28-January-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મધર મિલ્ક બૅંકનું દૂધ સારું કે પછી માતાનું?

કેતકી જાનીમધર મિલ્ક બૅંકનું દૂધ સારું કે પછી માતાનું?

સવાલ: તમે ગયા અઠવાડિયે ‘મધર મિલ્ક બૅંક’ વિશે વાત કરી હતી, ત્યાં મળતું માતાનું દૂધ શું ખરેખર બાળક માટે સલામત હોય છે? આમ તો કહેવાય છે કે દૂધ જલદી બગડી જાય અને શિશુને ડાયરેક્ટ છાતીએ વળગાડીને જ દૂધ આપવું હિતકર છે, તો આ દૂધ હકીકતે શું હોય છે? સાચે માતાઓનું દૂધ કે પાવડરનું દૂધ? માતાના દૂધ જેટલું જ વિશ્ર્વાસપાત્ર ગણાય?

--------------------

જવાબ

બહેન ‘મધર મિલ્ક બૅંક’ એક નવો જ કૉન્સેપ્ટ છે. દુનિયાભરમાં નવજાત શિશુઓના સ્વાસ્થ્ય સુધાર અને સ્તનપાનને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. આમ છતાં વિશ્ર્વ બૅંકના રિપોર્ટ અનુસાર ભારતમાં માનું દૂધ ના મળવાથી થતો નવજાત શિશુ મૃત્યુદર ઘણો ઊંચો છે. ‘મધર મિલ્ક બૅંક’ આ મૃત્યુદરને ઓછો કરવાની દિશામાં પહેલ છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ જેવાં રાજ્યોમાં અમુક જગ્યાએ તેમ જ ચેન્નઈ, દિલ્હીમાં પસંદગીની જગ્યાએ હ્યુમન મિલ્ક બૅંકે ‘બ્રેસ્ટ મિલ્ક ફાઉન્ડેશન’ સાથે મળીને આ સેવા શરૂ કરી છે. જેનાં કેન્દ્રો ક્રમશ: ભારતભરમાં દિનપ્રતિદિન વધશે જેથી નવજાત શિશુ માટે જે સંપૂર્ણ આહાર ગણાય છે તેના થખી તેના મૃત્યુમુખી થવાનો ભય ઓછો થાય. આ બૅંકમાં માતાઓ તરફથી પોતાનું ધાવણ દાન કરવામાં આવે છે. બૅંકનું પ્રતિનિધિમંડળ ધાવણ દાન કરવા ઈચ્છુક સ્ત્રીઓનું સૌપ્રથમ સંપૂર્ણ મેડિકલ ચૅકઅપ કરે છે. તે બધાં જ પરીક્ષણોમાં ખરી ઊતરે તો જ તેનું દૂધ બૅંક માટે સ્વીકાર કરાય છે. આમ નિરોગી મહિલાઓ તરફથી મળેલું દૂધ માઈન્સ ૨૦ ડિગ્રી ટેમ્પરેચરમાં સ્ટોર કરી દેવામાં આવે છે. આ દૂધ છ મહિના સુધી ખરાબ નથી થતું. આનંદની વાત એ છે કે ઘણી બધી સ્ત્રીઓ સ્વેચ્છાથી ઉમળકાભેર આ ધાવણ દાન કરે છે, જેથી અન્ય કોઈ સ્ત્રીના બાળકનું પેટ ઠરે.

જે સ્ત્રીઓમાં બાળજન્મ બાદ કોઈ બીમારી હોય છે તેનું ધાવણ દૂષિત હોવાથી બાળકને આપી ના શકાતું હોય, કોઈ સ્ત્રીની છાતી બાળજન્મ બાદ સુકાઈ ગઈ હોય અને કોઈ સ્ત્રીનું ધાવણ બાળકને પૂરતું ના હોય તેવી સ્ત્રીઓના શિશુઓ માટે આ ધાવણ દાન કરનારી સ્ત્રીઓનું દૂધ વરદાન સ્વરૂપ હોય છે. આમ મધર મિલ્ક બૅંકનું દૂધ પાવડરનું નથી હોતું, પરંતુ રિઅલ હ્યુમન મધરનું જ હોય છે. ઉપરાંત તે સંપૂર્ણ મેડિકલ ચકાસણી બાદ લેવાયેલું અને હાઈજિન રીતે સંગ્રહાયેલું હોવાથી કોઈ પણ કારણે માનું ધાવણ ના પામી શકનારા બાળક માટે સલામત અને જીવનદાન આપનારું છે, પરંતુ ડાયરેક્ટ છાતીએ વળગાડી અપાતા ધાવણની સરખામણી તો તેની સાથે ના જ કરાય, અસ્તુ.

------------------

સંયુક્ત કુટુંબના ભાર અને ત્રાસનો ગુસ્સો માસૂમ દીકરી પર ઊતરે છે

સવાલ: અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. હું સૌથી નાની. મોટા બે જેઠાણી છે. બંને ઘરે હોય છે. હું સર્વિસ કરું છું. હું સૌથી નાની. પ્રોબ્લેમ એ છે કે આખો દિવસ પાંચ વર્ષની દીકરી ઘરે હોય તેને લીધે અવારનવાર મારા જેઠાણી ઝઘડા કરે છે. તેની દીકરીને મારી દીકરીએ માર્યું ને આમ-તેમ કર્યું. મારા પતિ વધુ કમાતા નથી અને બંને જેઠ સારું કમાય છે. હું સવારે બધી રસોઈ કરું, સાંજે આવી પણ રસોડામાં. આખો દિવસ પગવાળી બેસવા નથી પામતી, છતાં કકળાટ જ હોય કાયમ. આ બધો ગુસ્સો મારી દીકરી પર ઊતરે છે. મારે શું કરવું? ક્યારેક થાય છે ઊંઘવાની ગોળીઓ લઈ હંમેશાં માટે સૂઈ જાઉં. મા-બાપને પણ કેટલી વાર અને શા માટે હેરાન કરવાના?

---------------------

જવાબ

બહેન, સૌથી પહેલા એક વાત. ગાંઠ બાંધી લે કે હંમેશાં માટે સૂઈ જાઉં? જેવો વિચાર કદી પણ કરવાનો નહિ. ‘જાન હૈ તો જહાન હૈ’ અને ‘જાન બચી તો લાખો પાયે’નાં ન્યાયે તમારે આપઘાત-મૃત્યુનો વિચારમાત્ર મગજમાં ફરકવા નહિ દેવાનો. જીવનમાં હમણાં છે તેના કરતાં વધુ વિકટ પરિસ્થિતિઓ પણ આવવાની અને જતી રહેવાની બહેન, તેના માટે કેવી રીતે તેનો સામનો કરી જીવવું તે જ વિચારવાનું હંમેશાં. બીજી વાત તને ખાસ કહીશ કે તારા ઘરમાં ચાલતા પારિવારિક રાજકારણનો, તારા જીવનની તકલીફોનો ગુસ્સો તારી માત્ર પાંચ જ વર્ષની માસૂમ દીકરી ઉપર ઉતારવાની વાત પણ ખૂબ જ અયોગ્ય લાગી મને. દેરાણી-જેઠાણી વચ્ચે થતી તૂં-તૂં-મેં-મેં તેમની વચ્ચે જ સમેટાઈ જવી જોઈએ. નાની નિર્દોષ બાળકીને શા માટે સાધન બનાવે છે ગુસ્સો ઠાલવવાનું? તેને તો માત્ર તારો જ સહારો છે. દુનિયામાં અને સમજણ સુધ્ધાં નથી કે પોતે શા વાંકે દંડાઈ રહી છે? પ્લીઝ તેને પ્રેમથી રાખ. તારા મનનો ગુસ્સો જે-તે પરિસ્થિતિ અનુલક્ષમાં રાખી તારા જેઠાણી-સાસુ-પતિ સાથે ચર્ચાવિચારણા કરી બહાર ઠાલવી દેવાનો. તારા પતિની આવક ઓછી છે તેમાં તારો કાંઈ વાંક નથી. આખો દિવસ ઘરનાં કામ અને ઑફિસકામથી તું કંટાળી જતી હોઈશ તે શક્ય છે, તું તારા પતિ સાથે વાત કર કે તારાથી આ બેવડો ભાર વહન કરવું શક્ય નથી. તને તારી દીકરી વિશે આવતી ફરિયાદોની ચિંતા હોય તો તેને દિવસ દરમ્યાન આજુબાજુ કોઈ ક્રેચ/બાળગૃહ હોય જ્યાં નાના ભૂલકા સાચવતા હોય ત્યાં મૂકી ઑફિસ જવાનું રાખ.

હવે અંતિમ પણ અત્યંત અગત્યની વાત. મા-બાપને ગમે ત્યારે, ગમે તે વિષય-ચિંતા વિશે ગમે તેટલી વાર વાત થાય, થાય ને થાય જ. તેમને કદી અવગણતી નહીં અને તેમની પાસે પેટ ખોલતાં ક્યારેય ગભરાતી કે સંકોચાતી નહિ. તારી મુસીબત તેમના માટે ક્યારેય હેરાનગતિ નીવડે એમ સમજીને છુપાવીશ નહીં. તેઓ તને માર્ગ બતાવશે કે શું-શું કરી શકાય જે તે સ્થિતિમાં. કેમ કે તેમણે જીવનનાં લીલા-સૂકા દિવસો વધુ જોયા છે. મન શાંત રાખી મક્કમપણે બોલ. દીકરીને પ્રેમ કર અને જીવનની અડચણો પાર કરી જીવનનું મનોબળ કેળવ. અસ્તુ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

vO8757m2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com