3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભગવાન તથાગત પધારી રહ્યા છે...

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્યનામ : આમ્રપાલી

સ્થળ : વૈશાલી (લિચ્છવી નગર)

સમય : ઈ.સ. પૂર્વે ૫૦૦-૬૦૦

ઉંમર : આશરે ૩૦ વર્ષ (મળતી વિગતો અનુસાર જ્યારે દીક્ષા લીધી ત્યારે)

(ગયા અંકથી ચાલુ)

શુંંસ્ત્રી ફક્ત શરીર હોય છે ? એના મન વિશે, હૃદય વિશે, બુદ્ધિ વિશે કોઈને કંઈ સમજવામાં રસ નથી હોતો ? એક સૌંદર્યવાન, ગુણવાન, કલાકુશળ સ્ત્રીએ શું પોતાની જાતને બજારમાં મૂકવી જરૂરી છે? આવા પ્રશ્ર્નો મને રોજ થતાં, જેના ઉત્તર નહોતા, મારી પાસે તો નહીં જ ! મનુદેવ લિચ્છવી ગણરાજ્યના અધિષ્ઠાતા હતા, એમણે જે ઈચ્છ્યું અને માગ્યું એ સિવાય અહીં કશું જ થઈ શકે એમ નહોતું. ભલે આ ગણરાજ્ય કહેવાય, પરંતુ અહીંના સહુ મનુદેવની ઇચ્છા અને મરજી મુજબ જ મતદાન કરતા. શલાકાઓ તો દેખાવની, બાકી તો મનુદેવનો મત જ અંતિમ સત્ય...

જો એમ ન હોત તો વૈશાલીમાં મને નગરવધૂ તરીકે કોઈ શા માટે પ્રસ્થાપિત કરે ? હું તો પુષ્પકુમારને પ્રેમ કરતી હતી. એની સાથે લગ્ન કરીને એક પત્ની તરીકે, એક માતા તરીકે મારે સમર્પિત જીવન જીવવું હતું, પરંતુ મને તો વૈશાલી જાનપદ કલ્યાણી બનાવીને નગરવધૂ તરીકે પ્રસ્થાપિત કરી દીધી... હવે જે પચાસ કાશાપર્ણનું મૂલ્ય ચૂકવી શકે એ મને પામી શકે...

મારા સૌંદર્યની ચર્ચાએ લિચ્છવી ગણરાજ્યને પ્રખ્યાત બનાવી દીધું. એટલું બધું પ્રખ્યાત કે મગધના રાજા બિંબિસારે મને પામવા માટે વૈશાલી પર આક્રમણ કરી દીધું. અનેક સૈનિકોના મૃત્યુ થયા, અનેક ીઓ વિધવા થઈ, અનેક બાળકો અનાથ થયાં. વૈશાલી ગણરાજ્ય હતું. અહીં સહુ સૈનિક હતા. સ્ત્રીઓ પણ યુદ્ધમાં ઉતરી અને બિંબિસારે અંતે મારા જ મહાલયમાં આશ્રય શોધ્યો. આશ્ર્ચર્યની વાત એ છે કે એને જાણ નહોતી કે આ મારો મહાલય છે...

બિંબિસારે જ્યારે પહેલી વાર મને જોઈ ત્યારે એની બુદ્ધિ ભ્રમમાં પડી ગઈ. એણે આ પૃથ્વી પર આવી સૌંદર્યવતી સ્ત્રી જોઈ જ નહોતી. ક્ષણભર માટે એ હતપ્રભ થઈ ગયો. અવાક્. એ મને જોતો જ રહ્યો. કેટલીયે વાર સુધી જાણે પાષાણનો બનેલ હોય એમ સ્તબ્ધ થઈ ગયો એ. પછી બિંબિસારે મારા સૌંદર્ય વિશે એક કવિતા રચી. એ પોતે જ સારા સંગીતકાર હતા. એમણે મને એ ગાઈ સંભળાવી. હું એમના અવાજ પર, એમની કવિતા ઉપર અને અંતે એમના ઉપર મુગ્ધ થઈ ગઈ. એક રાક્ષસ જે લિચ્છવી ગણરાજ્યને છિન્ન-વિછિન્ન કરવા ધસી આવ્યો હતો એ મારા પ્રેમના પાશમાં બંધાઈને સાવ નિ:સહાય થઈ ગયો. સંગીત, કલા અને પ્રેમની આ મદિરામાં અમે બંને ડૂબી ગયા. એનું નગર, મગધ એની પ્રતીક્ષા કરી રહ્યું હતું. લિચ્છવી ગણરાજ્ય પર વિજય કરવા નીકળેલો આ મહાન રાજવી સ્વયં હારીને મારો કેદી બનીને રહ્યો. વીતતા સમય સાથે મગધથી સંદેશાઓ આવતા હતા, પરંતુ બિંબિસાર તો એમ જીવતા હતા જાણે મગધ સાથે હવે એમને કોઈ સંબંધ જ ન રહ્યો હોય! એમની રાણીઓ, એમના સંતાનો સહુ એક પછી એક એમને મગધ પરત લાવવા માટે પ્રયાસ કરી રહ્યાં હતાં, અહીં બાંધવા માટે મેં કોઈ પ્રયાસ કર્યો નહોતો, તેમ છતાં બિંબિસાર હવે અહીંથી જવા માગતા નહોતા.

એવામાં મનુદેવે એમને સંદેશો પાઠવ્યો, ‘એક જીતેલો રાજા આમ કેટલો સમય સુધી અહીં રહેવા માગે છે ?’ બિંબિસારને ભાન થયું. જીત્યા પછી એમણે મગધ પાછા જવું જોઈતું હતું. એ વૈશાલીમાં રોકાઈ ગયા એથી એમની મહાનતા અને શૌર્ય વિશે ચર્ચા થવા લાગી. જીતેલો રાજા ક્યારેય એ નગરમાં આમ રોકાઈ ન જાય, બલ્કે લૂંટ કરીને પોતાના વિજયની પ્રસિદ્ધિ આખા આર્યાવ્રતમાં ફેલાવે. હવે બિંબિસારને સમજાયું કે જીત્યા પછી વૈશાલી રોકાવાનો એમનો નિર્ણય એમની પ્રતિષ્ઠા અને એમના વિજય બંને માટે ખોટો હતો. એમણે મગધ પાછા જવાનો નિર્ણય કર્યો ત્યારે હું એમના સંતાનની મા બનવાની હતી. ગુનો તો મારો પણ હતો... નગરવધૂ ક્યારેય ગર્ભવતી ન થઈ શકે. સંતાનને જન્મ ન આપી શકે. એણે તો નગરના ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત પુરુષો માટે સતત ઉપલબ્ધ રહેવાનું ! હું એમ ન કરી શકી.

મનુદેવ જાણતા હતા કે હવે આ મહેણાં પછી બિંબિસાર એક પળ માટે પણ વૈશાલીમાં નહીં રોકાય. બિંબિસાર પોતાના રાજ્ય મગધમાં પાછા ચાલી ગયા, પરંતુ મારા પ્રેમને ખાતર એમણે યુદ્ધને છોડીને વૈશાલીને પોતાના રાજ્યમાંથી મુક્ત કર્યું. નવાઈની વાત એ છે કે આ એમણે મારા સ્નેહને ખાતર કર્યું, મારી વિનંતીને સન્માન આપીને ! પરંતુ વૈશાલીના ક્ષત્રિયોએ આ વાતને એમની કાયરતા તરીકે, એમની નબળાઈ તરીકે જોઈ. માણસને જે જોવું હોય છે એ જ જુએ છે. સ્નેહમાં ત્યાગ, સમર્પણ, બલિદાન જેવા શબ્દો વ્યક્તિને મહાન બનાવે છે, નહીં કે કાયર ! આ એ જ બિંબિસાર છે જેણે વૈશાલીને લૂંટીને, મહાલયો સળગાવીને, સ્ત્રીઓના શીલભંગ કરીને વૈશાલીના અસ્તિત્વને મિટાવી દીધું હોત, એને બદલે એણે મારા પ્રિય નગરને જરાક પણ નુક્સાન કર્યા વગર ચૂપચાપ એ નગર છોડી દીધું, વિજેતા હોવા છતાં... આ સ્નેહની મહાનતા હતી, પરંતુ વૈશાલીને કદી સમજાઈ નહીં !

એ પછીના સમયમાં મેં બિંબિસારના દીકરા વિમલ કોન્ડાનાને જન્મ આપ્યો. વિમલના જન્મ પછી મારે જાનપદ કલ્યાણીનું પદ છોડવું હતું, પરંતુ મનુદેવે એમ કરવા દીધું નહીં. બિંબિસાર પોતાને નગર પહોંચ્યા કે જાણે મને ભૂલી જ ગયા. જેનું નામ બિંબિસારે અજાતશત્રુ પાડ્યું હતું એ પોતાના જ પિતાનો શત્રુ બની ગયો. હવે રાજા થયેલો અજાતશત્રુ, જે બિંબિસારની રાણી ચેલનાનો પુત્ર હતો અથવા તો રાણી કોસલાદેવીનો દીકરો હતો, એણે ફરી એક વાર વૈશાલી પર આક્રમણ કરવાનું નક્કી કર્યું. એને ભય હતો કે મારો પુત્ર વિમલ પોતાનો અધિકાર માગવા માટે મગધ પહોંચશે. એને ક્યાં જાણ હતી કે નગરવધૂના પુત્રને કોઈ અધિકાર હોતા જ નથી, ને આ વાત મેં મારા પુત્રને બરાબર સમજાવી હતી. અજાતશત્રુ અપ્રિય બની ગયો હતો. એની જીવનશૈલી અને રાજ્ય વ્યવસ્થાની અણઆવડતને કારણે મગધનો ખજાનો ખાલી થઈ ગયો હતો. યુદ્ધમાં સતત અટવાયેલા રહેતા અજાતશત્રુ માટે રાજ્યનો વિસ્તાર મહત્ત્વનો હતો. પ્રજા માટે કશું કરવાનો વિચાર પણ નહોતો આવતો અને સમય પણ નહોતો રહેતો. બીજી તરફ મેં શરીર વેચીને ભેગી કરેલી લખલૂંટ સંપત્તિ મગધના ખજાના કરતા પણ વધુ હતી જેનો ઉપયોગ વિમલ એની નાની ઉંમરમાં જ જનકલ્યાણ અને પ્રજાના શ્રેષ્ઠ જીવન માટે કરી રહ્યો હતો.

સમયને વીતતા ક્યાં વાર લાગે છે ? જે અપૂર્વ સૌંદર્ય માટે મને ઘસડીને બજારમાં લઈ આવવામાં આવી એ સૌંદર્ય હવે વિલીન થવા લાગ્યું. હવે જાનપદ કલ્યાણીનું પદ અન્ય સ્ત્રીને આપવામાં આવ્યું. હવે એ નગરવધૂ હતી. આમ્રપાલી નામની એ સ્ત્રી જેને જોવા માટે, પામવા માટે હજારો કાશાપર્ણ ખર્ચીને દૂર દૂરથી વૈશ્યો, ક્ષત્રિયો, ક્યારેક બ્રાહ્મણો પણ આવતા હતા એ આમ્રપાલી હવે વૈશાલીનો ઈતિહાસ બની ગઈ.

બરાબર એ જ સમયે મને જાણ થઈ કે ભગવાન તથાગત વૈશાલી પધારી રહ્યા છે... મારે માટે આ જીવન સુધારી લેવાનો અવસર હતો. ૧૭ વર્ષની ઉંમરે મને જન્મેલું સંતાન હવે પોતાની દિશામાં જીવી રહ્યું હતું. હું હવે નગરવધૂ નહોતી. મારા આમ્રકુંજમાં ભગવાન તથાગત નિવાસ કરે એવી વિનંતી લઈને જ્યારે મારો સંદેશવાહક એમની પાસે પહોંચ્યો ત્યારે એમના ભિક્ષુઓ અને એમનામાં શ્રદ્ધા ધરાવતા અનેક શ્રેષ્ઠીઓએ એ વાતનો વિરોધ કર્યો. એક નગરવધૂના વિહારમાં ભગવાન તથાગત કેવી રીતે નિવાસ કરી શકે ? મને જેણે નગરવધૂ બનાવી, જેણે મારો ઉપભોગ કર્યો, જેણે મને મલિન કરી એ જ હવે મારા ચારિત્ર્યને દોષ દઈ રહ્યા હતા ! વિધિની વક્રતા એ છે કે એમના પર કોઈ લાંછન નહોતું પરંતુ, હું હવે એક કુલટા, મલિન, ચારિત્ર્યહીન, લગ્ન વગર સંતાનને જન્મ આપનાર એવી સ્ત્રી હતી જેને ભગવાન તથાગતને મળવાનો પણ અધિકાર નહોતો. સહુના વિરોધની સામે ભગવાન તથાગતે મારું આમંત્રણ સ્વીકાર્યું. એમણે મારા આમ્રકુંજમાં નિવાસ કરવાનું નક્કી કર્યું એટલું જ નહીં જેને પણ એમનું પ્રવચન સાંભળવું હોય એમણે ત્યાં જ આવીને સાંભળવું પડે એવો નિર્દેશ કર્યો. મારા રોમરોમ હર્ષિત થઈ ગયા. જેણે સર્વને સ્વીકાર્યા છે એને માટે મલિનતાનું અસ્તિત્વ જ ક્યાં હોય !

હું એમને મળવા નીકળી. મારા સુવર્ણરથમાં બેસીને, મારા ઉત્તમ શણગાર સજીને, મારી પાસે જે હતું તે બધું પાછળ રથોમાં લાદીને, ભદંતના ચરણોમાં સર્વસ્વ સમર્પિત કરી દેવાની મનોકામના હૃદયમાં લઈને, મારા પ્રાસાદમાંથી નીકળી ત્યારે મેં જોયું, એ દિશામાં અનેક રથ જઈ રહ્યા હતા. નગરના શ્રેષ્ઠીઓના, સેનાપતિઓના, અનેક વીર ક્ષત્રિય નાયકોના અને સ્વયં મનુદેવનો રથ પણ એ જ દિશામાં હતો.

મને લાગ્યું કે ભગવાન તથાગત મને મળવાની ના કહી દેશે, પરંતુ એ સામે ચાલીને મારા આમ્રકુંજના દરવાજે મને આવકારવા આવ્યા. આજે મારા પ્રાસાદ પર એ ભોજન કરવા પધારવાના છે. વૈશાલીના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નિમંત્રણને નકારીને એમણે મારા પ્રાસાદની ભીક્ષા ગ્રહણ કરવાનું નક્કી કર્યું છે. હું કહી નથી શક્તી કે હું કેટલી ૠણી છું. આજે મારો પ્રાસાદ સજાવી રહી છું. સ્વયં ભગવાન તથાગત એમના ચરણની ધૂલિથી મારા આ મહાલયને પવિત્ર કરશે...

હું પ્રતીક્ષિત છું, ચિર પ્રતીક્ષિત ! (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

87i27223
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com