24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દિવાળીના ફટાકડા: અવાજ ઓછો રોનક વધારે

દર્શના વિસરીયા‘શુંકહે છે ભાઈ દિવાળી કેવી રહી?’ રમેશ.

‘કંઈ નહીં યાર, દિવાળી ક્યારે આવી અને ક્યારે પૂરી થઈ ગઈ એની ખબર પણ નહીં પડી.’ બીજો મિત્ર.

આ બે મિત્રો વચ્ચેનો આ સંવાદ કદાચ અજ્ઞાતપણે આપણામાંથી ઘણાં લોકોના મનમાં પણ ચાલી જ રહ્યો છે. દિવાળી આવી અને આવી એવી જ ગઈ પણ ખરી...કંઈ અનુભવાયું જ નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી આવો અનુભવ આપણને થઇ રહ્યો છે. આ વખતે દિવાળીની રોનક થોડીક ફિકી પડી ગઈ હોય એવું અનુભવાયું. અલબત્ત એક સારી વાત એ જોવા મળી કે આ વર્ષે મુંબઈની દિવાળી શાંત દિવાળી હતી અને પરિણામે દિવાળીમાં અને દિવાળી બાદ જોવા મળનારા પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો. જોકે, આના ઘણાં કારણો છે, પણ આ બધા વચ્ચે સૌથી આનંદ પમાડે એવા સમાચાર એ જ છે કે મુંબઈગરા સમજદાર બન્યા છે અને પર્યાવરણ પ્રત્યે વધારે જાગરૂક બન્યા છે. એક સમય હતો કે જ્યારે દિવાળી એટલે ઘરમાં મમ્મીએ બનાવેલા નાસ્તા, ઘરના આંગણામાં પુરાયેલી રંગોળી અને સાંજે દીવાની રોશનીમાં નહાઈ ઉઠતું ઘર અને આંગણામાં કાન ફાટી જાય એટલા જોરથી ફોડવામાં આવતા ફટાકડાં પૂરતી જ સીમિત હતી. પણ હવે સમયની સાથે સાથે લોકોના વિચારો બદલાયા છે અને લોકો બદલાયા છે. ફટાકડાંને કારણે થતા ધ્વનિપ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ માનવીના આરોગ્ય માટે કેટલું જોખમી છે એની જાણ લોકોને થઈ રહી છે. એટલે જ લોકો ગ્રીન ક્રેકર્સ તરફ ઢળી રહ્યા છે. તો વળી અમુક જે પર્યાવરણપ્રેમીઓ છે એ લોકો ફટાકડાથી જ વિમુખ થઈ રહ્યા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતની દિવાળી છેલ્લાં ૧૫ વર્ષમાં મુંબઈમાં ઊજવવામાં આવેલી આ સૌથી શાંત દિવાળી હતી. આવું અમે નહીં, પણ આંકડાઓ કહી રહ્યા છે. દોઢ દાયકા કરતાં પણ વધારે સમયથી ધ્વનિપ્રદૂષણની સમસ્યા પર મુંબઈમાં કામ કરી રહેલા એક એનજીઓએ આપેલાં આંકડાઓ પર નજર નાખીએ તો ધ્યાનમાં આવે છે કે ફટાકડાઓનો અવાજ મંદ થયો છે. બહુ દૂર નથી જવું આપણે. આજથી નવ વર્ષ પહેલાંની જ વાત કરીએ તો ૨૦૧૦ સુધી ફટાકડાઓનો અવાજ એકદમ તીવ્ર હતો અને અમુક કિસ્સામાં તો આ અવાજ ૧૪૫ ડેસિબલની મર્યાદાને વટાવી જતો હતો, જ્યારે આ વર્ષેે રવિવારે દિવાળીના દિવસે મુંબઈમાં નોંધાયેલા ધ્વનિપ્રદૂષણનો આંકડો ૧૧૨.૩ ડેસિબલ જેટલો હતો. એનજીઓમાં કામ કરનારા વોલન્ટિયર્સના મતે ધ્વનિપ્રદૂષણમાં જોવા મળેલા ઘટાડા માટે લોકોમાં ધ્વનિપ્રદૂષણ અંગે આવેલી જાગરૂક્તા કારણભૂત હોઈ શકે છે. આ સિવાય આ વખતે દિવાળીમાં લોકોએ મોટો અવાજ કરનારા ફટાકડાઓને બદલે પાઉસ, સુરસુરિયા, રોકેટ, ચકરી જેવા ઓછો અવાજ કરનારા પણ વધારે રોનક ફેલાવનારા ફટાકડાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

પહિલી આંઘોળ એટલે કે દિવાળી અને લક્ષ્મીપૂજન બાદ ફોડવામાં આવનારા ફટાકડાને બદલે લોકોએ એકબીજાને ભેટ આપવાનું કે મીઠાઈ આપવાનું વધારે પસંદ કર્યું હતું. દિવાળીમાં છેલ્લાં કેટલાક વર્ષથી મુંબઈમાં મોટા અવાજવાળા ફટાકડાં ફોડવાનું અને આતશબાજી કરવાનું ચલણ જોવા મળતું હતું. આ સિવાય ચીની બનાવટના ફટાકડાઓએ પણ મુંબઈગરાને પોતાના મોહપાશમાં જકડી લીધા હતા. આ ફટાકડાની ખાસિયત એ હતી કે ઓછા પૈસામાં વધારે અવાજ અને વધારે રોશની ફેલાવતા હતા. એટલે લોકો સસ્તાં ચીની બનાવટના ફટાકડાં ખરીદતા હતા. જેની સરખામણીએ ગ્રીન ક્રેકર્સ થોડા મોંઘા અને તેની ઉપલબ્ધતા ઓછી જોવા મળે છે. ગણતરીની જગ્યા પર જ આ ગ્રીન ક્રેકર્સ જોવા મળે છે, આ પાછું આ ફટાકડાને કારણે ગજવું પણ વધારે હળવું થઈ જતું હતું.

આ પ્રકારના ફટાકડા ફૂટતા હોવાથી દિવાળીના દિવસે અને ત્યાર બાદના બે-ત્રણ દિવસ સુધી મુંબઈ, દિલ્હી સહિતના અન્ય મોટાં શહેરોની હવા એકદમ ઝેરીલી બની જાય છે. આવી પ્રદૂષિત હવામાં શ્ર્વાસ લેવો એ શહેરીજનોના આરોગ્ય માટે જોખમી પુરવાર થાય છે. હવાના પ્રદૂષણની સમસ્યા પર કામ કરી રહેલી અન્ય એક એનજીઓ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ પણ સંતોષજનક છે. ૨૦૧૬થી ૨૦૧૯ સુધી એમ ચાર વર્ષના દિવાળી દરમિયાન જોવા મળેલા હવાના પ્રદૂષણના આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮ એમ ત્રણેય વર્ષે નવા વર્ષના બીજા દિવસે હવાની ગુણવત્તા ખરાબથી અતિ ખરાબ દરજ્જાની હતી. ફાઈન પાર્ટિક્યુલેટ મેટર એટલે કે પીએમ ૨.૫નું પ્રમાણ ૨૦૧૬ અને ૨૦૧૭માં ૧૪૦થી વધારે જોવા મળ્યું હતું જ્યારે આ વર્ષે આ પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૧૯માં દિવાળી અને નવા વર્ષના બીજા દિવસે હવામાં પીએમનું પ્રમાણ ૬૦ જેટલું જોવા મળ્યું હતું. જે ખરેખર આપણા બધા માટે જ એક આનંદ આપનારી બાબત છે, એવું કહી શકાય.

ચાલો, હવા અને ધ્વનિપ્રદૂષણમાં જોવા મળેલાં ઘટાડા વિશે તો જાણી લીધું, પણ હવે આ પાછળના કારણો વિશે પણ થોડું મનોમંથન કરી જ લઈએ. આ ઘટાડા પાછળ એક કરતાં વધારે કારણો જવાબદાર છે. સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ એટલે લોકોમાં પર્યાવરણ પ્રત્યે આવેલી જાગરૂક્તા. બીજું કારણ એટલે આ દિવાળીના રંગમાં ભંગ પાડ્યો કમોસમી વરસાદે અને ત્રીજું અને છેલ્લું કારણ છે ફટાકડાની વધી ગયેલી કિંમત. સૌથી પહેલાં વાત કરીએ પહેલાં કારણ વિશે. લોકો હવે તેમની આસપાસના પર્યાવરણ વિશે જાગરૂક બની રહ્યા છે અને એથી જ આ વર્ષે ઘણા લોકોએ ક્રેકર્સ ફ્રી દિવાળી ઊજવવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત જે લોકોએ ફટાકડાં ફોડ્યા એ લોકોએ પણ ગ્રીન ક્રેકર્સ ફોડવાનો જ આગ્રહ રાખીને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી. મુંબઈની અલગ અલગ શાળાઓમાં પણ બાળકોને ફટાકડાંનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવાની સતત કરવામાં આવેલી ભલામણે પણ પોતાનું કામ કર્યું હતું.

આ સિવાય મુંબઈના અલગ અલગ વિસ્તારમાં એકદમ દિવાળીના સમયે નોંધાવેલી પોતાની હાજરી પણ લોકોમાં થોડી નિરાશા જગાવી ગઈ હતી અને તેને કારણે પણ મુંબઈમાં આ વર્ષે ફટાકડાં ઓછા ફૂટ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એટલે કે ફટાકડાંની કિંમતોમાં જોવા મળેલો વધારાને કારણે પણ આ વર્ષે મુંબઈગરાનું ફટાકડાં ખરીદવાનું બજેટ ખોરવવાનું કારણ બની હતી.

આ અંગે વાત કરતાં મુંબઈના એક રહેવાસી જણાવે છે કે ‘એક સમય હતો કે દિવાળી માટે હું રૂ. ૨૦,૦૦૦ના ફટાકડા ખરીદતો હતો, પણ વધતી જતી મોંઘવારીને કારણે હવે ફટાકડાં પણ મોંઘા બન્યા છે અને આ વર્ષે તો ફટાકડાનું બજેટ રૂ. ૫૦૦૦ હજાર જેટલું જ રાખવાની ફરજ પડી હતી. હવે આ મોંઘવારીના જમાનામાં ફટાકડા ખરીદવા માટે રૂ. ૫૦૦૦નું બજેટ ફાળવવું પણ પોષાતું નથી, પણ બાળકોના આનંદ ખાતર મોંઘા તો મોંઘા, ફટાકડા ખરીદવા પડે છે.’

એક તરફ મુંબઈમાં જ્યાં છેલ્લાં ૧૫ વર્ષની શાંત દિવાળી ઉજવાઈ હતી, ત્યાં બીજી બાજું દેશની રાજધાની દિલ્હી અને નોએડાની સ્થિતિ તો જૈસી થી વૈસી હી જોવા મળી હતી. દિવાળીના દિવસે એટલે કે રવિવારે દિલ્હીવાસીઓએ એકદમ ધામધૂમથી ફટાકડા ફોડ્યા અને તેની અસર બીજા દિવસે એટલે કે સોમવારે જોવા મળી. સોમવારે દિલ્હીની હવા એકદમ ઝેરીલી બની ગઈ હતી અને હવામાં પ્રદૂષણ ફેલાવનારાં તત્ત્વોનું પ્રમાણે અનુક્રમે ૩૦૬ અને ૩૫૬ જેટલું જોવા મળ્યું હતું. હવાની આટલી ખરાબ ગુણવત્તાએ નાગરિકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. અહીં માત્ર તમારી જાણ ખાતર હવામાં આ પીએમ ૨.૫ જ્યાં સુધી ૧થી ૧૦૦ હોય એ હવા શ્ર્વાસ લેવા માટે એકદમ આદર્શ માનવામાં આવે છે. જ્યારે આ પ્રમાણ ૧૦૦થી ૨૦૦ વચ્ચે પહોંચી જાય ત્યારની સ્થિતિ ચલાવી શકાય એવી ગણાય છે અને આ પ્રમાણ જ્યારે ૨૦૧થી ૩૦૦ વચ્ચે પહોંચી જાય છે ત્યારે સ્થિતિ ગંભીર બની જાય છે. એટલું જ નહીં જ્યારે આ પ્રમાણ ૩૦૧થી ૪૦૦નો આંકડો પાર કરી જાય ત્યારે તો પરિસ્થિતિ એકદમ જોખમી બની જાય છે.

ખૅર, કારણ જે કંઈ હોય તે, પણ આપણને તો એક જ વાતનો આનંદ છે કે મુંબઈગરો આખરે પોતાની આસપાસના પર્યાવરણ માટે જાગરૂક બનીને તેને નુકસાન ના પહોંચે એ માટે કામ કરી રહ્યો છે અને એનો અંદાજ તો આ વર્ષે દિવાળીમાં ધ્વનિ પ્રદૂષણ અને હવાના પ્રદૂષણમાં જોવા મળેલાં ઘટાડા પરથી જ જોવા મળે છે.

---------------------------

એક દિવાલી ઐસી ભી!

આ સિવાય આ વખતે મુંબઈગરાઓએ દિવાળીની ઊજવણી દરમિયાન ફટાકડા ફોડવા સિવાય બીજી સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરવાનું વધારે મુનાસિબ માન્યું હતું. સામાન્યપણે દિવાળીના દિવસે અને નવા વર્ષે મંદિરોમાં તો આપણે જતાં જ હોઈએ છીએ, પણ આ વખતે યુવાપેઢીએ પણ વડીલોના નક્શેકદમ ચાલવાનું વધારે પસંદ કર્યું હતું. મુંબઈમાં આવેલા અનેક પ્રસિદ્ધ મંદિરોમાં આ બંને દિવસોએ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં યુવાનોનું પ્રમાણ વધારે જોવા મળ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ ઉપરાંત સગાસંબંધીઓના ઘરે જઈને, જૂના મિત્રો અને બહેનપણીઓ સાથે મળીને અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ કે અન્ય કોઈ જગ્યાએ જઈને દિવાળીની ઉજવણી કરવાનું પણ યુવાનોએ પસંદ કર્યું હતું. આવી જ એક અનોખી ઊજવણી વિશે વાત કરતાં ૨૨ વર્ષીય ઈશાની જણાવે છે કે ‘આમ તો દરે વર્ષે દિવાળીમાં ફટાકડા ફોડવાનો જે આનંદ હું અને મારા મિત્રો લેતા જ હોઈએ છીએ, પણ આ વખતે અમે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું હતું. અમારી આખી ગેન્ગ મુંબઈના જ એક વૃદ્ધાશ્રમની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને આ વર્ષે દિવાળી તેમની સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું. મિઠાઈ, રંગોળી, રંગબેરંગી દીવડા અને લાઈટિંગ લઈને પહોંચી ગયા વૃદ્ધાશ્રમ. આખો દિવસ તેમની સાથે અલગ અલગ ગેમ્સ રમીને, સાંજના સમયે દીવા પ્રગટાવીને, લાઈટિંગ લગાવીને દિવાળીની ઊજવણી કરી. તમે નહીં માનો પણ ફટાકડાં ફોડીને જે આનંદ અમને ક્યારેય નહોતો એ આનંદ અમને ફટાકડાં ફોડ્યા વિના આ વર્ષે મળ્યો, અને અમારી હેપી દિવાળી ખરા અર્થમાં હેપી થઈ ગઈ. ’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k3k5bt
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com