3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માતાથી ઓટો-ડ્રાઈવર સુધીની સફર

પ્રાસંગિક-મૌસમી પટેલએક સ્ત્રી જેટલી કોમળ એટલી જ કઠોર, જેટલા ઋજુ હૃદયની અને સાથે જ વજ્ર જેવા હૃદયની સ્વામિની પણ. આજે આપણે એક એવી જ મહિલા વિશે વાત કરીશું જેણે જિંદગીની તમામે મુશ્કેલીઓ સામે લડી લેવાનું નક્કી કર્યું અને એના માટે તેને જે પણ કંઈ કરવું પડ્યું એ કરવાની એની પૂરેપૂરી તૈયારી પહેલાંથી જ હતી. હવે ચોક્કસ જ તમને મનમાં સવાલો થઈ રહ્યા હશે કે આખરે એવું તે શું કર્યું હશે આજની આપણી રિયલ લાઈફ મર્દાનીએ? કોણ છે આ? ક્યાં રહે છે આ ભારતની શેરની? બટ, થોડા ધીરા પડશો તો તમારા આ બધા સવાલોના જવાબ આપવા તો આવ્યા છીએ અમે. આજની આપણી સ્ટોરીની હીરોને મળવા માટે આપણે નોર્થ ઈન્ડિયામાં આવેલા મણિપુરના પન્ગેં બાઝાર ઓટો સ્ટેન્ડ પર પહોંચવું પડશે.

પચાસ વર્ષીય લાઈબી ઓઈનમ શર્ટ અને ટ્રેકપેન્ટ પહેરીને રિક્ષામાં પોતાની સવારીની રાહ જોતા જ જોવા મળશે, અને આ તેમનું એક દિવસનું નહીં પણ રોજનું કામ છે. આજે સમાજમાં, સ્થાનિકોમાં લાઈબીને જે આદર અને સન્માન મળી રહ્યું છે એ મેળવવા માટે લાઈબીએ ખૂબ લાંબી સફર ખેડી છે. પણ આજથી આઠ વર્ષ પહેલાં જ્યારે લાઈબી પહેલી વખત ઓટો રિક્ષાની ફ્રન્ટ સીટ પર બેઠા હતાં ત્યારે પરિસ્થિતિ એકદમ અલગ હતી. એ વિશે વાત કરતાં જણાવે છે કે ‘પહેલાં તો લોકો મને રિક્ષા ચલાવતી જોતા તો હસતાં અને એ લોકોએ મને મહેણાં મારવામાં પણ કોઈ કમી બાકી નહોતી રાખી. ખરું કહું તો મને ખૂબ જ અપમાનજનક લાગતું આ બધું. પણ મારી પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ત્યાં હતો?’ તમને જાણીને નવાઈ લાગશે કે લાઈબી એ મણિપુરનાં પહેલાં મહિલા રિક્ષા ડ્રાઈવર છે.

જોકે, કાળી મજૂરી કરવાનો લાઈબીનો આ પહેલો અનુભવ નહોતો. તેમણે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું એ પહેલાં તેઓ ઈંટ બનાવવાની ભઠ્ઠીમાં કામ કરતાં હતા અને એ પણ દિવસ-રાત. બે દીકરા સહિતના ચાર જણના પરિવારને પોષવા માટે લાઈબીની આટલી મહેનત તો કરવી જ પડવાની હતીને? મહેનત કરવામાં પાછળ વળીને નહીં જોનારા લાઈબીની જિંદગીમાં હજી વધુ મુશ્કેલીઓ રાહ જોઈની બેઠી હતી. અચાનક જ લાઈબીના પતિને સિવિયિર ડાયાબિટીસ હોવાનું નિદાન થયું અને ડૉક્ટરોએ તેને પૂર્ણપણે બેડરેસ્ટ કરવાનું જણાવ્યું અને આ ઘટના બાદ જ લાઈબી ઘરનાં એક માત્ર કમાવનાર સભ્ય બની ગયા.

પહેલાં તો લાઈબી અને તેના પતિએ એક રિક્ષા ખરીદીને તેને ભાડા પર ચલાવવા આપવાનું નક્કી કર્યું. પણ બે વર્ષ અને પાંચ બેજવાદાર ડ્રાઈવરને કારણે દંપતિએ કરેલું રોકાણ નુકસાનમાં પરિવર્તિત થવા લાગ્યું. આ ઉપરાંત ૨૦૧૧-૧૨માં મણિપુર પણ આર્થિક મંદીનો સામનો કરી રહ્યું હતું અને તેને કારણે લાઈબીની માટે પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ. હવે લાઈબીએ કોઈક એવું પગલું લેવાનું હતું જે તેને અને તેના પરિવારને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવી શકે અને આ જ એ સમય હતો કે તેમણે એક એવો નિર્ણય લીધો કે જેના વિશે તેમણે કે બીજા કોઈએ સપનામાંય નહીં વિચાર્યું હોય. શું હતો લાઈબીનો આ ચોંકાવનારો નિર્ણય, આવો સાંભળીએ એમના જ મોઢે.

‘મેં અમે જ ખરીદેલી રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું. આમ તો મણિપુરમાં મહિલાઓ પુરુષોની સાથે ખભેખભા મિલાવીને ચાલવામાં જ માને છે. પણ તેમ છતાં ય મહિલા ઓટો ડ્રાઈવર એ મણિપુર માટે હજી સ્વીકારી ન શકાય એવી બાબત હતી. લોકોએ મારી સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો અને કેટલાક ‘બહાદુર’ અને ‘સમાજપ્રેમી’ લોકોએ તો મને આ પ્રોફેશન છોડીને મહિલાઓને છાજે અને મહિલાઓ કરી શકે એવા કામો કરવાની મુલ્યવાન શિખામણ પણ આપી. એટલું જ નહીં પણ ઘણી વખત તો મને ટ્રાફિક પોલીસની હેરાનગતિનો સામનો પણ કરવો પડતો. તેઓ મને ઘણી વખત તો કારણ વિના દંડ કરતાં. મને યાદ છે એક વખત મેં સિગ્નલ તોડ્યું, કારણ કે એક પ્રવાસી મારી રાહ જોઈ રહ્યો હતો ત્યાં. ટ્રાફિક પોલીસે મારી રિક્ષાને તો નુકસાન પહોંચાડ્યું જ પણ એની સાથે સાથે જ તેમણે મારી સાથે પણ માર-પીટ કરી.’ દુ:ખની લાગણી સાથે જણાવે તેઓ.

એક બાજું સમાજ સાથે લડી રહેલી લાઈબી ઘરે પોતાના જ પરિવાર સાથે પણ લડી રહી હતી. તેમનો દીકરો જ માતાના રિક્ષા ચલાવવાના નિર્ણયને કારણે શરમ અનુભવી રહ્યો હતો. આટલું ઓછું હોય તો બીમારીને કારણે દારુના રવાડે ચઢી ગયેલો તેમનો પતિ પણ તેમની સાથે ગાળા-ગાળી અને મારપીટ કરતો હતો. પણ હારવાનું કે કોઈના રોક્યા રોકાઈ જવાનું તો લાઈબી શિખ્યા જ નહોતા. શાળામાં જતાં લાઈબીના બાળકો કે જેના માટે તેઓ આટલો પરિશ્રમ કરી રહ્યા હતા એ બાળકો પણ લોકોની વાતોમાં આવીને તેને નફરત કરતાં થઈ ગય.

‘ભલે મારા દીકરા મારા મારા પ્રોફેશનને કારણે શરમ અનુભવતા હોય પણ મારું તો એક જ લક્ષ્ય હતું. ગમે તે ભોગે મારે મારા દીકરાઓને સારું ભણતર આપવું હતું, જેથી તેઓ સારું જીવન જીવી શકે. પેલુ કહે છે ને કે જીવનમાં તડકા પછી છાંયડો આવે જ છે, આવું જ કંઈક થયું મારી સાથે પણ. ૨૦૧૧માં સ્થાનિક ફિલ્મ નિર્માતા મીના લૉંગ્જાઈમની નજર મારી પર પડી અને ઘરના કામકાજ, બીમાર પતિની દેખરેખ સાથે જીવન નિર્વાહ કરનારી એક મહિલાનો સંઘર્ષ તેમના હૃદયને સ્પર્શી ગયો. તેમણે મારા જીવન પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. જેને ૨૦૧૫માં નેશનલ એવૉર્ડ મળ્યો હતો. બીજા શબ્દોમાં કહું તો આ ફિલ્મ જ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મે જ લોકોના મારા તરફ જોવાના તેમના દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું. આ ફિલ્મ જોયા બાદ જ લોકો મને માનભરી નજરે જોવા લાગ્યા એટલું જ પોલીસ પણ મને સલામ કરવા લાગ્યા તેમ જ મારા કામને બિરદાવવા લાગ્યા.’ એવું વધુમાં જણાવે છે લાઈબી.

એક સમયે જે લોકો લાઈબીની મજાક ઉડાવતાં હતા એ જ લોકો આજે લાઈબીની પ્રશંસા કરતાં થાકતા નથી અને તેમને શક્ય એટલી મદદ કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ બાદ જ લાઈબીની કમાણીમાં વધારો થયો અને તેમણે નવી રિક્ષા ખરીદી તેમ જ ઘર બનાવવા માટે લોન પણ કઢાવી. તેમના દીકરાઓ પણ તેમના કામને કારણે શરમ અનુભવવાને બદલે ગર્વની લાગણી અનુભવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં લાઈબીનો મોટો દીકરો ગ્રેજ્યુએશન કરી રહ્યો છે અને આગળ જતાં તેને આઈએએસ ઓફિસર બનવું છે. જ્યારે નાનો દીકરો હાલમાં જ ચંડીગઢમાં આવેલી એક પ્રસિદ્ધ ફુટબોલ એકેડેમીમાં એડમિશન લઈને તાલીમ લઈ રહ્યો છે.

લાઈબી જેવી મહિલાઓ દેશભરની મહિલાઓ માટે પ્રેરણા સમાન છે. લાઈબી પાસેથી જ પ્રેરણા લઈને મણિપુરમાં અન્ય ત્રણ મહિલાઓએ પણ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું છે. દુનિયામાં કોઈ કામ નાનું કે મોટું નથી, બસ કંઈક પામવાની કે હાંસિલ કરવાની ઈચ્છાશક્તિ હોવી જોઈએ.

---------------------

મણિપુરની પહેલી રિક્ષા ડ્રાઈવર લાઈબી ઓઈનમ (જમણેથી બીજી) અને તેના પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનાર મીના લૉંગ્જાઈમ (ડાબેથી બીજી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0tnfd68p
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com