. સ્વાર્થ કા હદ સે ગુજર જાના, આદમી કા બદતર સે વિકૃત હો જાના. આપણે વિકૃત થઇ રહ્યા છીએ, આપણી જાણ બહાર. પોતાના માટે દુનિયાનું નખ્ખોદ વાળી દેતા અચકાટ ન અનુભવતા માણસોના યુગમાં આપણે પ્રવેશી ગયા છીએ. હિટલરે તેની માન્યતાને કાજે થઇને સાઠ લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા. આપણે ધીમે ધીમે માણસો સહિત પશુ-પંખીઓ અને કુદરતનું ગળું દબાવી રહ્યા છીએ. ધીમું મોત વધુ દર્દનાક હોય. આપણે તો એક સ્ટેપ વધુ ખરાબ થયા છીએ. ભવિષ્યની પેઢી માટે આપણને લગીરે ચિંતા નથી. ભાવિ પેઢી ખુબ મુશ્કેલીમાં જીવે તેનો વ્યવસ્થિત બંદોબસ્ત આપણે કર્યો છે. જો આ બધી વાત ખોટી લાગતી હોત તો હાલમાં સળગી રહેલા અમેઝોન જંગલોના સમાચાર મીડિયામાં ચારેબાજુ છવાયેલા હોત અને આપણો આત્મા કકળી ઉઠ્યો હોત. પણ એવું છે નહિ. કેમ? આપણે હત્યારા હિટલર બનવા માટે કમર કસી રહ્યા છીએ.

અમેઝોન જંગલો વિશ્ર્વમાં જેટલા પણ વરસાદી જંગલો છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. એમેઝોનનાં ગીચ જંગલોએ માણસને જંગલની વ્યાખ્યા આપી છે. પૃથ્વીના ફેફસાં કહેવાતા આ જંગલો આપણી ઉપર છેલ્લા સાડા પાંચ કરોડ વર્ષથી ઉપકાર કરી રહ્યા છે. તેમના ઉપકારના બદલામાં આપણે એ જંગલને શું આપ્યું? અગનજ્વાળા. રખે એવું માનતા કે બ્રાઝિલના જંગલો સાથે આપણે શું લેવાદેવા? દક્ષિણ અમેરિકાના જંગલોને બીજા દેશો સાથે શું સંબંધ? સંબંધ છે અને એ બહુ ઘનિષ્ઠ છે. પૃથ્વી ઉપરના વીસ ટકા ઓક્સિજનનું સર્જન કરતાં અને પચ્ચીસ ટકા કાર્બન ડાયોક્સાઈડને નીલકંઠ શંકરની જેમ જકડી રાખતા આ જંગલોએ આપણી ઉપર અપાર કૃપા વરસાવી છે. આટલો વરસાદ પડે છે, સહન કરી શકાય એટલી ગરમી કે ઠંડીની ઋતુઓ વારાફરતી બદલાય છે એ બધામાં એમેઝોન જંગલોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો છે. કલ્પના ન કરી હોય એવાં અનેક પ્રકારના પ્રાણી, પંખીઓ, સરીસૃપો, કીટકો, માછલીઓ ધરાવતી એમેઝોન નદી અને અમેઝોન જંગલો પૃથ્વીનું સૌથી વિશાળ કુદરતી મ્યુઝિયમ છે. બ્રાઝીલમાં આવેલો એક ફોરેસ્ટ પાર્ક તો બેલ્જિયમ જેવડા દેશ કરતા મોટો છે. ચારસો અબજ વૃક્ષો અને અબજો જીવો સાચવીને બેઠેલા એ જંગલે પૃથ્વીને આજ લાગી રહેવાલાયક રાખવામાં ખુબ મોટો ફાળો ભજવ્યો છે.

આ જંગલની અપાર વિવિધતા ધરાવતી જીવસૃષ્ટિને પોષણ ક્યાંથી મળે છે? માનો યા ન માનો જેવો જવાબ છે: સહરાનું રણ. આફ્રિકાનું સુક્કું ભઠ્ઠ રણ અમેઝોનનું અન્નદાતા છે. સહરાના વંટોળની ડમરીઓ દર વર્ષે કરોડો ટન ફોસ્ફરસ અમેઝોનના વર્ષાજંગલો ઉપર ઠાલવે છે. આ ફોસ્ફરસને કારણે અમેઝોન જંગલોની ધરતીને મહત્ત્વનું પોષકતત્વ મળી રહે છે. માટે વૃક્ષો કુપોષિત થતા નથી અને તેની ઉપર કરોડો ગુણ્યા કરોડો જીવો શ્ર્વાસ લે છે. એમેઝોન નદી દુનિયાના દરેક માણસને આવતા સો વર્ષ સુધી પાણી આપી શકે એટલી વિપુલ જળરાશી ધરાવે છે. આવી અદ્ભુત જમીન ઉપર આદિવાસીઓના સેંકડો કબીલા વસે છે. જેઓની જિંદગી અમેઝોનનાં જંગલો ઉપર નિર્ભર છે. ટૅકનોલૉજી અને દુન્યવી વ્યવહારોથી અલિપ્ત રહેલા આ માણસો કુદરતનાં બાળકો છે. જેના માટે અમેઝોન જંગલ જ માઈ-બાપ છે. કરોડો જીવોના આશ્રયસ્થાન અને આપણા સૌના ઉપર ઉપકાર કરતા એવા આ પૃથ્વીનાં ફેફસાંને સળગાવવાનું દુષ્કૃત્ય આપણે કરી રહ્યા છીએ માટે જ આપણે ચૂપ છીએ.

દર વર્ષે અમેઝોન જંગલોમાં આગ લાગે છે. મોટાભાગે એ આગ માનવસર્જિત હોય છે. ૨૦૧૯ માં લાગેલી આગ સૌથી મોટી છે. હજારો ચોરસ કિલોમીટરના જંગલો બળીને રાખ થઇ ગયા છે. લીલેરી વનરાજી વેરાન મેદાનમાં ફેરવાઈ ગઈ છે. પક્ષીઓના કિલ્લોલ અને વાંદરાના ખિખિયાટાથી ગુંજતો જંગલ વિસ્તાર ઉજ્જડ થઇ ગયો. ત્રીસ હજાર કરતા વધુ સ્થળોએ આગ લગાવવામાં આવી છે. આ આગ માણસો જ લગાડે છે. બ્રાઝિલની જેઈર બોલ્સોનારો નામના તુંડમિજાજી પ્રમુખની સરકારની રહેમનજર હેઠળ જંગલોમાં આગતાંડવ ખેલાઈ રહ્યું છે. સેંકડો કિલોમીટર દૂર આવેલા શહેરો કાળા ધુમાડાનાં વાદળોમાં લપેટાઈ ગયા છે. આવી ભયાનક આગ ઉપર અનેક કંપનીઓ અને ત્યાંની સરકાર પોતાના રોટલા શેકી રહી છે. આખા વિશ્ર્વને નુકસાન ભલે પહોચે, આ ધરતી ઉપર શ્ર્વસી રહેલા તમામ મનુષ્યો અને દરેક જીવોનું ભવિષ્ય ભલે જોખમમાં આવે, આગ ફેલાવનાર વિકૃત લોકોને કોઈની પડી નથી. પુરાણોમાં આવતા રાક્ષસોના વર્ણનને પણ સારા કહેવડાવે એવા અમાનુષી લોકોની ગિરફતમાં આપણે સૌ જીવી રહ્યા છીએ.

ડીફોરેસ્ટેશન એટલે કે વનનાબૂદીની જરૂરિયાત કેમ ઊભી થઇ? એનું કારણ આપણે છીએ. આપણી બદલાતી જતી, અગર તો વધુ નગ્ન શબ્દોમાં કહીએ તો, ભયંકર થઇ રહેલી લાઈફસ્ટાઈલને કારણે આવા યુગો જુના જંગલો બાળવાની ફરજ પડે છે. લોકોનું ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ માટેનું વળગણ વધતું જાય છે. બિનજરૂરી બગાડ અટકતો નથી. પ્લાસ્ટિક સિવાય પણ અનેક ઝેરીલા પદાર્થો રોજબરોજની લાઈફસ્ટાઈલમાં વણાઈ ગયા છે. દરેક પ્રકારના પ્રદૂષણે માજા મૂકી છે. માટે વધુ માત્રમાં ખનીજો, પેટ્રોલીયમ અને ધાતુઓની માંગ રહે છે. આ બધા તત્ત્વો જમીનના પેટાળમાં હોય. માણસે લગભગ બધેથી ખણખોદ કરીને જમીનના રસકસ ચૂસી લીધા છે. હવે સ્વાર્થી માનવજાતનો ડોળો એ જમીનના પેટાળ ઉપર મંડાયો છે જ્યાંથી હજુ સુધી કઈ ઉલેચવામાં આવ્યું ન હતું. અમેઝોનનાં વર્ષાજંગલોનો વિસ્તાર પંચાવન લાખ ચોરસ કિલોમીટર છે. (ભારતના કુલ વિસ્તાર કરતા ૧.૬ ગણો વધુ!) માટે આ જમીનને નિચોવવાની તૈયારી ઘણી કંપનીઓની છે.

અમેઝોનનાં જંગલો બાળવામાં જો કોઈ કોમ્યુનિટી અગ્રેસર રહી હોય તો એ છે બ્રાઝિલના ખેડૂતોનો સમાજ. તેઓને ખેતીવાડી માટે જમીન જોઈએ છે. શું કામ? અત્યારે દુનિયા પાસે ખેતીવાડી માટે પુરતી જમીન છે. અત્યારે જેટલી એગ્રીકલ્ચર લેન્ડ ઉપલબ્ધ છે એમાં ધાન્ય અને શાકભાજી વાવીને સમાન રીતે વહેંચણી કરી શકાય તો આઠ અબજ માણસોમાંથી કોઈ ભૂખ્યું ન રહે. પણ વર્તમાન પરિસ્થિતિ જુદી છે. દુનિયાની વસ્તી વધી રહી છે. માટે વધુને વધુ નોન-વેજીટેરીયન ખોરાક આરોગનારા પણ વધી રહ્યા છે. ચીકન, ભૂંડ, બકરી, ઘેટાં અને દૂધાળા પશુઓ. માંસ મુખ્યત્વે આ જીવોમાંથી મેળવવામાં આવે છે. આ જીવોને ચણ જોઈએ. તેના ચણ કે ઘાસ ઉગાડવા માટે જમીન રહી નથી. વધુને વધુ પોલ્ટ્રી ફાર્મ અને પ્રાણીઉછેર કેન્દ્રો વધતાં જાય છે. માંસ આપતા નિર્દોષ પ્રાણીઓને ખવડાવવા માટે મકાઈથી લઇને ઘાસ સુધીની પ્રોડક્ટ જોઈએ. માટે જંગલો બાળીને ખેતીવાડીની જમીન હડપવામાં આવે છે જેથી નોન-વેજ ખોરાકની ડીમાન્ડ સામે સપ્લાયને પહોંચી વળાય.

સાચા કસૂરવાર તો એ જ છે જે નૈસર્ગિક સંપત્તિને ભસ્મીભૂત કરીને માનવજાતને નુકસાન પહોંચાડી રહ્યા છે. પરંતુ ઈંડા જેવા નોન-વેજ પદાર્થોની વધતી જતી માંગ તેનું મુખ્ય કારણ છે. બ્રાઝિલના જંગલોને બળતા જોઈને જો ઝણઝણાટી ન થાય, પોતાની લાઈફસ્ટાઈલ કુદરતની દુર્દશાનું કારણ ન લાગે તો સમજવું કે છાતીમાં ડાબી તરફ ધબકતો માંસનો લોચો એ હૃદય માત્ર છે, દિલ નથી.

-આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1NkXa355
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com