3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કેરળની ક્ધયાનું કૌશલ

ફોકસ-કલ્પના મહેતા‘પેટ કરાવે વેઠ’ અને ‘ગરજ ન જુએ નોકરી’ એ બે વાત આપણા જીવનમાં એકદમ વણાઇ ગઇ છે. અચાનક પરિવારની રોજીરોટીની જવાબદારી શિરે આવી પડે ત્યારે કામ કેવું છે કે પૈસા કેટલા મળે છે કે પછી કામના પ્રમાણમાં પૈસા બરાબર છે ખરા જેવા સવાલો ઊભા નથી થતા. જો આ સવાલો જન્મે તો એને ઊગતા જ ડામી દેવામાં આવે છે. કેરળની ક્ધયાનું ઉદાહરણ આ દલીલને સમર્થન આપનારું છે. એ જાણ્યા પછી તમને અચરજ તો થશે જ અને જો તમે સંવેદનશીલ વ્યક્તિ હશો તો સાથે સાથે તમારું હૈયું પણ ભરાઇ આવશે. બે ટંકના રોટલા એ મનુષ્ય જીવનની પાયાની જરૂરિયાત છે. એ રોટલા ભેગા થઇ શકાય એટલું કમાવું જીવનની અત્યંત આવશ્યક બાબત છે. સાક્ષરતા દરમાં નંબર વનનું સ્થાન ધરાવતા કેરળ રાજ્યના ક્ધનુર જિલ્લાના પન્નીયોડ ગામમાં રહેતી ૩૩ વર્ષની સી. શીજા પોતાનો પરિવાર બે ટંક કંઇક પેટમાં નાખી શકે એ માટે આકરી નોકરી કરે છે. એવી નોકરી જે મોટે ભાગે પુરુષો કરતા હોય છે, પણ આગળ કહ્યું એમ પેટ કરાવે વેઠ એ નાતે કેરળની આ મહિલા જવાબદારી ઉપાડવાના મક્કમ ઇરાદા સાથે કામ કરી રહી છે. એવું તો વળી એ શું કામ કરે છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. શીજા બહેન તાડના ઝાડ પર ચડીને તાડી કાઢવાનું કામ કરે છે. રોજના આઠ વૃક્ષ પર ચડીને તાડી કાઢવા માટે આ મહિલાને ૩૫૦ રૂપિયા વળતર પેટે મળે છે. જાણવા જેવી વાત એ છે કે તાડી કાઢવાનું કામ કરનારી એ કેરળની એકમાત્ર ક્ધયા છે. આ કામ શારીરિક રીતે હંફાવનારું અને થકવી દેનારું છે. વળી આ સ્પેશ્યલાઇઝ્ડ કામ છે. એટલે ઝાડ પર કેમ ચડવું અને તાડી કેમ કાઢવી એ કામ તેણે ખૂબ મહેનત કરીને શીખી લીધું હતું.

અગાઉ શીજાનો પતિ જયકુમાર તાડી કાઢવાનું જહેમતભર્યું કામ કરતો હતો. કમનસીબે એ માર્ગ અકસ્માતમાં તેને ઇજા થવાથી વૃક્ષ પર ચડવું તેને માટે અસંભવ બની ગયું. પરિણામે એ કામ વગરનો થઇ ગયો. હવે બે ટંકના રોટલાના ફાંફાં પડવા લાગ્યા. બીજું કોઇ કામ આવડતું નહોતું અને વિકલ્પ દેખાતો નહોતો એટલે શીજાએ ‘અપના હાથ જગન્નાથ’ સૂત્ર અપનાવીને પતિનું કામ શીખવાનું અને એ શીખીને રોજીરોટી રળવાનો નિર્ધાર કરી લીધો. એવામાં એક અનિષ્ટનો સામનો કરવો પડ્યો. શીજાનો ભાઇ વૃક્ષ પર ચડીને કામ કરતા કરતા અચાનક નીચે પડ્યો અને એનું અવસાન થયું. આ વાત જણીને જયકુમારને પત્નીની સલામતીની ચિંતા થઇ. એટલું જ નહીં, જો પત્નીને આ કામ કરવા મોકલશે તો સમાજના લોકો કેવી કેવી વાતો કરશે એની ચિંતા તેને થવા લાગી. જોકે, શીજાને પૂર્ણ આત્મવિશ્ર્વાસ હતો. એની એક જ દલીલ હતી કે તાડના ઝાડ પર ચડવાની આવડત એના લોહીમાં વણાયેલી છે. એટલે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

છેવટે બધી વાત જયકુમારના ગળે ઊતરી ગઇ. હવે વૃક્ષ પર કઇ રીતે ચડવું એ પત્નીને કઇ રીતે શીખવવું એ મોટો પડકાર એની સામે હતો. સૌપ્રથમ તેણે ટૂંકી ઊંચાઇના વૃક્ષો એને તાલીમ આપવા માટે પસંદ કર્યા. એ શરૂઆતના દિવસોને યાદ કરીને જયકુમાર જણાવે છે કે ‘કામ મુશ્કેલ હતું. ઘણી વાર એ અશક્ય કામ પડતું મૂકવાની ઇચ્છા થઇ આવતી હતી. જોકે, અમારી સામે કોઇ વિકલ્પ નહોતો.’ હિંમત ભેગી કરીને પતિ-પત્ની આગળ વધ્યા અને એક દિવસ એવો ઊગ્યો જ્યારે શીજા ઝાડ પર સડસડાટ ચડી ગઇ. હા, શરૂઆતમાં સમાજ તરફથી આંગળી ચિંધાણી, ગુસપુસ થઇ, પણ બેઉ જણ મક્કમ રહ્યા. મહેનત અને લગનથી શીજા આજની તારીખમાં નિષ્ણાત બની ગઇ છે. બીજી એક મહત્ત્વની વાત એ છે કે આબોહવા બદલાઇ જવાને કારણે તાડના ઝાડમાંથી મળતી તાડીની માત્રા આઠ લિટરમાંથી ઘટીને પાંચ લિટર પર પહોંચી ગઇ છે.

આ નવું કામ અને નવી જવાબદારી શીજાના જીવનમાં એકદમ વણાઇ ગયા છે. સવાર પડે એટલે શીજાદેવી પાળેલા શ્ર્વાન સાથે કામ પર જવા નીકળે છે. શ્ર્વાન એની પાછળ પાછળ પૂંછડી પટપટાવતો જાય છે. તાડી કાઢવાનું કામ પૂરું થાય એટલે આ મહિલા બીજા કામની તલાશમાં નીકળે છે. આમાં એક નાનકડી પણ મહત્ત્વની વાત પર ધ્યાન એ દોરે છે. માસિકના દિવસો દરમિયાન એ વૃક્ષ પર નથી ચડતી. ‘મુથપ્પન દેવ પ્રત્યેના આદરને કારણે હું એ દિવસો દરમિયાન કામ કરવાનું ટાળું છું,’ શીજા કહે છે. આ દેવને તાડી પ્રસાદ તરીકે ચડાવાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k712It7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com