28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બગાસું ખાવા સાથે પતાસા સાથે જલેબી, રબડી ને ગુલાબજાંબુ મોઢામાં!

ગ્રેટ રોબરી-પ્રફુલ શાહબ્રિટનના ગ્રેટર લંડનની પશ્ર્ચિમે હિથ્રો ઍરપોર્ટ નજીક હિથ્રો ઇન્ટરનેશનલ ટ્રેડિંગ એસ્ટેટના યુનિટ નંબર સેવનમાં એક ગોદામ, જેની માલિકી બ્રિન્કસ-મેટ -(Brink's -mat) ં નામની સિક્યોરિટી કંપનીની. આ સ્થળ ૧૯૮૩ની ૨૬મી નવેમ્બરે એવી ઘટનાનું સાક્ષી બન્યું કે જેને ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ અવશ્ય કહી જ શકાય. બહુ ઝડપથી આ ઘટનાને શિરમોર સ્થાન મળ્યું: ધ ક્રાઇમ ઑફ ધ સેન્ચ્યુરી.

એવું તે શું થયું એ દિવસે? એ શનિવારે. સવારે ૬.૪૦ કલાકે છ માણસો બ્રિન્કસ-મેટ ભણી આગળ વધી રહ્યા હતા. સૌ બાલકલાવામાં સજ્જ હતા. આ બાલકલાવા એટલે આખા શરીર પર ચપોચપ પહેરેલું વસ્ત્ર, જેમાં માત્ર આંખનો ભાગ ખુલ્લો હોય. મોટાભાગે બાલકલાવા ઊનના બનેલા હોય. લંડન જેવા શહેરમાં ઠંડીથી બચવા માટે આ પહેરવું બહુ સામાન્ય અને એટલું જ જરૂરી ગણાય. આમાંથી પીળા રંગના બાલકલાવા પહેરનારા શખસે માથા પર વિચિત્ર રીતે ટ્રિલ્બી હેટ એટલે કે સુંવાળી ટોપી પહેરી હતી. એ જાણે ટીમનો કેપ્ટન લાગતો હતો.

આ ગૅંગ ઑફ સિક્સ ચોક્કસ મિશન પર નીકળી હતી. એમના મન-મગજ પર એક જ ધૂન સવાર હતી, પૈસા-બહુ બધા પૈસા. ખુલ્લી આંખે થોકબંધ પાઉન્ડના સપના જોનારા આ સૌના ગજવામાં હતાં શસ્ત્રો.

જાત પર અંકુશ ન રાખી શકાય એવી માહિતી મળ્યા બાદ તેઓ અફલાતૂન જોબ વર્ક પર નીકળ્યા હતા. માહિતી એવી હતી કે વેર હાઉસમાં ત્રીસ લાખ પાઉન્ડ રોકડા પડ્યા હતા. યસ, થ્રી મિલિયન પાઉન્ડ. કોઇ આંકડામાં આ રકમ ૨૬ મિલિયન ડૉલર પણ ગણાવાતી હતી, જે આજે ૯૦ મિલિયન ડૉલરથી વધુ થાય. આ તોતિંગ રકમ માત્ર ગજવામાં જ નહીં, ઘરભેગી કરવાના બદઇરાદા સાથે નીકળેલા શખસોમાં મુખ્ય હતા બ્રિઆન રૉબિન્સન, મિક મેકોય, કેનેથ નોયે અને ટોની વ્હાઇટ.

આ વેરહાઉસમાં ગેરકાયદે પ્રવેશ માટે દિમાગની કઢી થઇ જાય પણ આ ગૅંગ માટે એવું ન થયું કારણ કે વાડ જ ચીભડા ગળવા તૈયાર ઊભી હતી. હા, સિક્યોરિટી ગાર્ડ એન્થની બ્લેક જ તેમનો સાગરીત હતો. હકીકતમાં તો તે બ્રિઆન રૉબિન્સનનો સાળો હતો. એ દિવસે એન્થની વેરહાઉસમાં જ ઊંઘી ગયો હતો. દિવસની ડ્યૂટી પર દસેક મિનિટ મોડા હાજર થયા બાદ તેણે બાપાના બગીચાની જેમ વેરહાઉસના દરવાજા લૂંટારા માટે ખુલ્લા મુકી દીધા. ગૅંગે ગોદામ પ્રવેશ ર્ક્યા બાદ અન્ય ગાર્ડસને મુશ્કેટાટ બાંધી દીધા, એમના પર પેટ્રોલ છાંટીને ધમકી આપી, સિસકારો સુધ્ધાં ય કર્યો તો ચીસાચીસ કરવી પડશે. બંધાયેલા હાથ પગ હોય અને માથે પેટ્રોલનો છંટકાવ થયો હોય તો મોઢું ખોલીને આગને નિમંત્રણ આપવા હિંમત કરે કોણ?

ગદ્દાર બ્લેકના પ્રતાપે લૂંટારાએ બે સૌથી સિનિયર ગાર્ડસને ઓળખી લીધા. એમની સાથે કોઇ શિષ્ટાચાર નહોતો નિભાવવો પણ વૉલ્ટની ચાવી અને કોમ્બિનેશન નંબર મેળવવાના હતા કે જેમાં ત્રણ તિજોરી હતી.

પણ વૉલ્ટની અંદર ગયા બાદ બધા લૂંટારાને આંચકો લાગ્યો. ત્યાંના ત્યાં પગ થાંભલા થઇ ગયા આંખ મટકું મારવાનું ભૂલી ગઇ. ત્યાં કરોડો ડૉલર નહોતા, સાથાસાથ સોનું હતું, પૂરા ત્રણ ટન. પૂઠ્ઠાં ૭૦ ખોખામાં સોનાની સાત હજાર લગડી પડી હતી. બગાસું ખાવામાં પતાસા સાથે જલેબી, રબડી અને ગુલાબજાંબુ મોઢામાં આવી ગયાની સુખદ લાગણી અનુભવી. લૂંટારાને ગતાગમ પડતી નહોતી કે કરવું શું આટલા બધા સોનાનું? લઇ કેવી રીતે જવું? ક્યાં લઇ જવું?

નાના-મોટા એક એક ખલનાયકને જેવું ગમે એવું સપનું અહીં સાકાર થયું હતું. પોતાની ધારણાથી વીસપચીસ ગણું મળે અને એ પણ કેવી આસાનીથી? માગ્યા વગર માં ય ન પીરસે એ કહેવત ગોદામમાં એ વહેલી સવારે ખોટી પડી. આંકડે મધ અને પાછું માખી વગરનું. સ્વસ્થ થતાંવેંત સમજાઇ ગયું કે હવે એક મોટરવાનની જરૂર પડશે. સોનાના ભારથી સહેજ નમી પડેલી વાન હિથ્રોમાંથી ધીમી ગતિએ બહાર નીકળી.

ગાડીમાંથી એક લૂંટારાએ જોશપૂર્વક બૂમ પાડીને ગાર્ડસને વિશ કર્યું: મેરી ક્રિસમસ. હકીકતમાં આ મોટી ભૂલ હતી. પણ બધા સુખ-સંપત્તિના અતિરેકથી સૂધબૂધ લગભગ ગુમાવી બેઠા હતા.

એક-એક લૂંટારાને ખાતરી હતી કે ગાડી હિથ્રોની બહાર નીકળવા સાથે પોતાની જિંદગી બદલાઇ જશે અને માત્ર સુખ જ સુખ મળશે. એમની માન્યતા સાચી હતી પણ માત્ર ૫૦ ટકા. અફકોર્સ લાઇફ એકદમ બદલાઇ ગઇ, પરંતુ જરાય સુખ ન મળ્યુ, દુ:ખ જ દુ:ખ હાથ ફેલાવીને બાંહોમાં સમાવી લેવા આગળ ધસી આવી રહ્યાં હતાં. કહી શકાય કે બ્રિન્ક્સ મેટના વેર હાઉસમાંથી સોનાની લગડીના ખોખાં કારમાં મૂક્યા એ સાથે એમની આફતના શ્રીગણેશ થઇ ગયા. એવી આફત કે જે વરસો જ નહીં, દાયકાઓ સુધી પીછો કરવાની હતી.

આ સનસનાટીભરી લૂંટ બાદ પોલીસને એ જાણવામાં બહુ વાર ન લાગી કે આ લૂંટ-કાંડમાં ઘરના ઘાતકી થયા છે.

પોલીસને એન્થની બ્લેક, બ્રિઆન રૉબિન્સન અને મિક મેકોય સુધી પહોંચતા ઝાઝો સમય ન લાગ્યો. પોલીસ લોકઅપમાં રોબિન્સન અને મેકોયની ઓળખવિધિ કરવા માટે એન્થની બ્લેક આવ્યો કે મેકોયે તેના મોઢા પર મુક્કો ઝીંકી દીધો. સા....ગદ્દાર. કેવી વિચિત્ર કરુણતા. બ્લેકે પોતાની જાત અને ફરજ સાથે ગદ્દારી કરી. હવે લૂંટારા પણ તેને ગદ્દાર માનતા હતા! પાઉન્ડને બદલે સોનાના લૂંટારાની બનેલી આ ગૅંગનેખબર નહોતી કે અધધ સોનું તેમના ભવિષ્યને કેવું રગદોળી નાખવાનું છે! (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

s06XH1A
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com