31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાજનાથે ભારતીય પરંપરા નહીં અંધશ્રદ્ધાનું પ્રદર્શન કર્યું
એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત

રાફેલ ફાઈટર જેટના મુદ્દે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ફરી ઘમસાણ શરૂ થયું છે પણ આ વખતે ઘમસાણનું કારણ અલગ છે. નરેન્દ્ર મોદી સરકારે ફ્રાન્સની કંપની દસોં પાસેથી રાફેલ વિમાનો ખરીદવાનો સોદો કર્યો એ મુદ્દે લોકસભાની ચૂંટણી પહેલાં ભારે દંગલ થયેલું પણ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ભૂંડી રીતે હારી ગઈ એ સાથે જ એ મુદ્દાની ભૂંગળી વળી ગઈ ને અભરાઈ પર ચડી ગઈ. રાફેલ સોદા અંગે હવે રાજકીય ધમાસાણ ખતમ થઈ ગયું છે ને બુધવારે તો રાફેલ વિમાનને સત્તાવાર રીતે ઈન્ડિયન એરફોર્સમાં સમાવી પણ લેવાયું. આપણે દસોં એવિએશન પાસેથી કુલ ૩૬ વિમાનો ખરીદવાના છીએ ને ચાર વિમાનની પહેલી બેચ જૂન ૨૦૨૦માં ભારત આવશે પણ એ પહેલાં ઔપચારિક રીતે રાફેલ વિમાનોનો એરફોર્સમાં સમાવવાની વિધિ બુધવારે પતાવી દેવાઈ. આ વિધિ પતતાં જ હવે રાફેલ વિમાન આપણા એરફોર્સનો હિસ્સો બની ગયાં છે.

બુધવારે દશેરાનો સપરમો દાડો હતો તેથી દશેરાએ જ રાફેલનો સમાવેશ ભારતીય વાયુદળમાં કરવાની વિધિ પતાવાય એવો તખ્તો ગોઠવાયેલો. આ વિધિ પતાવવા આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ફ્રાન્સમાં પધરામણી કરી છે. બુધવારે પેરિસમાં રાજનાથને સત્તાવાર રીતે રાફેલ વિમાન અપાયું ને આ વિધિ પૂરી કરાઈ. આ એક ઔપચારિકતા જ હતી તેથી તેમાં કોઈને વાંધો પડે કે ઘમસાણ થાય એવું કશું નહોતું પણ આ વિધી પહેલાં રાજનાથે જે કંઈ કર્યું તેના કારણે ધમાસાણ મચ્યું છે.

રાજનાથે રાફેલ વિમાનનો ભારત તરફથી સ્વીકાર કરતાં પહેલાં શસ્ત્રપૂજા કરી. આપણે ત્યાં દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા છે. દશેરા આપણે ત્યાં વિજયાદસમી પણ કહેવાય છે કેમ કે એ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. આ કારણે વિજયાદસમીના તહેવારને વીરતા સાથે જોડીને શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા છે. રાજનાથે એ પરંપરા પ્રમાણે શસ્ત્રપૂજા તો કરી જ પણ એ પછી તેમણે એવી જાત જાતની વિધિઓ કરી કે જેના કારણે બધાં અચંબામાં પડી ગયાં. રાજનાથે રાફેલ વિમાન પર ઓમ લખીને તેના પર અક્ષત એટલે કે આખા ચોખા ને કંકુ લગાવ્યાં. વિમાન પર નાડાછડી બાંધી ને નાળિયેર પણ ફોડ્યું. બાકી હતું તે તેમણે રાફેલ વિમાનના બે પૈડાંની નીચે લીંબુ મુકાવડાવ્યાં. રાજનાથે પછી રાફેલ વિમાનમાં આંટો પણ માર્યો. એ વખતે વિમાનનાં પૈડાં લીંબુને કચડીને આગળ વધે એ માટે રાજનાથે આ ગોઠવણ કરાવડાવેલી.

રાજનાથે જે કંઈ કર્યું તેની સામે કૉંગ્રેસે વાંધો લીધેલો. કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજનાથની શસ્ત્રપૂજાને તમાશો ગણાવીને ટીકા કરી. ખડગેના કહેવા પ્રમાણે તો, રાફેલ વિમાન સારાં છે કે ખરાબ તે નક્કી કરવાનું કામ એરફોર્સના અધિકારીઓનું છે ત્યારે તેમને રાફેલ વિમાન લેવા મોકલવા જોઈએ. એ લોકો વિમાનમાં બેસે ને વિમાનની ગુણવત્તા અંગે નક્કી કરે એવું થવું જોઈએ પણ તેના બદલે આ તો કેન્દ્રના પ્રધાન ઊપડી ગયા ને તમાશો કરીને વિમાનમાં બેસી ગયા. અમે બોફોર્સ તોપ સહિત ઘણું બધું ખરીદ્યું પણ કદી આવો તમાશો નહોતો કર્યો ને હંમેશાં લશ્કરી અધિકારીઓને જ મોકલેલા. ખડગેએ તો આક્ષેપ કર્યો કે, ભાજપ સરકારને રાફેલ સારાં છે કે નહીં તેમાં કોઈ રસ નથી. તેમને તો રાફેલ ભારતને મળ્યું એ અવસરનું ભગવાકરણ કરીને રાજકીય ફાયદો મેળવવામાં રસ છે.

ખડગેના આક્ષેપો સામે બુધવારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ મેદાનમાં આવી ગયા. શાહે કૉંગ્રેસની ધોલાઈ કરીને રાજનાથનો બચાવ કર્યો. શાહના કહેવા પ્રમાણે, રાજનાથસિંહે ભારતીય પરંપરા પ્રમાણે જ શસ્ત્રપૂજા કરી હતી કેમ કે વિજયાદસમીએ શસ્ત્રપૂજા કરવાની આપણી પરંપરા છે. શાહે તો સલાહ પણ આપી કે, કૉંગ્રેસે ક્યા મુદ્દે વિરોધ કરવો ને ક્યા મુદ્દે ના કરવો તેમાં અક્કલ વાપરવાની જરૂર છે. આ મુદ્દે ભાજપ ને કૉંગ્રેસના બીજા નેતા પણ મચી પડ્યા છે. તેના કારણે રાફેલ મુદ્દે કોઈએ ધાર્યું ના હોય એવું ઘમસાણ જામ્યું છે.

આ ઘમસાણના કારણે આ આખી વાતમાં મૂળ મુદ્દો બાજુ પર રહી ગયો છે. મૂળ મુદ્દો રાજનાથે જે કંઈ કર્યું તે દેશના સંરક્ષણ મંત્રી તરીકે બરાબર છે કે નહીં તેનો છે અને લશ્કરના ગૌરવનો પણ છે. રાફેલ વિમાન કે લશ્કરને મળતો કોઈ પણ શસ્ત્ર-સરંજામ ચકાસવાની જવાબદારી લશ્કરી અધિકારીઓની છે કેમ કે તેમાં તેમને જ ખબર પડે, રાજનાથસિંહને કે બીજા કોઈ પ્રધાનને તેમાં કંઈ ખબર ના પડે. રાજનાથસિંહ તો ફ્રાન્સના અધિકારી વિમાન ચલાવતા હોય ત્યારે ઠોયાની જેમ બાજુ પર બેસી રહેવા સિવાય કશું કરી જ ના શકે કેમ કે તેમને તેમાં સાંધાની સૂઝ પડવાની નથી. એ રાફેલ વિમાનમાં બેસે કે પછી વૈષ્ણોદેવી જતા પવનહંસના હેલિકોપ્ટરમાં બેસે, તેમને કોઈ ફરક પડવાનો નથી.

રાજનાથ ફ્રાન્સ રાફેલ વિમાન લેવા માટે ગયા તેમાં કશું ખોટું નથી પણ એ ગૌરવ કોઈ લશ્કરી અધિકારીને મળવું જોઈતું હતું. આપણને જે પહેલું રાફેલ વિમાન મળવાનું છે તેનું નામ આરબી-૧ છે અને આ નામકરણ આપણા એરફોર્સના વડા એર ચીફ માર્શલ રાકેશસિંહ ભદૌરિયાના નામ પરથી કરાયું છે. રાફેલ વિમાનની ટેકનિકલ બાબતોની ચકાસણી કરવાની જવાબદારી તેમના માથે હતી ને તેના આધારે જ ભારતે આ સોદો કર્યો. તેના કારણે તેમના નામ સાથે પહેલા રાફેલ વિમાનને જોડીને તેમને સન્માન અપાયું. રાફેલ વિમાનનો એરફોર્સમાં સમાવેશ કરવાની જવાબદારી પણ એર ચીફ માર્શલ જેવા જ કોઈ લશ્કરી અધિકારીને સોંપાઈ હોત તો એરફોર્સનું ગૌરવ વધ્યું હોત.

કૉંગ્રેસ વિરોધ પક્ષમાં છે તેથી તેને ભાજપ સરકારનાં બધાં કામ સામે વાંધો પડે જ. એ કારણસર તેણે આ મુદ્દો ઉઠાવ્યો હોય તો પણ તેની વાત સાચી છે. આ ગૌરવ કોઈ લશ્કરી અધિકારીને જ મળવું જોઈતું હતું. અત્યારે કેન્દ્રમાં મોદીજીની સરકાર છે ને તેમને કોને આ સન્માન આપવું એ નક્કી કરવાનો અધિકાર છે. કોઈ લશ્કરી અધિકારીના બદલે સંરક્ષણ મંત્રીને આગળ કરવાનું તેમણે નક્કી કરીને પોતાનો અધિકાર વાપર્યો. એ રીતે રાજનાથને આગળ કરીને મોદી સરકારે કાયદેસર રીતે કશું ખોટું કર્યું નથી પણ જેનો હક છે તેને એ સન્માન ના મળ્યું તેનો ખટકો જરૂર થાય.

જ્યાં સુધી રાજનાથે રાફેલનો ભારતીય વાયુદળમાં સમાવેશ પહેલાં જે કંઈ કર્યું એ ભારતીય પરંપરા પ્રમાણે છે કે નહીં એ વાતનો સવાલ છે, તેને તમાશો જ કહેવાય. અમિત શાહે આખી વાતને વિજયાદસમી અને શસ્ત્રપૂજા સાથે જોડીને તેને ભારતીય પરંપરાનો ભાગ ગણાવ્યો પણ રાજનાથે માત્ર શસ્ત્રપૂજા નથી કરી. રાજનાથે બીજું પણ ઘણું કર્યું ને એ બધાને ભારતીય પરંપરામાં ના ખપાવી શકાય. બીજું એ કે, ભારતમાં વિજયાદસમીએ શસ્ત્રપૂજાની પરંપરા છે પણ એ હિંદુઓના ચોક્કસ વર્ગની પરંપરા છે, તમામ લોકોની નહીં.

જો કે શસ્ત્રપૂજામાં તો કશું વાંધાજનક નથી પણ રાજનાથે બીજું જે કંઈ કર્યું એ નરાતર અંધશ્રદ્ધા છે ને તેને ભારતીય પરંપરા સાથે જોડવી એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન છે. અમિત શાહે કઈ ભારતીય પરંપરાનો અભ્યાસ કર્યો તેની ચોખવટ તો એ કરે ત્યારે જ ખબર પડે પણ ઓમ લખવું કે નાડાછડી બાંધવી એ ભારતીય પરંપરા ના કહેવાય. એ બધાં ધર્મના નામે ઘૂસેલાં વિધિવિધાન છે. આ તૂતને ભારતીય પરંપરા ના ગણી શકાય. હદ તો એ થઈ ગઈ કે, રાજનાથે વિમાનના પૈડા નીચે બે લીંબુ મુકાવીને તેના પરથી વિમાનનાં પૈડાં પસાર કરાવડાવ્યાં. લીંબુ કચડવાથી બધું સારું થશે એવું ક્યા વેદમાં લખ્યું છે તેના પર ભારતીય પરંપરાના આ નિષ્ણાતો પ્રકાશ પાડશે તો એ હિંદુત્વની બહુ મોટી સેવા ગણાશે.

રાજનાથે આ લીંબુ મૂકવાના ને એવા બધા જે તમાશા કર્યા તેના કારણે ખરેખર તો આપણે લાજવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને પોતાની માન્યતાઓ રાખવાનો અધિકાર છે. રાજનાથને પણ એ અધિકાર છે જ. ઓમ લખવાથી કે પૈડાં નીચે લીંબુ કચડવાથી બધાં વિઘ્ન દૂર થઈ જાય એવી માન્યતા તેમને હોય તો તેની સામે કોઈને વાંધો નથી પણ એ પેરિસ રાજનાથસિંહ તરીકે નહીં પણ આ દેશના સંરક્ષણ મંત્રી તરીકે ગયા હતા. એ સંજોગોમાં તેમણે અંગત માન્યતાઓને બાજુ પર મૂકીને આ દેશના પ્રતિનિધિ તરીકે વર્તવાનું હોય. આપણી નાનકડી ચેષ્ટાથી દેશની ઈજ્જતનો ફાલુદો ના થાય એ જોવાનું હોય. તેના બદલે તેમણે તો આ દેશ અંધશ્રદ્ધાળુઓનો છે ને લીંબુ-નાડાછડીથી હજુ આગળ વધ્યો નથી તેવી છાપ ઊભી કરી દીધી.

તકલીફ એ છે કે, આ દેશની યુવા પેઢી આ વાત સમજે છે પણ જેમના હાથમાં દેશનું ભાવિ છે એ બધા સમજતા નથી. યુવા પેઢી દ્વારા સોશિયલ મીડિયા પર રાજનાથની મજાક ઉડાવાઈ રહી છે ને અમિત શાહ રાજનાથનો બચાવ કરે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

j430M48F
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com