28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુમનામ દેવદૂત, જેણે સેંકડો બોસ્ટનવાસીઓને બચાવ્યા!

ભાત ભાત કે લોગ-જ્વલંત નાયકનવા વર્ષની શુભકામનાઓ. આશા રાખીએ કે દિવાળીની રજાઓમાં રોજિંદી ઘટમાળથી હટીને કંઈક અલગ માહોલનો આનંદ ઉઠાવવાની તક બધાને મળી હશે. ઉત્સવોનું સૌથી મહત્ત્વનું જમાપાસું એ જ છે કે ઉજવણીને કારણે રોજિંદી ઘટમાળથી થોડો સમય છૂટકારો મેળવી શકાય છે. અને અમુક કિસ્સાઓમાં માણસ પોતાના રૂટિન સિવાયનું કશુંક કરે, ત્યારે આશ્ર્ચર્યજનક પરિણામો અનાયાસે જ હાંસલ થઇ જતા હોય છે. આજે એવા જ એક કિસ્સાની વાત કરવાની છે, જેમાં શેઠ અને નોકરના રૂટિન સંબંધોને અતિક્રમીને વાદ-વિવાદ-સંવાદ કરી શકાય એવા સંબંધો વિકસાવનાર બે જણે સાવ અનાયાસે જ સેંકડો લોકોને શીતળાના ચેપી અને જીવલેણ ગણાતા રોગચાળાથી બચાવી લીધા!

એક સમયે જીવલેણ ગણાતા શીતળાના રોગે અનેક મહાનુભાવો-સેલિબ્રિટીઝને ય ઝપટમાં લીધેલા, જે પૈકી કેટલાકે જીવ પણ ગુમાવવો પડેલો! શીખોના આઠમા ગુરુ હર કિશન (ઇસ ૧૬૬૪) હોય કે ચાઈનીઝ અને જાપાનીઝ રાજવંશના લોકો હોય, કે પછી અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસીડન્ટ જ્યોર્જ વોશિંગ્ટન હોય... ઉચ્ચ સ્થાનોએ બિરાજેલા લોકો ય સ્મોલ પોક્સનો ભોગ બની ચૂક્યા છે. ફ્રાન્સના રાજા લુઈ પંદરમા સહિતના કેટલાય સમૃદ્ધ-સંપન્ન લોકોએ સુધ્ધાં શીતળાની બીમારીમાં જીવ ગુમાવવો પડેલો! સર્વકાલીન સુંદર સ્ત્રીઓમાં જેનું નામ મૂકી શકાય એવી હિન્દી ફિલ્મોની પ્રખ્યાત હિરોઈન ગીતા બાલીએ પણ શીતળાને કારણે જીવ ગુમાવેલો! એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી, ત્યાર પછી આ જીવલેણ રોગ નાબૂદ થયો. પરંતુ શું તમે માની શકો કે એડવર્ડ જેનરનો જન્મ પણ નહોતો થયો એ પહેલાથી એક ખાસ પ્રકારની પદ્ધતિ અમલમાં હતી, જેના દ્વારા શીતળાના રોગ સામે રક્ષણ મેળવાતું! જો કે આ જોખમી પદ્ધતિ બહુ પ્રચલિત નહોતી. તેમ છતાં કોઈક રીતે ભારતથી માંડીને સાઉથ આફ્રિકાની નીગ્રો પ્રજા સુધી આ પદ્ધતિનો વ્યાપ હતો. ઇસ ૧૭૨૧માં ઇલાજની આ વિચિત્ર ગણાયેલી પદ્ધતિએ સેંકડો બોસ્ટનવાસી લોકોનો જીવ બચાવ્યો, જેનો શ્રેય જાય છે કોટન મેથર નામના જિજ્ઞાસુ અને એના નીગ્રો ગુલામને!

કોટન મેથર પણ જાણવા જેવો માણસ છે, પણ એની વાત ફરી ક્યારેક. આજના લેખનો હીરો છે કોટન મેથરનો ગુલામ! એ સમયે દુનિયા આખીમાં ગુલામીપ્રથા મોજૂદ હતી. ગુલામ તરીકે મોટે ભાગે સાઉથ આફ્રિકાના નીગ્રો લોકો રહેતા. આવો જ એક નીગ્રો યુવાન પોતાના જેવા જ બીજા લોકો સાથે બોસ્ટન મોકલવામાં આવ્યો. એ સમયે બોસ્ટન શહેર બ્રિટનના તાબામાં હતું. શરીરે સશક્ત એવા આ નીગ્રો યુવાનને કોઈક અમીર બ્રિટીશરે ખરીદી લીધો. એ સમયે એક બીજી પ્રથા પણ હતી, એકબીજાને ‘ભેટ’ તરીકે ગુલામો આપવાની! આજે જે રીતે તહેવારોમાં મોંઘીદાટ ગિફ્ટ આપીને સમાજના પ્રભાવશાળી ગણાતા લોકોને રાજી રાખવાનો શિરસ્તો છે, એમ એ જમાનામાં તંદુરસ્ત ગુલામો ભેટ તરીકે ધરવાની પ્રથા હતી. આપણે જેની વાત કરી રહ્યા છીએ એ નીગ્રો યુવાનને પણ એના માલિક દ્વારા ‘ભેટ’ તરીકે કોટન મેથર પાસે મોકલવામાં આવ્યો.

એ સમયે બોસ્ટન શહેરમાં સૌથી વધારે ભણેલા-ગણેલા અને વિદ્વાન માણસ તરીકે કોટન મેથરની ગણના થતી. મિ. કોટન પોતે પુષ્કળ વાંચતા અને લખતા વિદ્વાન વ્યક્તિ હતા. ચર્ચની કેટલીક ધાર્મિક બાબતો સાથે પણ એ સંકળાયેલા હતા. કોટને એ સમયે જુદા જુદા વિષયો ઉપર ચારસો જેટલા પુસ્તકો લખ્યા હોવાનું મનાય છે! જ્યારે કોઈકે કોટન મેથરને નીગ્રો ગુલામ ભેટ તરીકે આપ્યો, ત્યારે મિ. કોટને સૌથી પહેલું કામ એને નામ આપવાનું કર્યું. બાઈબલના એક પાત્ર ઉપરથી કોટને પોતાના ગુલામનું નામ રાખ્યું ઓનેસીમસ’.

ઓનેસીમસ બીજા નીગ્રો ગુલામોની જેમ સાવ અબુધ નહોતો. એની નિરીક્ષણ શક્તિ સારી હતી અને નવી બાબતો ઝડપથી શીખી શકતો હતો. આ તરફ મિ. કોટન પાસે વાચન-લેખનના રસને કારણે જ્ઞાન અને માહિતીનો ઢગલો હતો. એ સમયના ભણેલા-ગણેલા ખ્રિસ્તીઓ માનતા કે આફ્રિકન આદિવાસીઓ સહિતની બીજી ગમાર ગણાતી પ્રજાઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પ્રેરણા આપવી જોઈએ, જેથી કરીને એ લોકો પણ યુરોપિયન્સની જેમ સુસંસ્કૃત ગણાતું જીવન જીવતા થાય. સાથે જ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો પણ થાય. કોટન મેથરની માન્યતા પણ કંઈક આવી જ હતી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર બાબતે તે અતિઉત્સાહી હતો. તે પોતાના ગુલામો સાથે અમાનવીય વ્યવહાર કરવામાં માનતો નહોતો. કોટનના ઘરમાં કરવા લાયક ખાસ કામ રહેતું નહિ. એટલે નાના-મોટા કામ પતાવી દીધા બાદ ઓનેસીમસને નવરાશનો ખાસ્સો એવો સમય મળતો. બીજી તરફ કોટનને ઓનેસીમસમાં રસ પડ્યો. એણે કોઈ પણ ભોગે ઓનેસીમસને ખ્રિસ્તી બનાવવાનું નક્કી કર્યું. આ માટે તે ઓનેસીમસ સાથે વિવિધ વિષયો પર સતત વાતો કર્યા કરતો. વિવિધ વિષયો ઉપરનું કોટનનું જ્ઞાન સારું હતું, એટલે ઓનેસીમસને એની વાતોમાં રસ પડતો ગયો. અહીં આખી વાતમાં એક ઓર એન્ગલ પણ હતો. ઓનેસીમસ પોતાના માલિકને કોઈ પણ ભોગે ખુશ કરીને ગુલામીમાંથી મુક્ત થવા ઇચ્છતો હતો. જો જ્ઞાન વધે એવી વાતચીત કરવાથી માલિક ખુશ થતો હોય, તો મુક્તિ ઇચ્છતા ગુલામ માટે એનાથી રૂડું બીજું શું હોઈ શકે?! ક્યાંક કોઈ વાતમાં સમજ ન પડે કે શંકા જાગે તો ઓનેસીમસ સામા પ્રશ્ર્નોય પૂછતો. આ સીલસીલો લાંબો સમય ચાલુ રહ્યો.

એમાં એક દિવસ હજારો લોકોને ભરખી જનાર મહારોગ ‘સ્મોલ પોક્સ’ની વાત નીકળી. એ સમયે બોસ્ટન સહિતના ઘણા શહેરો વારંવાર આ મહામારીનો ભોગ બનતા અને દર વખતે સેંકડો લોકો મોતને ભેટતા. ચર્ચા દરમિયાન ઓનેસીમસે શેખી મારતા કહ્યું કે સ્મોલ પોક્સનો રોગ એનું ક્યારેય કશું બગાડી શકે એમ નથી, કારણકે ગમે એટલો વાવર હોય તો પણ એના શરીરમાં સ્મોલ પોક્સનો ચેપ લાગશે જ નહિ! કોટનને વાતમાં રસ પડ્યો. કારણ પૂછતાં ઓનેસીમસે નીગ્રો પ્રજા દ્વારા સ્મોલ પોક્સના રોગથી બચવા માટે કરાતી એક ખાસ વિધિની વાત કરી, જે મુજબ શીતળાનો ભોગ બનેલ કોઈ વ્યક્તિ સાજો થઇ રહ્યો હોય, ત્યારે એના રૂઝાઈ રહેલા ફોલ્લા ઉપર બાઝેલા પોપડાને બીજા સ્વસ્થ વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવતો. આ માટે તે વ્યક્તિના હાથ ઉપર કાપ મુકવામાં આવતો. ઓનેસીમસના હાથ ઉપર પણ આવું કાપાનું નિશાન દેખાતું હતું, એ વાત કોટને પોતાની ડાયરીમાં નોંધી છે. આ ક્રિયાને પરિણામે તે વ્યક્તિ શરૂઆતમાં તાવનો ભોગ બનતો, પરંતુ આખરે એનું શરીર કૃત્રિમ રીતે કરવામાં આવેલા શીતળાના હુમલા સામે રોગપ્રતિકારક શક્તિ કેળવી લેતું! આવી વ્યક્તિને જીવનમાં ફરી ક્યારેય શીતળાની અસર થતી નહિ!

ઓનેસીમસે જે વર્ણન કર્યું એ મુજબ આખી વિધિ સાવ દેશી પદ્ધતિએ કરાયેલું રસીકરણ (ઈંક્ષજ્ઞભીહફશિંજ્ઞક્ષ) જ હતું, એ વાત કોટનને સમજાઈ ગઈ. ઓનેસીમસે આપેલી માહિતી મુજબ, જ્યારે આફ્રિકામાંથી ગુલામો પકડવામાં આવતા, ત્યારે જેના હાથ પર આ પ્રકારના કાપાનું નિશાન હોય, એ ગુલામની કિંમત વધુ આંકવામાં આવતી. કારણકે એ ગુલામ સ્મોલ પોક્સના રોગ સામે સુરક્ષિત ગણાતો. ઓનેસીમસની વાત વિદ્વાન અને અભ્યાસુ કોટન મેથરના મનમાં બેસી ગઈ. આ સંવાદને અંતે બુદ્ધિશાળી કોટનને સમજાયું કે ભણેલા-ગણેલા ડોક્ટર્સ જો પદ્ધતિસર આ પ્રકારનું રસીકરણ કરે તો શીતળાના રોગ સામે એ અકસીર સાબિત થાય. કોટન મેથરે ઓનેસીમસ સાથે થયેલો આખો સંવાદ પોતાની ડાયરીમાં નોંધ્યો છે. જો કે એ સમયે બોસ્ટનમાં શીતળાનો વાવર નહોતો, એટલે કોટને આખી વાત મનમાં જ રાખી. પરંતુ થોડા વર્ષો બાદ, ઇસ ૧૭૨૦ દરમિયાન બોસ્ટનમાં સ્મોલ પોક્સનો વાવર શરૂ થયો. રોજેરોજ દર્દીઓની સંખ્યા વધવા માંડી. આ સમયે કોટને ઓનેસીમસ પાસેથી જાણેલો ઈલાજ અમલમાં મૂકવાના પ્રયત્નો શરૂ કર્યા. કોટને મેડિકલ કાઉન્સિલને પણ પત્ર લખીને આ અંગે જણાવ્યું, જેમાં પોતાના ગુલામ ઓનેસીમસનો પણ ઉલ્લેખ કર્યો.

પરન્તુ ઓનેસીમસે રસીકરણની જે પદ્ધતિ વર્ણવેલી, એ ગોરા લોકોને બહુ વિચિત્ર અને જોખમી લાગી. વાત ખોટી ય નહોતી. કોઈક બીજાના શરીર પર બાઝેલો પોપડો (જભફબત) પોતાના શરીરમાં દાખલ કરવાથી બીજા અનેક પ્રકારના ચેપ લાગવાની શક્યતા પૂરેપૂરી! એ સમયે કોઈ ડોક્ટર કોટન મેથરની થિયરી ઉપર વિશ્ર્વાસ મૂકવા તૈયાર નહોતો. એક ન્યૂઝ પેપર તો આવી ભેજાગેપ થિયરી દ્વારા લોકોનો જીવ જોખમમાં મૂકવાનો પ્રયત્ન કરનાર કોટન મેથરની પાછળ પડી ગયું. લોકો એકી અવાજે ઓનેસીમસ અને કોટન મેથરનો વિરોધ કરવા માંડ્યા. એકાદ વ્યક્તિએ તો કોટન મેથરના ઘર ઉપર હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યો! જો કે સદનસીબે એ હુમલામાં કોઈ જાનહાનિ ન થઇ. બીજી તરફ, શીતળાનો રોગચાળો બોસ્ટનમાં વધુને વધુ ફેલાતો જતો હતો. આવા સમયે ડૉ. બોઈલસ્ટન નામનો એક ફિઝીશીયન કોટન અને ઓનેસીમસની મદદે આવ્યો. એણે પોતાના સગા પુત્ર અને બે ગુલામો ઉપર ઓનેસીમસે કહેલી પદ્ધતિનો પ્રયોગ કર્યો. પરિણામ સારું આવ્યું. ત્રણેય દર્દીઓ શીતળામાંથી બચી ગયા! આ ઘટના બાદ લોકો ઓનેસીમસની થિયરીને સ્વીકારતા થયા. પછી તો ૧૭૨૧-૧૭૨૨ ના વર્ષો દરમિયાન અનેક લોકોએ આ પદ્ધતિ અપનાવી. જેના કારણે શીતળાને કારણે થતો મૃત્યુદર માત્ર ૨% જેટલા નીચા લેવલે પહોંચ્યો! જેમને ઓનેસીમસની પદ્ધતિ દ્વારા રસીકરણ કરાયેલું, એ પૈકીના મોટા ભાગના લોકો શીતળાથી બચી ગયા! આ એક બહુ મોટી સફળતા હતી, જેનો હકદાર હતો કોટન મેથરનો ગુલામ એવો ઓનેસીમસ.

શું ઓનેસીમસને આ બધાની ક્રેડિટ મળી? આટલા બધા લોકોને બચાવ્યા બાદ ઓનેસીમસને શું ફાયદો થયો? ઓનેસીમસને પ્રસિદ્ધિ કે દ્રવ્યની ખેવના નહોતી, એને તો જોઈતી હતી મુક્તિ! ઓનેસીમસને ખ્રિસ્તી બનાવવામાં કોટનને સફળતા નહોતી મળી, પરંતુ થોડા વર્ષો બાદ એણે ઓનેસીમસને પોતાની ગુલામીમાંથી આઝાદ કરી દીધેલો. ત્યાર બાદ ઓનેસીમસ ક્યાં ચાલ્યો ગયો એની કોઈને ખબર ન હતી. એ કોણ હતો, એનું સાચું નામ શું હતું, એની ય કોઈને ખબર નહોતી. જાણે કોઈ દેવદૂત નીગ્રો ગુલામ સ્વરૂપે આવ્યો અને સેંકડો લોકોને બચાવવાનું પુણ્ય કરીને ધુમ્મસમાં ઓગળી ગયો, મુક્તિની હવા શ્ર્વાસમાં ભરવા માટે સ્તો!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8iHkFo3e
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com