28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘બધા E.V.M.ના આશીર્વાદ’

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદી‘નમે એ સહુને ગમે’ દિવાળીના તહેવારમાં અમે જ્યારે કોઈને પગે લાગતા અને બે રૂપિયા પણ મળતા ને ત્યારે ખૂબ આનંદ આવતો અને પછી તે આ વાક્ય બોલતા. એક્ચ્યુલી અમને તો તે બે રૂપિયા આપતા એટલા માટે જ અમે નમતા હતા બાકી અમુકમાં એવી ક્વોલિટી હોતી નથી કે તેને અનુકૂળ તેને ગમે તે અમે કરીએ પણ સવાલ બે રૂપિયાનો હતો. ટૂંકમાં મારું તો એ જ કહેવાનું છે કે જેમ જે સત્તાધારી હોય તેને અનુકૂળ થઈ અને રહીએ તો કંઈક લાભ મળે અને કદાચ આ જ સિદ્ધાંત પર ઇવીએમ મશીન બનાવ્યું હશે તેવો આજકાલ જે વિપક્ષો હોબાળો કરી રહ્યા છે તેના પરથી મને વિચાર આવે છે. ઊટખ એટલે નાનું બાળક, લાભ મળે તો એડજેસ્ટ થઈ જાય. મારું મગજ પણ ક્યાંથી ક્યાં દોડે છે સાવ નાના બાળક જેવું છે.

ઇવીએમ મશીન ખાલી ચૂંટણી દરમિયાન જ કામ આવે એવું શું? કામ જો એડજસ્ટ થતું જ હોય તો સંસારના અમુક નિયમોમાં પણ એ વપરાવું જોઈએ. લોકોનું એવું માનવું છે કે હું સ્વભાવે થોડો ઠાવકો અને સમજુ છું એટલે કુટુંબના નાના-મોટા કોઈના પ્રશ્ર્નો હોય તો મને બોલાવી જાય કે ભાઈ આને સમજાવો અને હું પણ જાણે બહુ સમજાવી જાણતો હોવા તેમ દાઢી ઉપર હાથ રાખી ગંભીર મુખમુદ્રા ધારણ કરી અને બંને પક્ષને સાંભળી અને મારી સમજ મુજબ જજમેન્ટ આપતો હોઉં છું. લોકો સ્વીકારી અને સમાધાન કરે સારું લાગે તો વાહવાહ થાય અને ખોટું લાગે તો બહાર કોઈને કહેતા નથી એટલે આપણું આ ચાલે છે. હમણાં ચુનિયાને ઘરે ભાભી સાથે કંઈક ડખો થયો. ચુનિયાના મમ્મી, પપ્પા, છોકરો બધા જ ભાભીની વિરુદ્ધમાં આવી ગયા. ભાભીને તરત જ હું યાદ આવ્યો એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે તાત્કાલિક આવો, ચુનિયાને સમજાવો મને કાઢી મૂકવાની વાત કરે છે, ભલે આમાં હું ખોટી હોઈશ પણ કાયમ એ જ ખોટા હોય છે તો મેં કોઈ દિવસ તેને કાઢી મૂકવાની વાત કરી? મને ભાભીની વાત સાચી લાગી એટલે હું તરત જ દોડી ગયો. સાવ નાની એવી વાતમાં ભાભીએ જીદ કરી અને ચુનિયાને જાણે મોકો જોઈતો હોય છૂટવાનો તેમ તેણે ભાભી પર ધોંસ બોલાવવાની ચાલુ કરી. હુંસાતુંસી થાય ત્યાં સુધી બરાબર છે પરંતુ ‘કા તું નહીં અને કા હું નહીં’ ત્યાં સુધી વાત જા

તે વ્યાજબી નહીં. ભાભીનો વાંક એટલો જ

હતો કે ચુનિયાને કીધા વગર ઓનલાઇન કાંઈક મંગાવ્યું હશે તેમાં સ્ટીલના ૪ ચમચા ચુનિયાના હાથમાં આવ્યા જેની કિંમત ૪૦૦ રૂપિયા લખેલી હતી અને ચુનિયાનો મગજ ગયો કે ચમચા આટલા ઘરમાં હોય પછી આ ચાર ચમચાના ૪૦૦ રૂપિયા શું કામ ચૂકવ્યા? ભાભીએ એક વાત છુપાવેલી કે ચારસો રૂપિયાની સાડી લીધેલી જેમાં ૪ ચમચા મફત મળેલા છે પરંતુ સાડીની વાત કરે તો ડબલ ગરમ થાય કે કબાટ આખો ભરેલો છે તેને અગરબત્તી કરવાની છે? અને મને ખબર છે કે જ્યારે જ્યારે ભાભી નવા કપડા મંગાવવાની વાત કરે ત્યારે ચુનિયો તેનું કાણું પડેલું એક ગંજી દેખાડીને કહે છે કે જો હું કેટલી કરકસર કરું છું? ભલે તે ગંજી કોઈ દિવસ પહેરતો નથી તેને ભાભીને દેખાડવા માટે જ રાખ્યું છે અને કદાચ પહેરે તો પણ એની ઉપર શર્ટ આવે છે. અને કંપનીવાળા દિવાળી ઉપર એકની સાથે બીજું ફ્રીની સ્કીમ એટલી બધી રાખે છે કે તેણે પોતાનો માલ ખાલી કરવો હોય ત્યારે કોકના ઘરમાં દીવાસળી ચાંપી અને ઓછામાં ઓછા ૧૦ ટકાના ઘરમાં તે ડખ્ખા કરાવતું હશે. અને અમુક બૈરા એવા હરખપદુડા હોય છે કે તે પોતે માલ રાખી અને રાજી ન થતા હોય એટલા તો બીજા જુવે અને બળે તે વિચારી અને ડબલ રાજી થવાનું રાખતા હોય છે. અને પાછા કંપનીવાળા સાઇકોલોજી જાણે છે એટલે સ્લોગન પણ એવું રાખે "સવિતાએ મિક્સર લીધું, તમે લીધું? અરે પણ સવિતાનો પતિ પોલીસમાં છે તેને પોસાય કોક બિચારા હાસ્ય કલાકારના ઘરમાં શું કામ દેખા કરાવો છો? અડધું તો આ સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો છે, પહેલા આવું કશું હતું નહીં એટલે કોકના ઘરે જઈએ ત્યારે ખબર પડે કે તેણે શું નવું લીધું, આ તો ઘરે જઈએ કે ન જઈએ સીધું ફેસબુક ઉપર મૂકે અમારા ઘરે ટીવી આવ્યું, અમારા ઘરે ફ્રીજ આવ્યું, અમારા ઘરે વોશિંગ મશીન આવ્યું, તમારા ઘર માટે આવું છે અમને શું કામ જણાવો છો? તમને ખબર નથી અમારા ઘરે પણ બૈરું છે. અને ઓલા ઝુકરબર્ગભાઈ પોતાની પત્નીને રસોઈમાં મદદ કરતા હોય તેવો ફોટો હમણાં વાયરલ થયેલો, એલા ભાઈ તું નવો-નવો મદદ કરતો હોઈશ અમારા ઘરે ઘરે ધરાહાર ઝુકરબર્ગ થવું પડે છે. મોટા માણસો ખાલી ફોટા પડાવે કે વીડિયો ઉતરાવે બાકી સામાન્ય માણસને તો તે રોજનું હોય છે. આ હું પાછો આડે પાટે ચડી ગયો.

ચુનિયાને ઘરે બે વિભાગમાં બધા વેચાઈ ગયેલા બેઠકરૂમમાં આખું કુટુંબ એક બાજુ ભાભી સામેની બાજુ બંને બાબતોને વિચારી મનને સમજાવ્યા, પરંતુ કોઈ સમજવા તૈયાર હતાં જ નહીં. ભાભીને ઘરમાંથી બહાર જવું ન હતું અને ચુનિયાને ઘરમાં રાખવા ન હતા. તમાશાને તેડું ન હોય અને વાત રહેવા ન રહેવાની હતી. ચુનિયો અને એની વહુ પોતપોતાની વાત રજૂ કરી સમર્થન વધારવાની ફિરાકમાં હતા, પરંતુ આ વખતે ચુનિયાનું પલડું ભારે હતું. લોકો ચુનિયાને સહાનુભૂતિ આપતાં હતા. મને અંદરથી સ્ટ્રોંગ ફીલિંગ આવતી હતી કે આ વખતે ચુનિયો ધાર્યું કરશે ભાભી ચિંતામાં આવી ગયા, ક્યાંયથી સમર્થન નહતું મળતું. વોટિંગની તૈયારીઓ થવા લાગી, બેલેટ પેપર તૈયાર થવા લાગ્યા, ત્યાં અચાનક ભાભી ઉપર એક ફોન આવ્યો અને શાંત ચિત્તે લોકો વચ્ચે આવી અને તેણે કહ્યું કે, ‘મને જે કાંઈ સમર્થન મળશે તે સર-આંખો ઉપર જો કે મને તો વિશ્ર્વાસ છે કે હું જ સાચી છું અને મને જ વધારે સમર્થન મળશે. મારી એક છેલ્લી વિનંતી છે કે આપણે મતદાન માટે બેલેટનો ઉપયોગ નહીં કરીએ, ઈ.વી.એમ. મારા પપ્પા લઈ આવે છે એ આપણે વાપરીશું એટલે તમારે પણ ગણવાનો સમય બગડે નહીં અને તાત્કાલિક ધોરણે નિર્ણય આવી જાય. ચુનિયા પરિવાર અને બહોળા સમર્થકોમાં ઉત્સાહ હતો જ કે ચાલો દેખીતી રીતે જ નિર્ણય તો સાફ છે કે ભાભી કોઈ સંજોગોમાં હવે રહી શકે તેમ નથી અને જો ઈ.વી.એમ. આવી જાય તો વહેલું પતે અને આપણે પણ સૌ આપણા કામે વળગીએ. થોડા સમયમાં જ એક ઈવીએમ મશીન આવી ગયું અને લોકો બટન દબાવવા આતુર હતા પણ ભાભી સામે ઘુરકી ઘુરકી અને બટન દબાવ્યા. દેખીતી રીતે જ ખબર પડી જાય કે કદાચ ભાભી પણ પોતાનો મત પોતાને નહીં આપે. અડધી કલાકમાં આ બધું જ મતદાન પૂરું થઈ ગયું અને બીજી અડધી કલાકમાં તો ચાંપ દાબી અને પરિણામ આવ્યું ત્યાં તો બધાની આંખો ચાર થઈ ગઈ. ભાભી જંગી બહુમતીથી વિજેતા થયા હતા અને ચુનિયાના સમર્થનમાં ચાર-પાંચ મત જ પડયા હતા. બધા એકબીજાની સામે અવિશ્ર્વાસની નજરથી જોતા હતા કે તમે તો કહેતા હતા કે ચુનિયાને સમર્થન આપીશું, પરંતુ તમારા મનમાં કશુંક જુદું જ હતું. ભાભીએ અતિ નમ્ર થઈ અને તમામ પરિવારજનોનો ખૂબ આભાર માન્યો. હું તો ઈલેક્શન કમિશનરની જેમ મૂંગો થઈ અને આ બધું જોતો રહ્યો. મને પણ અમુક વસ્તુ ન સમજાઈ, પરંતુ હવે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી એટલે કોને ફરિયાદ કરવી? જે થયું તે અહીં તો કદાચ ઇવીએમનું સારું રિઝલ્ટ આવ્યું. પરિવાર જુદા થતા હતા તેની જગ્યાએ એક તો થયા. ઊટખ ખરેખર રમકડું છે ક્યારે કોને ખુશ કરે કશું જ કહેવાય નહીં.વિચારવાયુડ્ઢ :

અરે મનસુખભાઇ મત દઈ આવ્યા?

મનસુખ: દેવા ગયો હતો પરંતુ એ પહેલા જ એ લોકોએ લઇ લીધો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8431t83
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com